કઠપૂતળી : પાર્શ્વ દોરીસંચારથી હલનચલન કરતાં માનવ કે પ્રાણી-પાત્રોના કથાપ્રસંગોની મનોરંજનલક્ષી રજૂઆત. સામાન્ય રીતે લાકડાં, ચીંથરાં અથવા કાગળના માવામાંથી પૂતળાં બનાવવામાં આવે છે. દરેક યુગમાં વિશ્વના જુદા જુદા દેશોમાં કઠપૂતળી સમ્રાટો, રાજાઓ, ઉમરાવો, ધનિકો તથા સામાન્ય લોકોનું મનોરંજન કરતી આવી છે.

પ્રાચીન કાળમાં જ્યારે આ કળા પ્રાથમિક અવસ્થામાં હતી, ત્યારે તેનો ઉપયોગ માણસને વળગેલા ભૂતપ્રેતને ભગાડી મૂકવા માટે, તેના માનસિક રોગોને દૂર કરવા માટે અથવા તો તેણે કરેલાં કુકર્મને કારણે તેને ડરાવવા માટે કરવામાં આવતો. ભારતમાં હજીયે ભૂવાઓમાં તેનો અંશ સચવાયો છે. માત્ર મનોરંજન માટે નહિ, પરંતુ લોકશિક્ષણના માધ્યમ તરીકે તેનો ઉપયોગ થતો રહ્યો છે. જ્યારે કઠપૂતળીઓ જર્જરિત થઈ જાય, ત્યારે ફેંકી દેવાને બદલે તેની દબદબા સાથે અંતિમ ક્રિયા કરવામાં આવતી.

તેના ઉદભવ અંગે જુદા જુદા દેશોમાં અનેક લોકવાયકા છે; દા.ત., ભારતમાં તેનો ઉદગમ શિવ અને પાર્વતીના નામ સાથે સાંકળવામાં આવેલ છે. કોઈ સુથારે બનાવેલી પૂતળીઓથી પ્રભાવિત થઈને પાર્વતીએ તેનામાં પોતાના પ્રાણ મૂકવાની દરખાસ્ત શિવ સમક્ષ કરી. શિવે તેનો સ્વીકાર કર્યો તેની સાથે જ તે કઠપૂતળીઓ સુંદર નૃત્ય કરવા લાગી. થોડીક વાર નૃત્યનો આનંદ લીધા પછી પાર્વતી જવા લાગ્યાં, ત્યારે પેલા સુથારે પૂતળીઓના પ્રાણ પાછા ન ખેંચી લેવાની પાર્વતીને અરજ કરી. પાર્વતીએ કહ્યું કે જે પૂતળીઓ તેં બનાવી છે, તેમાં પ્રાણ પૂરવાની શક્તિ તારામાં જ હોવી જોઈએ. પછી શિવ-પાર્વતીએ વિદાય લીધી. અસ્વસ્થ થયેલા સુથારને પૂતળીઓને સૂત્રથી બાંધીને તેમને નચાવવાનું સ્વપ્ન આવ્યું.

દરેક વસ્તુ માટે દુનિયામાં બનતું આવે છે, તેમ કઠપૂતળીની કળામાં પણ ભરતી ને ઓટ આવ્યાં છે, છતાં તેના પ્રત્યેનું લોકોનું આકર્ષણ ઘટવાને બદલે ફરી ફરીને જાગ્રત થયું છે; સાંપ્રતકાળમાં તે કળા પ્રત્યેની જાગૃતિ ફ્રાન્સમાં એક નાનકડી હોટેલમાં થઈ હતી. આમાંથી 1929માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિયન ઇન્ટરનૅશનલ દ લા મૅરિયોનેટ ઊભી થઈ. તેને ઉપક્રમે જગતના બીજા દેશોના કઠપૂતળીકલાકારો આ કળાને પુનર્જીવિત કરવા માટે એક મંચ પર ભેગા થયા. 1957માં પ્રાગ ખાતે આ સંગઠનનું પુનર્ગઠન કરવામાં આવ્યું. 60 જેટલા દેશો તથા સેંકડો વ્યક્તિગત કલાકારો તેની સાથે સંકળાયેલા છે. આ કળા વિશ્વના લોકોમાં સ્નેહ, ભાઈચારો તથા શાંતિ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે, એટલું જ નહિ પણ આ સંસ્થા કઠપૂતળીની કળાને નાટ્યની કક્ષામાં મૂકવા માગે છે તથા તેનાં અંતર્હિત મૂલ્યોનો શિક્ષણ, લોકસંપર્ક, પ્રચાર-માધ્યમ અને ઉપચાર પદ્ધતિ (occupational therapy) તરીકે ઉપયોગ કરવા પર ભાર મૂકે છે.

અમેરિકા, પૂર્વ યુરોપના દેશો, ચીન, જાપાન, ઇન્ડોનેશિયા વગેરે દક્ષિણ-પૂર્વના દેશોમાં આ કળાનો જુદે જુદે સ્વરૂપે વિકાસ થયો છે. ભારતમાં પણ આ લોકકળાનું મહત્વ તથા તેની ઉપયોગિતા સમજાયાં છે. ભારતની ગ્રામીણ પ્રજા સાથે સંપર્ક સાધીને તેમને મનોરંજન સાથે શિક્ષણ આપવા માટે દૂરદર્શન જેવાં માધ્યમો તેનો બહોળો ઉપયોગ કરે છે, કારણ કે તે મનુષ્યના હૃદયને સહેલાઈથી અને અસરકારક રીતે સ્પર્શી જાય છે. સદીઓથી ઘણા સાહિત્યકારો, સંગીતકારો વગેરેએ આ કળાને સમૃદ્ધ કરવામાં યોગદાન આપ્યું છે.

કઠપૂતળીઓ સામાન્ય રીતે ચાર પ્રકારની હોય છે : (1) ‘ગ્લવ પપેટ’. તેનો ખેલ હાથમાં તે પપેટ પહેરીને આંગળીઓની મદદથી દર્શાવાય છે. પપેટ ચલાવનાર પોતાની આંગળીઓથી પૂતળીઓનું માથું તથા તેના હાથ હલાવતો હોય છે (ભારતમાં આ પ્રકાર વધુ પ્રચલિત છે). (2) બીજા પ્રકારની કઠપૂતળીઓ દોરી દ્વારા નચાવાય છે. એમાં કઠપૂતળીઓને નચાવવાવાળા રંગમંચની ઉપર, પ્રેક્ષકોને ન દેખાય તે રીતે બેઠેલા હોય છે. કઠપૂતળીઓમાં અનેક દોરી હોય છે જેની દ્વારા તેમનાં માથાં, હાથ, પગ વગેરે હલાવવામાં આવે છે. (3) જાપાનની કઠપૂતળીઓ  બુનરાકુ, તે લગભગ માણસના કદ જેવડી હોય છે અને માણસના જેવી ક્રિયાઓ આબેહૂબ કરે છે. (4) છાયાપૂતળી (shadow puppet). આ પૂતળીઓનું પડદા પાછળથી સંચાલન થાય છે અને પાછળથી પડતા પ્રકાશને કારણે માત્ર તેની છાયા જ દેખાય છે. એક પ્રકાર એવો પણ છે કે જેમાં વાંસ કે લાકડાની સળીઓ ઉપર તેનાં જુદાં જુદાં અંગો ભરાવેલાં હોય. તેનું હલનચલન સંકલિત રીતે અભિનયના રૂપમાં રજૂ કરવામાં આવે છે.

કઠપૂતળીઓનાં અંગવિન્યાસ, હાવભાવ, કથોપકથન ઇત્યાદિ પ્રગટ કરવા માટે પૃષ્ઠભૂમિમાં રહીને સૂત્રધાર દોરીઓ અથવા સળીઓ દ્વારા તેનું સંચાલન કરે છે. પૂતળીઓનાં પરસ્પર સ્નેહ, વાદવિવાદ, સંઘર્ષ વગેરે સૂત્રધાર જ પોતાના અવાજથી વ્યક્ત કરે છે. જ્યાં પૂતળીઓના બે પક્ષો માટે જુદા જુદા સૂત્રધાર નથી હોતા, ત્યાં એક જ વ્યક્તિ પોતાનો અવાજ બદલીને બીજા પક્ષની રજૂઆત કરે છે.

કદાચ ભારતીય કઠપૂતળીઓનો ઇતિહાસ અન્ય દેશોની સરખામણીમાં ઘણો પ્રાચીન છે. આંતરરાષ્ટ્રીય કઠપૂતળી સ્પર્ધા(International Puppet Show Competition)માં અમદાવાદની ‘દર્પણ’ સંસ્થા ભાગ લે છે.

મહેર કૉન્ટ્રાકટર