ઓખા : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના વાયવ્ય છેડા પર આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : 220 28′ ઉ. અ. અને 690 05′ પૂ. રે.. ભૂમિમાર્ગે તે દ્વારકાથી 32 કિમી., મીઠાપુરથી 11 કિમી. અને જામનગરથી 161 કિમી.ના અંતરે તથા જળમાર્ગે તે મુંબઈથી 323 નૉટિકલ માઈલના અંતરે આવેલું છે. ભારતનાં પશ્ચિમ કિનારા પરનાં, વિશેષે કરીને ગુજરાતનાં, નાનાં બંદરોમાં ઓખા બંદર એ શ્રેષ્ઠ કુદરતી બંદર છે. કાંપની જમાવટથી આ બંદર મુક્ત રહે છે. ઓખા બંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલું છે. ઓખામંડળનો કુલ વિસ્તાર આશરે 717 ચોકિમી. જેટલો છે.
આબોહવા : આ આખોય પ્રદેશ સૂકી આબોહવા ધરાવતો હોવાથી વનસ્પતિની ર્દષ્ટિએ વેરાન છે. અહીં ઉનાળા અને શિયાળા પ્રમાણમાં ગરમ અને ઠંડા રહે છે. ઉનાળા દરમિયાનનાં દિવસ-રાત્રિનાં સરેરાશ તાપમાન અનુક્રમે 360 સે. અને 250 સે. જેટલાં રહે છે, ક્યારેક મે-જૂનમાં તે 400 સે. સુધી પહોંચે છે. શિયાળા દરમિયાનનાં સરેરાશ તાપમાન અનુક્રમે 260 સે. અને 110 સે. જેટલાં રહે છે. ચોમાસા દરમિયાન આકાશ વાદળછાયું, જ્યારે બાકીની મોસમોમાં તે નિરભ્ર બની રહે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ વર્ષભેદે 300થી 500 મિમી. વચ્ચેનો પડે છે. ઓખામંડળમાં ઓછામાં ઓછો વરસાદ 36 મિમી. નોંધાયેલો છે.
ભૂપૃષ્ઠ–વનસ્પતિ : સમગ્ર ઓખામંડળનું ભૂપૃષ્ઠ રેતાળ-ચૂનેદાર ખડકોથી બનેલું છે. આબોહવાનાં પરિબળો(પવન, વરસાદ વગેરે)ને કારણે ભૂપૃષ્ઠની આકારિકી મોટેભાગે ‘કાર્સ્ટ’ પ્રકારની બની રહેલી છે. વરસાદની ઓછી માત્રા તેમજ ચૂનેદાર-ક્ષારીય ભૂમિને કારણે અહીં કાંટાળી વનસ્પતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. વાવાઝોડાં અને તોફાની ભરતી વખતે આ નીચાણવાળા પ્રદેશમાં દરિયાઈ જળ ફરી વળે છે.
પરિવહન : ઓખા સડકમાર્ગે (કંઠાર ધોરી માર્ગે અને 29 કિમી.ના રાજ્ય ધોરી માર્ગે) તેમજ (બ્રૉડગેજ) રેલમાર્ગે ગુજરાતનાં શહેરો સાથે તેમજ મુંબઈ સાથે જોડાયેલું છે. તે પોરબંદર સાથે રાજ્ય ધોરી માર્ગથી જોડાયેલું છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક આવેલી હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું છે, આ કારણે અહીં તટરક્ષક દળ અને નૌકાદળનાં મથકો સ્થાપવામાં આવેલાં છે. અહીં આવતાં જહાજોના માર્ગદર્શન માટે દીવાદાંડી પણ છે.
લોકવ્યવસાય : નજીકમાં મીઠાપુર ખાતે રસાયણો બનાવવાનું કારખાનું તથા દ્વારકા ખાતે સિમેન્ટ ફૅક્ટરી છે. અહીંથી રોજગારી માટે શ્રમિકોની અવરજવર થતી રહે છે. ઓખામાં બૉક્સાઇટ શુદ્ધીકરણના એકમો પણ કાર્યરત છે. ઓખા મત્સ્યઉદ્યોગ માટે પણ જાણીતું છે. અહીંથી વાર્ષિક આશરે 50,000 ટન માછલીઓ મેળવવામાં આવે છે, તેથી તે મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું છે. ભૂતકાળમાં અહીંથી મૃત ઑઇસ્ટરમાંથી મોતી મેળવવામાં આવતાં હતાં. અહીંના માછીમારો માછલાંને મીઠા પાણીમાં બોળીને દરિયાકિનારે તેમની સુકવણી કરે છે અને તેમનું વેચાણ કરે છે. ખાદ્ય પદાર્થો તરીકે ઉપયોગમાં ન લઈ શકાય એવી માછલીઓનો ખાતર તરીકે ઉપયોગ થાય છે.
આ બંદરેથી મુખ્યત્વે મીઠું, બૉક્સાઇટ, રસાયણ અને સિમેન્ટની નિકાસ થાય છે; જ્યારે અનાજ, બાંધકામ સામગ્રી, ક્રૂડ ઑઇલ, કોલસો, ખાતર અને લોખંડના સામાનની આયાત થાય છે. અહીંની દરિયાઈ લીલ અને શેવાળ ખાતર અને ખાદ્ય પદાર્થમાં વપરાય છે. અહીંની દરિયાઈ સંશોધન-સંસ્થા અને તે માટેનો ‘મરીન પાર્ક’ મહત્ત્વનાં બની રહેલાં છે. બંદર ખાતેથી થતી સરેરાશ આયાત-નિકાસ પાંચ લાખ ટન જેટલી રહી છે. હૂંડિયામણ કમાવાની ર્દષ્ટિએ ગુજરાતમાં તેનું ચોથું-પાંચમું સ્થાન રહે છે.
ઓખામાં એક હૉસ્પિટલ, એક હાઈસ્કૂલ, પ્રાથમિક શાળાઓ અને પુસ્તકાલય આવેલાં છે. ઓખાનો વહીવટ અહીંની નગરપંચાયતને હસ્તક છે. ઓખા મંડળ તાલુકામાં શહેરોની અને ગામડાંની સંખ્યા અનુક્રમે 5 અને 77 જેટલી છે. ઓખા અને ઓખામંડળ તાલુકાની વસ્તી અનુક્રમે 18,847 અને 1,44,240 જેટલી છે (2001).
ઇતિહાસ : પુરાણોમાં મળતા ઉલ્લેખ મુજબ, બાણાસુર અસુરરાજની પુત્રી અને અનિરુદ્ધની પત્ની ઉષાના આગમનને કારણે તેના નામ ‘ઉષા’ પરથી અપભ્રંશ થઈને ‘ઓખા’ નામ પડ્યું હોય એમ જણાય છે. બીજા કેટલાકની માન્યતા મુજબ ઓખા એટલે ઉજ્જડ અને મંડળ એટલે પ્રદેશ એવા અર્થમાં આ વેરાન પ્રદેશને ઓખામંડળ નામ અપાયું હોય. એસ. આર. રાવે અહીંના સમુદ્રતળ પર સંશોધન કરી પ્રાચીન સમયનો કિલ્લો તથા હરપ્પાકાલીન લિપિવાળા અવશેષો શોધી ઓખામંડળની પ્રાચીનતા સિદ્ધ કરી છે.
આ પ્રદેશમાં લડાયક અને ખમીરવંતા વાઘેરો રહેતા હતા. તેઓ કાલા, કાબા અને મોડા નામની પ્રજામાંથી ઊતરી આવેલા હોવાનું કહેવાય છે. વાઘેર લોકોએ 1822 પછી સતત લડત કરીને ગાયકવાડ તેમજ અંગ્રેજ સરકારોને હંફાવેલી. વડોદરા રાજ્યે ઓખામંડળમાં કાયમી લશ્કર પણ રાખેલું. આ અંગેની મૂળુ માણેક અને જોધા માણેકની કથાઓ ઝવેરચંદ મેઘાણીએ લખેલી છે.
આ બંદરનું બાંધકામ 1922-25 દરમિયાન હાથ ધરાયા બાદ 14-2-1926ના રોજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના હસ્તે તે ખુલ્લું મુકાયું હતું. આ બંદર સમિયાણી બેટ અને શંખોદ્ધાર બેટથી રક્ષાયેલું છે, વાવાઝોડાં વખતે વહાણોને તેથી રક્ષણ મળે છે; તેમ છતાં તેને પશ્ચિમ તરફ બ્રેકવૉટર (દરિયાઈ રક્ષક દીવાલ) દ્વારા વધુ સલામત બનાવાયું છે. ઓખા બંદર માટે લંગરગાહ પાસેનું ખુલ્લું બારું (રોડ સ્ટેડ), 121.92 મીટર લાંબો સયાજી ધક્કો, સૂકા માલ માટેની ગોદી અને મુરિંગ સ્થાન – એમ ચાર સ્થાનો વહાણો લાંગરવા માટે છે. આ ઉપરાંત અહીં સૂકી ગોદી, વર્કશૉપ, ગોદામો, બજરા ટગ, ક્રેનો, વાયરલેસ-સ્ટેશન જેવી સુવિધાઓ પણ છે.
મહેશ મ. ત્રિવેદી
શિવપ્રસાદ રાજગોર
નીતિન કોઠારી