ઓખાહરણ : ઉષા-અનિરુદ્ધની પૌરાણિક કથા, જેના પરથી ગુજરાતીમાં પ્રેમાનંદ આદિ કવિએ આખ્યાનો રચ્યાં છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જે કથાઓ લોકપ્રિય હતી, એમાંની એક ઓખા/ઉષાની કથા છે. એ સમયના ઘણા કવિઓએ યથાશક્તિમતિ ઓખાની કથાને રસમય બનાવવાની કોશિશ કરી છે. આ પૌરાણિક કથા હરિવંશપુરાણના વિષ્ણુપર્વના 116થી 128મા અધ્યાયમાં અને શ્રીમદભાગવતના દશમસ્કંધના ઉત્તરાર્ધમાં 62 અને 63મા અધ્યાયમાં મળે છે.

ભાગવતાનુસાર હજાર હાથવાળો, શિવભક્ત બાણાસુર ભગવાન શંકરને પ્રસન્ન કરીને, વરદાન રૂપે પોતાના નગરના રક્ષક તરીકે એમની માગણી કરે છે. પોતાના બાહુબળથી ઘણા રાજાઓને પરાજિત કરનાર આ ગર્વિષ્ઠ રાજા ભગવાન શંકર પાસે પોતાની યુદ્ધેચ્છા જણાવે છે, ત્યારે પ્રભુ એને ચેતવણી આપે છે કે એની ધજા ભાંગશે ત્યારે એનો શત્રુ આવી પહોંચશે. હવે બાણાસુરની પુત્રી ઉષા સ્વપ્નમાં પ્રદ્યુમ્ન-પુત્ર અનિરુદ્ધને મળે છે, પણ અચાનક જાગી ઊઠતાં, અનિરુદ્ધને ન જોતાં વિહ્વળ બની, સખી ચિત્રલેખાને પોતાની વાત જણાવે છે. ચિત્રલેખા અનિરુદ્ધને ઓળખવા માટે વીરપુરુષોનાં ચિત્રો દોરે છે, ત્યારે અનિરુદ્ધનું ચિત્ર જોઈને ઉષા લજ્જિત બની, સ્મિત કરે છે. યોગવિદ્યાની જાણકાર ચિત્રલેખા અનિરુદ્ધને ઉષા પાસે લઈ આવે છે અને બંને આનંદપૂર્વક સહજીવન ગાળે છે. સમય જતાં ઉષાની સ્ત્રી-અવસ્થાસૂચક લક્ષણો અંગે જાણતાં બાણાસુર ઉષાના મહેલમાં તપાસ કરે છે, ત્યારે અનિરુદ્ધને જોઈને એને યુદ્ધ માટે પડકારે છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે, શૂરવીર અનિરુદ્ધ બાણાસુરના સૈન્યને સંહારે છે. અનિરુદ્ધની મદદે શ્રીકૃષ્ણ અને બાણની મદદે શિવજી આવે છે. એમની વચ્ચે યુદ્ધ થાય છે. છેવટે શ્રીકૃષ્ણ બાણાસુરનો વધ ન કરતાં એના ચાર હાથ બાકી રાખીને, બાકીના હાથ કાપી નાંખી, એનો ગર્વ ખંડિત કરે છે. અંતે અનિરુદ્ધ-ઉષાનો વિવાહ થતાં શ્રીકૃષ્ણ એમને લઈને દ્વારિકા જાય છે.

હરિવંશપુરાણમાં આવતી ઓખાકથામાં પણ આમાંના કેટલાક પ્રસંગોનું વિગતે આલેખન થયું છે. એમાં ઉષા અને અનિરુદ્ધ બંનેને સ્વપ્ન આવ્યું હોવાનો નિર્દેશ છે.

મધ્યકાળમાં વીરસિંહ (નરસિંહ મહેતાનો ઉત્તર સમકાલીન), જનાર્દન ત્રવાડી (ઈ. સ. 1492), (હીરાસુત) કહાન (16મા શતકનો ઉત્તરાર્ધ), નાકર (ઈ. સ. 1516-1568), વિષ્ણુદાસ (ઈ. સ. 1568-1612), નરસિંહ નવલ (પ્રેમાનંદનો પુરોગામી), પ્રેમાનંદ (ઈ. સ. 1649-1714), માધવદાસ (ઈ. સ. 1649માં હયાત), વીરજી (ઈ. સ. 1686માં હયાત) અને દયારામ (ઈ. સ. 1777-1853) જેવા કવિઓએ પોતાની સર્જનશક્તિ અનુસાર ઓખા/ઉષાની મૂળ કથામાં ઓછાવત્તા ફેરફારો કરીને કાવ્યસર્જન કર્યું છે. આ સૌમાં પ્રેમાનંદ એની આગવી સર્જકપ્રતિભાથી ઓખાની કથાને આખ્યાનસ્વરૂપમાં આલેખવામાં સવિશેષ સફળ રહ્યો છે.

વીરસિંહના ‘ઉષાહરણ’માં ક્યાંક ક્યાંક કવિત્વના ચમકારા જણાય છે. જનાર્દનના ‘ઉષાહરણ’નું કાવ્યત્વ સામાન્ય છે, પણ એમાં દેશીબંધ, રાગોનું વૈવિધ્ય નોંધપાત્ર છે. કહાનનું ‘ઓખાહરણ’ ઠીક ઠીક રસવત્તા ધરાવતું કાવ્ય છે. વિસ્તૃત ‘ઓખાહરણ’માં કવિ નાકર રસબિંદુઓની સુંદર ખિલવણી કરે છે. નાકરનો બાણાસુર પુત્રીના વિવાહપ્રસંગે પોતાના હાથ કપાવાની વાત જાણતાં જ પુત્રીને નહીં પરણાવવાની પ્રતિજ્ઞા કરવા તૈયાર થઈ જાય છે ! વળી ઓખાના મહેલમાં અનિરુદ્ધની ઉપસ્થિતિનું નાકરે કરેલું નિરૂપણ ખૂબ કાવ્યમય છે. ઓખાના મહેલની નીચે પડેલા તાંબુલથી કવિ નાકરે ત્યાં ઉપસ્થિત સેવકોને મહેલમાં પુરુષ આવ્યાની જાણ થતી બતાવી છે. પ્રેમાનંદ પુરોગામીઓની ઓખાકથામાંથી કંઈક લઈને, કંઈક નવું ઉમેરીને કથારસને બહેલાવે છે અને કાવ્યને રસપૂર્ણ બનાવે છે. પુત્રીના વડસસરા તારા હજાર હાથ હણી નાંખશે એવી શિવજીની ચીમકી બાદ, પુત્રી ઓખા દેવી પાર્વતી પાસેથી પતિ બાબતે વરદાન પામ્યાનું જાણીને બાણાસુરને પુત્રીહત્યાનો વિચાર આવે છે – એવી બાબત કેવળ પ્રેમાનંદ જ આલેખે છે. તે આ અસુરની ક્રૂરતાને ઘેરા રંગે ચીતરે છે. ઓખાને પાર્વતીએ આપેલાં ત્રણ વરદાનની આખી વાતનું પ્રેમાનંદનું નિરૂપણ એની સુંદર, ચમત્કૃતિયુક્ત કલ્પનાશક્તિ દર્શાવે છે. વળી સ્વપ્નમાં પતિમિલનનું સુખ અનુભવતી ઓખા પાનની બીડી બાબતે પતિ રિસાઈને ચાલ્યો જતાં સ્વપ્નમાંથી બાવરી બનીને જાગે છે એ પ્રસંગનું પ્રેમાનંદ રસિક, કાવ્યાત્મક નિરૂપણ કરે છે. વળી ક્યાંક પાત્રોના-સ્થળના ગુજરાતીકરણ દ્વારા પ્રેમાનંદ ગુજરાતી શ્રોતા-વાચકોના દિલને બહેલાવે છે. એની આ આરંભકાલીન કૃતિમાં ઠેર ઠેર એની કવિપ્રતિભાના ચમકારા જોઈ શકાય છે.

આરતી ત્રિવેદી