ઑક્સો-પ્રવિધિ (Oxo process) : ઑલિફિન (olefin) હાઇડ્રૉકાર્બનમાંથી આલ્ડિહાઇડ, આલ્કોહૉલ અને અન્ય ઑક્સિજનકૃત (oxygenated) કાર્બનિક સંયોજનોના ઉત્પાદન માટેની એક વિધિ. આમાં ઑલિફિન હાઇડ્રૉકાર્બન(આલ્કિન)ની બાષ્પને કાર્બન મૉનૉક્સાઇડ અને હાઇડ્રોજનની હાજરીમાં કોબાલ્ટ ઉદ્દીપકો પરથી પસાર કરવામાં આવે છે. આ પ્રવિધિ દ્વિતીય વિશ્વયુદ્ધના અરસામાં (1938માં) રોલેન (Roelen) દ્વારા જર્મનીમાં શોધાઈ હતી અને સંક્રમણ (transition) ધાતુ-સંકીર્ણ દ્વારા થતા ઉદ્દીપનનો આ પ્રથમ ઔદ્યોગિક ઉપયોગ હતો. આ પ્રવિધિમાં સૌપ્રથમ જે પ્રક્રિયાનો અભ્યાસ થયેલો તેમાં ઇથિલીન વપરાયેલો અને તેમાંથી આલ્ડિહાઇડ અને કિટૉન મળેલાં. આથી આ પ્રક્રિયાને કીટૉનીકરણ (ketonization) માટેના જર્મન શબ્દ oxierung પરથી ઑક્સો-પ્રવિધિ તરીકે ઓળખવામાં આવે છે.

આલ્કોહૉલના ઉત્પાદન માટેની ઑક્સો-પ્રવિધિમાં ઑલિફિનનું આલ્ડિહાઇડમાં રૂપાંતર એ પ્રથમ તબક્કો છે, જ્યારે આલ્ડિહાઇડનું હાઇડ્રોજનીકરણ દ્વારા આલ્કોહૉલમાં રૂપાંતર એ બીજો તબક્કો છે. પ્રથમ તબક્કામાં કાર્બન મૉનૉક્સાઇડ, હાઇડ્રોજન અને ઑલિફિનમાંથી ઑલિફિન કરતાં એક વધુ કાર્બન પરમાણુ ધરાવતો આલ્ડિહાઇડ બને છે. આ રૂપાંતરમાં કાર્બન-કાર્બન દ્વિબંધ (− C = C −) આગળ એક ફૉર્માઇલ સમૂહ અને એક હાઇડ્રોજન-પરમાણુ ઉમેરાય છે. આથી આ વિધિ હાઇડ્રૉફૉર્માઇલેશન તરીકે ઓળખાય છે :

આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક (exothermic) છે. બે આલ્ડિહાઇડને વિભાગીય નિસ્યંદન (fractional distillation) દ્વારા અલગ પાડવામાં આવે છે.

આલ્ડિહાઇડનું ઉદ્દીપનીય અપચયન કરવાથી પ્રાથમિક (primary) આલ્કોહૉલ મળે છે. જોકે ઑક્સો-પ્રવિધિ એવી રીતે કરવામાં આવે છે કે આ અપચયન-વિધિ જેમ જેમ આલ્ડિહાઇડ બનતો જાય તેમ તેમ થતી જાય છે.

ઑક્ટાકાર્બોનિલડાઇકોબાલ્ટ [Co2(CO)8] – એ પ્રશિષ્ટ ઉદ્દીપક છે. કોબાલ્ટ અને કાર્બન મૉનૉક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી તે બનાવાય છે.

       2Co + 8CO → Co2(CO)8

સૌપ્રથમ ઑક્ટાકાર્બોનિલડાઇકોબાલ્ટ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડો સંકીર્ણ, હાઇડ્રાઇડ્રોટેટ્રાકાર્બોનિલકોબાલ્ટ બનાવતો હોવાનું માનવામાં આવે છે :

        Co2(CO)8 + H2 → 2CoH(CO)4

        આ સંકીર્ણ હાઇડ્રૉકાર્બનોમાં દ્રાવ્ય છે.

તે પછી આલ્કિન દ્વારા આ p-સંકીર્ણમાંના કાર્બન મોનૉક્સાઇડના એક અણુનું વિસ્થાપન થાય છે. આ પછી કેટલીક તબક્કાવાર પ્રક્રિયાઓ થઈ આલ્ડિહાઇડ બને છે.

જૂની ઊંચા દબાણવાળી પ્રવિધિમાં કોબાલ્ટ કાર્બોનિલ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવતા હતા. હવે તેને બદલે ર્હોડિયમ સંકીર્ણો પર આધારિત નીચા-દબાણની પ્રવિધિ ઉપયોગમાં લેવાય છે, જેમાં તાપમાન 1000 સે. અને દબાણ 200 psi જેટલું હોય છે.

ઑક્સો-રસાયણો(oxo-chemicals)માં બ્યુટારાલ્ડિહાઇડ [સામાન્ય (normal, n−) અને આઇસો (iso−)] અને અનુવર્તી આલ્કોહૉલ, 2-ઇથાઇલ-હેક્ઝાનોલ, પ્રોપિયોનાલ્ડિહાઇડ અને n-પ્રોપાઇલ આલ્કોહૉલ તથા C5થી C17વાળા ઑલિફિનમાંથી મળતા ઉચ્ચતર (higher) આલ્ડિહાઇડ અને આલ્કોહૉલના થોડા જથ્થાનો સમાવેશ થાય છે. ઑક્સો-રસાયણ (oxo-chemistry) દ્વારા મેળવાતાં ઉત્પાદનોનું પ્રમાણ વર્ષે 50 કરોડ કિગ્રા. જેટલું થવા જાય છે. ભારતનાં ઑક્સો-આલ્કોહૉલ બનાવતાં ચાર જેટલાં એકમો આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબમાં કાર્યરત છે.

પ્રહલાદ બે. પટેલ