ઑસ્ટ્રિયા

મધ્યયુરોપનાં આધુનિક રાષ્ટ્રો પૈકીનું એક ભૂમિબંદીસ્ત રાષ્ટ્ર. ભૌ. સ્થાન : 470 20′ ઉ. અ. અને 130 20′ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ લગભગ 83,850 ચોકિમી. અને વસ્તી 8.64 લાખ (2017) છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ 96.5 છે. તેની પશ્ચિમે સ્વિટ્ઝર્લૅન્ડ, પૂર્વે હંગેરી, ઉત્તરે જર્મની અને ચેકોસ્લોવૅકિયા તથા દક્ષિણે ઇટાલી અને યુગોસ્લાવિયા આવેલાં છે.

ઑસ્ટ્રિયાના પશ્ચિમ ભાગમાં આલ્પ્સ પર્વતમાળાનો પૂર્વીય ભાગ આવેલો હોઈ, તેના બોહેમિયા અને મોરેવિયાના પ્રદેશો પર્વતાળ છે. તેની નદીઓમાં ડેન્યૂબ મુખ્ય નદી છે. તેની આબોહવા સમધાત છે. અહીં વિયેનાનું તાપમાન 00 સે. (જાન્યુ.) અને 20.20 સે. (જુલાઈ) રહે છે. વરસાદ પૂર્વ કરતાં પશ્ચિમના વિસ્તારોમાં વધારે (લગભગ 24 મિમી. જેટલો) પડે છે. અહીંની ભૂમિ નાનાં મોટાં અનેક સરોવરોથી રળિયામણી બની છે. સૌથી મોટું સરોવર ‘લેક ઑવ્ કૉન્સ્ટન્સ’ પશ્ચિમમાં આવેલું છે. ઑસ્ટ્રિયા યુરોપમાં સૌથી વધારે ગાઢ જંગલોવાળો પ્રદેશ ગણાય છે. જંગલોને કારણે વન્ય સંપત્તિની બાબતમાં તે સમૃદ્ધ છે.

ઑસ્ટ્રિયા

ઑસ્ટ્રિયાની વસ્તીના લગભગ 99 ટકા લોકો જર્મન ભાષા બોલે છે; જ્યારે બાકીના 1 ટકામાં ક્રોટ, મગ્યાર, સ્લોવન અને ચેક ભાષા-ભાષીઓનો સમાવેશ થાય છે. લગભગ 87 % લોકો રોમન-કૅથલિક પંથના ખ્રિસ્તીઓ છે.

ઑસ્ટ્રિયામાં પર્વતીય પ્રદેશો હોઈને ખેતીનો વિકાસ પ્રમાણમાં ઓછો થયો છે; પરંતુ લોખંડ, કોલસો, મૅગ્નેસાઇટ, ખનિજ-તેલ, મીઠું વગેરે ખનિજ-સંપત્તિ સારા પ્રમાણમાં હોવાથી તેમજ જળ-વિદ્યુતનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ શકવાને કારણે, ઓગણીસમી સદીના અંતભાગમાં અહીં ઉદ્યોગો શરૂ થયા અને થોડાં જ વર્ષોમાં ઑસ્ટ્રિયાએ ઔદ્યોગિક ક્ષેત્રે સારો વિકાસ સાધ્યો. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં લોખંડ, ઍૅલ્યુમિનિયમ, કાગળ, રંગ-રસાયણ, કાપડ, પ્લાસ્ટિક તથા ડેરી-ઉદ્યોગનો સમાવેશ કરી શકાય. 1946માં ઘણા-મોટા ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહારમાં રેલવે, રસ્તા, ડૅન્યૂબના જળમાર્ગો તથા હવાઈ વ્યવહાર મુખ્ય છે. રેલવે રાજ્યહસ્તક છે. ઑસ્ટ્રિયાનો વિદેશી વ્યાપાર મુખ્યત્વે જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી વગેરે જેવા પડોશી દેશો સાથે થાય છે. તેના પર્વતો અને સરોવરોના રળિયામણા પ્રદેશો દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષે છે, જે તેના અર્થતંત્રનું મહત્વનું પાસું છે.

ઑસ્ટ્રિયાએ કેળવણીના ક્ષેત્રે સારો વિકાસ સાધ્યો છે; અહીં 17 યુનિવર્સિટીઓ છે, એમાં વિયેનાની યુનિવર્સિટી સૌથી પુરાણી અને મોટી છે. વિયેનાની કલા-વીથિઓ (art-galleries) યુરોપભરમાં પ્રસિદ્ધ છે. સંગીતના ક્ષેત્રે પ્રખ્યાત સંગીતકાર મોઝાર્ટ ઉપરાંત વર્તમાન સમયમાં આર્નોલ્ડ શોએનબર્ગ અને સાહિત્યના ક્ષેત્રે પ્રસિદ્ધ સાહિત્યસ્વામી ફ્રાન્ઝ કાફકા ઉપરાંત જ્યૉર્જ ટ્રાકી, કાર્લક્રૉસ વગેરેનાં નામો જાણીતાં છે. ઑસ્ટ્રિયન નાટ્યકલાકારોએ યુરોપભરમાં નામના પ્રાપ્ત કરી છે.

ઇતિહાસ : ઑસ્ટ્રિયાનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થાય છે. અહીં ઠેર ઠેર પ્રાચીન પાષાણયુગના માનવીઓની વસાહતોના અવશેષો મળી આવે છે. ઐતિહાસિક કાળમાં ઈ. પૂ. 400 આસપાસ અહીં કેલ્ટિક જાતિઓનું અને તે પછી ઈસુની પહેલી સદી(ઈ. સ. 15)થી પાંચમી સદી સુધી રોમનોનું શાસન રહ્યું. રોમનોને હૂણો તથા ગૉથ જેવી પૂર્વીય જાતિઓએ હરાવ્યા, પરંતુ આખરે આઠમી સદીના અંતભાગમાં મધ્યકાલીન યુરોપના સૌથી શક્તિશાળી રાજવી શાર્લમૅને આ બધી જર્મન જાતિઓને હરાવીને ઑસ્ટ્રિયા કબજે કર્યું.

શાર્લમૅન અને તેના વંશજોના પ્રભાવ નીચે ઑસ્ટ્રિયામાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થયો. ઈ. સ. 955માં મહાન જર્મન સમ્રાટ ઑટો(પહેલા)એ ઑસ્ટ્રિયા જીતી, તેને પોતાના ‘પવિત્ર રોમન સામ્રાજ્ય’નો એક ભાગ બનાવ્યું. તેણે અહીં વહીવટ ચલાવવા માટે જર્મન ઉમરાવો(ડ્યૂક)ને નીમ્યા. થોડા સમય પછી અહીં બાબેન્બર્ગના ડ્યૂક લિયૉપોલ્ડ પહેલાએ પોતાના પરાક્રમથી સમગ્ર પ્રદેશ ઉપર વર્ચસ્ જમાવી, લગભગ સ્વતંત્ર કહી શકાય તેવી સત્તા સ્થાપી અને 1156માં ‘પવિત્ર રોમન સમ્રાટ’ ફ્રેડરિક બાર્બેરોસાએ બાબેન્બર્ગના ડ્યૂકોને ઑસ્ટ્રિયાના શાસકો તરીકે વિધિસર માન્ય કર્યા. તે પછી બાબેન્બર્ગ વંશના હેન્રી બીજાએ વિયેના શહેરમાં રહેવાનું શરૂ કરતાં, તે ઑસ્ટ્રિયાનું પાટનગર બન્યું.

1246માં ડ્યૂક ફ્રેડરિક બીજાના અવસાનથી બાબેન્બર્ગ વંશનો અંત આવ્યો. તે પછી 1276માં હેબ્સબર્ગ વંશના જર્મન રાજવી રુડૉલ્ફ પહેલાએ ઑસ્ટ્રિયા ઉપર ચડાઈ કરી તેને જીતી લીધું અને ત્યાં પોતાના એક પુત્ર ડ્યૂક આલ્બર્ટને ઑસ્ટ્રિયાના રાજવી તરીકે નીમ્યો. આમ ઑસ્ટ્રિયામાં હેબ્સબર્ગ વંશના લાંબા શાસનની શરૂઆત થઈ.

ચૌદમી અને પંદરમી સદીઓના હેબ્સબર્ગ વંશના શાસકો પરાક્રમી હતા. તેમણે પાટનગર વિયેનાને વિકસાવ્યું અને 1365માં વિયેના યુનિવર્સિટીની પણ સ્થાપના કરી. પંદરમી સદીમાં હેબ્સબર્ગ વંશનો રાજવી ફ્રેડરિક ત્રીજો તો એટલો શક્તિશાળી હતો કે પોપે તેને ‘પવિત્ર રોમન સમ્રાટ’નો હોદ્દો આપ્યો હતો. ત્યારથી ‘પવિત્ર રોમન સમ્રાટ’નું પદ હેબ્સબર્ગ વંશના હાથમાં રહ્યું. 1496માં તેના પૌત્ર ફિલિપ પહેલાનાં લગ્ન સ્પેનની વારસદાર કુંવરી જુઆના સાથે થતાં, તે બંનેનો પુત્ર ચાર્લ્સ (પાંચમો) ઑસ્ટ્રિયા અને સ્પેન બંનેનો માલિક થયો. વળી, 1526માં બોહેમિયાના રાજવીનું અવસાન થતાં અગાઉની એક સંધિ અનુસાર ઑસ્ટ્રિયાને બોહેમિયા અને હંગેરી પણ મળ્યાં. આમ મધ્યયુગના અંત સમયમાં ઑસ્ટ્રિયા યુરોપનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. (જોકે પાછળથી 1558માં ચાર્લ્સ પાંચમાનું અવસાન થતાં ઑસ્ટ્રિયા અને સ્પેનની ગાદીઓ અલગ થઈ ગઈ હતી.)

શાહી મહેલ, વિયેના

ધર્મસુધારણાનો યુગ : પંદરમી અને સોળમી સદીઓનો સમય યુરોપમાં સાંસ્કૃતિક નવજાગૃતિ અને ધર્મસુધારણાનાં આંદોલનોનો સમય હતો. આ આંદોલનોને કારણે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ પોપને વફાદાર એવા રોમન કૅથલિક સંપ્રદાય અને પોપના વિરોધી એવા પ્રૉટેસ્ટંટ (બળવાખોર) સંપ્રદાયમાં વહેંચાઈ ગયા હતા. ઑસ્ટ્રિયાના રાજાઓ કૅથલિક સંપ્રદાયના ટેકેદારો હતા. તેથી તેમણે ઑસ્ટ્રિયા તથા હંગેરીના પ્રૉટેસ્ટંટપંથીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો. તેમની જેમ યુરોપના અન્ય રાજાઓ પણ આ કૅથલિક-પ્રૉટેસ્ટંટ વચ્ચેના ધાર્મિક સંઘર્ષોમાં પોતપોતાનાં રાષ્ટ્રીય હિતોને નજર સમક્ષ રાખીને એક યા બીજા સંપ્રદાયનો પક્ષ લેતા. બેમાંથી તેમની વચ્ચે 1618-1648 વચ્ચે ‘ત્રીસવર્ષી યુદ્ધો’ થયાં. ઑસ્ટ્રિયા પણ તેમાં ભળ્યું. આખરે 1648માં વેસ્ટફાલિયાની સંધિથી યુરોપમાં ધાર્મિક સંઘર્ષોનો અંત આવતાં, ઑસ્ટ્રિયા માટે પણ શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનો યુગ શરૂ થયો.

ઑસ્ટ્રિયાનું સંસદ-ભવન

રાજાશાહીનો યુગ : આ પછીનાં લગભગ 200 વર્ષ ઑસ્ટ્રિયા માટે ‘સુવર્ણયુગ’ સમાન રહ્યાં. આ સમયે યુરોપની મહાસત્તામાં તેની ગણતરી થતી. તેના રાજાઓ આપખુદ રાજવી લુઈ ચૌદમાની બરોબરી કરતા. 1701માં ઑસ્ટ્રિયાને લુઈ ચૌદમા સાથે ‘સ્પૅનિશ ગાદીવારસા’ સંબંધમાં તકરાર થવાથી યુદ્ધ થયું; તે 13 વર્ષ સુધી ચાલ્યું. 1713માં ‘યુટ્રેક્ટની સંધિ’થી આ યુદ્ધનો અંત આવ્યો. આ સંધિથી ઑસ્ટ્રિયાને સ્પૅનિશ-નેધર્લૅન્ડ્ઝ (હાલનાં બેલ્જિયમ અને લક્સમ્બર્ગ) તથા ઇટાલીમાં મિલાન, મોન્ટુઆ, નેપલ્સ તથા સાર્ડિનિયા (પાછળથી સાર્ડિનિયાને બદલે સિસિલી) મળ્યાં.

1740માં ઑસ્ટ્રિયાના સમ્રાટ ચાર્લ્સ છઠ્ઠાનું અવસાન થતાં, તેણે અગાઉ કરેલા એક વિલ પ્રમાણે તેની સૌથી મોટી દીકરી મેરિયા થૅરેસા ગાદીએ આવી. પરંતુ જર્મનીના એક રાજ્ય પ્રશિયાના મહત્વાકાંક્ષી રાજવી ફ્રેડરિક બીજાએ તેના ગાદી માટેના દાવાને પડકારતાં યુરોપમાં પ્રખ્યાત ‘ઑસ્ટ્રિયન ગાદીવારસા વિગ્રહ’ શરૂ થયો; તે 1740થી 1748 સુધી ચાલ્યો. આ વિગ્રહમાં પ્રશિયાના પક્ષમાં ફ્રાન્સ, સ્પેન તથા જર્મનીના બેવેરિયા અને સેક્સની હતાં, તો ઑસ્ટ્રિયાના પક્ષમાં ઇંગ્લૅન્ડ, હોલૅન્ડ અને રશિયા હતાં. આખરે 1748માં એ-લા-શાપેલની સંધિથી આ યુદ્ધનો અંત આવ્યો અને પ્રશિયાને મેરિયા થૅરેસાને ઑસ્ટ્રિયાની સામ્રાજ્ઞી તરીકે સ્વીકારવી પડી, પરંતુ આઠ જ વર્ષ પછી, 1756માં તેણે ઑસ્ટ્રિયા સાથે ફરી વખત યુદ્ધ કર્યું; તે તો સાત વર્ષ સુધી ચાલ્યું તેથી ઇતિહાસમાં તે ‘સપ્તવાર્ષિક વિગ્રહ’ તરીકે પ્રસિદ્ધ થયું. આ યુદ્ધમાં બંને પક્ષે ટેકેદારો બદલાઈ ગયા હતા. ઑસ્ટ્રિયાના પક્ષમાં હવે ફ્રાન્સ હતું, તો ઇંગ્લૅન્ડે (યુરોપમાં ‘સત્તાની સમતુલા’ જાળવવાની, તથા જે પક્ષે ફ્રાન્સ હોય તેના સામા પક્ષને ટેકો આપવાની પોતાની નીતિને કારણે) પ્રશિયાને ટેકો આપ્યો હતો. આ વિગ્રહના છાંટા ભારતમાં (કર્ણાટકમાં અંગ્રેજો અને ફ્રેન્ચ કંપની વચ્ચેના યુદ્ધમાં) તથા અમેરિકામાં (અંગ્રેજ સંસ્થાનો અને કૅનેડાનાં ફ્રેન્ચ સંસ્થાનો વચ્ચેના યુદ્ધમાં) ઊડ્યા અને બધી જ જગ્યાએ અંગ્રેજોના પક્ષનો વિજય થયો (1763); પરંતુ તેનાથી થોડા જ સમયમાં (1772) તેણે પ્રશિયાના મહાન ફ્રેડરિક અને રશિયાની (પોતાની જેવી જ ‘ભવ્ય-આપખુદ’) સમ્રાજ્ઞી ઝરીના કૅથેરાઇન (બીજી) સાથે મળીને પડોશના પોલૅન્ડના પ્રદેશો વહેંચી લીધા.

ફ્રાન્સની ક્રાંતિ અને ઑસ્ટ્રિયા : 1780માં સામ્રાજ્ઞી મેરિયા થૅરેસાના અવસાન પછી, તેના જેવો જ મહત્વાકાંક્ષી તેનો પુત્ર જૉસેફ પહેલો ગાદીએ આવ્યો. તેના શાસનકાળ દરમિયાન 1789માં ફ્રાન્સમાં મહાન ક્રાંતિ થઈ. ફ્રાન્સની મહારાણી મેરી આન્ત્વાઈ સમ્રાટ જૉસેફની બહેન થતી હતી; પરંતુ જૉસેફ અને 1790માં તેના અવસાન પછી ગાદીએ આવેલો તેનો ભાઈ લિયૉપોલ્ડ બીજો, બંને મુત્સદ્દી હતા. તેથી તેઓ ફ્રાન્સના મામલામાં સંડોવાયા નહિ; પરંતુ 1792માં લિયૉપોલ્ડના અવસાન પછી ગાદીએ આવેલો તેનો પુત્ર ફ્રાન્સિસ (બીજો) તેના જેવો શક્તિશાળી કે મુત્સદ્દી ન હતો, તેથી તે ફ્રેન્ચ-ક્રાંતિકારીઓ સાથે યુદ્ધમાં અથડાઈ પડ્યો. અલબત્ત, ઑસ્ટ્રિયાની સામે સૌપહેલી યુદ્ધની ઘોષણા તો ફ્રેન્ચ ક્રાંતિકારીઓએ જ કરી હતી, પરંતુ ત્યારથી તે છેક 1815 સુધી (અર્થાત્ લગભગ 23 વર્ષ સુધી) ઑસ્ટ્રિયા ફ્રાન્સ સાથે યુદ્ધમાં સંડોવાયેલું રહ્યું. તેણે ફ્રાન્સના ક્રાંતિકારી લશ્કર સામે અને તે પછી ફ્રાન્સના સ્વામી બનેલા નેપોલિયન બોનાપાર્ટની સામે, યુરોપની તે સમયની મહાસત્તાઓ(ઇંગ્લૅન્ડ, પ્રશિયા, રશિયા)નો સાથ લઈ એક પછી એક એમ ચાર વખત સંઘો રચ્યા, પરંતુ દરેક વખતે તેને હાર પામીને ફ્રાન્સ સાથે નામોશી ભરેલી સંધિઓ સ્વીકારવી પડી. 1810માં તો સમ્રાટ ફ્રાન્સિસ બીજાને મહાન હેબ્સબર્ગ વંશના ગૌરવને એકબાજુએ મૂકીને નેપોલિયન બોનાપાર્ટ જેવા બિનરાજવંશી સાથે પોતાની પુત્રી મૅરી લુઇસને પરણાવવી પડી. આ લગ્નસંબંધને કારણે થોડો સમય ઑસ્ટ્રિયા ફ્રાન્સનું મિત્ર રહ્યું, પરંતુ 1813માં નેપોલિયન જ્યારે રશિયાથી લગભગ બેહાલ દશામાં પાછો ફર્યો, ત્યારે ઑસ્ટ્રિયા તેની વિરુદ્ધ ઇંગ્લૅન્ડ અને પ્રશિયાએ રચેલા સંઘમાં ભળી ગયું અને 1814માં તથા 1815માં નેપોલિયનને પરાજય આપવામાં તેણે અગ્રભાગ ભજવ્યો. તેને કારણે પરાજિત ફ્રાન્સનું તથા યુરોપનું ભાવિ નક્કી કરવા માટે મિત્ર રાજ્યોનું સંમેલન પોતાના પાટનગર વિયેનામાં બોલાવવાનું માન તેને મળ્યું.

મેટરનિકનો યુગ : 1814-15માં મળેલા આ ‘વિયેના સંમેલન’ના અધ્યક્ષપદે ઑસ્ટ્રિયાનો વડોપ્રધાન કાઉન્ટ મેટરનિક હતો. તે પોતાના સમયનો પ્રથમ કક્ષાનો મુત્સદ્દી ગણાતો. વિયેના સંમેલનના બધા જ નિર્ણયોમાં લગભગ તેનું જ ધાર્યું થયું. તેણે ઑસ્ટ્રિયાના ગયેલા પ્રદેશો તો પાછા મેળવ્યા જ, પરંતુ તે સાથે ઇટાલી અને જર્મનીમાં પણ ઑસ્ટ્રિયાનાં હિતો દાખલ કરવામાં તે સફળ થયો. (સંમેલને જર્મનીનાં 50 રજવાડાંઓનો એક સંઘ બનાવી, તેના પ્રમુખપદે ઑસ્ટ્રિયાને નીમ્યું હતું.)

વિયેના સંમેલન પછીનાં લગભગ 30 વર્ષ સુધી મેટરનિક માત્ર ઑસ્ટ્રિયાનો જ નહિ, પરંતુ સમગ્ર યુરોપનો જાણે કે ભાગ્યવિધાતા બની ગયો હતો. તેને કારણે 1815-1848 વચ્ચેનો સમય યુરોપના ઇતિહાસમાં ‘મેટરનિક યુગ’ તરીકે ઓળખાય છે. ઓગણીસમી સદીનો આ સમય યુરોપમાં જનક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, લોકશાહી, રાષ્ટ્રવાદ, ઉદારમતવાદ અને પ્રગતિવાદનો સમય હતો; પરંતુ મેટરનિક આ બધાંની વિરુદ્ધ હતો. તેણે ક્રાંતિનાં ચડતાં પૂરને ખાળવા માટે યુરોપની તે સમયની મહાસત્તાઓનો ‘યુરોપીય સંઘ’ રચ્યો હતો. તેના જ આદેશથી ઇટાલી, જર્મની અને પોલૅન્ડમાં ત્યાંનાં રજવાડાંઓએ જનક્રાંતિઓને વારંવાર ક્રૂરતાથી દાબી દીધી હતી; પરંતુ આખરે આ ક્રાંતિનું પૂર તેને જ તાણી ગયું. 1848માં ઑસ્ટ્રિયાના જ પાટનગર વિયેનામાં જનક્રાંતિ થતાં, તેને લોકમત સામે પોતાના હોદ્દાનો ત્યાગ કરવો પડ્યો. મેટરનિક તેના સમયનો યુરોપનો પ્રથમ કક્ષાનો મુત્સદ્દી ગણાતો, પરંતુ તેની સંકુચિત, રૂઢિચુસ્ત અને પ્રગતિવિરોધી નીતિને કારણે ઑસ્ટ્રિયા રાજકીય, આર્થિક તેમજ સાંસ્કૃતિક ર્દષ્ટિએ પછાત રહ્યું.

યુરોપીય રાજકારણમાં ઑસ્ટ્રિયાનાં વળતાં પાણી થયાં. મેટરનિકના પતન પછી ઑસ્ટ્રિયામાં થોડો સમય ઉદારમતવાદનો વિજય થયો અને સમ્રાટે માત્ર ઑસ્ટ્રિયામાં જ નહિ, પરંતુ તેના તાબા નીચેના હંગેરીમાં પણ બંધારણીય સુધારા દાખલ કર્યા. પરંતુ હવે તેની સત્તા અને દમામમાં વળતાં પાણી થયાં હતાં. ઓગણીસમી સદીના છઠ્ઠા અને સાતમા દસકામાં ઇટાલી અને જર્મનીમાં તેના વર્ચસ્ નીચે રાષ્ટ્રીય આંદોલનો થયાં અને આખરે 1866માં પ્રશિયાના મહાન મુત્સદ્દી વડાપ્રધાન બિસ્માર્કની સામે મુત્સદ્દીગીરીના અને યુદ્ધનાં બંને મેદાનોમાં ઑસ્ટ્રિયાનો પરાજય થયો. ઇટાલી અને જર્મનીમાંથી તેને હઠી જવું પડ્યું; એટલું જ નહિ, પણ 1866ના જર્મની સામેના ‘સાત અઠવાડિયાંના યુદ્ધ’માં તેના પરાજયથી તેને ઘરઆંગણે પણ બંધારણીય સુધારા (ચૂંટાયેલી ધારાસભા, પુખ્તવય મતાધિકાર, મૂળભૂત અધિકારો વગેરે) આપવા પડ્યા. તે જ રીતે પોતાના તાબા નીચેના હંગેરીના મગ્યારોની, ગેલેશિયાના પોલ લોકોની તથા બોહેમિયાના ચેક લોકોની સ્વાયત્ત શાસન માટેની માગણી પણ તેને સ્વીકારવી પડી.

આ પછી તેણે પૂર્વમાં તુર્કીના તાબા નીચેના બાલ્કન પ્રદેશ તરફ નજર દોડાવી. અહીં મોટેભાગે ખ્રિસ્તી ધર્માવલંબી સ્લાવ પ્રજાઓ વસતી હતી અને (રશિયાની હૂંફથી) તુર્કીની ધૂંસરીમાંથી મુક્ત થવા માટે એ પ્રજાઓ રાષ્ટ્રીય આંદોલનો ચલાવતી હતી. તુર્કીના સુલતાનો આ રાષ્ટ્રીય આંદોલનોને ક્રૂરતાથી દાબી દેતા હતા. આવા એક પ્રયત્નમાં તેને 1877માં રશિયા સાથે યુદ્ધ થયું, ત્યારે ઑસ્ટ્રિયાએ તુર્કીની સહાનુભૂતિ મેળવવા માટે તેને પક્ષે યુદ્ધમાં ઝુકાવ્યું. તેને પરિણામે યુદ્ધને અંતે તેને બાલ્કનમાં બોસ્નિયા અને હર્ઝગોવિનાના પ્રદેશોનું સંરક્ષક-પદ મળ્યું. પરંતુ તેનાથી તુર્કીની ધૂંસરીમાંથી તાજેતરમાં જ મુક્તિ મેળવનારા બાલ્કનના જ સર્બિયા નામના નાનકડા રાજ્ય સાથે ઑસ્ટ્રિયાનાં હિતો અથડામણમાં આવ્યાં. 1908માં ઑસ્ટ્રિયાએ બોસ્નિયા અને હર્ઝગોવિનાને ખાલસા કર્યાં, જેના સર્બિયામાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા. તેણે હવે બોસ્નિયાના રાષ્ટ્રવાદીઓને ઑસ્ટ્રિયા વિરુદ્ધ ઉશ્કેરવા માંડ્યા. આમાંથી પ્રથમ વિશ્વવિગ્રહનો ભડકો થયો.

ઑસ્ટ્રિયાની આલ્પાઇન વૅલી

પ્રથમ વિશ્વવિગ્રહ : 1914ની 28 જૂને બોસ્નિયાના પાટનગર સારાજેવોમાં ઑસ્ટ્રિયાના ગાદીવારસ આર્કડ્યૂક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ તથા તેની પત્નીની એક બોસ્નિયન રાષ્ટ્રવાદીએ હત્યા કરી. ઑસ્ટ્રિયાએ સર્બિયાને આને માટે જવાબદાર ગણી તેને માફી, વળતર તથા ન્યાયિક તપાસ માટેનું આખરીનામું આપ્યું. સર્બિયાએ જોકે આનો વિવેકપૂર્ણ પ્રત્યુત્તર આપ્યો. પરંતુ ઑસ્ટ્રિયાએ તે નામંજૂર કરી, 28 જુલાઈના રોજ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. તુરત જ રશિયા અને ફ્રાન્સે સર્બિયાને ટેકો આપ્યો. તેથી જર્મનીએ ઑસ્ટ્રિયાના ટેકામાં તેમની સામે યુદ્ધ જાહેર કર્યું; જર્મન લશ્કરોએ બેલ્જિયમમાં થઈને ફ્રાન્સ ઉપર ચડાઈ કરી. તેથી ઇંગ્લૅન્ડે આને ‘બેલ્જિયમની તટસ્થતાનો ભંગ’ ગણી જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. તેની સાથે તેનાં બધાં જ સંસ્થાનો તથા 1915માં ઇટાલી અને 1917માં અમેરિકા પણ યુદ્ધમાં ભળતાં ‘બાલ્કન’માં શરૂ થયેલો સ્થાનિક સંઘર્ષ સાચા અર્થમાં વિશ્વવિગ્રહમાં પરિણમ્યો.

આ (પ્રથમ) વિશ્વવિગ્રહ 1914થી 1918 – એમ ચાર વર્ષ સુધી ચાલ્યો, પરંતુ તેનો પ્રારંભ કરનાર ઑસ્ટ્રિયાને ભાગે આમાં ગૌણ ભાગ ભજવવાનો આવ્યો અને તેને બદલે જર્મની જ યુદ્ધનું અગ્રણી બની ગયું. યુદ્ધ દરમિયાન 1916ના નવેમ્બરમાં સમ્રાટ ફ્રાન્સિસ જૉસેફ(જે 1848ના ક્રાંતિ-સમયમાં ગાદીએ આવ્યો હતો)નું અવસાન થયું અને તેની જગ્યાએ 29 વર્ષનો યુવાન ચાર્લ્સ સમ્રાટ બન્યો. તે સ્વભાવથી શાંતિપ્રિય હતો. તેણે યુદ્ધનો અંત લાવવા માટે મિત્ર રાજ્યો સાથે (જર્મનીથી છૂપી) વાટાઘાટો કરી, પરંતુ તે નિષ્ફળ ગઈ. દરમિયાનમાં (મિત્ર રાજ્યોના ટેકાથી) ઑસ્ટ્રિયાના તાબા નીચેની ચેક, સ્લાવ અને પોલિશ પ્રજાઓએ ઑસ્ટ્રિયાથી સ્વતંત્ર થવાની જાહેરાત કરી. આખરે 1918ની 3 નવેમ્બરે યુદ્ધવિરામ થયો અને બધી બાજુથી હારેલા-થાકેલા સમ્રાટ ચાર્લ્સે 11 નવેમ્બરે ગાદીત્યાગ કર્યો. આમ ગૌરવશાળી હેબ્સબર્ગ વંશનો અંત આવ્યો.

પ્રજાસત્તાક ઑસ્ટ્રિયા : વળતે જ દિવસે (12 નવેમ્બર, 1919) ઑસ્ટ્રિયાની પાર્લમેન્ટે ઑસ્ટ્રિયાને ‘લોકશાહી પ્રજાસત્તાક’ તરીકે જાહેર કરી, કામચલાઉ સરકારની રચના કરી. 1919ની 10 સપ્ટેમ્બરે મિત્ર રાજ્યોએ ઑસ્ટ્રિયા સાથે સાં-જર્મેનની સંધિ કરી. આ સંધિથી ઑસ્ટ્રિયા પાસેથી હંગેરી, બોહેમિયા અને મોરેવિયા લઈ લેવામાં આવ્યાં અને તેની ઉપર (પરાજિત જર્મનીના જેવા જ) લશ્કરી તેમજ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા.

દરમિયાનમાં બંધારણસભાએ બંધારણ ઘડવાનું કાર્ય પૂરું કરતાં, 1920ની 1 ઑક્ટોબરે ઑસ્ટ્રિયન પ્રજાસત્તાકનું બંધારણ અમલમાં આવ્યું. આ બંધારણ સમવાયી પ્રકારનું હતું તથા તેમાં ઇંગ્લૅન્ડના જેવી દ્વિગૃહી ધારાસભા, જવાબદાર પ્રધાનમંડળ, પુખ્તવય મતાધિકાર વગેરેની જોગવાઈ કરવામાં આવી હતી. તે પછી થયેલી ચૂંટણીઓમાં મુખ્યત્વે ક્રિશ્ચિયન સમાજવાદી પક્ષ વિજય પામતો રહ્યો. આ પક્ષની સરકારોએ વિશ્વયુદ્ધમાં થયેલી ખાનાખરાબીમાંથી ઑસ્ટ્રિયાને બેઠું કરવાના ભગીરથ પ્રયત્નો કર્યા.

પરંતુ તેની સામે વિરોધી સોશ્યલ ડેમૉક્રેટિક પક્ષ તથા સામ્યવાદીઓ અને છેલ્લે છેલ્લે જર્મનીના અનુકરણમાં સ્થપાયેલા નાઝીપક્ષે હડતાલ અને આંદોલનોનો અશરો લેતાં, 1932માં તે સમયના ક્રિશ્ચિયન સમાજવાદી પક્ષના વડાપ્રધાન ડૉ. ડાલ્ફસે પાર્લમેન્ટને વિખેરી નાખીને સરમુખત્યારની સત્તાઓ હાથ કરી.

જર્મની સાથે જોડાણ : પરંતુ ડૉ. ડાલ્ફસની સરમુખત્યારશાહી લાંબી ચાલી નહિ. 1934ના જુલાઈમાં ઑસ્ટ્રિયન નાઝીઓએ તેની હત્યા કરી. તેની જગ્યાએ શુશનીગ વડો પ્રધાન બન્યો; પરંતુ તે નરમ સ્વભાવનો હતો, તેથી નાઝીઓ જોરમાં આવ્યા. દરમિયાનમાં જર્મનીના નાઝી સરમુખત્યાર હિટલરે ઇટાલીના ફાસિસ્ટ સરમુખત્યાર મુસોલિની સાથે 1936માં હાથ મિલાવ્યા અને તે પછી ઑસ્ટ્રિયન પ્રધાનમંડળમાં નાઝીઓએ દાખલ કરવા માટે શુશનીગને મજબૂર કર્યો. 1938માં તેણે એવી જ દબાણ-પદ્ધતિ અખત્યાર કરીને શુશનીગ પાસેથી રાજીનામું લખાવી લીધું. તે પછી પ્રધાનમંડળમાં માત્ર નાઝી પ્રધાનો જ રહ્યા. તેમણે ઑસ્ટ્રિયામાં ‘શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે’ જર્મનીના નાઝી લશ્કરને બોલાવ્યું અને ખુદ હિટલર આ લશ્કર સાથે ઑસ્ટ્રિયામાં આવી પહોંચ્યો. તે પછી તેણે પાટનગર વિયેનામાં રહીને ઑસ્ટ્રિયાના જર્મની સાથેના ‘જોડાણ’ની જાહેરાત કરી. પાછળથી જર્મની અને ઑસ્ટ્રિયામાં સંયુક્તપણે લેવાયેલા ‘લોકમતના નાટક’માં હિટલરના આ નિર્ણયને 99.73 % (!) મતથી મંજૂરી મળી. તે સાથે ઑસ્ટ્રિયાના સ્વતંત્ર અસ્તિત્વનો (અને પ્રથમ પ્રજાસત્તાકનો પણ) અંત આવ્યો.

આને કારણે 1939માં હિટલરે શરૂ કરેલા દ્વિતીય વિશ્વવિગ્રહમાં ઑસ્ટ્રિયાને પણ સંડોવાવું પડ્યું, પરંતુ મિત્ર રાજ્યોએ 1943માં મૉસ્કો-સંમેલનમાં સ્પષ્ટ રીતે જાહેરાત કરી કે તેઓ ઑસ્ટ્રિયાના જર્મની સાથેના જોડાણને સ્વીકારતા નથી. આ પછી તેમણે ઑસ્ટ્રિયાના નાગરિકોના બનેલા ‘મુક્તિદળ’ને મદદ કરવા માંડી. આખરે 1945ના એપ્રિલમાં સોવિયેત રશિયાની ‘લાલ સેના’એ ઑસ્ટ્રિયાને જર્મનીની ધૂંસરીમાંથી મુક્ત કર્યું અને ઑસ્ટ્રિયાના સમાજવાદી નેતા ડૉ. કાર્લ રેનરના નેતૃત્વ નીચે સર્વપક્ષીય સંયુક્ત સરકારની રચના કરી.

નવું પ્રજાસત્તાક : દ્વિતીય વિશ્વયુદ્ધ(1939-45)ના અંત પછી પણ રેનરની સરકાર ચાલુ રહી, પરંતુ મિત્રરાજ્યોએ ઑસ્ટ્રિયાના ચાર વિભાગો પાડી એક એક વિભાગમાં ઇંગ્લૅન્ડ, અમેરિકા, ફ્રાન્સ અને રશિયાની લશ્કરી હકૂમતો સ્થાપી, તેને પોતાના અંકુશમાં રાખ્યું. તે પછી 1920નું સુધારા સાથેનું જૂનું બંધારણ ફરી અમલમાં આણી ચૂંટણીઓ કરાવવામાં આવી (ચૂંટણીમાં ભાગ લેવા માટે નાઝીઓને ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા). ચૂંટણીમાં ‘ઑસ્ટ્રિયન પીપલ્સ પાર્ટી’ને બહુમતી મળતાં તેનો નેતા લિયૉપોલ્ડ ફીજલ વડો પ્રધાન બન્યો.

તેના સમયમાં ઑસ્ટ્રિયાને ‘સંયુક્ત રાષ્ટ્ર સંઘ’ તથા અમેરિકા તરફથી સારી આર્થિક સહાય મળી. તેને કારણે ઑસ્ટ્રિયા યુદ્ધોત્તર આર્થિક સમસ્યાઓ હલ કરી શક્યું. આખરે 1955માં ચારેય મહાસત્તાઓ ઑસ્ટ્રિયા સાથે સ્થાયી સંધિ કરવા સંમત થતાં ત્યાંથી મિત્રરાજ્યોની હકૂમતો ઊઠી ગઈ. 15 મે, 1955ની આ સંધિથી ઑસ્ટ્રિયાને ‘સ્વતંત્ર, સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય’ તરીકે માન્યતા આપવામાં આવી તથા તેને તટસ્થ રાજ્ય જાહેર કરવામાં આવ્યું. તે જ વર્ષમાં તેને સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય બનાવવામાં આવ્યું. 1920માં જે બંધારણ ઘડાયું હતું તેની પુન:સ્થાપના 1945માં કરવામાં આવી. તે સમવાયતંત્ર અને પ્રજાસત્તાક લોકશાહી ધરાવે છે. તેની દ્વિગૃહી ધારાસભા – નૅશનલ એસેમ્બલી – બે ગૃહો ધરાવે છે. નૅશનલ કાઉન્સિલ તેનું નીચલું ગૃહ અને ફેડરલ કાઉન્સિલ તેનું ઉપલું ગૃહ છે. નૅશનલ કાઉન્સિલ પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાય છે અને કુલ 183 સભ્યો ધરાવે છે. પ્રમાણસર પ્રતિનિધિત્વને આધારે 4 વર્ષની મુદત માટે આ સભ્યો ચૂંટાય છે.

ઉપલું ગૃહ – ફેડરલ કાઉન્સિલ 64 સભ્યોની બનેલી છે. સમવાયતંત્રના ઘટક રાજ્યોના કુલ 64 પ્રતિનિધિઓ અહીં સભ્યપદ ધરાવે છે.

સરકારનો વડો ફેડરલ ચાન્સેલર (વડાપ્રધાન જેવો હોદ્દો) તરીકે ઓળખાય છે. તે નૅશનલ કાઉન્સિલમાં બહુમતી ધરાવતા પક્ષનો વડો હોય છે. 1958માં તેને ‘યુરોપીય આર્થિક સમાજ’(EEC)નું પણ સભ્યપદ આપવામાં આવ્યું. 1955માં તે યુરોપિયન યુનિયનનું સભ્ય બન્યું. આજે પોતાની લોકશાહી પદ્ધતિ નીચે ઑસ્ટ્રિયા રાજકીય અને આર્થિક સહિત બધાં જ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે.

દેવેન્દ્ર ભટ્ટ