ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન

January, 2004

ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન (જ. 14 ઑગસ્ટ 1777, રુડકોલિંગ, ડેન્માર્ક; અ. 9 માર્ચ 1851, કૉપનહેગન) : ડેનિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી. તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ચુંબકીય સોયનું વિચલન (deflection) કરી શકે છે એની શોધ તેમણે કરી.

આ ઘટનાનું મહત્વ ઝડપથી સ્વીકૃતિ પામ્યું, જેથી વીજચુંબકીયવાદ(electro-magnetic theory)ના વિકાસને પ્રેરણા મળી. 1806માં ઓર્સ્ટેડ કૉપનહેગન યુનિવર્સિટીમાં પ્રૉફેસર થયા. ત્યાં તેમનાં શરૂઆતનાં ભૌતિકસંશોધનો વીજપ્રવાહ અને ધ્વનિવિજ્ઞાન (acoustics) વિશે હતાં. એપ્રિલ, 1820માં સાયંવ્યાખ્યાનો દરમિયાન ઓર્સ્ટેડે શોધી કાઢ્યું કે વીજપ્રવાહ લઈ જતા તારને લંબદિશામાં ચુંબકીય સોય ગોઠવાય છે. આનાથી વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેના સંબંધની નિશ્ચિત પ્રાયોગિક ખાતરી થઈ. જોકે અગાઉ આ ઘટનાની શોધ 1802માં ઇટાલિયન કાયદાશાસ્ત્રી જિયાનડોમેનિકો રોમાગ્નૉસીએ કરી હતી; પરંતુ તેના પર દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. 1824માં સામાન્ય જનતામાં વિજ્ઞાનના પ્રસાર માટે તેમણે સોસાયટી સ્થાપી.

હૅન્સ ક્રિશ્ચિયન ઑર્સ્ટેડ

એ સોસાયટી 1908થી ડેનિશ ભૌતિકવિજ્ઞાનીઓને તેમના વિશિષ્ટ પ્રદાન માટે ઓર્સ્ટેડ ચંદ્રક પ્રદાન કરે છે. તે પ્રેરણાદાયી શિક્ષક અને અધ્યાપક હતા અને તેમણે અનેક લોકભોગ્ય લેખો લખ્યા હતા. 1932માં ચુંબકીય ક્ષેત્રતીવ્રતાના ભૌતિક એકમ માટે ઓસ્ટ્રેડ નામ અપનાવવામાં આવ્યું. મરીમાંના આલ્કેલૉઇડ પિપેરીન (1820) તથા ઍલ્યુમિનિયમ(1825)નું અલગન રસાયણક્ષેત્રે તેમનાં અગત્યનાં પ્રદાન ગણી શકાય.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ