ઑસ્ટ્રિયન આર્થિક વિચારધારા (અર્થશાસ્ત્ર)

January, 2004

ઑસ્ટ્રિયન આર્થિક વિચારધારા (અર્થશાસ્ત્ર) : ઓગણીસમી સદીના અંતમાં ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓના પ્રદાનમાંથી વિકાસ પામેલી તથા તુષ્ટિગુણના આત્મલક્ષી ખ્યાલ પર રચાયેલી આર્થિક વિચારધારા. વિયેના યુનિવર્સિટીના અર્થશાત્રના પ્રોફેસર કાર્લ મેંજર (1840-1921) આ વિચારધારાના પ્રણેતા હતા. તેમના અનુગામી અર્થશાસ્ત્રીઓ ફ્રેડરિક વૉન વાઇઝર (1851-1926) અને યુજિન વૉન બોહમ બેવર્કે (1851-1914) આ વિચારધારાને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.

કાર્લ મેંજરે રજૂ કરેલ મૂલ્યનો સિદ્ધાંત (1871) સીમાવર્તી તુષ્ટિગુણના આત્મલક્ષી ખ્યાલ પર રચાયેલો. મેંજરની રજૂઆત મુજબ વસ્તુનું મૂલ્ય તે વસ્તુમાંથી તેના ગ્રાહકને મળતા તુષ્ટિગુણ પર આધારિત હોય છે. તેનું વાસ્તવિક મૂલ્ય તેના સીમાવર્તી તુષ્ટિગુણને આભારી હોય છે. તેવી જ રીતે કોઈ પણ વસ્તુના ઉત્પાદનનો ક્રમ તે વસ્તુની માનવજરૂરિયાત સંતોષવાની પ્રત્યક્ષ અથવા પરોક્ષ ક્ષમતા દ્વારા નિર્ધારિત થાય છે. આમ મેંજરનું વિશ્લેષણ ઉત્પાદન અને વપરાશ બંનેને સ્પર્શે છે. તે તુષ્ટિગુણ જેવા આત્મલક્ષી પરિબળ પર રચાયેલું છે, જે ઑસ્ટ્રિયન વિચારધારાની મુખ્ય લાક્ષણિકતા ગણાય.

ફ્રેડરિક વૉન વાઇઝરે મેંજરના ર્દષ્ટિકોણને આધારે વિનિમય અને વહેંચણીનું વિશ્લેષણ કરી મેંજરના સીમાવર્તી તુષ્ટિગુણ વિશ્લેષણને વિકસાવ્યું છે. વૈકલ્પિક ખર્ચના ખ્યાલ દ્વારા તેમણે પ્રતિપાદિત કર્યું કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા જતાં વૈકલ્પિક એટલે કે પછીના ક્રમે ઉત્તમ (second best) વસ્તુનું ઉત્પાદન જતું કરવું પડે છે, જે ઉત્પાદિત થયેલ વસ્તુનો વૈકલ્પિક ખર્ચ (opportunity of alternative cost) ગણાય. ઑસ્ટ્રિયન વિચારધારા પર આધારિત મૂલ્યનો સિદ્ધાંત બધી જ આર્થિક સમસ્યાઓના વિશ્લેષણને સુગમ બનાવતો હોવાથી તે શ્રેષ્ઠ સિદ્ધાંત છે તેવો વાઇઝરનો દાવો છે. તેણે મેંજરના મૂળભૂત આત્મલક્ષી ર્દષ્ટિકોણનો સ્વીકાર કર્યો ખરો છતાં આર્થિક વિશ્લેષણમાંથી નિષ્કર્ષ કાઢવાની બાબતમાં તેમનું પ્રદાન મૌલિક ગણાય છે.

બોહમ બેવર્કે સીમાવર્તી તુષ્ટિગુણ વિશ્લેષણને આધારે મૂલ્યનો સિદ્ધાંત વિકસાવ્યો ખરો; પરંતુ વ્યાજના નિર્ધારણ અંગેના તેમના સિદ્ધાંત માટે તે વધુ જાણીતા છે. વ્યાજના નિર્ધારણમાં ‘સમય પસંદગી’ના આત્મલક્ષી પરિબળ પર તેમણે ભાર મૂક્યો અને વર્તમાન વપરાશનો ત્યાગ કરવાના બદલા તરીકે વ્યાજ ચૂકવાય છે તેવી રજૂઆત કરી.

ઑસ્ટ્રિયન આર્થિક વિચારધારાની ત્રણ મુખ્ય લાક્ષણિકતાઓ ગણાય : (1) પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વિકસાવેલા મૂલ્યને લગતા નિરપેક્ષ (absolute) તથા અંતર્ગત (inherent) મૂલ્યના ખ્યાલોને તેમણે રદિયો આપ્યો, (2) આત્મલક્ષી પરિબળોને આધારે તેમણે મૂલ્યનિર્ધારણની પ્રક્રિયાનું સંકલિત વિશ્લેષણ રજૂ કર્યું અને (3) વસ્તુમાં રહેલ ઉપયોગિતા-મૂલ્ય તથા વિનિમય-મૂલ્યનો ‘આત્મલક્ષી મૂલ્ય’(તુષ્ટિગુણ મૂલ્ય)માં સમન્વય કર્યો તથા એક જ નિયમ દ્વારા તેની સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે