ઑગસ્ટ ઑફર : ભારતને સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ્ય આપવા બ્રિટને 1940ના ઑગસ્ટ માસમાં કરેલી દરખાસ્ત. દેશને સ્વતંત્ર કરવાની અને કેન્દ્રમાં જવાબદાર કામચલાઉ સરકાર સ્થાપવાની માગણી સ્વીકારવામાં આવે તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં સહકાર આપવાની ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી હતી. તેના જવાબમાં 8 ઑગસ્ટ, 1940ના રોજ વાઇસરૉય લૉર્ડ લિનલિથગોએ એક નિવેદનમાં સાંસ્થાનિક સ્વરાજ્યને હિંદના ધ્યેય તરીકે જાહેર કરી તેમાં જણાવ્યું કે ‘યુદ્ધ પૂર્ણ થયા બાદ તરત જ બ્રિટિશ સરકાર હિંદના રાષ્ટ્રીય જીવનમાં મહત્વનાં જૂથોનું પ્રતિનિધિત્વ ધરાવતા સભ્યોની એક સમિતિ નીમશે, જે હિંદનું બંધારણ ઘડશે. કેટલાક હિંદીઓને ગવર્નર જનરલની કારોબારી સમિતિમાં અને યુદ્ધ સલાહકાર સમિતિમાં સભ્યપદે નીમવામાં આવશે, હિંદની મોટાભાગની પ્રજા જેનો સ્વીકાર ન કરે અને દેશની શાંતિ અને કલ્યાણ માટે જોખમકારક હોય એવી કોઈ પણ યોજના દાખલ કરવામાં આવશે નહિ.’ આ દરખાસ્ત દ્વારા યુદ્ધ બાદ સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ્ય આપવાનું સરકારે વચન આપ્યું. હિંદનું બંધારણ ઘડવા બંધારણ સભાની રચના કરવાની કૉંગ્રેસની માગણી સ્વીકારવામાં આવી; પરંતુ આ દરખાસ્ત કૉંગ્રેસની માગણીથી ઘણી ઓછી હોવાથી તથા લઘુમતી કોમોના હાથમાં નિર્ણાયક સત્તા આપી હોવાથી કૉંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો હતો.

જયકુમાર ર. શુક્લ