ઓગરા, સોરાબજી ફરામજી (જ. 26 મે 1853; અ. 3 એપ્રિલ 1933) : પારસી રંગમંચના નામી કલાકાર. ગરીબ કુટુંબમાં ઉછેર થયો હતો. શાળાના અભ્યાસમાં મન ન લાગ્યું એટલે પિતાએ એમને કારખાનામાં નોકરીએ રાખ્યા. યંત્રના સંચા પણ સંગીત છેડતા હોય એમ એમને લાગતું અને તે સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ જતા. હિંદી શીખ્યા પછી, ઉર્દૂનો અભ્યાસ લખનૌના ઉસ્તાદ કેદારખાન પાસે કર્યો. પારસી નાટ્યનિર્માતા દાદાભાઈ પટેલે 16 વર્ષના ઓગરાને પ્રારંભમાં ‘ઓરિજિનલ વિક્ટોરિયા થિયેટ્રિકલ ક્લબ’માં રાખ્યા. દાદાભાઈના અવસાન બાદ તે 1876માં એલ્ફિન્સ્ટન નાટક મંડળીમાં જોડાયા. ‘સતવાદી રાજા હરિશ્ચંદ્ર’માં તેમણે હરિશ્ચંદ્રની ભૂમિકા ભજવી હતી. 1885-86માં ન્યૂ આલ્ફ્રેડ કંપનીમાં જોડાયા અને દિગ્દર્શક બન્યા.

સોરાબજી ફરામજી ઓગરા

તેમનામાં હાસ્ય-નટ તરીકેના વિશેષ ગુણ હતા પણ દિગ્દર્શક તરીકે વિશેષ ઝળક્યા હતા. વાચિક અભિનયમાં ઉર્દૂના શુદ્ધ ઉચ્ચાર, વજન, લહેજો વગેરે પારસી નટોને તેમણે શીખવ્યા. શબ્દોચ્ચાર અર્થવાહક બને એની તે પૂરી કાળજી લેતા. વાક્યમાં અર્થનું પ્રભુત્વ સચવાય એ તરફ એમનું વિશેષ લક્ષ રહેતું. હ્રસ્વ-દીર્ઘની જરા પણ ભૂલ તે ચલાવી લેતા નહિ. આંગિક અભિનય બને તેટલો સાહજિક થાય તે જોતા. સ્ત્રીભૂમિકા માટે એમણે ‘નાયક’ જાતિના સુંદર છોકરાઓને તૈયાર કર્યા. તે નટોને રંગમંચ પર આવવાની રીત, ચાલવાની ખૂબી, ઊભા રહેવાની કલા વગેરે પણ દર્શાવતા. તે માનતા કે ભવ્ય સન્નિવેશ, ખર્ચાળ પોશાકો કે અન્ય સામગ્રીથી નાટક સફળ થાય નહિ. નાટકની સફળતા માટે રસપ્રદ કથાનક, તેજસ્વી નટો અને સારા દિગ્દર્શકની જરૂર છે એમ તેમનું મંતવ્ય હતું.

એમણે તૈયાર કરેલાં નાટકો ‘ભૂલ ભૂલૈયા’, ‘ઇન્દ્રસભા’, ‘લયલા મજનૂં’, ‘બીમારે બુલબુલ’, ‘ચલતા પુર્જા’, ‘ખૂબસૂરત બલા’ વગેરે હતાં. અમૃત કેશવ નાયકને દિગ્દર્શનની તાલીમ એમણે આપી હતી.

દિનકર ભોજક