ઑગસ્ટસ ઑક્ટેવિયસ (જ. ઈ. પૂ. 23 સપ્ટેમ્બર 63, રોમ, ઇટાલી; અ. ઈ. પૂ. 19 ઑગસ્ટ 14, ઇટાલી) : રોમન સામ્રાજ્યનો પ્રથમ સમ્રાટ, વિચક્ષણ પ્રશાસક તથા બલાઢ્ય સેનાપતિ. મૂળ નામ ગેઈઅસ ઑક્ટેવિયસ. સમ્રાટ તરીકે ગેઈઅસ જૂલિયસ સીઝર ઑક્ટેવિયસ નામ ધારણ કર્યું. રોમન સેનેટે તેને ‘ઑગસ્ટસ’(આદરણીય)નું બિરુદ આપ્યું હતું. જે તે પછીના સમ્રાટોએ પણ પોતાના નામ સાથે જોડ્યું હતું, ઈ. પૂ. 44માં સીઝરની હત્યાના સમાચાર જાણીને તે ઇલિરિકમથી રોમ પાછો ફર્યો ત્યારે તેને જાણવા મળ્યું કે સીઝરે પોતાના વસિયતનામામાં તેને વારસ તરીકે પસંદ કર્યો હતો.

સીઝરના મૃત્યુ પછી સત્તા કબજે કરવા માટે થયેલી સ્પર્ધાના પરિણામે રોમન સામ્રાજ્યનું શાસન ચલાવવા માટે ત્રણ સભ્યોનું મંડળ (board of three triumvirs) રચવામાં આવેલું. તેમાં ઑગસ્ટસ, માર્ક ઍન્ટની તથા લૅપિડસનો સમાવેશ થયો હતો. સીઝરના હત્યારાઓ – બ્રૂટસ તથા કૅશિયસનો પરાજય કર્યા પછી ઑગસ્ટસ તથા ઍન્ટનીએ પોતાની વચ્ચે સામ્રાજ્યનું વિભાજન કર્યું અને સામ્રાજ્યનો પશ્ચિમ તરફનો વિસ્તાર ઑગસ્ટસને ફાળવવામાં આવ્યો હતો. ઈ. પૂ. 36માં લૅપિડસને દૂર કરીને ઑગસ્ટસે સમગ્ર પશ્ચિમ વિસ્તાર પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. ઈ. પૂ. 31માં ઍન્ટનીનો પરાજય કરીને ઇજિપ્ત પર પોતાનો કબજો જમાવ્યો. ઍૅન્ટની અને ક્લિયોપેટ્રાએ આપઘાત કર્યા પછી તો ઑગસ્ટસનો કોઈ પ્રતિસ્પર્ધી બાકી રહ્યો ન હતો. એટલે તે ગ્રીક-રોમન સામ્રાજ્યનો અધિપતિ બન્યો. ઈ. પૂ. 31થી 23 સુધી ઑગસ્ટસે સામ્રાજ્યનું પ્રજાસત્તાક સ્વરૂપ જાળવી રાખીને રોમન અધિકારી (consul) તરીકે શાસન કર્યું હતું. ઈ. પૂ. 27માં દસ વર્ષ માટે તેને લશ્કરના સેનાપતિપદનું પદ આપવામાં આવ્યું હતું, જે પાછળથી પાંચ વર્ષ માટે અને ફરી દસ વર્ષ માટે લંબાવવામાં આવ્યું હતું. ઈ. પૂ. 23માં તેને આજીવન સાર્વભૌમ સત્તા તથા જનપ્રતિનિધિત્વ પ્રદાન કરવામાં આવ્યું હતું, જેને લીધે તે રોમન સામ્રાજ્યનો રક્ષક બન્યો હતો. ઉપરાંત, રોમન સેનેટના વહીવટ હેઠળના પ્રાંતોમાં હસ્તક્ષેપ કરવાની સત્તા તેને આપવામાં આવી હતી. ઈ. પૂ. 19માં તેને રાજ્યમાન્ય ધર્મના વરિષ્ઠ ધર્મગુરુ તરીકે અને ત્યારબાદ ‘Father of his country’નું બિરુદ એનાયત કરવામાં આવ્યું હતું.

ઑક્ટેવિયસ ઑગસ્ટસ

ઑગસ્ટસના શાસનકાળ દરમિયાન પશ્ચિમમાં ડાન્યૂબ તથા હાઇન સુધી તથા પૂર્વમાં યુફ્રેટીસ સુધી તેના સામ્રાજ્યની સરહદો વિસ્તરવા પામી હતી.

રોમન સામ્રાજ્યના ગૌરવવંતા ભૂતકાળની તથા ઑગસ્ટસની પોતાની સિદ્ધિઓની પ્રશંસા કરનારા તે જમાનાના સાહિત્યકારો તથા કલાકારોને ઑગસ્ટસે સતત પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત, જૂની પરંપરાઓ તથા ધાર્મિક રૂઢિઓ પુન:સ્થાપિત કરવા માટે તેણે સક્રિય પ્રયાસ કર્યો હતો.

બહારથી પ્રજાસત્તાક પણ હકીકતમાં એકતંત્રી શાસનવ્યવસ્થા રોમન સામ્રાજ્યમાં ઑગસ્ટસે દાખલ કરી હતી અને તેના માધ્યમ દ્વારા રોમની જીવનપ્રણાલીના દરેક પાસાને સ્પર્શતા પાયાના ફેરફારો દાખલ કરીને ગ્રીકરોમન સામ્રાજ્યને સ્થિરતા અને સમૃદ્ધિ અપાવવામાં તેણે મોટો ભાગ ભજવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે