ઍશિસ : ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ ક્રિકેટ મૅચમાં હારજીતના ફેંસલાનું પ્રતીક. 1882ની ઓવલ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને ઑસ્ટ્રેલિયા ઉપર વિજય મેળવવા 93 રનની જરૂર હતી, પણ 85 રનમાં આઉટ થયા. ‘સ્પૉર્ટિંગ ટાઇમ્સ’ અખબારમાં સર્લી બ્રુક્સે ઇંગ્લિશ ક્રિકેટ મૃત્યુ પામી છે અને તેના અંતિમ સંસ્કાર કરીને ભસ્મ એટલે કે ‘ઍશિસ’ ઑસ્ટ્રેલિયા લઈ જવાશે એમ લખ્યું. 1882-83માં ઑસ્ટ્રેલિયામાં ઇંગ્લૅન્ડે જીત મેળવી ત્યારે મૅલબર્ન ક્રિકેટ ક્લબના પ્રમુખ સર વિલિયમ ક્લાર્કના ઘરની મહિલાઓએ ‘બેલ્સ’ બાળી તેની રાખ વાસણમાં મૂકીને ઇંગ્લૅન્ડના કપ્તાન ઇવો બ્લાયને સુપરત કર્યું. તે ‘ઍશિસ’નું વાસણ બ્લાયના વસિયતનામા દ્વારા 1927માં એમ.સી.સી.ને પ્રાપ્ત થયું. તે પછી ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ રમતો ‘ઍશિસ’ માટે રમાય છે. હવે આ શબ્દપ્રયોગ રૂઢ બન્યો છે.

આણંદજી ડોસા