ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર

January, 2004

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર (જ. 12 ફેબ્રુઆરી 1871, ન્યૂકેસલ-ઑનેટાઇન, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1940, કોલકાતા) : દીનબંધુ ઍન્ડ્રૂઝ તરીકે જાણીતા, ખ્રિસ્તી ધર્મના સાચા ઉપાસક તથા ગાંધીજીના નિકટના સાથી. તેમના પિતા ધર્મોપદેશક હતા. તેમનું શાળાકીય શિક્ષણ બર્મિંગહામમાં તથા ઉચ્ચ શિક્ષણ કેમ્બ્રિજમાં. તેમણે ત્રણ પ્રશિષ્ટ વિષયો (classical tripos) સાથે પ્રથમ વર્ગમાં પદવી મેળવી હતી (1893). ધર્મશાસ્ત્રમાં આવી જ બીજી પદવી (theology tripos) મેળવ્યા પછી 1896માં તેઓ ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડમાં ધર્મગુરુ તરીકે નિયુક્ત થયા હતા. એક વર્ષ સુધી ઉત્તર ઇંગ્લૅન્ડના ગરીબોની સેવા કર્યા બાદ ક્રિશ્ચિયન સોશ્યલ યુનિયનના સક્રિય કાર્યકર તરીકે તેમણે સમાજકાર્યમાં ઝંપલાવ્યું હતું.

ચાર્લ્સ ફ્રિયર ઍન્ડ્રુઝ

1904માં તેઓ ભારત આવ્યા અને આઠ વર્ષ સુધી દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. પરિણામે ભારત પ્રત્યેના તેમના ર્દષ્ટિકોણમાં તથા સામ્રાજ્યશાહી વ્યવસ્થા અંગેના તેમના ખ્યાલોમાં ક્રાંતિકારી ફેરફાર થયા. કૉલેજના આચાર્યપદે એસ. કે. રુદ્ર નામના ભારતીયની નિયુક્તિ માટે તેમણે આગ્રહ રાખ્યો હતો (1907). રુદ્ર મારફત તેઓ ગોખલે, લજપતરાય, સપ્રુ અને દાદાભાઈ નવરોજીના સંપર્કમાં આવ્યા.

1912માં લંડનમાં રવીન્દ્રનાથ ટાગોર સાથે મુલાકાત થતાં રવીન્દ્રનાથના વ્યક્તિત્વ તથા લખાણથી પ્રભાવિત થયા. 1913માં તેમણે શાંતિનિકેતનની મુલાકાત લીધી હતી અને તે પછી રવીન્દ્રનાથને ગુરુ તરીકે ગણતા થયા. ભારતીય સંસ્કૃતિનાં ઉજ્જ્વળ પાસાં, સ્વાધીનતાની ચળવળનો નૈતિક આધાર, શિક્ષણના પ્રસારની અનિવાર્યતા તથા ભારતીય સમાજમાં વિસ્તરતી ભગ્નાશવૃત્તિ નાબૂદ કરવાની જરૂરિયાત તેમનાં પ્રવચનોનો મુખ્ય સૂર બન્યો. આ પછી પૂર્વ-પશ્ચિમ વચ્ચે સેતુ બનવાનું તેમણે પોતાનું જીવનકાર્ય માન્યું. 1913માં તેમણે સિમલામાં ટાગોર વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં. ભારતીય જીવનમાં ઓતપ્રોત થવાનું તથા તેની અભીપ્સાઓને વાચા આપવાનું દુષ્કર કાર્ય તેમણે સ્વીકાર્યું.

દક્ષિણ આફ્રિકામાં વસેલા ભારતીયોની અન્યાય સામેની લડતના સંદર્ભમાં ગોખલેના સૂચનથી તેઓ 1914માં ડર્બન પહોંચ્યા અને વહાણમાંથી ઊતરતાંની સાથે જ ગાંધીજીને પગે લાગ્યા. તેઓ ફિનિક્સ આશ્રમમાં ગાંધીજી સાથે રહ્યા. પછી તો બંને વચ્ચે જીવનપર્યન્તની મિત્રતા બંધાઈ. ઘણી બાબતો અંગે બંને વચ્ચે પાયાના મતભેદ હતા, છતાં નિખાલસ વાણીવ્યવહાર તથા પરસ્પર સદભાવ અને વિશ્વાસ – એ તેમની વચ્ચેના સંબંધોનો પાયો હતો. ઍન્ડ્રુઝે દક્ષિણ તથા પૂર્વ આફ્રિકાની અનેકવાર મુલાકાત લીધી હતી. 1915 તથા 1917માં તેમની ફિજીની મુલાકાતનો ઉદ્દેશ ભારતીયો સાથે ત્યાં પ્રવર્તતી ભેદભાવભરી નીતિ સામે જનમત જાગ્રત કરવાનો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ પછીના વિક્ષુબ્ધ તથા દમનકારી વાતાવરણથી દ્રવિત થયેલા ઍન્ડ્રુઝ ભારતની સ્વાધીનતાની માગણીને જાહેર ટેકો આપતા થયા હતા. કૉંગ્રેસના કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ શાંતિપૂર્ણ અને બંધારણીય રીતરસમને અનુરૂપ હોવાં જોઈએ તે શરતે 1920 પછીના ગાળામાં તેમણે કૉંગ્રેસના નેતાઓને સહકાર આપવાનું શરૂ કર્યું. 1931 તથા 1932ની સાલમાં તેમની પ્રવૃત્તિઓ વધુ વિસ્તૃત બની. બીજી ગોળમેજી પરિષદ વખતે તેઓ ગાંધીજીની પડખે રહ્યા હતા અને ત્યારે અગ્રણીઓ સાથેની ગાંધીજીની મુલાકાતો ગોઠવવામાં તથા બ્રિટિશ સરકાર અને સમાચારપત્રો વચ્ચે સંપર્ક પ્રસ્થાપિત કરવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. ‘પૂના કરાર’ તથા ‘મંદિર પ્રવેશ ખરડો’ આ બંનેની તરફેણમાં બ્રિટિશ સરકારનો મત કેળવવામાં તેમની ભૂમિકા અગત્યની સાબિત થઈ હતી. ભારત સરકારના 1935ના કાયદાના ખરડામાં તેમણે ભારતના હિતમાં ઘણાં ઉપયોગી સૂચનો કર્યાં હતાં.

ગરીબો અને શોષિતો પ્રત્યે તેમની હમદર્દી તથા પ્રવૃત્તિ તેમના જીવનનું સૌથી અગત્યનું પાસું હતું. તેનાથી પ્રભાવિત થઈને ગાંધીજીએ તેમને ‘દીનબંધુ’ ઉપનામથી નવાજ્યા હતા. ભારતીય ખલાસીઓની સમસ્યાઓ (1914), ચેન્નઈ(મદ્રાસ)ના કાપડ કામદારોની હડતાલ (1918), ચાંદપુરના ચાના બગીચાના બેકાર મજૂરો માટેનું રાહતકાર્ય (1919), રાજપુતાના તથા સિમલા વિસ્તારમાં પ્રવર્તતી વેઠપ્રથાની સમસ્યા (1920) અને રેલવે કર્મચારીઓની હડતાલ (1921 અને 1922) જેવા પ્રસંગે તેઓ ગરીબ અને પીડિત વર્ગની પડખે રહ્યા હતા. 1925 તથા 1927 આ બંને વર્ષે ટ્રેડ યુનિયન કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા. ભારતમાં અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશના સંદર્ભમાં 1925માં તેઓ વાઇકોમ (Vykom) સત્યાગ્રહમાં જોડાયા હતા. હરિજનોની સમસ્યાઓના સંદર્ભમાં તેમની માગણીઓનો ખરડો તૈયાર કરવામાં તેમણે ડૉ. આંબેડકરને સક્રિય સાથ આપ્યો હતો (1933).

1935થી તે ભારત અને ઇંગ્લૅન્ડની પ્રજાની સમસ્યાઓના સમાધાન માટે પોતાનો સમય ફાળવતા થયા હતા. ખ્રિસ્તી ધર્મગુરુ તરીકે પોતાની ફરજો તેમણે ફરી હાથ ધરી હતી (1936) અને જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન ખ્રિસ્તી ધર્મનાં કાર્યોમાં પોતાનો સમય વ્યતીત કરતા રહ્યા હતા. 1938માં તેમણે વિશ્વ ખ્રિસ્તી પરિષદમાં હાજરી આપી હતી. એપ્રિલ, 1940માં કોલકાતાની હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું. અવસાન પૂર્વે ગાંધીજીએ તેમની મુલાકાત લીધી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

રસેશ જમીનદાર