ઍન્ડ્રિચ, ઇવો

January, 2004

ઍન્ડ્રિચ, ઇવો (જ. 10 ઑક્ટોબર 1982, ત્રાવનિક, યુગોસ્લાવિયા અ. 13 માર્ચ 1975, બેલગ્રેડ) : સર્બો-ક્રૉએશિયન નવલકથાઓ અને ટૂંકી વાર્તાના લેખક. તેમને 1961માં નોબેલ પુરસ્કાર અપાયો હતો. ઍન્ડ્રિચનો ઉછેર વિવિધ ધર્મ અને જાતિના લોકોના સંઘર્ષયુક્ત વાતાવરણમાં થયો હતો. શિક્ષણ સરજેવો નામના શહેરમાં. પ્રિય વિષય ફિલસૂફી. ઉચ્ચશિક્ષણ ઝગ્રેબ, વિયેના, ક્રેકો અને ગ્રેઝ યુનિવર્સિટીઓમાં. ફિલસૂફીના વિષયમાં  પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ઑસ્ટ્રિયા અને હંગેરીની નાગચૂડમાંથી સ્વેદશને મુક્ત કરવા માટે ઍન્ડ્રિચ નૅશનલ રેવૉલ્યુશનરી યૂથ ઑર્ગેનિઝેશનમાં જોડાયા હતા. રોમ, બુખારેસ્ટ, જિનીવા, મૅડ્રિડ, બેલગ્રેડ અને બર્લિનમાં તેમણે યુગોસ્લાવિયાના એલચી તરીકે કામ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ બર્લિનમાં એલચી હતા.

આઇવો ઍન્ડ્રિક

લેખક તરીકેની તેમની સંપન્નતાનો બહુ વહેલો પરિચય મળી ગયો હતો. 1919માં લખાયેલ ‘એક્સ પૉન્ટો’ (1918) અને ‘નેગેરી’ કાવ્યમય ગદ્યલેખોના સંગ્રહો છે. તેથી તેમને સારી ખ્યાતિ સાંપડી. તેમાં જિંદગીથી હારેલા માનવીના પણ અંતમુર્ખ સર્જકના વિરાટ જીવન, અફાટ કુદરત અને શાશ્વત કાળને સમજવાના ઉત્કટ પ્રયત્નો જોવા મળે છે. યુગોસ્લાવિયાની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ ઑસ્ટ્રો-હંગેરિયન સત્તાવાળાઓએ તેમને કેદમાં પૂર્યા એ સમય દરમિયાન લખાયેલ આ કૃતિ સુંદર ઊર્મિપ્રધાન ગદ્યરચના છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડૉ. ઍન્ડ્રિચે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી. આ નિવૃત્તિકાળ દરમિયાન તેમણે બોસ્ની ભાષામાં ‘મીસ’, ‘ધ ટ્રાવનિક ક્રૉનિકલ’ અને ‘ધ બ્રિજ ઑન ધ ડ્રિના’ નવલકથાઓ લખી. બોસ્નિયા અને તેના લોકો તેમનાં બધાં પુસ્તકોનો વિષય બનેલ છે. ભિન્ન ભિન્ન ધર્મ અને જાતિના લોકો  એખલાસ કેળવીને એકબીજાને સહાનુભૂતિથી સમજવાનો પ્રયત્ન કરે એ દિશામાં ઍન્ડ્રિચનો પ્રયત્ન રહ્યો છે. તેમની નવલકથાઓ અને વાર્તાઓમાં નિરૂપતિ લોકજીવન પ્રાદેશિક સંકુચિતતાની સીમા ઓળંગીને વૈશ્વિક ભૂમિકાઓ વિસ્તરે છે. ઉદ્ધત અને તરવરિયા જુવાનો વિકારથી ખદબદતા અને ઉત્કટ ભાવાવેશ ધરાવતા માણસો; બહાદુર સાહસિકો સાધુઓ, વેપારીઓ, કારીગરો, અમલદારો, પાશાની બેગમો અને રખાતો, કૅથલિકો, રૂઢિચુસ્તો, મુસ્લિમો, યહૂદીઓ, જિપ્સીઓ – એમ ભાત ભાતના લોક ઍન્ડ્રિચની વાર્તાસૃષ્ટિમાં જીવતા થાય છે.

‘ધ બ્રિજ ઑન ધ ડ્રિના’ ઍન્ડ્રિચની અને સર્બો-ક્રોટ ભાષાની શ્રેષ્ઠ નવલકથા છે. ઑટૉમન સામ્રાજ્યના વજીર મહમદ પાશાએ બંધાવેલ પથ્થરના પુલ ઉપર નવલકથામાં મુખ્ય પાત્રોનો છેવટનો નતીજો આવે છે. લેખકે પોતાની ભૂમિની ત્રણસો વર્ષની પલટાતી જિંદગીમાંથી જીવંત મહાકાવ્ય જેવી આ ભવ્ય  મહાનવલનું સર્જન કર્યું છે. દુનિયાની અનેક ભાષાઓમાં તેના અનુવાદો થયા છે.

યુગોસ્વાલિયાના રાજદૂત તરીકે તેમને ઘણા દેશોમાં ફરવાનું થયું અને વિવિધ પ્રકારના અનુભવોની સામગ્રી એમાંથી મળી. બહુરંગી વંશીય વૈવિધ્ય, ભાતીગળ લોકસાહિત્ય અને વૈવિધ્યપૂર્ણ કથાસામગ્રીની સમૃદ્ધિ ધરાવતા તેમના વતનમાંથી તેમને પોતાની કૃતિઓ માટે વિષયસામગ્રી પણ મળી રહી હતી. તેમની કૃતિઓ તેમનું પ્રાઙ્-નિર્મિત તરફ ઢળતું દાર્શનિક વલણ અને તેમની માનવભાવના વ્યક્ત કરે છે. 1961માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા ત્યારે તેઓ યુગોસ્વાલિયાના તૉલ્સ્તૉય તરીકે ઓળખાતા હતા. તેમને એનાયત થયેલ નોબેલ પુરસ્કાર આ મુત્સદ્દી નવલનવેશની કીર્તિ પર કળશ સમાન છે. સૂક્ષ્મ નિરીક્ષણ તાદૃશ ચિત્રણ અને મનોવૈજ્ઞાનિક નિરૂપણ આ લેખકની કૃતિઓમાં ધ્યાન ખેંચે છે.

દિગીશ મહેતા

મહેશ ચોકસી

નલિન પંડ્યા