એન્ડૉર્સમેન્ટ (શેરો)

January, 2004

એન્ડૉર્સમેન્ટ (શેરો) : હૂંડી અથવા ચેકના માલિકીહકો તેના અંતિમ ધારક અથવા તેમાં દર્શાવેલી નામજોગ વ્યક્તિને મળે તે હેતુથી પરક્રામ્ય દસ્તાવેજ પર ઠરેલો શેરો. ભારતમાં આ પ્રકારનો શેરો પરક્રામ્ય દસ્તાવેજ અધિનિયમ 1881ની જોગવાઈને અધીન હોય છે અને આવો શેરો દસ્તાવેજના પાછળના ભાગ પર અથવા તેની સાથે જોડેલા કાગળ પર કરવામાં આવે છે. તે લખનાર વ્યક્તિ એન્ડૉર્સર અને જેની તરફેણમાં દસ્તાવેજોની માલિકીની તબદીલી થઈ હોય તે એન્ડૉર્સી કહેવામાં આવે છે. આ બંને વચ્ચે સામાન્ય રીતે અનુક્રમે દેવાદાર અને લેણદારનો સંબંધ હોય છે. શાહજોગ (bearer) દસ્તાવેજનું માત્ર હસ્તાંતરણ કરવાથી તેના માલિકીહક્કોની ફેરબદલી આપોઆપ થઈ જાય છે, પરંતુ જો તે ફરમાનજોગ (order) હોય તો તેના માલિકીહક્કોની ફેરબદલી કરવા માટે તેના પર શેરો કરવો જરૂરી બને છે. આવા શેરાથી માલિકીપણાની તબદીલી ઘણી જ સરળતાથી થઈ જાય છે એ તેની લાક્ષણિકતા છે. ક્યારેક તો માલિક દ્વારા તેના પર માત્ર સહી કરવાથી દસ્તાવેજોના માલિકીહક્કોની ફેરબદલી થઈ જાય છે.

શેરાની યથાર્થતા કેટલીક શરતોને અધીન હોય છે : (1) તે દસ્તાવેજના રૂપમાં લખેલો હોવો જોઈએ. પ્રચલિત વ્યવહાર મુજબ તે દસ્તાવેજના પાછળના ભાગ પર લખાતો હોય છે; પરંતુ અગાઉ લખેલા શેરાને કારણે જો કદાચ નવા શેરા માટે તેના પર કોરી જગ્યા ન હોય તો તે માટે તેની સાથે વધારાનો કાગળ ચોંટાડવામાં આવે છે. તેને એલોન્જ (allonge) કહેવામાં આવે છે. (2) તે શેરો દસ્તાવેજ લખનાર વ્યક્તિએ અથવા તેનાં નાણાં મેળવનારે (payee) અથવા દસ્તાવેજના માલિકે અથવા તેના વતી કોઈ અધિકૃત પ્રતિનિધિએ લખેલો હોવો જોઈએ. સંયુક્ત માલિકીવાળા દસ્તાવેજો પર બધા જ માલિકોની અથવા તે બધાનું અધિકૃત પ્રતિનિધિત્વ ધરાવતા કોઈ એક માલિકની સહી હોવી આવશ્યક છે. (3) શેરો કરવાથી દસ્તાવેજ પર દર્શાવેલ રકમનું આંશિક હસ્તાંતરણ થઈ શકતું નથી. તેવી જ રીતે એક જ દસ્તાવેજની સંપત્તિનું એક કરતાં વધુ એન્ડૉર્સીની તરફેણમાં આંશિક રકમોનું શેરા દ્વારા હસ્તાંતરણ કરી શકાય નહિ. તેથી શેરો દસ્તાવેજની પૂરી રકમના માલિકીહક્કોના હસ્તાંતરણ માટે કરવો અનિવાર્ય હોય છે. (4) શેરો કરનારે પોતાના હસ્તાક્ષરમાં જ સહી કરવી આવશ્યક છે; એટલું જ નહિ, પરંતુ સહી કરતી વેળાએ દસ્તાવેજમાં કે અગાઉ કરેલા શેરોમાં તેનું નામ અને હોદ્દો જે રીતે લખેલો હોય તે જ રીતે લખીને તેમાં સહી કરેલી હોવી જોઈએ; દા. ત., શબ્દોની જોડણી પણ યથાવત્ રાખેલી હોવી જોઈએ.

શેરાના ચાર પ્રકાર છે : (1) સાદો અથવા કોરો (simple or blank) શેરો; એમાં એન્ડૉર્સરે અન્ય કોઈ લખાણ કે શેરા વગર માત્ર પોતાની સહી જ કરી હોય. આવો શેરો ફરમાનજોગ દસ્તાવેજને શાહજોગ દસ્તાવેજમાં ફેરવી નાંખે છે. (2) સંપૂર્ણ અથવા વિશિષ્ટ (full or special) શેરો; એમાં એન્ડૉર્સર દસ્તાવેજનાં નાણાં ચોક્કસ રીતે નિર્ધારિત વ્યક્તિને અથવા તો તેના આદેશ મુજબ ચૂકવવા માટેની સ્પષ્ટ સૂચના આપતો શેરો લખે છે. (3) શરતી (conditional or qualified) શેરો; એમાં એન્ડૉર્સરે તેની પોતાની જવાબદારી મર્યાદિત કરતી અથવા નાબૂદ કરતી શરત ઉમેરી હોય; દા. ત., ‘મારી જવાબદારી વગર’ (without recourse to me). (4) પ્રતિબંધક અથવા અંકુશાત્મક (restrictive) શેરો; એમાં એન્ડૉર્સર એન્ડૉર્સીના દસ્તાવેજ અંગેના માલિકીહક્કોની ફેરબદલી કરવાના અધિકાર પર અંકુશ મૂકતો કે તે નાબૂદ કરતો શેરો ઉમેરે છે. આમ કરવાથી દસ્તાવેજની વિનિમયસાધ્યતા મર્યાદિત અથવા નાબૂદ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયન્તિલાલ પો. જાની