ઋતુસ્રાવસ્તંભન

January, 2004

ઋતુસ્રાવસ્તંભન (amenorrhoea) : પુખ્ત સ્ત્રીમાં ઋતુસ્રાવ ન થવો તે. જો ઋતુસ્રાવ 18 વર્ષની વય સુધીમાં શરૂ ન થાય તો તેને પ્રારંભિક (primary) ઋતુસ્રાવસ્તંભન કહે છે. ઋતુસ્રાવચક્રો શરૂ થયા પછી જો ઋતુસ્રાવ બંધ થાય તો તેને આનુષંગિક (secondary) ઋતુસ્રાવસ્તંભન કહે છે. જો ગર્ભાશયગ્રીવા (cervix) અથવા યોનિ (vagina) અવિકસિત કે વિકૃત હોય તો થયેલો ઋતુસ્રાવ બહાર આવી શકતો નથી. તેને છદ્મ (false) અથવા ગુપ્ત (crypto) ઋતુસ્રાવસ્તંભન કહે છે. બાળપણમાં, ઋતુનિવૃત્તિકાળ-(menopause)માં સગર્ભાવસ્થામાં કે સ્તન્યપાન કરાવતી સ્ત્રીઓમાં દેહધર્મી કે શરીરશાસ્ત્રીય ક્રિયાઓને કારણે ઋતુસ્રાવ થતો નથી. તેને દેહધર્મી (physiological) ઋતુસ્રાવસ્તંભન કહે છે. અધશ્ચેતક (hypothalamus), પીયૂષિકા(pituitary)ગ્રંથિ તથા અંડગ્રંથિ-(ovary)ના અંત:સ્રાવો ઋતુસ્રાવચક્રનું નિયમન કરે છે (જુઓ વિ.કો. ખંડ 1, અંડકોષજનન, પૃ. 763; અંડકોષમોચન, પૃ. 763; અંત:સ્રાવી ગ્રંથિતંત્ર, પૃ. 840.), તેથી તેમનામાં તથા ગર્ભાશયના વિકારો અને રોગોમાં ઋતુસ્રાવસ્તંભન થાય છે.

સારણી 1 : ઋતુસ્રાવસ્તંભનનાં કારણો

1. અધશ્ચેતક ઉગ્ર લાગણીજન્ય તણાવ, માનસિક વિકારો,

છદ્મસગર્ભિતા (pseudocyesis), ફ્રોહલિકનું સંલક્ષણ

(Frohlich’s Syndrome), મનોવિકારી અરુચિ (જુઓ

અરુચિ મનોવિકારી.), મધ્યમસ્તિષ્ક(mid brain)ને ઈજા

વગેરે.

2. અંત:સ્રાવી

(endocrine)

ગ્રંથિઓ

ફ્રોહલિકનું સંલક્ષણ, પીયૂષિકાગ્રંથિજન્ય વામનતા

(pituitary dwarfism), શીહન(Sheehan)નું

સંલક્ષણ અથવા સિમોન્ડ(Simmond)નો રોગ,

ટર્નર(Turner)નું સંલક્ષણ, સ્ટેન લેવેન્થાલ(Stein-

Leventhal)નું સંલક્ષણ, બાળપણની અલ્પગલગ્રંથિતા

(cretinism), અલ્પગલગ્રંથિતા (hypothyroidism),

અંડગ્રંથિ કે અધિવૃક્ક (adrenal) ગ્રંથિની પૌરુષ

(virilising) ગાંઠ, અંડગ્રંથિઉચ્છેદન (oophere-

ctomy), અંડગ્રંથિ-વિકિરણન (ovarian irradiation)

વગેરે.

3. ગર્ભાશય અવિકસિત ગર્ભાશય, અંત:કલાશોથ (endomet-ritis),

ગર્ભાશયઉચ્છેદન (hysterectomy) વગેરે.

4. શારીરિક બંધારણ અપોષણ, પાંડુતા, વ્યાપક ક્ષય, દીર્ઘકાલી મલેરિયા,

ઉગ્ર ચેપજન્ય તાવ વગેરે.

પ્રારંભિક અને આનુષંગિક ઋતુસ્રાવસ્તંભનનાં કારણો લગભગ સમાન છે. સખત માનસિક આઘાતથી અધશ્ચેતકના કાર્યમાં વિક્ષેપ ઊભો થાય છે અને તે પણ ઋતુસ્રાવ બંધ કરે છે. તે ઉપરાંત વિવિધ શારીરિક રોગો પણ ઋતુસ્રાવસ્તંભન કરે છે. ઋતુસ્રાવસ્તંભનના કારણરૂપ રોગ/વિકારનાં ચિહનો અને લક્ષણો તથા પ્રયોગશાળાની તપાસ નિદાન માટે ઉપયોગી છે. પેટના નીચેના ભાગમાં દુખાવો, અતિશય મેદ, ઉગ્ર ચેપ, દીર્ઘકાલી રોગો, અપોષણ, લોહીની ઊણપ, માનસિક તણાવ, ટૂંકું કદ, પુરુષ જેવાં લૈંગિક લક્ષણો (દા. ત. ચહેરા પર વાળ), જનનાંગોની વિકૃતિ વગેરે નિદાન માટે ઉપયોગી ચિહનો છે. જરૂરી લોહીની તપાસ અને ઍક્સ-રે ચિત્રણ ઉપરાંત ગર્ભાશયની અંત:કલાનું ખોતરણ (curettage, જુઓ આંશિક ખોતરણ.) તથા અંત:સ્રાવોનો પ્રાયોગિક ચિકિત્સા રૂપે ઉપયોગ પણ નિદાનમાં મદદરૂપ થાય છે. ઇસ્ટ્રોજન અથવા ઇસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોનને ઔષધ રૂપે આપ્યા પછી જ્યારે એ દવાઓ બંધ કરવામાં આવે ત્યારે જો રુધિરસ્રાવ ન થાય તો તેને નિરંકુશી (refractory) ઋતુસ્રાવસ્તંભન કહે છે. ગર્ભાશયી અંત:કલા ખોતરણ અંત:કલાના ચેપના તથા અંત:સ્રાવી વિકારોના નિદાનમાં ઉપયોગી છે. ક્યારેક આવા ખોતરણ પછી ઋતુસ્રાવ નિયમિત પણ થઈ જાય છે. અંત:સ્રાવી અસરો જોવા માટે ગર્ભાશયગ્રીવાના તથા યોનિના કોષોને સૂક્ષ્મદર્શક વડે તપાસાય છે. લોહીમાંનું અંત:સ્રાવોનું પ્રમાણ (જુઓ આમાપન.) પણ મપાય છે. લિંગીય રંગસૂત્રોનો અભ્યાસ (જુઓ : આનુવંશિકતા અને જનીનશાસ્ત્ર) જનીનીય કારણોના નિદાનમાં ઉપયોગી છે.

ઋતુસ્રાવના કારણ અનુસાર સારવાર અપાય છે. પ્રારંભિક ઋતુસ્રાવસ્તંભનની સારવાર ઘણી વખત યોગ્ય પરિણામ લાવતી નથી. જન્મજાત વિકૃતિ રૂપે જો યોનિદ્વારપટલ(hymen)માં છિદ્ર ન હોય તો તેનું છિદ્રણ છદ્મ ઋતુસ્રાવસ્તંભનનો યોગ્ય ઉપચાર બની રહે છે. અલ્પવિકસિત ગર્ભાશય, કોષનાશી ગર્ભાશયી અંત:કલાશોથ (gangrenous endometritis) તથા ગર્ભાશય-ખોતરણ સમયે સમગ્ર અંત:કલા કાઢી નંખાઈ હોય તો સારવાર મોટેભાગે નિષ્ફળ રહે છે. ગર્ભાશયગ્રીવાની નલિકાને પહોળી કરી ગર્ભાશયી અંત:કલાનું ખોતરણ (વિસ્ફારણ અને ખોતરણ, dilatation and curettage, D & C) ઘણી વખત નિદાન અને ચિકિત્સા માટે ઉપયોગી રહે છે. માનસિક અને અંત:સ્રાવી વિકારોમાં અનુક્રમે મનશ્ચિકિત્સા અને અંત:સ્રાવોનો ઉપયોગ ફળદાયી રહે છે.

શિલીન નં. શુક્લ

કલ્પના દવે