ઋત્વિજ : યજ્ઞ કરાવનાર યાજ્ઞિક. આ શબ્દમાં યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોના સર્વ પ્રકારોનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ અનુસાર અગ્નિની સ્થાપના, દર્શપૂર્ણમાસાદિ પાકયજ્ઞો, સોમયાગો, અશ્વમેધાદિ મહાયજ્ઞો અને અગ્નિષ્ટોમ આદિ યજ્ઞો યજમાન માટે કરાવનાર બ્રાહ્મણ ઋત્વિજ કહેવાય છે. ઋતુ પ્રમાણે યોગ્ય સમયે યજ્ઞ કરે તે ઋત્વિજ એવો ‘ઋત્વિજ’ શબ્દનો અર્થ થાય. પ્રધાનપણે તે યજમાનનું કર્મ કરે પણ વિભિન્ન ઋતુઓમાં એટલે સંવત્સરના વિવિધ સમયોમાં કરવાના યજ્ઞો ઋત્વિજ પોતે પણ કરે એવું અભિપ્રેત છે.

ઋગ્વેદમાં આપેલી યાદી પ્રમાણે ઋત્વિજ સાત છે. તેમનાં નામ : હોતા, પોતા, નેષ્ટા, આગ્નીધ્ર, પ્રશાસ્તા, અધ્વર્યુ અને બ્રહ્મા. એ સાતમાં ઋચાઓનું ગાન કરનાર હોતા મુખ્ય ગણાતો.

આ પછી બ્રાહ્મણકાળમાં યજ્ઞોનું રૂપ વિકસિત થતાં ઋત્વિજોની સંખ્યા સોળ થઈ. એમાં ચાર ઋત્વિજ (મુખ્ય) અને તે દરેકને ત્રણ સહાયક રહેતા. (1) હોતા, મૈત્રાવરુણ, અચ્છાવાક અને ગ્રાવસ્તુત એ ચાર ઋગ્વેદજ્ઞ ઋત્વિજો છે. હોતા તેમાં મુખ્ય છે. આ ઋત્વિજો શસ્ત્રપાઠ, ઉક્થપાઠ કરે છે. (2) અધ્વર્યુ, પ્રતિપ્રસ્થાતા, નેષ્ટા અને ઉન્નેતા એ ચાર યજુર્વેદજ્ઞ ઋત્વિજો છે. અધ્વર્યુ તેમાં મુખ્ય છે. આ ઋત્વિજો યજ્ઞક્રિયા કરતા હોવાથી તેમનું સ્થાન મહત્વનું ગણાય છે. (3) ઉદગાતા, પ્રસ્તોતા, પ્રતિહર્તા અને સુબ્રહ્મણ્ય એ સામવેદજ્ઞ ઋત્વિજો છે. ખાસ તો સોમયાગોમાં અને આધાનકર્મમાં તથા મહાયજ્ઞોમાં પણ તેમનું કામ પડે છે. (4) બ્રહ્મા, બ્રાહ્મણાચ્છંસી, આગ્નીધ્ર અને હોતા એ અથર્વવેદીય ઋત્વિજો છે. યજ્ઞકર્મની સાંગતા અને શુદ્ધિનું ધ્યાન બ્રહ્માએ રાખવાનું હોય છે. તેથી આચાર્ય પછી તેનું સ્થાન હોય છે. ચાર મુખ્ય ઋત્વિજો મહર્ત્વિજ કહેવાય છે.

ઉપરના સોળ ઋત્વિજો ઉપરાંત સદસ્ય નામે એક ઋત્વિજ અને તેના બે સહાયક શામિત્ર તથા ચમસાધ્વર્યુ હોય છે. આ બે સહાયકો ઋત્વિજ ગણાતા નથી. આ ઉપરાંત પુરોહિતનો ઉલ્લેખ પણ મળે છે. તે રાજાને સર્વ ધાર્મિક કાર્યોમાં સલાહ આપતો અને યજ્ઞના મુખ્ય નિરીક્ષણનું કાર્ય કરતો.

ચારેય વેદના ઋત્વિજોને સરખે ભાગે નિશ્ચિત પ્રમાણમાં દક્ષિણા મળતી. મહર્ત્વિજને એ ચતુર્થાંશનું અર્ધવિશેષ મળે અને બાકીના ઋત્વિજો પૈકી દરેકને ચતુર્થાંશમાં કંઈક ઓછું મળે. ઋત્વિજ ન ગણાય એવા બ્રાહ્મણોને ભૂયસી એટલે વધારાની દક્ષિણા મળતી.

ઉ. જ. સાંડેસરા

નટવરલાલ યાજ્ઞિક