ઋતુસ્રાવ વિકારો

January, 2004

ઋતુસ્રાવ વિકારો (menstrual disorders) : ઋતુસ્રાવ વધુ, ઓછો, સતત, વહેલો, મોડો કે અનિયમિત આવે તે. તેમાં ઋતુસ્રાવ-સ્તંભન (amenorrhoea), ઋતુસ્રાવનિવૃત્તિ (menapause) કે કષ્ટદાયી ઋતુસ્રાવ(dysmenorrhoea)ને આવરી લેવાતા નથી. ઋતુસ્રાવનું પ્રમાણ વધે (અતિઋતુસ્રાવતા, menorrhagia) કે ઘટે (અલ્પઋતુસ્રાવતા, hypomenorrhoea) અથવા તે 3 અઠવાડિયાં કરતાં વહેલો આવે (ત્વરિત ઋતુસ્રાવતા, polymenorrhoea) કે 6 અઠવાડિયાં કરતાં મોડો આવે (વિલંબિત ઋતુસ્રાવતા, oligomenorrhoea) તેવું બને. જ્યારે વધુ પડતો ઋતુસ્રાવ અનિયમિતપણે આવે કે સતત ચાલુ રહે તો તેને અત્યધિઋતુસ્રાવતા (menometrorrhagia) કહે છે.

અતિઋતુસ્રાવતા અને અત્યધિઋતુસ્રાવતા : જનનાંગો, રુધિરાભિસરણ, લોહી અને અંડગ્રંથિની દુષ્કાર્યશીલતા(ovarian dysfunction)ના વિકારો આ પ્રકારની અસ્વસ્થતા સર્જે છે. ગર્ભાશયની દીવાલમાં તંતુસમાર્બુદ(fibroid)ની ગાંઠ થાય, ગ્રંથિસ્નાયુતા (adenomyosis) થાય, દીર્ઘકાલી ગર્ભાશયી અંત:કલાશોથ (endometritis) થાય, શ્રોણીય શોથ (pelvic inflammation) થાય અથવા શ્રોણિમાં ગર્ભાશયી કલાવિસ્થાન (endometriosis) થાય ત્યારે ઋતુસ્રાવમાં વધુ લોહી પડે છે અને તે અનિયમિત થાય છે. અંડગ્રંથિની કેટલીક ગાંઠોમાં પણ આ તકલીફ થાય છે. લોહીનું દબાણ વધે કે તેના ગઠનકોષો (platelets) અથવા ગઠનઘટકો- (coagulation factors)ના વિકારો થાય તોપણ અતિશય રુધિરસ્રાવ થાય છે. વિટામિન ‘સી’ની ઊણપ હોય તો કેશવાહિનીઓ જલદીથી તૂટી જાય છે. તે કારણે પણ વધુ પ્રમાણમાં લોહી વહે છે. ક્યારેક અતિગલગ્રંથિતા (hyperthyroidism) અને ઘણી વખત અલ્પગલગ્રંથિતા(hypothyroidism)ના દર્દીમાં પણ અતિશય ઋતુસ્રાવ થાય છે. ગર્ભાશયમાં ગર્ભનિરોધક સાધન મૂકવામાં આવ્યું હોય ત્યારે પણ અતિશય ઋતુસ્રાવ થાય છે.

અંડગ્રંથિની દુષ્કાર્યશીલતાથી થતો ગર્ભાશયનો રુધિરસ્રાવ : ગર્ભાશયમાં કોઈ પણ રોગ કે વિકાર ન હોય ત્યારે અતિશય અને/અથવા અનિયમિત રીતે લોહી વહે તેને દુષ્કાર્યશીલતાજન્ય ગર્ભાશયી રુધિરસ્રાવ (dysfunctional uterine bleeding) કહે છે. કેટલાક તેને કાર્યશીલતાજન્ય રુધિરસ્રાવ પણ કહે છે. તે કોઈ પણ ઉંમરે થાય છે; પરંતુ તે યૌવનારંભે (puberty) કે ઋતુનિવૃત્તિકાળે સૌથી વધુ થાય છે. સામાન્ય રીતે પીયૂષિકા(pituatary)ગ્રંથિ, અંડગ્રંથિ (ovary) અને ગર્ભાશયની ધરીમાં અસંગતતા (incoordination) આવે ત્યારે આવો રુધિરસ્રાવ થાય છે. અંડગ્રંથિમાંથી અંડકોષ છૂટતો હોય તેવા અંડકોષી (ovulatory) ઋતુસ્રાવચક્રમાં અથવા તો અંડકોષ છૂટતો ન હોય તેવા નિરંડકોષી (anovulatory) ઋતુસ્રાવચક્રમાં રુધિરસ્રાવ થતો હોવાથી તેને બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે : (1) અંડકોષી દુષ્કાર્યશીલતાજન્ય રુધિરસ્રાવના અર્ધા જેટલા દર્દીઓમાં ગર્ભાશયી અંત:કલા (endometrium) સામાન્ય હોય છે, પરંતુ તેનું અનિયમિત વિઘટન થાય છે. તેનો વિકાસ અનિયમિત હોવાથી એક જ સમયે તેમાં વર્ધન-અવસ્થા અને સ્રાવ-અવસ્થા જોવા મળે છે. (જુઓ ઋતુસ્રાવચક્ર.) જ્યારે આ અવસ્થાઓ લાંબી હોય ત્યારે વિલંબિત ઋતુસ્રાવતા અને ટૂંકી હોય ત્યારે ત્વરિત ઋતુસ્રાવતા થાય છે. ક્યારેક તે ક્ષીણ (atrophied) થયેલી હોય છે તો ક્યારેક તેમાં ક્ષય, મસો, ગર્ભનિરોધક સાધન કે અંદર રહી ગયેલ ફલિત પ્રજનનપેશી(products of conception)ને કારણે લાંબા સમયનો શોથ (enodometritis) જોવા મળે છે. ગર્ભાશયી તંતુસમાર્બુદ ક્યારેક મસારૂપે આ તકલીફ સર્જે છે. (2) નિરંડકોષી દુષ્કાર્યશીલતાજન્ય રુધિરસ્રાવના દર્દીમાં ગર્ભાશયી અંત:કલા અતિવિકસિત (hyper plastic) થઈને જાડી થઈ જાય છે અને તેને રુધિરસ્રાવી ગર્ભાશયરોગ (metropathia-haemorrhagica) પણ કહે છે. અંડગ્રંથિમાં એક કે વધુ, ગ્રાફિયન પુટિકાઓ (જુઓ : અંડકોષજનન) લાંબા સમય સુધી ટકી રહીને કાર્યરત રહે છે અને તેમાંથી અંડકોષ છૂટો પડતો નથી. ગ્રાફિયન પુટિકા ઇસ્ટ્રોજનનું સતત ઉત્પાદન કરે છે, જે ગર્ભાશયી અંત:કલાનું અતિવિકસન કરે છે. અતિવિકસિત અંત:કલામાં મસા (polyps) પણ થાય છે. અંત:સ્રાવો(ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન)નાં ઔષધો લેવાથી પણ ક્યારેક અતિશય રુધિરસ્રાવ થાય છે. ખૂબ લોહી વહેવાથી લોહીની ઊણપ (પાંડુતા, anaemia) થાય છે. ગર્ભાશયનું કદ વધતું નથી પરંતુ તેમાં મસા કે કૅન્સર થયું છે કે નહિ તે તપાસવું જરૂરી ગણાય છે. લોહીની તપાસ, ગર્ભાશયી અંત:કલાનું ખોતરણ (જુઓ આંશિક ખોતરણ,) અંત:સ્રાવોનું લોહીમાંનું પ્રમાણ, ગર્ભાશયનિરીક્ષા (hysteroscopy), ઉદરનિરીક્ષા (laparoscopy) તથા ગર્ભાશયચિત્રણ (hysterography) નિદાન માટે ઉપયોગી છે. 20 વર્ષથી નીચેની ઉંમરની છોકરીઓમાં પ્રથમ 30થી 40 ઋતુસ્રાવચક્રો નિરંડકોષી હોય છે. તેથી તે વખતે થતો દુષ્કાર્યશીલતાજન્ય રુધિરસ્રાવ નિરંડકોષી દુષ્કાર્યશીલતાજન્ય હોય છે. તેવી જ રીતે ઋતુનિવૃત્તિકાળ સમયે પણ નિરંડકોષી દુષ્કાર્યશીલતા જોવા મળે છે. 20થી 40 વર્ષની ઉંમરના જૂથમાં સૌમ્યગાંઠ, શ્રોણિનો શોથજન્યરોગ (pelvic inflammatory disease) અને સગર્ભાવસ્થા સંબંધી વિકારો મુખ્ય હોય છે. લોહીની ઊણપની સારવાર, ઇસ્ટ્રોજન અથવા ઇસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોનના મિશ્રણરૂપ ગર્ભનિરોધક ગોળીઓ, એન્ડ્રોજન વગેરેથી જો રુધિરસ્રાવ ન અટકે તો ગર્ભાશય-ખોતરણ (curettage) કરવાનું સૂચવાય છે. 40 વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં ગર્ભાશય-ઉચ્છેદન (hysterectomy) કરી ગર્ભાશયની કોથળી કાઢી નાખવાનું સૂચવાય છે. અનેક જોખમી આડઅસરોને કારણે હાલ અંડગ્રંથિની વિકિરણચિકિત્સા (radiotherapy) કરાતી નથી.

અલ્પઋતુસ્રાવતા : નિયમિત પરંતુ ઓછા પ્રમાણમાં થતો રુધિરસ્રાવ જો ઋતુસ્રાવ-આરંભ(menarche)થી હોય તો તે અલ્પવિકસિત ગર્ભાશયને કારણે થતો હોય છે. તેનાથી પ્રજનનક્ષમતા (fertility) ઘટતી નથી અને તેની સારવાર કરવાની જરૂર ગણાતી નથી. લાંબા સમયના સ્તન્યપાન (lactation) પછી, બાળકના જન્મ પછી તરત જેનું ખૂબ લોહી વહી ગયું હોય તેવા દર્દીમાં અને એક અંડગ્રંથિને શસ્ત્રક્રિયાથી કાઢી નખાઈ હોય ત્યારે આનુષંગિક અલ્પઋતુસ્રાવતા થાય છે.

વિલંબિત ઋતુસ્રાવતા : જે કારણો આનુષંગિક ઋતુસ્રાવસ્તંભન કરે છે તે જ વિકારો ઋતુસ્રાવચક્રને 6 અઠવાડિયાંથી માંડીને 3થી 4 મહિના સુધી લંબાવવામાં કારણભૂત થાય છે. (જુઓ ઋતુસ્રાવસ્તંભન.) આવા દર્દીમાં પ્રજનનક્ષમતા ઓછી હોય છે.

ત્વરિત ઋતુસ્રાવતા : અતિઋતુસ્રાવતા કરતા વિકારો ઋતુસ્રાવચક્રને 3 અઠવાડિયાંમાંથી ટૂંકાવીને ત્વરિત ઋતુસ્રાવતા કરે છે. તેવી જ રીતે અંડગ્રંથિમાં પીતપિંડ (corpus luteum) વહેલું કરમાય તોપણ ઋતુસ્રાવ વહેલો આવે છે. અંડગ્રંથિમાંથી જ્યારે અંડકોષ છૂટો પડે ત્યારે ક્યારેક વધુ પ્રમાણમાં લોહી પડે છે. તેને ભૂલથી ઋતુસ્રાવ થયેલો માનવામાં આવે તો ત્વરિત ઋતુસ્રાવતા થઈ છે એમ ખોટું નિદાન થઈ શકે છે. કારણભૂત વિકારની સારવાર, માનસિક સારવાર તથા જરૂર પડ્યે પીતપિંડકારી અંત:સ્રાવ (luteinising hormone, LH) વડે કરાતી સારવાર ઉપયોગી નીવડે છે.

કલ્પના દવે

શિલીન નં. શુક્લ