ઊર્મિકાવ્ય : સામાન્યત: ઊર્મિના પ્રાધાન્યવાળું કાવ્ય. મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos પરથી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાઈ છે. લાઇર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગવાતી.

સ્વરૂપ : વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઊર્મિકાવ્યનો પ્રકાર ઊર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઊર્મિ એનું પ્રાણતત્વ છે. તેમાં અંગત અને વ્યક્તિગત ઊર્મિની અભિવ્યક્તિ પ્રત્યક્ષ રીતે થતી હોય છે. આત્મલક્ષી ભાવસ્થિતિ અને સહજસ્ફૂર્ત ઉત્કટ આલેખનથી તે આસ્વાદ્ય બને છે. ગ્રીક ઊર્મિકાવ્ય સામાન્ય રીતે ટૂંકું એટલે બાર-પંદર પંક્તિથી વધુમાં વધુ પચાસ પંક્તિ સુધીનું હતું. ઊર્મિની ઉત્કટતા બહુધા દીર્ઘજીવી હોતી નથી તેથી તેમાં લાઘવ જરૂરી ગણાયું છે; પરંતુ આત્મલક્ષિતા નિમિત્તે સ્ફુટ થતું સંવેદન અને તજ્જન્ય વિચારસ્ફુલ્લિગં કાવ્યસર્જનને સાર્થક ઠરાવે છે. આમ, ઊર્મિતત્વના નિરૂપણની આવશ્યકતા પ્રમાણે તેના વિસ્તારની અપેક્ષા રહે. પંક્તિસંખ્યાની મર્યાદામાં તે બાંધી શકાય નહિ. ઊર્મિકાવ્ય બેચાર પંક્તિથી માંડીને 200 કે 400 પંક્તિ સુધી વિસ્તરી શકે. સુન્દરમના ‘સળંગ સળિયા પરે’ અને ’13–7ની લોકલ’ જેવાં કાવ્યો ઊર્મિકાવ્યોના વર્ગમાં મુકાય. તીવ્રતા સાધવા લાઘવ સહાયક નીવડે અને ઉત્કટતા એકાગ્રતાની પણ અપેક્ષા રાખે. એ રીતે જ કાવ્યની સુગ્રથિતતા સિદ્ધ થતી હોય છે. કાન્તનું ‘ઉદગાર’ કાવ્ય આનું સુંદર ર્દષ્ટાંત છે. ઊર્મિકાવ્યનું લક્ષ્ય હોય છે કવિની ભાવસ્થિતિના નિર્માણનું. ઊર્મિકાવ્યમાં આવી ભાવગત એકતા સિદ્ધ કરવામાં સંઘટન પણ કલાત્મક અંશ ગણાય છે. ન્હાનાલાલના ‘શરદપૂનમ’ કાવ્યમાં બન્યું છે તેમ ક્યારેક એક જ કાવ્યમાં સંઘટનની જુદી જુદી રીત પણ ર્દષ્ટિગોચર થાય છે. કવિકર્મ સ્વતંત્ર રીતે સર્જનાત્મકતાને અનુસરે છે અને તેનાથી કાવ્યનું સંઘટન સર્જાય છે. સંઘટનની સાથે જ સંકળાયેલો છે કાવ્યબાનીનો પ્રશ્ન. ન તો તેમાં ભાષાની શિથિલતા નભી શકે કે ન તો તેમાં નિરર્થક શબ્દોને અવકાશ રહે. ઊર્મિકાવ્યમાં ઊછળતા ચૈતન્યનો સ્પંદ ભાવકની રગરગમાં પ્રસરાવી દે તેવી પાતાળમાંથી ફૂટતા ફુવારા જેવી સ્વયંસ્ફુરિત કાવ્યબાનીની અપેક્ષા રહે છે. ભાષાની સાથે તેવા ધ્વનિ તથા છંદોલયનો પણ સાથ સાંપડવો જોઈએ. આમાં લય, ઢાળ, તાલ, છંદોમય ગતિ, છંદોવિધાનની સંગતિ અને છંદોવૈવિધ્યને યથાવકાશ સ્થાન છે; તો પરંપરિત છંદોલય પણ પ્રસંગોપાત્ત, તેમાં ભાવપોષક બને. ક્વચિત્ તે સંગીતક્ષમ હોય કે પઠનક્ષમ પણ હોય કે ગુંજનક્ષમતાનો આંતરલય પણ તેમાં ગૂંથાયો હોય. ઊર્મિકાવ્ય અલંકૃત, અલંકારવિરલ, અનલંકૃત, શિષ્ટ-પ્રશિષ્ટ, તળપદી, પ્રાદેશિક છટાયુક્ત પદાવલિ પણ ધરાવે અને કવિ તેમાં શબ્દચિત્ર, અલંકારચિત્ર, કલ્પન, પ્રતીક, લક્ષણા, ધ્વનિ, રમણીય સંદિગ્ધતા આદિનો ઔચિત્યપૂર્વક વિનિયોગ કરે. તેમાં ઉપાડ, ધ્રુવપંક્તિ અને પંક્તિવિભાજન હોય; ભાવવળાંક, સંવેદનમરોડ, ગતિ, ઠેક, આરોહ-અવરોહ પણ પ્રવર્તે; તે આયોજનની નિત્યનૂતનતા ધરાવતું પ્રાસબદ્ધ કે પ્રાસવિહીન કાવ્ય બની રહે.

સ્વરૂપર્દષ્ટિએ તેના પેટાપ્રકારોમાં પદ, ભજન, કીર્તન, પ્રભાતિયું, થાળ, આરતી, પ્રાર્થના, હાલરડું, ગરબી, રાસ, ગીત, સૉનેટ, ગઝલ, નાટ્યોર્મિકવિતા, સંબોધનકવિતા, સ્મૃતિલેખ, રાજિયો-મરસિયો, વિષાદકાવ્ય, કરુણપ્રશસ્તિ, પત્રકવિતા વગેરેનો સમાવેશ થાય. પાશ્ચાત્ય લિરિક રચનાઓમાં સૉનેટ, દેવસ્તુતિ (hymn), પ્રસંગકાવ્ય (ode), કરણપ્રશસ્તિ (elegy), પ્રણયગીત (song), ગોપગીત (pastora); કબરકાવ્ય (epitaph) મુખ્ય પ્રકાર ગણાય છે. આમ બાહ્યાકારની ર્દષ્ટિએ ઊર્મિકાવ્ય બહુરંગી છે. સાર્વત્રિક પ્રકારના આ વિષયોમાં વિશ્વની ભવ્યતા તથા સુંદરતા પ્રત્યેના અહોભાવ અને આશ્ચર્ય; સૃષ્ટિના સર્જક પ્રત્યેનાં પ્રેમ, ભક્તિ અને કૃતજ્ઞતા; દેશ અને દેશવાસી વચ્ચેના, પતિ તથા પત્ની વચ્ચેના, સંતાનો અને માબાપ વચ્ચેના, પ્રેમી અને પ્રિયતમા વચ્ચેના ઐહિક સ્નેહના આનંદ તથા વિષાદ; જીવનનાં સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ તત્વોનો અનુભવ; પાર્થિવ સૌંદર્યની ક્ષણભંગુરતા પ્રત્યેનો વિષાદ; નિયતિપ્રાપ્ત જીવનસ્થિતિનો સંતોષ; મૃત્યુની અનિવાર્યતાનો નમ્ર સ્વીકાર; માનવોનાં દુ:ખ તથા યાતના પ્રત્યે અનુકંપા અને રોષ; નિષ્ફળતાના પ્રસંગે નિરાશા કે ધૈર્ય અને હિંમત; નિષ્ઠુર પ્રકૃતિ પ્રત્યેની ભીતિ; પ્રિયપાત્રો કે સ્વજનોના નિધન નિમિત્તે શોક અને સંતાપ – બહુધા આવા વિષયો દરેક પ્રજાનાં ઊર્મિકાવ્યોમાં સર્વસામાન્ય રીતે વણાયેલા હોય છે. ક્યારેક સ્ત્રીસ્વભાવની ચાતુરી કે તેના મનની અકળતા અથવા સૃષ્ટિના સર્જન તથા માનવીય અસ્તિત્વનાં વૈફલ્ય, નિરર્થકતા તથા હેતુવિહીનતા જેવા ચિંતનાત્મક વિષયો અને રાજકીય – સામાજિક આક્રોશ ઉપરાંત ધાર્મિક આશંકા, અશ્રદ્ધા જેવા વિષયો પણ માવજત પામે છે.

હિબ્રૂના થોડા અપવાદ સિવાય પ્રધાનતયા ઊર્મિકાવ્યનો સર્વોત્તમ ઉન્મેષ ગ્રીસમાં જોવા મળે છે. આ પ્રકારની જૂનામાં જૂની રચનાઓ ઈ. પૂ. 2600ની ઇજિપ્શિયન ભાષામાં મળે છે. પિરામિડની કબરો પર રાજારાણીના મૃત્યુના શોકમાં કે તેમની પ્રશંસા કરતાં કે ઈશ્વરની પ્રાર્થના કરતાં સ્તોત્રો છે. ઉત્તમ લિરિક ગ્રીસમાં પાંચમા સૈકામાં અલકિયસ અને સાફોનાં પ્રણયગીતો તેમજ એસ્કિલસ, સૉફોક્લીઝ, યુરિપિડીઝ તથા ઍરિસ્ટૉફેનીઝનાં નાટ્યમય કોરસગીત-સ્વરૂપે પ્રાપ્ત થયાં છે. રોમન ઊર્મિગીત વધુ આત્મલક્ષી અને આત્મકથાત્મક સ્વરૂપનાં છે. લૅટિન ભાષામાં ઊર્મિકવિતાના નામાંકિત સર્જકો કેટલસ, હૉરેસ, ટિબુલસ તથા પ્રોપરશિયસ વગેરે છે. એમનો આદર્શ ગ્રીક ઊર્મિકાવ્ય હતું. મધ્યકાલીન યુગ દરમિયાન ફ્રાન્સ તથા જર્મનીના ગામેગામ ફરતા લોકગાયકોએ શૌર્યપ્રધાન પ્રણયગીતો આપીને એ કાવ્યપ્રકારને સમૃદ્ધ કર્યો. એકાદ સદી પછી પૅટ્રાકેર્ર્ ઇટાલીમાં કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો તે ચૌદમી સદીના સાંસ્કૃતિક નવોદયકાળની સમગ્ર ઊર્મિકવિતા માટે મહત્વનું પ્રેરકબળ બન્યો. ફ્રાન્સમાં રોન્સાર્ડ, સ્પેનમાં સર્વાન્તિસ, ગોન્ગોરા અને લોપ દ વેગા તથા પોર્ટુગલમાં કામ્પુ પૅટ્રાર્કની અસર નીચે જ ગીતરચનાઓ આપે છે. ઇંગ્લૅન્ડમાં એલિઝાબેથ યુગના વૉલ્ટર રેલે, ડ્રેટન, ડૅનિયલ ઉપરાંત શેક્સપિયરનાં ઊર્મિકાવ્યોમાં પૅટ્રાર્કની સીધી પ્રેરણા ઝિલાઈ છે. શેક્સપિયરનાં સૉનેટ તો વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ રચનાઓ ગણાઈ છે. પછીના યુગોમાં ઊર્મિકાવ્યનાં વિષય અને કથનરીતિનું વૈવિધ્ય વધે છે; છતાં ઉદાત્તભાવ અને ઉત્કટ ઊર્મિસંચલનવાળી ગ્રીક સર્જકોની રચનાઓ ઉત્કટ નમૂના તરીકે સ્વીકાર્ય રહે છે. સત્તરમી સદીમાં અને ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં કવિવલણ ધીરગંભીર અને ચિંતનપ્રેરક બનીને ધર્મવિષય તરફ વળતું થાય છે. જૉન મિલ્ટન, જ્યૉર્જ હર્બર્ટ, રિચાર્ડ ક્રૅશો વગેરેનાં ચિન્તનાત્મક ઊર્મિકાવ્યો આની પ્રતીતિ કરાવે છે. જોગાનુજોગ અઢારમી સદીના બે વિશ્વવિખ્યાત ઊર્મિકવિઓ જર્મનીના જ છે : શિલર અને ગટે. શિલરે ‘ઓડ ટુ જૉય’ની રચના કરીને તથા ગટેએ 1770થી 1772માં સ્ટ્રેસબર્ગના નિવાસ દરમિયાન અત્યંત સુંદર ઊર્મિકાવ્યો સર્જીને નામના મેળવી છે.

ત્યારપછી ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડમાંના નવપ્રશિષ્ટવાદને પગલે ‘રોમૅન્ટિક’ કવિઓનો પુન:સંચાર જોવા મળે છે અને યુરોપભરમાં ઊર્મિકવિતાનું વિપુલ પ્રમાણમાં સર્જન થવા લાગે છે. ઇંગ્લૅન્ડમાં ઊર્મિકાવ્યનો ઉત્કટ ઉન્મેષ પ્રબળ અભિવ્યક્તિ પામે છે અને એ નિમિત્તે બર્ન્સ, બ્લૅક, વર્ડ્ઝવર્થ, કોલરિજ, બાયરન, કીટ્સ, શેલી જેવા કવિઓનાં યાદગાર ઊર્મિકાવ્યો સર્જાય છે. આ ઉપરાંત ઇટાલીમાં લિયૉપાર્દી, દાન્નુંઝિયો, કેમ્પૅના, યુંગારેટ્ટી, મોન્તાલ, ફ્રાન્સમાં વિક્ટર હ્યુગો, વાલેરી, લાફૉર્જ, પીયેર ઇમેન્યુયેલ, લા માર્તિની, બૉદલેર વગેરે; રશિયામાં પુશ્કિન, લરમોનટૉવ વગેરે તથા નૉર્વેમાં વર્ગલૅન્ડ જેવા કવિઓની સુંદર અને નમૂનેદાર રચનાઓથી બધા જ દેશોમાં લિરિકનો મહિમા વધે છે.

વિક્ટોરિયન કાળમાં આંગ્લ કવિઓ પોતપોતાની કાવ્યસૂઝ પ્રમાણે આ કાવ્યસ્વરૂપમાં કલોચિત ફેરફાર પ્રયોજે છે. ટેનિસન સૌંદર્યલક્ષી મનોભાવ અને પ્રશિષ્ટ આકારસૌષ્ઠવનો સુમેળ સાધે છે જ્યારે રૉબર્ટ બ્રાઉનિંગ નાટ્યમય લિરિકનું કાવ્યરૂપ પ્રયોજે છે. રૉબર્ટ બિજિઝ અને ટૉમસ હાર્ડી જેવા કવિઓ લિરિકના લાઘવ પ્રત્યે આકર્ષાય છે અને પોતાની લઘુ કૃતિઓમાં પલટાતા મનોભાવો નિરૂપે છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના અન્ય નામાંકિત આંગ્લ કવિઓમાં મૅથ્યૂ આનૉર્લ્ડ, એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ, એડવર્ડ ફિટ્સજેરલ્ડ, ડાન્ટે, ગૅબ્રિયલ, રૉઝેટી, વિલિયમ મોરિસ તથા ઍલ્ગરનૉન ચાર્લ્સ સ્વિનબર્નનો ઉલ્લેખ કરવાનો રહે. ઓગણીસમી સદીના અંતભાગમાં અર્નેસ્ટ ડાઉસન, લાયનલ જૉન્સન તથા એ. ઈ. હુસમૅનની આગેવાની હેઠળ કેટલાક કવિઓએ નિષ્પ્રાણ બનવા માંડેલી રોમૅન્ટિક પરંપરામાં લિરિક મારફત ચેતના પ્રગટાવવાની સબળ કોશિશ કરી. ધર્મ, નીતિ, તત્વજ્ઞાન વગેરે ગંભીર વિષયોને બાજુએ રાખીને અંગત મનોભાવો અને ઉત્કટ અનુભવોની ક્ષણોને ટૂંકી ટૂંકી, માર્મિક તથા પ્રભાવક કાવ્યકંડિકાઓમાં વ્યક્ત કરી, ચોટદાર લાઘવ વડે આ કવિઓએ ગહન ઊર્મિને કાવ્યવાચા આપી; પરંતુ એમાં સંજ્ઞા, સંકેત, પ્રતીક વગેરેનો ઉપયોગ પણ વધ્યો. આમાંથી ‘જ્યૉર્જિયન પોએટ્સ’ નામનું કવિજૂથ અને ખાસ કરીને રૂપર્ટ બ્રુક ટીકાના ભોગ બન્યા.

પ્રથમ વિશ્વયુદ્ધના થોડા સમય પૂર્વે જ ‘ઇમેજિઝમ’ નામનું સાહિત્ય-આંદોલન આરંભાયું; તેનું નિશાન હતું રોમૅન્ટિક કાવ્યશૈલીની સંદિગ્ધતા અને અતિઆલંકારિકતા. આ ઝુંબેશના અગ્રેસર હતા અમેરિકન કવિઓ એઝરા પાઉન્ડ અને એમી લૉવેલ. આ જૂથના મોટાભાગના સર્જકોએ પાછળથી આ મૂળ જૂથને ત્યજી દઈને નિજી પ્રતિભાથી પ્રેરાઈને સ્વકીય સાહિત્યવિકાસ સાધ્યો. પરંતુ તેનું એક મહત્વનું પરિણામ એ આવ્યું કે ‘ફ્રી વર્સ’ એટલે કે મુક્ત છંદને લિરિક માટે સાનુકૂળ માધ્યમ તરીકે સ્વીકૃતિ સાંપડી. 1918માં જી. એમ. હૉપકિન્સનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો અને તેની સાથે જ નવતર લયાત્મક અસર પ્રયોજવાની કાવ્યરીતિને વેગીલું પ્રોત્સાહન મળ્યું. લગભગ આ જ અરસામાં યુદ્ધગત અનુભવોને પરિણામે સીગફ્રીડ સાસુન, વિલફ્રિડ ઑવેન તથા રૉબર્ટ ગ્રૅવ્ઝની વાસ્તવલક્ષી ઊર્મિકવિતાનો આવિષ્કાર થયો. 1922માં ટી. એસ. એલિયટના ‘વેસ્ટ લૅન્ડ’માં આદર્શોને છેહ દેવાથી પરિણમતી હતાશા તથા નિર્ભ્રાન્તિના નવા વિષયોને કાવ્યમાં અભિવ્યક્તિ સાંપડી.

1930 દરમિયાન ડબ્લ્યૂ. એચ. ઑડન, લુઈ મૅકનિસ તથા સ્ટીફન સ્પેન્ડર જેવા કવિઓનું એક જૂથ રચાયું અને તેમણે વક્રોક્તિ તથા કટાક્ષવાણીની કથનરીતિ અપનાવીને અંગત વિષયોને સ્થાને રાજકીય તથા સામાજિક બાબતોને કાવ્યવિષય બનાવી. અત્યંત અંગત ઉદગારોને વાચા આપવાની લિરિકની મૂળભૂત લાક્ષણિકતા સામે 1940થી ઉગ્ર પ્રત્યાઘાત વ્યક્ત થવા લાગ્યો અને ડિલન ટૉમસનાં કાવ્યો અને કહેવાતા નવ-રોમૅન્ટિક કવિજૂથની પ્રવૃત્તિ એ પ્રતિક્રિયાનું ર્દષ્ટાંત બની રહી.

દરમિયાનમાં અમેરિકામાં લિરિક કાવ્યસર્જનની ભરપૂર મોસમ ખીલી હતી. જોકે યુરોપની પરંપરા અપનાવનારા લોંગફેલો, લૉવેલ અને અન્ય કવિઓના ડોળઘાલુપણા સામે સાહિત્યિક પ્રતિક્રિયા અહીં પણ આવિષ્કાર પામી હતી. અણીશુદ્ધ અમેરિકન લિરિકના સાહિત્યસર્જનની ઝુંબેશમાં એડગર લી માસ્ટર્સ તથા કાર્લ સૅન્ડબર્ગ અગ્રેસર હતા. અમેરિકન વૈયક્તિકતાની સાથોસાથ સ્વકીય મૌલિકતાનો સમર્થ આવિષ્કાર થયો ઈ. ઈ. કમિંગ્ઝની કાવ્યકૃતિઓમાં. તેમણે જાઝના લયની અસરકારકતા તીવ્ર બનાવવા ટાઇપોગ્રાફીની વિલક્ષણતાનો તથા પ્રાદેશિક લોકબોલીનો વિનિયોગ કર્યો. આમ ઊર્મિકાવ્ય કે લિરિકમાં કવિની ઉત્કટ લાગણીની પ્રત્યક્ષ અભિવ્યક્તિ થતી હોઈ તે વિશ્વવ્યાપી અને કવિપ્રિય કાવ્યસ્વરૂપ બની શક્યું છે. ખાસ કરીને પૂર્વના દેશોમાં તેનો સવિશેષ મહિમા રહ્યો છે.

ઊર્મિકાવ્યનું પ્રાચીનતમ પૂર્વસ્વરૂપ વેદકાલીન સાહિત્ય, ખાસ કરીને ઋગ્વેદ(આશરે ઈ. પૂ. 1000)નાં સ્તોત્રોમાં જોઈ શકાય. વેદોનાં સૂક્તો, ઋચાઓ, પ્રકૃતિસત્વોના સંબોધનરૂપ પ્રાર્થનામંત્રો અને છંદોબદ્ધ રચનાઓ એનાં ર્દષ્ટાંતો છે. ત્યારપછી પુરાણો અને સંસ્કૃત નાટકોમાં આવતી શ્લોકબદ્ધ રચનાઓ તથા સ્તોત્રકાવ્યોમાં ઊર્મિકાવ્યનો પ્રવાહ ઈસુની લગભગ દસમી સદી સુધી વિકસતો રહ્યો છે. ભારતની વિવિધ ભાષાઓની લોકકવિતાની ગેય રચનાઓ કંઠસ્થસ્વરૂપે લોકભોગ્ય કાવ્યપ્રકાર તરીકે ઊર્મિકવિતાનું મૂળ સ્વરૂપ જ છે.

હિંદી ઊર્મિકવિતા : ઊર્મિકાવ્યનો હિંદી સાહિત્યમાં પૂર્ણ વિકાસ પંત, પ્રસાદ, નિરાલા અને મહાદેવી વર્માનાં કાવ્યોમાં થયો છે.

આદિકાળમાં ખુસરોની પહેલિયાં, મુકરિયાં, દો સખુને તથા ગીતોમાં વૈયક્તિક ઉન્મેષ નજરે પડે છે.

ભક્તિકાળમાં કબીરના ઉપદેશાત્મક અને સિદ્ધાંતનિરૂપણના દોહામાં તથા વૈરાગ્ય અને વિરહનાં પદોમાં વ્યક્ત થયેલ ઊર્મિતત્વ પરવર્તી કવિઓ દાદૂ દયાલ, ધર્મદાસ, રૈદાસ, નાયક, સુંદરદાસ મલૂકદાસ, બુલ્લા સાહેબ, ગુલાલસાહેબ અને તુલસીસાહેબમાં જોવા મળે છે. રામભક્ત તુલસીદાસની ગીતાવલિ, કૃષ્ણગીતાવલિ અને વિનયપત્રિકા, વિદ્યાપતિની પદાવલિ, મીરાંનાં પદો તથા સૂરદાસના સૂરસાગરમાંનાં વિનયનાં, લીલાનાં તેમજ વિરહનાં પદોમાંનાં ઘણાં પદોને ઊર્મિકાવ્ય ગણી શકાય.

રીતિકાળમાં ઘનાનંદ, રસખાન, બોઘા આલમ અને ગફુરની ઘણી રચનાઓ ઊર્મિકાવ્ય છે.

અર્વાચીન કાળનો પ્રારંભ ભારતેન્દુ હરિશ્ચંદ્રથી ગણાય છે. તેમનાં કાવ્યોમાં ઊર્મિપ્રધાન ઉદ્રેક જોવા મળે છે અને બરવા, લાવની અને ઠૂમરીમાં ગીતિતત્વનું પ્રાધાન્ય છે.

નિરાલાનાં ‘ગીતિકા’નાં કાવ્યોમાં સૌંદર્યભાવના છે. સુમિત્રાનંદન પંતના ‘પ્રથમ રશ્મિ’ કાવ્યમાં વિસ્મયભાવના પ્રકટ થઈ છે. પ્રસાદ ‘લહર’ કાવ્યમાં રહસ્યાત્મક ખોજ કરે છે. મહાદેવી વર્માનું ‘નીરજા’ કાવ્ય આત્મલગન કે પ્રેમનું પ્રતીક છે. નિરાલાએ ‘ગીતિકા’નાં કાવ્યોમાં નવાં પ્રતીકો યોજ્યાં છે અને વિદ્રોહની ભાવના પ્રકટ કરી છે. પ્રસાદના ‘આંસૂ’ કાવ્યમાં ઊર્મિકાવ્યની બધી જ લાક્ષણિકતાઓ ર્દષ્ટિગોચર થાય છે. ભગવતીચરણ વર્માના ‘ભૈંસાગાડી’ કાવ્યમાં, નિરાલાના ‘કુકુરમુત્તા’માં અને પંતના ‘ગ્રામ્યા’માં તથા ‘અંચલ’નાં કાવ્યોમાં કટાક્ષનું પ્રાધાન્ય છે.

ઊર્મિગીતોના પ્રકાર : પશ્ચિમના અનુકરણથી હિંદીમાં પણ ‘લિરિક’ના ઘણા પ્રકારોનું ખેડાણ થયું છે. (1) સંબોધગીતિ (ode) – પ્રસાદના ‘ઝરના’ કાવ્યસંગ્રહનાં ‘બસંત’, ‘રૂપ’, ‘કિરણ’ અને પંતનાં ‘છાયાપરિવર્તન’, ‘શિશુ’, ‘પ્રથમ રશ્મિ’, ‘બાદલ’ વગેરે ગીતો આ પ્રકારનાં છે. (2) શોકગીત (elegy) – પ્રસાદનું ‘આંસૂ’, પંતનું ‘ગ્રંથિ’ અને નિરાલાનું ‘સરોજસ્મૃતિ’ આ પ્રકારનાં કાવ્ય છે. (3) પત્રગીતિ (epistle) – મૈથિલીશરણ ગુપ્તનું ‘પત્રાવલી’ અને નિરાલાનું ‘મહારાજા શિવાજી કા પત્ર’ આ પ્રકારનાં કાવ્ય છે. (4) ચતુર્દશપદી (sonnet) – પ્રસાદનાં ‘સરોજ’, ‘વસંત’, ‘સ્વભાવ’, ‘દર્શન’; મૈથિલીશરણ ગુપ્તનું ‘નક્ષત્રનિપાત’; પંતનાં ‘તાજ’, ‘અહિંસા’, ‘વિનય’, ‘બાપૂ’; હરિઔધનાં ‘અવલોકન’, ‘બિંબોધન’, ‘વિતર્ક’ વગેરે અસંખ્ય કાવ્ય આ પ્રકારનાં છે. આ સિવાયના અન્ય પ્રકારોનું ખેડાણ પણ થયું છે.

પ્રગતિવાદી કવિઓએ 1943 પછી રચેલાં કાવ્યોમાં દિનકરની રચનાઓમાં વિદ્રોહનો સ્વર છે. બચ્ચનના ‘એકાંત સંગીત’માં સ્વાનુભૂતિજન્ય સુખદુ:ખ તથા સૌંદર્ય અને પ્રેમનાં ઉન્મુક્ત ગીત છે. આ કાવ્યોમાં સામાજિક વિષમતાઓનું ચિત્રણ પણ છે.

આ અરસાના અન્ય કવિઓમાં રામેશ્વર શુક્લ ‘અંચલ’ અને  ડૉ. રામકુમાર વર્માનાં કાવ્યો અનુભૂતિપરક છે. ભવાનીપ્રસાદ મિશ્ર, રામ અવતાર ત્યાગી, અવસ્થી, નીરજ, સોમ ઠાકુર અને નરેન્દ્ર શર્માનાં ગીતોમાં સંગીતાત્મકતા વિશેષ છે. ઉપરાંત નરેન્દ્ર શર્મા, ધર્મવીર ભારતી, જગદીશ ગુપ્ત, કેદારનાથસિંહ, વીરેન્દ્ર મિશ્ર, નરેશ મહેતા આદિ આધુનિક કવિઓએ નવાં બિંબ, પ્રતીક અને લાક્ષણિકતાનું મિશ્રણ કરી માનવીય સંવેગોની સફળ અભિવ્યક્તિ સાધી છે.

ગુજરાતી ઊર્મિકવિતા : ઊર્મિકાવ્યનું સ્વરૂપ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિવિધ સ્વરૂપે પુષ્કળ પ્રમાણમાં ખેડાયું હતું. એ સમયે સમગ્ર દેશ પર ફરી વળેલું ભક્તિનું મોજું ઊર્મિકાવ્યની રચનાને ખાસ્સું પોષક નીવડે છે. તેનો પ્રબળ આવિષ્કાર તે નરસિંહ-મીરાંની કવિતા. ભક્તિની ઉત્કટ ઊર્મિથી રસાયેલાં, અમૂર્ત ભાવોને સર્જક-કલ્પનાથી મૂર્ત કરતાં સંખ્યાબંધ કાવ્યોના રચયિતા તરીકે નરસિંહ મહેતા ગુજરાતના પ્રથમ ઊર્મિકવિ લેખાયા છે. નારીહૃદયના સમર્પણ-ભાવમાંથી જન્મેલી કૃષ્ણભક્તિની શક્તિ મીરાંનાં પદોમાં પ્રભાવક પ્રાદુર્ભાવ પામી છે. પ્રેમલક્ષાભક્તિના ગાનરૂપે ઉત્કટ વિરહ-મિલનના વિવિધ ભાવોની હૃદયંગમ અભિવ્યક્તિ સમી દયારામની ગરબીઓમાં ઊર્મિકાવ્યનું મોહક સ્વરૂપ જોવાય છે.

અર્વાચીનોમાં અંગત પ્રેમનાં ઊર્મિકાવ્યો સૌપ્રથમ આપ્યાં નર્મદે. તેની બીજી વિશેષતા તેણે સ્વદેશપ્રેમ, પ્રકૃતિપ્રેમ અને ગુજરાતભક્તિ જેવા નવતર વિષયો ઊર્મિકાવ્યમાં આલેખ્યા તે. દલપતરામની લાક્ષણિકતા તે તેમની દેશી ઢાળની ગરબીઓ. તેમની કાવ્યરચનાઓમાં ‘ફાર્બસવિરહ’ ઊર્મિપ્રધાન શોકકાવ્ય તરીકે પંકાયેલી રચના છે. નરસિંહરાવથી પાશ્ચાત્ય પદ્ધતિનાં પ્રેમ અને પ્રકૃતિવિષયનાં ટૂંકાં ઊર્મિકાવ્યો સૌપ્રથમ કલાસ્વરૂપ ધારણ કરે છે. જુવાન પુત્રના અકાળ અવસાનના શોક અને આઘાત નિમિત્તે લખાયેલ ‘સ્મરણસંહિતા’ ગુજરાતી ભાષાની સર્વશ્રેષ્ઠ કરુણપ્રશસ્તિ તરીકે ખ્યાતિ પામ્યું છે. વળી એ લાંબા શોકકાવ્યમાંનું ‘મંગલ મંદિર ખોલો’ જેવું ગીત યાદગાર ઊર્મિકાવ્ય બની રહ્યું છે. ઊર્મિકાવ્યને પ્રબળ રંગદર્શી ઝોક આપનાર કલાપી ‘આપની યાદી’, ‘એક ઘા’, ‘અતિ મોડું’ વગેરે સંખ્યાબંધ ગઝલો અને ઊર્મિકો બદલ યાદ રહેશે. ‘સાગર અને શશી’, ‘વત્સલનાં નયનો’, ‘અગતિગમન’ વગેરે જેવાં થોડાંક પણ સર્વાંગસુંદર ઊર્મિકાવ્યો મળે છે કાન્ત પાસેથી. કાન્તનાં ઊર્મિકાવ્યોમાં એ પ્રકારનું એક સમૃદ્ધ સ્વરૂપ છતું થયું છે. વળી ‘ફૂલડાં કટોરી’, ‘ઝીણા ઝરમર’, ‘ગોપિકા’, ‘આશાનિરાશાનો ચંદ્રમા’ વગેરેના સર્જક ન્હાનાલાલની પ્રતિભાનું સમર્થ વાહન ઊર્મિકાવ્ય બની રહ્યું છે. તેમણે પ્રેમ, પ્રભુભક્તિ, પ્રકૃતિપ્રેમ, રાષ્ટ્રભક્તિ જેવા વિવિધ વિષયો વિશે અર્વાચીન સ્વરૂપનાં છંદોબદ્ધ ઊર્મિકાવ્યો તેમજ મધ્યકાલીન પ્રણાલિકાનાં રાસ, ગરબી અને પદનાં સ્વરૂપોનાં ઊર્મિકાવ્યો આલેખ્યાં છે. તેથી ન્હાનાલાલ અર્વાચીન યુગના શ્રેષ્ઠ ઊર્મિકવિ ગણાયા છે. બ. ક. ઠાકોરે આ કાવ્યરૂપમાં ઊર્મિતત્વની સાથે ચિંતનનો કલાત્મક મેળ સાધીને વિચારગર્ભ, અર્થઘન તથા વાસ્તવદર્શી રચનાઓ આપી. કાવ્યબાનીની પ્રયોગશીલતા પેટે તેમણે ‘શુદ્ધ અગેય’ પદ્ય પ્રયોજી પૃથ્વી છંદને પ્રવાહિતા આપી. સૉનેટનું કાવ્યરૂપ એ તેમનું ગુજરાતી ઊર્મિકવિતાને ચિરંજીવ પ્રદાન. ‘પ્રેમનો દિવસ’ અન ‘વિરહ’ નામની કાવ્યમાળામાં ઠાકોરની કવિતાનું ઉત્તમ તેજ દાખવતાં કેટલાંક સુંદર સૉનેટરૂપ ઊર્મિકાવ્યો છે. સુન્દરમની ઊર્મિકવિતા(‘કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’ અને ‘યાત્રા’)માં પ્રેમના સાફલ્યના આનંદ કરતાં વિફળતાનો વિષાદ વિશેષ છે. સાથોસાથ એમાં પ્રકૃતિપ્રેમ, માનવપ્રેમ તથા પ્રભુભક્તિની સરવાણી પણ આલેખાઈ છે. સુન્દરમ્ અને ઉમાશંકરે ઉત્તમ ગીતો અને કલાત્મક છંદોબદ્ધ રચનાવાળાં ઊર્મિકાવ્યો આપ્યાં છે.

અનુગાંધી યુગમાં રાજેન્દ્ર શાહનાં છંદોબદ્ધ કાવ્યો અને ગીતોમાં પદ્યકૌશલ અને સૌંદર્યગદ્ય દર્શાવતાં સંવેદનો પ્રગટ થયાં છે. પ્રકૃતિ, પ્રણય અને રહસ્યમય આત્મસંવેદનનાં તેમનાં કાવ્યોમાં ઊર્મિકવિતાની મોહકતા ઊપસે છે. નિરંજન ભગતે સૉનેટ, મુક્તક અને ઊર્મિકાવ્યની સફળ અજમાયશ કરી છે. તેમની ઊર્મિકવિતામાં આધુનિક સંવેદના, પ્રતીકો અને પ્રતિરૂપોનો પણ સબળ સંસ્પર્શ છે.

હવે કવિ ચીલાચાલુ ભાષા-લઢણો અને અર્થ-સંદર્ભો તોડીને કે ઉવેખીને નવી બળવત્તર અર્થસાધકતા અને સંકેત પ્રયોજવા મથામણ કરી રહ્યો છે. પાશ્ર્ચાત્ય કવિતાના પ્રભાવ હેઠળ આધુનિક ગુજરાતી ઊર્મિકવિતા અછાંદસ રૂપ ધારણ કરીને અસ્તિત્વવાદ, પરાવાસ્તવવાદ અને આંતરચેતનાપ્રવાહ જેવાં વલણો પ્રગટ કરી રહી છે. સુરેશ જોષીની માનવસંબંધોની કવિતામાં જાગતિક વિતૃષ્ણા અને નિર્ભ્રાન્તિ વ્યક્ત થયાં છે તો સિતાંશુ યશશ્ચન્દ્રનાં પરાવાસ્તવિક કાવ્યો, લાભશંકર ઠાકરનાં માનવજીવનની અસંગતિ આલેખતાં વક્રવાણીરૂપ કાવ્યો, રાવજી પટેલનાં આધુનિક ચેતના તથા ગ્રામીણ અસબાબનાં કાવ્યો, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી તથા આદિલ મન્સૂરીની ગઝલો અને ચંદ્રકાન્ત શેઠ તથા રમેશ પારેખની ગીતરચનાઓ મારફત ગુજરાતી ઊર્મિકાવ્યમાં નવા ઉન્મેષોનો સંચાર થતો રહ્યો છે. ઉશનસ્, જયંત પાઠક, હરીન્દ્ર દવે તથા સુરેશ દલાલ જેવા કવિઓની રચનાઓમાં પુરોગામી કાવ્યપરંપરાનું સાતત્ય જળવાતું રહે છે. એકંદરે ગુજરાતી ઊર્મિકવિતામાં પ્રસંગોપાત્ત, લોકસાહિત્યની તળપદી પરંપરા, અણીશુદ્ધ પાશ્ચાત્ય પરિપાટી, ગીત-ગઝલની લોકભોગ્ય કાવ્યરીતિ, છંદ અને કાવ્યબાનીની પ્રયોગશીલ નિરૂપણરીતિ તથા પ્રતીક-કલ્પનોનો નવતર વિનિયોગ એમ રચના પરત્વે અનેકવિધ પરિબળો ઝિલાયાં છે. પલટાતા યુગને સુસંગત રહીને એમાં માનવમનના સૂક્ષ્મ તથા સંવેદનમૂલક ભાવો કાવ્યવિષય તરીકે નિરૂપાયા છે. તેને પરિણામે ગુજરાતી ઊર્મિકાવ્યનું સત્વશીલ અને વિકાસમૂલક ખેડાણ થયું છે.

મહેશ ચોકસી

ભાનુપ્રસાદ પંડ્યા

પ્રસાદ બ્રહ્મભટ્ટ

વાસુદેવ યાજ્ઞિક