ઉદારમતવાદ

January, 2004

ઉદારમતવાદ : રાજ્યશાસ્ત્રમાં સમાવિષ્ટ એક વિચારશ્રેણી. ઍરિસ્ટૉટલે જણાવ્યા પ્રમાણે મનુષ્યસ્વભાવથી જ સામાજિક તથા રાજકીય પ્રાણી છે. તેને સમાજ તથા રાજ્ય સિવાય ચાલતું નથી. પરિણામે પ્રાચીન ગ્રીસના સમયથી રાજ્યશાસ્ત્ર વિષયમાં બે પ્રશ્નો મોખરે રહ્યા છે : (1) રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? અને (2) રાજ્યનું કાર્યક્ષેત્ર કેવું તથા કેટલું હોવું જોઈએ ? બંનેના જવાબના ફળસ્વરૂપે વિવિધ રાજકીય વિચારધારાઓ રજૂ થઈ છે : આદર્શવાદી, ઉદારમતવાદી, વ્યક્તિવાદી, ઉપયોગિતાવાદી, સમાજવાદી, સામ્યવાદી, નાઝીવાદી, ફાસીવાદી તથા અરાજકતાવાદી. ઉદારમતવાદ એ રાજકીય ચિંતનની એક શાખા, વિચારસરણી કે વિચારધારા છે. પશ્ચિમનાં રાજ્યો પર છેલ્લાં ચાર સો વર્ષથી આ વિચારસરણીનો પ્રભાવ વર્તાય છે. જોકે આ વિચારસરણી કોઈ એક ચોક્કસ રાજકીય ચિંતક દ્વારા કે ચોક્કસ સમયે રજૂ કરવામાં આવી નથી. તેનો ક્રમિક વિકાસ થયો છે તેમજ તેના વિકાસમાં ઘણા રાજકીય ચિંતકોએ પ્રદાન કરેલું છે. પરિણામે ઉદારમતવાદ એ સુસંગત સિદ્ધાંતોનો સમૂહ નથી. તેની ચોક્કસ બંધબેસતી વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. પ્રા. સાર્તોરીએ જણાવ્યું છે તેમ ઉદારમતવાદ એ એવી ચોક્કસ આકાર વિનાની અને પરિવર્તનશીલ વિભાવના છે જેનું અર્થઘટન અનેક રીતે થાય તે સ્વાભાવિક છે.

આમ છતાં પણ ઉદારમતવાદને વ્યાખ્યાબદ્ધ કરવામાં ધ રૅન્ડમ હાઉસ ડિક્શનરી ઑવ્ ધી ઇંગ્લિશ લૅન્ગ્વેજ જણાવે છે : ‘ઉદારમતવાદ એ રાજકીય અથવા તો સામાજિક ફિલસૂફી છે જે વ્યક્તિની સ્વતંત્રતાની, સંસદીય સ્વરૂપની સરકારની, રાજકીય, સામાજિક અથવા તો આર્થિક સંસ્થાઓમાં અહિંસક રીતે ફેરફાર કરવાની, માનવપ્રયત્નોનાં તમામ ક્ષેત્રોમાં અનિયંત્રિત વિકાસની ખાતરી આપવાની તથા વ્યક્તિના હકો અને નાગરિક સ્વતંત્રતાઓ અંગે સરકારી ખાતરીઓની હિમાયત કરે છે.’ પ્રા. સાર્તોરીના મત પ્રમાણે ઉદારમતવાદ એ વ્યક્તિસ્વાતંત્ર્ય, ન્યાયિક રક્ષણ અને બંધારણીય રાજ્યનો સિદ્ધાંત અને વ્યવહાર છે.

સામાજિક સંદર્ભમાં તે ધાર્મિક સ્વાતંત્ર્યની તથા લોકોને ધાર્મિક સનાતનવાદમાંથી મુક્ત કરવાની હિમાયત કરે છે. સાથોસાથ જે ટેવો, રિવાજો, રૂઢિઓ તથા સંસ્થાઓ સમય સાથે તાલ મિલાવતાં ન હોય, અગર તો જે સાચા સ્વાતંત્ર્યના ઉપભોગમાં રુકાવટ ઊભી કરતાં હોય તેમને દૂર કરવામાં માને છે. આર્થિક ર્દષ્ટિએ તે મુક્ત વ્યાપાર અને મુક્ત ઉત્પાદનની હિમાયત કરે છે. આયાત ને નિકાસ પરનાં નિયંત્રણોનો તે વિરોધ કરે છે. વ્યક્તિ કુદરતી સંપત્તિનું શોષણ કરી શકે તથા આર્થિક નફાની પોતાને ગમે તે પ્રમાણે વહેંચણી કરી શકે તેમ તે માને છે. અલબત્ત, સમાજવાદના આગમન પછી આ વિભાવના આધુનિક સમયમાં પરિવર્તન પામી છે, જે માનવસમુદાયના વ્યાપક હિતમાં રાજ્યે આર્થિક પ્રવૃત્તિ પર વધુ ને વધુ અંકુશો મૂકવા પર ભાર મૂકે છે. ઉદારમતવાદ રાજકીય સ્વાતંત્ર્યને પ્રાધાન્ય આપે છે અને અન્ય સ્વતંત્રતાઓના ભોગવટા માટે તેને અનિવાર્ય ગણે છે. વ્યક્તિના જીવનમાં રાજ્યની દરમિયાનગીરી મર્યાદિત હોવી જોઈએ, તથા તેણે એવી નીતિઓ ઘડવી જોઈએ જે વ્યક્તિઓ તથા સમૂહોની સ્વતંત્રતાઓના રક્ષણની ખાતરી આપતી હોય. આ હેતુથી જ તેના સમર્થક ચિંતકોએ સત્તાવિશ્લેષણની – કારોબારી પરના ધારાસભાના અંકુશની, અદાલતી સમીક્ષાની, લઘુમતીઓનાં હિતોના રક્ષણની, ટૂંકમાં સત્તાના કેન્દ્રીકરણને રોકવા માટે ઉપાયોની હિમાયત કરી છે. ઉદારમતવાદ માને છે કે છેવટની સત્તા પ્રજા પાસે છે અને નિયત સમયે યોજાતી સામાન્ય ચૂંટણીઓમાં ભાગીદાર બનીને પ્રજાએ સરકારને જવાબદાર બનાવવી જોઈએ.

આ વિચારસરણીનો ઉદય 16મી સદીમાં દેવળ (ધર્મસંસ્થા) તથા જાગીરદારશાહીની સંપૂર્ણ સત્તાના પ્રત્યાઘાતરૂપે થયો. ઉપરાંત ધર્મસુધારણા, વિજ્ઞાન અને વ્યક્તિવાદે પણ તેના વિકાસમાં સારા પ્રમાણમાં ફાળો આપ્યો. તે સમયના સમાજમાં જે નવો મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો હતો તેના ચિંતનનું પ્રતિબિંબ ઉદારમતવાદમાં પડે છે. તેણે માનવવિકાસને રૂંધતા અવરોધોને દૂર કરવા, સમાજ તથા રાજ્યે મનુષ્ય પર મૂકેલાં બંધનોને ફગાવી દેવા તથા મનુષ્યમાં રહેલી અપાર શક્તિને મુક્ત કરવા પર ભાર મૂક્યો. ઉદારમતવાદ તત્વત: મૂડીવાદી વિભાવના હતી. તેણે શાસનકર્તાને માટે તેના ક્ષેત્રમાં સંપૂર્ણ સત્તાઓની હિમાયત કરી હતી. કેમકે તો જ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા તેમજ સલામતી જળવાઈ રહે અને તો જ વ્યાપાર-વાણિજ્યમાં વૃદ્ધિ થઈ શકે. અલબત્ત, ખાનગી મિલકતની પવિત્રતા પર તથા તેને ઝૂંટવી ન શકાય તેવી ભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સત્તરમી અને અઢારમી સદી દરમિયાન ઉદારમતવાદી વિભાવના વિકસી તથા ર્દઢ બની. જૉન લૉકને, મૉન્તેસ્ક, ટૉમસ પેઇન, હૉબ્ઝ, રૂસો વગેરે રાજકીય ચિંતકોએ આ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું.

જૉન લૉકને ઉદારમતવાદી રાજકીય ફિલસૂફીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે બંધારણીય અંકુશિત સરકારની હિમાયત કરીને રાજ્યની સાર્વભૌમ સત્તાને નિયંત્રિત કરવાનો વિચાર રજૂ કર્યો. આ માટે વ્યક્તિના હકોને તેમણે અગ્રસ્થાન આપ્યું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે સરકારની સત્તા પ્રજાની સંમતિ પર આધારિત છે. વ્યક્તિ પછી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે. વ્યક્તિઓના કુદરતી હકોને જાળવવા માટે તથા તેમનું રક્ષણ કરવા માટે જ રાજ્ય અસ્તિત્વ ધરાવે છે. ટૂંકમાં લૉકે લોકસંમતિના સત્તાવિશ્લેષણ (separation of powers) તથા કુદરતી હકોના સિદ્ધાંત દ્વારા ઉદારમતવાદને વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો.

સમય આવ્યે રાજ્યનો પ્રતિકાર કરવાનો હક પણ તેમાં સમાવિષ્ટ હતો. જૉન લૉક પછી મૉન્તેસ્ક, ટૉમસ પેઇન, બેન્થામ, રૂસો વગેરે ચિંતકોએ ઉદારમતવાદની વિચારસરણીને વિકસાવી. તેમણે વ્યક્તિની ક્ષમતામાં વિશ્વાસ મૂક્યો તથા વ્યક્તિની બાબતોમાં સરકારે દરમ્યાનગીરી ન કરવી જોઈએ તેવો આગ્રહ રાખ્યો. આ ચિંતકોના વિચારોનું પ્રતિબિંબ 1776ની અમેરિકન સ્વાતંત્ર્યઘોષણામાં તથા 1789ના માનવઅધિકારોની ફ્રાન્સની ઘોષણામાં સ્પષ્ટ જોવા મળે છે. અમેરિકન સ્વાતંત્ર્યઘોષણા જણાવે છે કે ‘તમામ મનુષ્યો સમાન છે. સર્જનહારે તમામને એવા કેટલાક હકો આપ્યા છે જે છીનવી શકાય નહિ. આવા હકોની સલામતી માટે સરકારની રચના કરવામાં આવે છે, જે શાસિતોની સંમતિ દ્વારા પોતાની યોગ્ય ન્યાયી સત્તાઓ મેળવે છે.’ માનવહકોની ઘોષણા ભારપૂર્વક જણાવે છે કે ‘મનુષ્યો જન્મથી સ્વતંત્ર છે અને સમાન અધિકારો ધરાવે છે. આ અધિકારો છે સ્વતંત્રતાના, મિલકતના, સલામતીના અને જુલ્મનો પ્રતિકાર કરવાના……’.

વિકાસના આ તબક્કા દરમિયાન તેનું સ્વરૂપ નકારાત્મક રહ્યું હોવાથી તેને નકારાત્મક ઉદારમતવાદ તરીકે ઓળખવામાં આવે છે. તે સ્વતંત્રતા એટલે નિયંત્રણોની ગેરહાજરી એવા અર્થઘટનને સ્વીકારીને માત્ર મૂડીવાદી અથવા તો ધનવાન વર્ગના લોકો માટે જ સ્વતંત્રતા છે તેવા વલણને વરેલું હતું અને સામાન્ય લોકોની અવગણના કરતું હતું. આ પ્રકારનો ઉદારમતવાદ રાજ્યને કૃત્રિમ સંસ્થા તરીકે ઓળખાવે છે અને તેની રચના વ્યક્તિની સંમતિ દ્વારા થઈ છે તેમ જણાવે છે. તેની ર્દષ્ટિએ રાજ્ય એ અનિવાર્ય અનિષ્ટ છે. પરિણામે જે રાજ્યનો કાર્યપ્રદેશ મર્યાદિત તે ઉત્તમ રાજ્ય તેમ તે સ્વીકારે છે. રાજ્યે તો માત્ર વ્યક્તિના હકોની જાળવણી અને રક્ષણ કરવાની જ મુખ્ય જવાબદારી બજાવવાની છે. આ કારણે જ તે મુક્ત વ્યાપારની તરફેણ કરે છે.

ઓગણીસમી સદીના અંતભાગ સુધી નકારાત્મક ઉદારમતવાદની બોલબાલા રહી. પરંતુ તે પછી તેના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન આવ્યું અને તેનું સ્વરૂપ વિધેયાત્મક બનતાં તેને વિધેયાત્મક ઉદારમતવાદ તરીકે ઓળખવામાં આવે છે. સમાજની સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓમાં જે પરિવર્તન આવ્યું તે આને માટે જવાબદાર છે. એ સદીના અંતભાગમાં એ સ્પષ્ટ થવા લાગ્યું કે મૂડીવાદીઓને જે અનિયંત્રિત સ્વતંત્રતા આપવામાં આવી હતી તેના લીધે તેમણે શ્રમજીવીઓનું ભારે પ્રમાણમાં શોષણ કર્યું. તેના ઉગ્ર પ્રત્યાઘાતો શરૂ થયા અને શ્રમજીવીઓની સ્થિતિમાં સુધારો થાય તેવી માંગણી જોરશોરથી શરૂ થઈ. આ માટે રાજ્યે નકારાત્મક ભૂમિકાનો ત્યાગ કરીને વિધેયાત્મક ભૂમિકા ભજવવી જોઈએ તેવી માંગ શરૂ થઈ. આ દરમ્યાન માર્ક્સવાદી ફિલસૂફીએ પણ ઉદારમતવાદી ચિંતકોને તેમના ચિંતનમાં પરિવર્તન લાવવાની ફરજ પાડી.

આ તબક્કાથી ઉદારમતવાદમાં જે પરિવર્તન આવ્યું તેને જેરિમી બેન્થામે પોતાના ચિંતનમાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને સુખના સિદ્ધાંતને સાંકળી લઈને સ્પષ્ટ કર્યું. તેમણે ‘અધિકતમ લોકોનું અધિકતમ સુખ’-(greatest good of the greatest number)ના સૂત્ર દ્વારા પોતાની ઉદારમતવાદી ફિલસૂફીને વ્યક્ત કરી. આ સંદર્ભમાં જ તેમણે કાનૂન, શિક્ષણ, સંસદીય રચના, સ્થાનિક સંસ્થા, જેલો વગેરે ક્ષેત્રે સુધારાઓ સૂચવ્યા. આ પછી જૉન સ્ટુઅર્ટ મિલે વિધેયાત્મક ઉદારમતવાદને બહુ જ સ્પષ્ટ રીતે રજૂ કર્યો. વ્યક્તિની સ્વતંત્રતાની ઉગ્ર હિમાયત સાથે તેમણે રાજ્યના કાર્યક્ષેત્રમાં વધારો થાય તેવી હિમાયત કરી. અલબત્ત, કાર્યક્ષેત્રના વિસ્તૃતીકરણનો મુખ્ય હેતુ સમાજકલ્યાણનો હતો. તેમના ચિંતન પ્રમાણે રાજ્યે એવા સમાજની રચના કરવી જેમાં લોકો શાંતિથી, સંપીને સુખી રહે, તેમની બૌદ્ધિક શક્તિનો તથા તેમના નૈતિક ચારિત્ર્યનો વિકાસ થાય, તેઓ કોઈ પણ જાતના ડર સિવાય તેમનો અભિપ્રાય વ્યક્ત કરી શકે અને પોતાના તથા સમગ્ર માનવસમુદાયના કલ્યાણમાં વધારો કરે. અલબત્ત, મિલ એ વિચાર પર ખાસ ભાર મૂકે છે કે જો સમાજનાં હિતોની ર્દષ્ટિએ વ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવાની જરૂર જણાય તો તેમ કરતાં અચકાવું જોઈએ નહિ. ટૂંકમાં, મિલના ચિંતન પ્રમાણે પ્રજાના સામાજિક કલ્યાણમાં વધારો થાય તેવી તમામ બાબતોમાં રાજ્યે દરમ્યાનગીરી કરવી જોઈએ. આ ર્દષ્ટિએ તેમણે રાજ્યે કયાં કાર્યો કરવાં જોઈએ તે પણ જણાવ્યું. અલબત્ત, મિલે રાજ્યને કાર્યો સોંપવાનો વિચાર રજૂ કર્યો તેના પાયામાં રાજ્યમાં પ્રાતિનિધિક સરકાર હોવી જોઈએ તેવો વિચાર રહેલો હતો.

મિલ પછી ટૉમસ હિલ ગ્રીને વિધેયાત્મક ઉદારમતવાદને વિકસાવ્યો. તેમના મત પ્રમાણે વ્યક્તિના વિકાસના માર્ગમાં અજ્ઞાન, ગરીબાઈ, દારૂનું સેવન વગેરે વિવિધ સામાજિક અવરોધો છે. તેમને રાજ્યે દૂર કરવાની કામગીરી બજાવવાની છે. તેમણે રાજ્યને ‘અવરોધોને દૂર કરનાર’ તરીકે ઓળખાવીને પરોક્ષપણે રાજ્યના કાર્યક્ષેત્રના વિસ્તૃતીકરણની ભારે હિમાયત કરી. આ પછી હૉબહાઉસ અને હૅરલ્ડ લૅસ્કી જેવા ચિંતકોએ પણ વિધેયાત્મક ઉદારમતવાદના વિકાસમાં ફાળો આપ્યો. અમેરિકન ચિંતક આર. એમ. મેકાઇવરે પણ પોતાના ઉદારમતવાદને સમાજવાદની નજીક લાવવામાં ફાળો આપ્યો.

વિધેયાત્મક ઉદારમતવાદની લાક્ષણિકતાઓ તારવતાં એમ કહી શકાય કે તે રાજ્યને અનિવાર્ય અનિષ્ટ તરીકે જોતો નથી. પરંતુ સમગ્ર માનવસમુદાયના કલ્યાણમાં વૃદ્ધિ કરનાર વિધેયાત્મક સાધન તરીકે તેનો સ્વીકાર કરે છે. પરિણામે તે રાજ્યનાં કાર્યોમાં ઘટાડો થાય તેવું ઇચ્છવાને બદલે રાજ્યનું કાર્યક્ષેત્ર વ્યક્તિજીવનનાં વિવિધ પાસાંઓને આવરી લે તેમ જણાવે છે. તે રાજ્યને નૈતિક સંસ્થા ગણે છે, જે તેમના મત અનુસાર વ્યક્તિના નૈતિક જીવનના વિકાસને શક્ય બનાવે છે. તે હક્કો અને સ્વતંત્રતાઓને કુદરતની બક્ષિશ નહિ, પરંતુ રાજ્યના સર્જન તરીકે સ્વીકારે છે. આ ર્દષ્ટિએ સામાજિક સંદર્ભમાં જ તમામ હક્કો ભોગવવા જોઈએ અને જો આ ભોગવટાથી સમાજકલ્યાણને નુકસાન થતું હોય તો રાજ્ય તેમના પર નિયંત્રણ મૂકી શકે છે તેમ તેમણે જણાવેલું છે. આ જ પ્રમાણે સમાજનાં હિતોના સંદર્ભમાં તે આર્થિક જીવન પર નિયંત્રણ અને અંકુશની તથા સમાજના સામાજિક-આર્થિક માળખામાં પરિવર્તન લાવવાની પણ હિમાયત કરે છે; તે માટે બંધારણીય, લોકશાહીયુક્ત સંસદીય પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો આગ્રહ તે રાખે છે.

સાંપ્રત સ્વરૂપ : વીસમી સદીમાં બીજા વિશ્વયુદ્ધ પછી ઉદારમતવાદના ચિંતનમાં પરિવર્તન આવે છે અને તે સાંપ્રત ઉદારમતવાદ તરીકે ઓળખાય છે. આ સમય દરમિયાન સરમુખત્યારશાહી અને આપખુદશાહીનો વિકાસ થયો. તેણે પ્રજા પર જે ત્રાસ અને જુલ્મો ગુજાર્યા તેમાંથી માનવજાતને મુક્ત કરવાની હિમાયત સાંપ્રત ઉદારમતવાદે કરી. તે વ્યક્તિના વ્યક્તિત્વ પર તથા સામાજિક સંસ્થાઓ પર ખૂબ જ ભાર મૂકે છે. તે રાજ્યને અગાઉ જે મહત્વ અપાતું હતું તેવું મહત્વ આપતો નથી. રાજ્યને તે સમૂહોના સમવાયતંત્ર તરીકે ઓળખાવે છે. રાજ્યનું કાર્ય સમૂહોની પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું તથા તેમના સંઘર્ષોને નિવારવાનું છે. ઉદારમતવાદના આ સ્વરૂપને વિકસાવવામાં શુમ્પીટર, રૉબર્ટ દહલ, જૉન ડ્યુઈ, મૉરિસ રાફેલ વગેરે ઘણા ચિંતકોએ ફાળો આપ્યો છે. સાંપ્રત ઉદારમતવાદ સામાજિક પ્રવૃત્તિ માટે તર્ક અને વૈજ્ઞાનિક પદ્ધતિને અનિવાર્ય ગણે છે. તે ખુલ્લા માનસની હિમાયત કરે છે. તે માને છે કે સંચાર-માધ્યમો મુક્ત હોવાં જોઈએ, જેથી તમામ બાબતો અંગે પ્રજાને પૂરતી માહિતી મળી રહે. પ્રજાને રાજકીય પક્ષો રચવાની તથા ચૂંટણીઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. પોતાની વિરુદ્ધના જૂથને દબાવી દેવાના અધિકારનો તે વિરોધ કરે છે. તે માને છે કે મુખ્ય પાયાના ઉદ્યોગો પર રાજ્યનો અંકુશ હોય તો જ આર્થિક સમસ્યાઓ ઉકેલી શકાય.

આ પ્રમાણે ઉદારમતવાદી વિચારસરણીમાં સમયાનુસાર પરિવર્તન આવ્યું છે. આમ છતાં તેણે વ્યક્તિને વિવિધ પ્રકારની દમનકારક પરિસ્થિતિઓમાંથી મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

તાજેતરમાં થોડાં વર્ષો દરમિયાન ઉદારમતવાદના પ્રભાવમાં ઓટ આવી હોય તેમ જણાયું હતું અને તેની સામે ગંભીર પડકારો પણ ઊભા થયા હતા. આમ છતાં તેનું હવે કશું ભાવિ નથી તેમ કહી શકાય નહિ, કારણ કે તે મૂળભૂત રીતે માનવતાવાદના ગુણને વરેલ છે. જ્યાં સુધી સમાજમાં જુલ્મ, ભેદભાવ અને અસમાનતા જેવી સમસ્યાઓ અસ્તિત્વ ધરાવતી રહેશે ત્યાં સુધી ઉદારમતવાદ અસ્તિત્વમાં રહેશે.

17મી તથા 18મી સદીમાં શરૂ થયેલો અને 19મી સદીમાં વિકાસ પામેલો ઉદારમતવાદ વીસમી સદીમાં બદલાતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવતો રહ્યો છે. ઉદારમતવાદને વરેલું અને લોકહિતને પ્રાધાન્ય આપતું આજનું રાજ્ય કલ્યાણરાજ્ય તરીકે ઊપસી આવ્યું છે. નકારાત્મક ફરજો બજાવતા રાજ્યને સ્થાને હવે વિધેયાત્મક વલણો અપનાવવામાં આવ્યાં છે. એક જરૂરી અનિષ્ટ ન રહેતાં તે સંકલન સાધતું, આવશ્યક અને આવકાર્ય સાધન બન્યું છે. સામાજિક જીવનની સંકુલતા વધતાં રાજ્યની ફરજોનું વર્તુળ વિકસતું રહ્યું છે. વધતું જતું ઉદ્યોગીકરણ, શહેરીકરણ, મુક્ત અર્થકારણની અસ્થિરતાઓ, વધતી વસ્તીના સંદર્ભમાં કુટુંબનિયોજનની અગત્ય, અસમાન હરીફાઈ, બહુરાષ્ટ્રીય કંપનીઓનો ઉદય અને તેનાથી ઊભી થતી સમસ્યાઓ, ભ્રષ્ટાચાર, 1929ના જેવી આર્થિક મહામંદી, બે વિશ્વયુદ્ધો, પર્યાવરણના પ્રશ્નો, સલામતીના બદલાતા ખ્યાલ તથા ન્યાયી અને લોકાભિમુખ વહીવટની વધતી જતી માંગ તેમજ નિર્બળ, પછાત દલિતો પ્રત્યેની ફરજ અંગેની લોકજાગૃતિ, આંતરરાષ્ટ્રીય સંબંધોના સ્વરૂપમાં થયેલા ફેરફારો અને તેને લીધે આંતરરાષ્ટ્રીય રાજકારણના સ્તરે ઊભી કરવામાં આવેલી વિવિધ રાજકીય, આર્થિક તથા અન્ય સંસ્થાઓમાં રચનાત્મક તથા સક્રિય ભાગીદારી – આ સર્વના કારણે રાજ્યનો વ્યાપ વિસ્તૃત બન્યો છે.

આમ છતાં ઉદારમતવાદી સમાજ મૂળભૂત રીતે વ્યક્તિનિષ્ઠ રહ્યો છે. વ્યક્તિનું સ્વાતંત્ર્ય, તેના મૂળભૂત હક્ક, મુક્ત અને ખાનગી સાહસ, મિલકતની ખાનગી માલિકી, ખરીદી-વેચાણનું સ્વાતંત્ર્ય વગેરેની સાચવણી તેનાં આવશ્યક અંગ મનાયાં છે. વિજ્ઞાન અને તકનીકી સિદ્ધિઓની હરણફાળે પણ આ ઉત્ક્રાંતિમાં મોટો ફાળો આપ્યો છે. આથી જ ઉદારમતવાદને ઘણી વાર વ્યક્તિવાદ (individualism) કહેવામાં આવે છે.

આજનો ઉદારમતવાદ મૂડીવાદી છે અને નથી. ઍડમ સ્મિથ(1723-90)ના સમયનો પુરાણો મૂડીવાદ ક્યારનોય અર્દશ્ય થઈ ગયો છે. જૉન કેઇન્સે કહ્યા પ્રમાણે પુરાણા મૂડીવાદમાં નથી બુદ્ધિ, નથી શ્રી કે નથી કાર્યશક્તિ. આમ છતાં જો આધુનિક મૂડીવાદનું સારી રીતે સંચાલન થાય તો બીજી કોઈ પણ વૈકલ્પિક આર્થિક વ્યવસ્થા કરતાં તેના દ્વારા ધાર્યાં આર્થિક પરિણામો લાવી શકાય તેમ છે. આ નવો ઉદારમતવાદ છે, જેમાં મૂડીવાદનું નવસંસ્કરણ થાય છે. સવાલ એ છે કે મૂડીવાદી સમાજમાં રાજ્ય મિશ્ર અર્થતંત્ર સ્વીકારે છે કે નહિ અને તે દ્વારા બચત, મૂડી-રોકાણ, નાણાનો પુરવઠો, વ્યાજનો દર અને ભાવસપાટી વગેરે ઉપર નિયમન મૂકે છે કે નહિ જેથી રોજગારી અને ઉત્પાદન વધારી શકાય. સમાજમાં જે નિર્બળ છે તેને બચાવવા અને દેશના આર્થિક જીવનને સ્થિર રાખવા રાજ્યનો હસ્તક્ષેપ સ્વીકાર્ય તેમજ આવકાર્ય બન્યો છે.

ઉદારમતવાદી સમાજ અને મૂડીવાદી અર્થતંત્ર એકમેક ઉપર સંપૂર્ણ આધારિત ન હોય તોપણ તે બંને પરસ્પરનાં પૂરક રહ્યાના ઘણા દાખલા જોઈ શકાય છે અને તેથી જ ગોર્બાચોવની ‘પેરેસ્ટ્રૉઇકા’ (નવરચના) અને ‘ગ્લાસનોસ્ટ’(ખુલાવટ)ની નીતિની રશિયામાં શરૂઆત થતાં તેની દૂરગામી અસરો માત્ર રશિયામાં જ નહિ, પરંતુ સમગ્ર સામ્યવાદી જગત ઉપર પડી છે. પરિણામે તેમના રાજકીય તેમજ આર્થિક જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. તેના મૂળમાં લોકશાહીકરણની પ્રક્રિયા રહેલી છે. તે ઉદારમતવાદી વિચારસરણીની દ્યોતક છે. વ્યક્તિસ્વાતંત્ર્યનાં પગરણ આર્થિક ક્ષેત્રે થાય તેની અસર રાજકીય જીવન ઉપર પડ્યા સિવાય રહી શકતી નથી અને તેનાથી ઊલટી પ્રક્રિયા પણ કલ્પી શકાય છે. ઉદારમતવાદને આજે વિવિધ સ્તરે અનેક સ્થળેથી પુષ્ટિ અને આવકાર મળી રહ્યાં છે. આમ સામ્યવાદી જગત પણ ઉદારમતવાદની વિચારસરણીથી આકર્ષાયું હતું.

તેનાં અનેક કારણોમાં તે વિચારસરણીને વરેલા મૂડીવાદી સમાજોએ સાધેલી અભૂતપૂર્વ આર્થિક પ્રગતિ, વૈજ્ઞાનિક અને તકનીકી સિદ્ધિઓ, વર્ગવિગ્રહ અને ડાબેરી વિચારસરણીને બદલે કલ્યાણરાજ્યની પ્રતિષ્ઠા ગણાવી શકાય. આ સિદ્ધિઓની સાથે વ્યક્તિસ્વાતંત્ર્યનાં બધાં જ સ્વરૂપો, લોકશાહીની ભાવનાઓ અને સંસ્થાઓ, મુક્ત વૃત્તપત્રો અને મુક્ત સમાજ પણ જળવાયાં છે. એક જમાનાના સામ્યવાદી દેશો સ્વાતંત્ર્ય અને લોકશાહી ઝંખે છે.

વીસમી સદીના અંતિમ દશકમાં ઉદારમતવાદ રાજ્યની આર્થિક નીતિઓમાં મુક્ત બજાર(free market)ને પ્રથમ સ્થાને મૂકે છે. આ અત્યાધુનિક સંદર્ભમાં જાહેરક્ષેત્રનું ખાનગીકરણ કરવા સાથે રાજ્ય કલ્યાણરાજ્યની વિભાવનામાંથી પીછેહઠ કરી રહ્યું હોય તેમ લાગે છે. એ જ રીતે વૈયક્તિક સ્વાતંત્ર્યનાં પરંપરાગત ઉદારમતવાદી મૂલ્યોને સ્થાને બજારોની આર્થિક પ્રક્રિયા અને સરકારના બિનહસ્તક્ષેપ (market processes and minimal government) અંગેના વિચારો આકાર લઈ રહ્યા છે. રાજકીય સ્વાતંત્ર્યની જેમ આર્થિક સ્વાતંત્ર્યને અને તેના વૈશ્વિકીકરણને પરમ મૂલ્ય તરીકે સ્વીકારવામાં આવી રહ્યું છે. પરિણામે વિકસતા દેશોની સ્વતંત્રતા ભારે મોટો પ્રશ્નાર્થ બને છે. આર્થિક સ્વાતંત્ર્યની આ અદ્યતન વિભાવના નવોદિત અને વિકસતા દેશો સમક્ષ ઊભો થયેલો ભારે મોટો પડકાર છે.

હસમુખ પંડ્યા

દેવવ્રત પાઠક