ઉદાત્ત તત્વ (સાહિત્યમાં)

January, 2004

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં) : અજ્ઞાત લેખકના અપૂર્ણ ગ્રંથ ‘ઑન ધ સબ્લાઇમ’માં રજૂ થયેલો સાહિત્યમાં ઉદાત્તતાનો ખ્યાલ. તે પહેલી સદીમાં લખાયેલો પણ તેની હસ્તપ્રત ત્રીજી સદીમાં ઉપલબ્ધ થઈ. તેનું પ્રથમ અંગ્રેજી ભાષાંતર 1652માં જૉન હૉલે કર્યું હતું. ફ્રેન્ચ અનુવાદ 1674માં બુવાલોએ કર્યો હતો.

ઉદાત્ત તત્વનો ખ્યાલ વિશાળતા, પ્રાકૃતિક ભવ્યતા અને ધાર્મિક ભય વગેરે દ્વારા જાગ્રત થતી પ્રબળ ઊર્મિ સાથે સંકળાયેલો છે. ઉચ્ચ સાહિત્યમાં વિચાર, લાગણી અને સત્વની ભવ્યતાનું મહત્વ સ્વીકારાયું છે. ભાષામાં ઉત્કૃષ્ટતા, મહાન તત્વની અભિવ્યક્તિ અને ભાવોન્માદ (ecstasy) વગેરેથી કૃતિની શ્રેષ્ઠતા દર્શાવવાની પ્રણાલી ઉદભવી. પ્રશિષ્ટ વિવેચનશૈલી, વિચાર, રૂપક, સંગીત વગેરે ઉપર ભાર મૂકતું તેને બદલે નૈતિકતા અને ઊર્મિમય કલ્પનાનું ઊંડાણ મહત્વનાં ગણાયાં. આ બધું પ્રતિભામાંથી પ્રગટે, નિયમોથી નહિ એમ સ્વીકારાયું.

સત્તરમા-અઢારમા સૈકા સુધી આ વિભાવનાનું મહત્વ નહોતું. આ વિચારણાથી અભ્યાસીઓને શેક્સપિયરમાં નવો રસ જાગ્યો. રોમૅન્ટિક સાહિત્ય માટે તે મૂલ્યવાન ધોરણ બન્યું. ધાર્મિક પ્રભાવ, વ્યાપકતા, કુદરતી ભવ્યતા અને તીવ્ર સંવેદનાના વિચારો આકર્ષક બન્યા. સાહિત્યવિવેચનમાં તેમજ સૌંદર્યમીમાંસામાં લાગણી અને કલ્પનાનું મહત્વ પ્રસ્થાપિત થયું. તે નિયમોથી ઉપર ઊઠતી પ્રતિભાનું ફળ મનાયું. પ્રથમ સાહિત્યમાં અને પછી અન્ય લલિત કલાઓમાં આ વિભાવનાએ પ્રવેશ કર્યો. ઊર્મિની ભવ્યતા અને વિચારની ગંભીરતા ઉદાત્ત તત્વના અનિવાર્ય અંશો ગણાયાં છે.

ઇંગ્લૅન્ડમાં એડિસન, હ્યૂમ, બર્ક, આર. બ્લેર વગેરે સર્જકોએ ચર્ચાઓ દ્વારા આ વિભાવનાનો પ્રચાર કર્યો. એડમંડ બર્કે ‘અ ફિલોસૉફિકલ ઇન્ક્વાયરી ઇન્ટુ ધી ઑરિજિન ઑવ્ અવર આઇડિયાઝ ઑવ્ ધ સબ્લાઇમ ઍન્ડ ધ બ્યૂટિફુલ’(1757)માં દુ:ખ અને ભયના વિચારો ઉશ્કેરનારાં તત્વો પર ભાર મૂક્યો. બર્કની ર્દષ્ટિએ વેદના અને ભયાનકતાની લાગણી જન્માવનારા વિચારોનું મૂળ ઉદાત્ત તત્વ છે. ભયજનક પદાર્થોની ગતિવિધિમાં ભવ્યતાનો ભાવ રહેલો છે અને તેનાથી ચિત્તમાં ઉત્કટમાં ઉત્કટ લાગણી જન્મે છે. આ ઉદાત્ત તત્વ સૌંદર્યથી ભિન્ન છે. ઉદાત્ત તત્વ સાથે શક્તિ, અજ્ઞાતતા, તિમિર, એકાંત અને વિશાળતાનો સંબંધ છે, જ્યારે સૌંદર્ય સાથે મૃદુતા, નાજુકાઈ, પ્રકાશ ને સરળતા વગેરેનો છે. જર્મન ફિલસૂફ કૅન્ટ તેના ‘ક્રિટિક ઑવ્ જજમેન્ટ’(1790)માં ઉપરના વિચારોનું સંશ્લેષણ કરે છે. બર્કે લેખકો અને ચિત્રકારોને પ્રોત્સાહિત કરેલા. આ ર્દષ્ટિએ હોમર અને મિલ્ટન તેમજ વડર્ઝવર્થ, બાયરન અને શેલી જેવા કવિઓ ભવ્યતાના સર્જકો ગણાયેલા.

લૉન્જાઇનસે વિશ્વના પદાર્થોની વિપુલતા, તારા, પર્વતો, સમુદ્રો, જ્વાળામુખીઓ વગેરેને ભવ્ય અને ભયાનક ગણાવેલાં. તેમાં પ્રચંડતા છે, કુદરતી ભવ્યતા અને વિનાશકતા પણ છે. મૅક્ફરસનની ‘ઓશિયૅનિક પોએમ્સ’માં આ ઉદાત્ત તત્વ જોવા મળે છે. અઢારમી સદીમાં રોઝાએ આલેખેલ આંધીવાળાં ભૂમિચિત્રો પણ આનું સુંદર ઉદાહરણ છે. નાટકોમાં અને ચિત્રકલામાં પણ ઉદાત્ત તત્વની વિભાવનાને કારણે ભયંકર ર્દશ્યોનું આકર્ષણ વધ્યું હતું. પ્રાકૃતિક પરિબળોની ગૂઢતા અને અગમ્યતા રજૂ કરતી કવિતા અંગ્રેજ કવિઓ બાયરન, શેલી અને વર્ડ્ઝવર્થ વગેરે પાસેથી મળી. ચિત્રકાર ટર્નરનાં ચિત્રોમાં પણ ઉદાત્ત તત્વના અંશો સારા પ્રમાણમાં જોવા મળે છે.

કૃષ્ણવદન જેટલી

વિ. પ્ર. ત્રિવેદી