ઉદાવર્ત : અધારણીય વેગો પરાણે રોકી રાખવાથી અવરોધેલો વાયુ, અવળો થઈ શરીરમાં અહીં તહીં ગમે ત્યાં (વિમાર્ગે) જાય તે. ઝાડો, પેશાબ, અપાનવાયુ, ભૂખ, તરસ, છીંક, ઊલટી, આંસુ અને બગાસાં જેવા ધારણ ન કરવા જેવા કુદરતી આવેગોને પરાણે રોકી રાખવાના કારણે નીચે ગુદા માર્ગેથી પ્રવર્તનારો પેટનો વાયુ અવળો થઈ, (ગુદા-આંતરડાથી) ઉપર (છાતી-માથા) તરફ ચડતાં આ રોગ થાય છે.

રોગનું કારણ : આ રોગ થવાનું ખાસ કારણ પૂર્વોક્ત કુદરતી 13 જાતના (શરીરના) આવેગોને પરાણે રોકી રાખવાથી પેદા થયેલ સ્વમાર્ગાવરોધ છે.

રોગનાં લક્ષણો : આ રોગમાં મુખ્યત્વે વાયુદોષનો પ્રકોપ રહે છે. વાયુની શરીરમાં (સ્વમાર્ગની) સવળી ગતિના બદલે (અન્ય-વિમાર્ગની) અવળી ગતિ મુખ્ય છે. ઉદાવર્ત રોગમાં પેટમાં ગડગડાટ, આફરો, પેટ, છાતી કે મસ્તકમાં શૂળ-પીડા તથા ઝાડા-પેશાબની રોજિંદી પ્રવૃત્તિમાં અનિયમિતતા કે અટકાવ – એ સામાન્ય લક્ષણો છે.

રોગના પ્રકારો : અપાનવાયુ (વાત નિગ્રહજ), ઝાડો, પેશાબ, બગાસુ, આંસુ, છીંક, ઓડકાર, ઊલટી, વીર્યનો વેગ, ભૂખ, તરસ, શ્વાસ અને ઊંઘ – આ 13 કારણોથી 13 પ્રકારના ઉદાવર્ત થાય છે. જે દરેકનાં ભિન્ન ભિન્ન વિશિષ્ટ લક્ષણો હોય છે. વળી તીખો, તૂરો અને કડવો આ 3 રસપ્રધાન, લૂખો-સૂકો ખોરાક લેવાની ટેવથી કોઠાનો વાયુ પ્રકુપિત થવાથી કોષ્ઠવાત પ્રકોપજ ઉદાવર્ત થાય છે. વળી જૂની કબજિયાતથી પણ આ રોગ થાય છે.

વિશિષ્ટ લક્ષણો : પેટના વાયુના અવળા માર્ગગમનથી ઉત્પન્ન ઉદાવર્ત રોગમાં આ પ્રમાણે વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે : અપાનવાયુ (વાછૂટ), મળ અને મૂત્રની મુશ્કેલીથી પ્રવૃત્તિ થવી; શ્વાસ, ખાંસી, શરદી, દાહ, તરસ, તાવ, ઊલટી, હેડકી, શિર:શૂલ, મન ભ્રમિત થવું, કાનમાં અવાજનો ભ્રમ ઇત્યાદિ. આ રોગમાં અપાનવાયુ પોતાના કુદરતી માર્ગ ગુદા દ્વારા બહાર ન નીકળતાં, અવળો (ઊલટો) થઈ, પેટની ઉપરની દિશામાં ચડી વ્યક્તિની છાતીમાં ભીંસ, હૃદયમાં કે પડખામાં શૂળ, મસ્તકપીડા તથા ચક્કર જેવાં લક્ષણો-ઉપદ્રવો પેદા કરે છે. આવા સમયે દર્દીને હૃદયરોગની શંકા સહજ રીતે થાય છે; પરંતુ અનુભવી વૈદ્યો દર્દીની માત્ર નાડી કે લક્ષણો જોઈને જ આ દર્દનું સહેલાઈથી સાચું નિદાન કરી શકે છે. ખાસ કરીને મળ, મૂત્ર અને અપાનવાયુના અવરોધથી ઉત્પન્ન ઉદાવર્ત દર્દી પર મોટું પ્રાણસંકટ પેદા કરી શકે છે.

ઔષધઉપચાર : ચિકિત્સા સિદ્ધાંત : (1) અધોવાયુ(અપાન)નો વેગ રોકવાથી થયેલ ઉદાવર્તમાં એરંડિયું (દિવેલ) પીવું. બાફ-શેક લેવો, ગુદા માર્ગે ફલવર્તિ (સપોઝિટરી) ચડાવવી કે એનિમા (બસ્તિ-પિચકારી) લેવી જરૂરી છે. આ સાથે અભયારિષ્ટ, દશમૂલારિષ્ટ, હિંગ્વાષ્ટક ચૂર્ણ, કર્પૂર હિંગવટી તથા લસુનાદિવટી જેવી દવા લાભપ્રદ છે. (2) મળ(ઝાડા)ના વેગને રોકવાથી થયેલ રોગમાં – જુલાબની દવા, ઍનિમા (બસ્તિ-પિચકારી), સ્વેદન (બાફ-શેક), પેટ તથા કમરે તેલનું માલિસ, તેલ કે ગરમ જળમાં બેસવું (અવગાહન), ગુદામાં ફલવર્તિ ચડાવવી તથા ઝાડો સાફ લાવનાર ભાજીઓ કે ગરમ સૂપ અને અન્ય ખોરાક લેવો લાભપ્રદ છે. (3) પેશાબ રોકવાથી થયેલ રોગમાં દુધ-પાણી અથવા દૂધ અને સોડાવૉટર મેળવી પીવું, શેરડીનો રસ પીવો, ગોખરુનો ઉકાળો પીવો, અથવા મૂત્રકૃચ્છ અને પથરીના રોગના ઉપાયો કરવા પણ ઉપયોગી છે. (4) બગાસાનો વેગ રોકવાથી થયેલ રોગમાં – સ્નેહન, સ્વેદન તથા વાયુદોષનાશક ઉપાયો કરવાનું સવિશેષ ઇષ્ટ છે. (5) આંસુનો વેગ રોકવાથી થયેલ ઉદાવર્તમાં ખૂબ રડવું અને પછી સૂઈ જવું ઇષ્ટ છે. (6) છીંકના વેગને રોકવાથી થયેલ રોગમાં – સૂંઠ, મરી કે કાયફળ જેવા તીક્ષ્ણ પદાર્થોનું બારીક ચૂર્ણ નાકમાં ફૂંકવું કે છીકણી સૂંઘવી, નાકમાં ષડબિંદુ તેલનાં ટીપાં પાડવા કે નાકમાં કપડાની વાટ કે મુલાયમ પીંછું પ્રવેશાવીને છીંક ખાવી – એમ જણાવાયું છે. (7) ઓડકારના વેગને રોકવાથી થયેલ ઉદાવર્તમાં ઘી-તેલ જેવા સ્નિગ્ધ પદાર્થો સળગતા અંગારા (કોલસા) પર નાંખી થતી ધુમાડી લેવી કે ધૂમ્રપાન કરવું લાભદાયી છે. (8) ઊલટીના વેગને રોકવાથી થયેલ દર્દમાં – મીંઢોળ ચૂર્ણ ગરમ પાણી સાથે લઈ ઊલટી કરવી અને પછી ઉપવાસ કરવો. પેટ પર ગરમ તેલનું માલિસ કરવું અને શિવાક્ષાર પાચનચૂર્ણ કે દીનદયાળ ચૂર્ણ ગરમ પાણીમાં લઈ જુલાબ કરવાથી રાહત આપે છે. (9) વીર્યનો વેગ રોકવાથી થયેલ ઉદાવર્તમાં – દૂધમાં ચારગણું પાણી મેળવી ઉકાળી, માત્ર દૂધ રહે ત્યારે તે ઉતારી તેમાં સાકર મેળવી પીવું ઇષ્ટ છે. શરીરે તલના તેલનું માલિસ કરવું અને ગરમ પાણી ભરેલ ટબમાં કમરબૂડ બેસવું પણ રાહત દે છે. (10) ભૂખનો વેગ રોકવાથી થયેલા રોગમાં – ઘી-તેલવાળું સ્નિગ્ધ, હળવું, રુચિકર, ગરમ, તાજું, સુવાસિત અને મનને ગમે તેવું થોડું થોડું ભોજન સમયાંતરે કરવું જરૂરી છે. (11) તરસ રોકવાથી થયેલ રોગમાં – ઠંડા, મધુર, રૂચિકર શરબતો પીવા તથા તમામ ઠંડા ઉપચારો કરવાની હિમાયત થાય છે. (12) શ્વાસ રોકવાથી થયેલ ઉદાવર્તમાં ઘી-દૂધ પ્રધાન, સુખોષ્ણ, સુગંધિત ખોરાક લેવો, આરામ કરવો અને ખુલ્લી હવામાં, બાગ-બગીચામાં ફરવું લાભદાયી છે. (13) ઊંઘનો વેગ રોકવાથી થયેલ રોગમાં – બદામ, પિસ્તાં, જાયફળ, સાકર અને ગંઠોડા ચૂર્ણ નાંખી ગરમ કરેલા દૂધમાં ઘી નાંખી પીવું તથા ભરપૂર ઊંઘ લેવી અને શીતળ જળથી સ્નાન કરવું ઉપયોગી છે.

વ્યવહારુ ચિકિત્સા : ઉદાવર્તમાં અભયારિષ્ટ, દશમૂલારિષ્ટ, અશ્વગંધારિષ્ટ, દ્રાક્ષાસવ, બ્રાહ્મી-શંખપુષ્પી સીરપ, ત્રિફલાઘૃત, માલિસ માટે – મહાનારાયણ તેલ; લવણભાસ્કર ચૂર્ણ, હિંગ્વાષ્ટક ચૂર્ણ, શિવાક્ષાર પાચનચૂર્ણ, લશુનાદિવટી, અગ્નિતુંડીવટી, કર્પૂર હિંગવટી, દિવેલ, દીનદયાળ ચૂર્ણ, અશ્વકંચુકીરસ, હરડે ચૂર્ણ, દાડિમાવલેહ તથા પંચારિષ્ટ જેવી અનેક ઔષધિઓ દર્દીના રોગ થવાના મૂળ કારણને શોધીને, તેને માટે જે યોગ્ય હોય તેનો નિર્ણય કરીને આપવામાં આવે છે.

હરિદાસ શ્રીધર કસ્તૂરે

બળદેવપ્રસાદ પનારા