ઉત્તરાધ્યયન સૂત્ર (उतरज्झयणसुत)

January, 2004

ઉત્તરાધ્યયન સૂત્ર (उतरज्झयणसुत) : જૈન આગમ સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ. અર્ધમાગધી પ્રાકૃતના આગમગ્રંથોમાં ચાર ગ્રંથોને મૂળ સૂત્ર કહેવામાં આવ્યા છે. તેમાંનું એક તે ‘ઉત્તરાધ્યયન’ સૂત્ર. જૈન સંઘની મૂળભૂત બાબતોનું આ ગ્રંથમાં વર્ણન હોવાથી તેને મૂળ સૂત્ર કહ્યું છે. આ ગ્રંથનાં સૂત્રો આચારાંગ સૂત્ર અથવા દશવૈકાલિક સૂત્રના ઉત્તરકાલમાં (પછી) વાંચવામાં આવતાં, એટલે તેને (ઉત્તર + અધ્યયન =) ઉત્તરાધ્યયન સૂત્ર નામ મળ્યું છે. એક માન્યતા અનુસાર આ ગ્રંથમાં વિભિન્ન પ્રશ્નોના ઉત્તર આપનાર અધ્યયન (પરિચ્છેદ) છે માટે તેનું નામ ઉત્તરાધ્યયન સૂત્ર છે. ભગવાન મહાવીરના ઉપદેશોનું આ ગ્રંથમાં સંકલન છે તેથી, પરંપરાથી આ ગ્રંથના પ્રણેતા મહાવીર ગણાય છે; પરંતુ વિદ્વાનોનો મત છે કે ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ વિભિન્ન મુનિઓની રચનાઓનો સંકલનગ્રંથ છે. ભાષા અને વિષયવસ્તુ અનુસાર વિદ્વાનો ‘ઉત્તરાધ્યયન સૂત્ર’નો સમય ઈ. પૂ. ચોથી કે પાંચમી શતાબ્દી માને છે.

‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં કુલ 36 અધ્યયનો (પરિચ્છેદ) છે. એમાં પ્રાકૃત ગાથાઓમાં વિભિન્ન નૈતિક નિયમો અને ર્દષ્ટાંતકથાઓનું વર્ણન છે. વિન્ટરનિટ્ઝના મત અનુસાર ઉત્તરાધ્યયન શ્રમણકાવ્ય છે, જે ધમ્મપદ, મહાભારત અને સુત્તનિપાત આદિ ગ્રંથો જેવું મહત્વપૂર્ણ છે. આ ધાર્મિક કાવ્યમાં ત્યાગ, વૈરાગ્ય અને સંયમનાં અનેક ઉદાહરણ રજૂ કરવામાં આવ્યાં છે. આ ગ્રંથનું પ્રથમ અધ્યયન ‘વિનય’ શિષ્ટાચાર અને અનુશાસનની શીખ આપે છે. આઠમા અધ્યયનમાં કપિલની કથા દ્વારા લોભવૃત્તિ પર સંયમ રાખવાનું કહેવામાં આવ્યું છે. બારમા અધ્યયનમાં મુનિ હરિકેશીની કથા જાતિવાદનું ખંડન કરે છે અને કર્મોથી જ મનુષ્ય શ્રેષ્ઠ બને છે તે સમજાવે છે. બાવીસમા અધ્યયનમાં આવેલી રથનેમિની કથા ભોગ ઉપર વિજય અને શીલની પ્રતિષ્ઠાને સૂચવે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’નું પ્રત્યેક અધ્યયન એ રીતે માનવીય મૂલ્યો પ્રત્યે શ્રદ્ધા દર્શાવીને આચારશુદ્ધ જીવન જીવવાની કલાનો નિર્દેશ કરે છે. વ્યક્તિ સમક્ષ ઉપસ્થિત વિષય-ભોગ એ ઘાસના અગ્રભાગ ઉપર સ્થિત ઝાકળબિંદુની જેમ ક્ષણભરમાં નષ્ટ થનાર છે, તો પછી શા માટે અલ્પ આયુને સમજીને કલ્યાણમાર્ગને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ન કરવો ? જેમ કે,

कुसग्गमेता इमे कामा सन्निसद्धंभि आउए ।

कस्स हेउं पुराकाउं जोगक्खेमं न संविये ।।

                                                         (ઉત્ત. અ. 7, ગા. 24)

ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર પ્રાચીન તથા અર્વાચીન વિદ્વાનોએ સૌથી વધારે વ્યાખ્યાઓ, સંસ્કરણ અને નિબંધ વગેરે લખ્યાં છે, જે આ ગ્રંથના મહત્વની સાક્ષી પૂરે છે.

પ્રેમસુમન જૈન