ઉત્તરાખંડ

November, 2023

ઉત્તરાખંડ : ઉત્તર ભારતનું નવેમ્બર 2000માં બનેલું સરહદી રાજ્ય. તે 28o 37’થી 31o 10′ ઉ. અ. અને 77o 30’થી 80o 46′ પૂ. રે.-ની વચ્ચેનો 53,484 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તરે હિમાચલ પ્રદેશ, પશ્ચિમે હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ, દક્ષિણે ઉત્તરપ્રદેશની આંતરરાજ્ય સીમાઓ તથા ઈશાન અને પૂર્વ તરફ ચીન અને નેપાળની આંતરરાષ્ટ્રીય સીમાઓ આવેલી છે. 2011 મુજબ રાજ્યની વસ્તી 1,00,86,292 જેટલી છે. દેહરાદૂન રાજ્યનું પાટનગર છે. તેના કુમાઉં અને ગઢવાલ જિલ્લાના વિસ્તારો પ્રાચીન હિંદુ ધર્મગ્રંથોમાં ઉત્તરાંચલ તરીકે પ્રસિદ્ધ હતા.

ભૂપૃષ્ઠ : આ રાજ્યમાં હિમાલયના પહાડી પ્રદેશોનો સમાવેશ થાય છે. તેમાં બાહ્ય, લઘુ અને ઉપ-હિમાલય જેવા ત્રણ વિભાગો છે. અહીં કામેત, ત્રિશૂળ, દૂનગિરિ અને નંદાદેવી શિખરો 7 હજાર મીટર ઊંચાં છે. તેમની ઉપર કાયમી બરફ જામેલો રહે છે. આ રાજ્યનો 86 % વિસ્તાર પર્વતીય છે. આ વિસ્તારમાં ભાગીરથી, અલકનંદા, યમુના, ગંગા જેવી નદીઓનાં ઉદગમસ્થાનો આવેલાં છે. પિંડારી અને ગંગોત્રી હિમનદીઓ પણ અહીંથી નીકળે છે. ભાગીરથી અને અલકનંદા જે ભારતની સૌથી ઊંડી નદી ખીણ છે. બાહ્ય હિમાલયના ભાગ રૂપે શિવાલિક હારમાળા આવેલી છે. નૈનીતાલ, અલમોડા, લૅન્સડાઉન, મસૂરી, રાજપુરા, ભવાલી, રામનગર અને ચકરાણ જેવાં સ્થાનો અહીં આવેલાં છે. ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલાં સરોવરોમાંનું એક દેવતાલ સરોવર જે ગઢવાલ જિલ્લામાં આવેલું છે. આ સરોવર સમુદ્રની સપાટીથી લગભગ 5 હજાર મી.ની ઊંચાઈએ છે.

આબોહવા : અહીં શિયાળો સખત અને ઉનાળો આહલાદક હોય છે, શિયાળામાં ક્યારેક હિમવર્ષા થાય છે. જાન્યુઆરીમાં તાપમાન 0o સે. જેટલું નીચું ચાલ્યું જાય છે; જ્યારે ઉનાળામાં 30oથી 35o સે. ઊંચું રહે છે. વરસાદ અહીં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 1,000થી 2,000 મિમી. જેટલો પડે છે. 2013 અને 2021ના વર્ષોમાં અતિવૃષ્ટિનો અનુભવ થયો હતો. જેને પરિણામે ભારે નુકશાન અને જાનહાનિ થઈ હતી.

વનસ્પતિ અને પ્રાણીઓ : અહીંનો ઉપ-હિમાલય વિસ્તાર શંકુદ્રુમ અને ખરાઉ પ્રકારનાં જંગલોવાળો છે. તેમાં પાઇન, બ્રૂસ, ફર, ઓક, દેવદાર, સાગ અને સાલનાં વૃક્ષો જોવા મળે છે. તરાઈના ભેજવાળા વિસ્તારમાં સાગ, સાલ, વાંસ મળે છે. કેટલીક જગાઓમાં ઊંચું ઘાસ ઊગી નીકળે છે. રાજ્યનો 60 %થી વધુ વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. અહીંનાં જંગલોમાં વાઘ અને દીપડા જેવાં હિંસક પ્રાણીઓ વસે છે, જ્યારે હિમાલયના તળેટી-વિભાગોમાં હરણ, વરુ અને સસલાં તથા ઊંચા વિભાગોમાં કસ્તૂરી-મૃગ જોવા મળે છે. વળી આ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં જેવાં પાલતુ પશુઓનું પ્રમાણ અધિક છે

ખેતી : રાજ્યના 90 %થી વધુ લોકો ખેતીની પ્રવૃત્તિમાં રોકાયેલા છે. આશરે 12,61,915 હેક્ટર વિસ્તાર ખેતી હેઠળ રહેલો છે. અહીં ઘઉં, ડાંગર, મકાઈ, કઠોળ, શેરડી, બટાટા અને શક્કરિયાંની ખેતી થાય છે. આ રાજ્યના બાસમતી ચોખાની મહત્તમ નિકાસ થાય છે.

ખનિજસંપત્તિ : આ રાજ્ય ખનિજસંપત્તિની ર્દષ્ટિએ ઠીક ઠીક પ્રમાણમાં સમૃદ્ધ છે. અહીં ચૂનાખડકો, રૉક ફૉસ્ફેટ, ડૉલોમાઇટ, મૅગ્નેસાઇટ, ગ્રૅફાઇટ, સોપસ્ટોન અને ચિરોડી મળી આવે છે.

ઉદ્યોગો : આ રાજ્યમાં 41,216થી વધુ લઘુઉદ્યોગો અને 190 જેટલા ભારે ઉદ્યોગો સ્થપાયેલા છે. અહીંના ઉદ્યોગો અને એકમો જંગલપેદાશો પર આધારિત છે.

સિંચાઈઊર્જાનાં સાધનો : ખેતી હેઠળની કુલ જમીનના 56 % વિસ્તારને સિંચાઈનો લાભ મળી રહે છે. નાના-મોટા કુદરતી જળધોધને કારણે જળવિદ્યુતનું ઉત્પાદન મેળવાય છે. જળવિદ્યુત મેળવવા યમુના, ભાગીરથી, ગંગા, રામગંગા અને શારદા જેવી નદીઓને નાથવામાં આવી છે અને જળવિદ્યુત મેળવવાના એકમો ઊભા કરાયા છે. ભારતનો સૌથી ઊંચો તહેરી બંધ (265.5મી.) જે ભાગીરથી નદી ઉપર બાંધવામાં આવ્યો છે.

પરિવહન : રાજ્યમાં પાકા રસ્તાઓની લંબાઈ 28,508 કિમી. છે; તેમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગોનો સમાવેશ થાય છે. રાજ્યનું મોટાભાગનું ભૂપૃષ્ઠ પહાડી હોવાથી રેલમાર્ગોનો વિકાસ થઈ શક્યો નથી; તેમ છતાં સમતળ પ્રદેશોમાં બ્રૉડગેજ રેલવે અને અન્યત્ર નૅરોગેજ રેલવે જોવા મળે છે. અહીંનાં મુખ્ય રેલમથકોમાં દેહરાદૂન, હરદ્વાર, ઋષિકેશ, રૂડકી, રામનગર, કાઠગોદામ અને તનકપુરનો સમાવેશ થાય છે. વળી રાજ્યને દેહરાદૂન, પિથોરાગઢ અને ઉધમસિંહનગર હવાઈ મથકોનો પણ લાભ મળ્યો છે. ચમોલી અને ઉત્તરકાશીમાં હવાઈ પટ્ટીઓ તૈયાર થઈ રહી છે. આ સિવાય ભારકોટ, ગાઉચર હવાઈ મથક પણ આવેલાં છે.

પ્રવાસધામો : આ રાજ્યો ભગવાનની ભૂમિ તરીકે ઓળખાય છે. ધાર્મિક ર્દષ્ટિએ જોતાં રાજ્યમાં ગંગોત્રી, જમનોત્રી, બદરીનાથ, કેદારનાથ, હરદ્વાર, નાનક મથ્થા, ઋષિકેશ, હૈમકુંડ સાહિબ, કૈલાસ, માનસરોવર જવા માટે યાત્રાળુઓને કુમાઉં પ્રદેશમાં થઈને જવું પડે છે. વૅલી ઑવ્ ફ્લાવર્સ, પિંડારી અને રૂપકુંડ હિમનદીઓ વગેરે જાણીતાં છે. હવા ખાવા માટે મસૂરી, દેહરાદૂન, નૈનીતાલ, રાનીખેત, બાગેશ્વર, ભીમતાલ, કસૌની વગેરે મુખ્ય છે. અહીં દર બાર વર્ષે કુંભમેળો અને દર છ વર્ષે અર્ધકુંભમેળો ભરાય છે. દેવીપુરા, ગૌચર મેળો, વૈશાખી, માઘમેળો, ઉત્તરાયણમેળો, વિષુમેળો ભરાય છે; આ ઉપરાંત અહીં નંદાદેવી રાજ જાટ યાત્રા પણ દર બાર વર્ષે નીકળે છે.

હોનારતો : 2013ની 16મી જૂને ઉત્તરાખંડમાં ભયાનક હોનારત સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે વિનાશક પૂર ત્રાટક્યું હતું અને તેમાં સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત હજારો પ્રવાસીઓ તણાઈ ગયા હતા. ભારતમાં 2004માં ત્રાટકેલી ત્સુનામી પછી આ સૌથી મોટી કુદરતી હોનારત હતી. ઉત્તરાખંડની એ હોનારતમાં 934 સ્થાનિક રહેવાસીઓ સહિત કુલ 5700 લોકોનાં મોત થયાનો અંદાજ સરકારે આપ્યો હતો. દોઢ લાખ લોકો પૂરપ્રભાવિત વિસ્તારોમાં ફસાઈ ગયા હતા, જેને આર્મી અને વાયુસેનાના જવાનોએ બચાવ્યા હતા. અંદાજિત આંકડા કરતાં મૃત્યુઆંક ઘણો વધારે હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ચારધામ સુધી જતા રસ્તા અને પુલને ઘણું નુકસાન થયું હતું. આ હોનારત પછી હજારો લોકોની કોઈ જ ભાળ મળી ન હતી. એ પછીના બે વર્ષ સુધી ચારધામની યાત્રા બંધ રખાઈ હતી.

7મી ફેબ્રુઆરી, 2021ના રોજ ગ્લેશિયરનો એક મોટો હિસ્સો તૂટીને ઋષિગંગા નદીમાં પડ્યો હતો. એના કારણે ભયાનક પૂર આવ્યું હતું. આ દુર્ઘટના ચમોલી જિલ્લા રિલી ગામ નજીક સર્જાઈ હતી. દુર્ઘટનાની આસપાસના 10થી 15 ગામડાંમાં ખૂબ વિનાશ થયો. ઋષિગંગાના પૂરમાં અસંખ્ય લોકો તણાઈ ગયા હતા. લશ્કરના જવાનોએ બચાવકામગીરી કરીને લોકોને બચાવ્યા હતા, છતાં 170થી 200 લોકોનાં મોત થયાં હતાં. ગુમ થયેલા લોકોનો મહિનાઓ સુધી કોઈ જ પત્તો લાગ્યો ન હતો. આ દુર્ઘટનામાં પણ મૃત્યુઆંક ઘણો વધારે હોવાનો અહેવાલોમાં દાવો થયો હતો. 2021ની એ દુર્ઘટનાએ ઉત્તરાખંડમાં ચાલતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઉપર ચર્ચા જગાવી હતી. તેના કારણે હિમાલયન રેન્જમાં બદલાતા વાતાવરણ અંગે વૈશ્વિક સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી હતી.

વહીવટી ર્દષ્ટિએ આ રાજ્યને 13 જિલ્લાઓમાં વહેંચેલો છે. પ્રવાસન અને વનપેદાશો તેના મુખ્ય ઉદ્યોગો છે. નિયત વર્ષોમાં યોજાતા હરદ્વારના કુંભમેળા દ્વારા પ્રવાસન-રૂપે તે તેમાંથી વાર્ષિક 1,500 કરોડની આવક મેળવે છે. ચાર ધામની યાત્રાના યાત્રાળુઓ અને પ્રવાસ તથા વનપેદાશો દ્વારા તે વાર્ષિક રૂ. 135 કરોડની ઊપજ મેળવે છે. વળી પર્વતારોહણ, બરફાની રમત કેંદ્રો(ski resorts)ની સંસ્થાઓનો સારો વિકાસ થયેલો છે; જેમાં તેનું ઔલીનું બરફાની રમત કેંદ્ર (જુઓ ઔલી સ્કીઇંગ કેંદ્ર.) ભારતભરમાં પ્રસિદ્ધ છે. ઔલી-જોષીમઠ-રોપ-વે આકર્ષક અને શ્રેષ્ઠ તકનીકથી બનેલો છે. ઊંચાઈમાં તે એશિયાભરમાં બીજા ક્રમાંકે આવતો રોપ-વે છે. બાગાયત, પુષ્પસંવર્ધન ઉદ્યોગ, ફળ-પરિરક્ષણ અને ઔષધીય ઉત્પાદનો આ રાજ્યની વિશેષતા છે. આ માટેના ઔદ્યોગિક એકમો દૂન ખીણ અને ટેહરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવેલા છે. ગંગા, યમુના અને શારદા મહાનદીઓના પ્રવાહ દ્વારા 1,000 મૅગાવૉટ વીજળીનું ઉત્પાદન કરતા જળવિદ્યુત એકમો પણ ઊભા કરવામાં આવેલા છે. દહેરાદૂન-સ્થિત ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – વનસંશોધન-ક્ષેત્રની અનન્ય સંસ્થા છે. આ ઉપરાંત સર્વે ઑવ્ ઇન્ડિયા, ઇન્ડિયન પેટ્રોલિયમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન મિલિટરી એકૅડેમી – એ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાઓ છે. જોકે કુદરતી સૌંદર્યની વ્યાપક સમૃદ્ધિ ધરાવતા આ પ્રદેશની સમૃદ્ધિનો લાભ સામાન્ય પ્રજાજન સુધી પહોંચાડી શકાયો નથી. આથી સામાન્ય જનસમાજની અપેક્ષાઓ આ નવું રાજ્ય રચાયાથી સંતોષાશે એવી આશા સ્થાનિક પ્રજામાં વ્યાપક છે.

ઇતિહાસ : આ રાજ્ય ઉત્તરપ્રદેશમાંથી 2001માં જુદું પાડવામાં આવેલું હોવાથી તેનો ઇતિહાસ ઉત્તરપ્રદેશના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.

રાજકીય : ઉત્તરપ્રદેશ રાજ્યના ભાગ રૂપે આ વિસ્તાર 1950થી અલગ જિલ્લા જેવું સ્થાન ધરાવતો હતો.

1970થી આ પર્વતીય વિસ્તારના લોકોએ અલગ રાજ્ય માટે આંદોલનનો આરંભ કર્યો હતો. 1લી ઑગસ્ટ 2000માં ઉત્તરપ્રદેશ પુનર્રચના ધારો પસાર કરવામાં આવ્યો, જે દ્વારા ઉત્તરાખંડનો વિસ્તાર ઉત્તરપ્રદેશથી અલગ પાડવામાં આવ્યો. ભારતીય સંઘના 27મા રાજ્ય તરીકે 9 નવેમ્બર, 2000ના રોજ આ નવા રાજ્યની રચના કરવામાં આવી. કેંદ્ર સરકાર દ્વારા આ રાજ્યને વિશિષ્ટ દરજ્જાનું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે કેંદ્ર દ્વારા તેને વિશેષ અને વ્યાપક આર્થિક સહાય આપવામાં આવશે. સામાન્ય ધોરણે રાજ્યોને 30 ટકા ગ્રાંટ અને 70 ટકા લોન મળે છે; જ્યારે વિશિષ્ટ દરજ્જાને કારણે ઉત્તરાંચલને 90 ટકા ગ્રાંટ અને 10 ટકા લોન મળશે.

1959માં તિબેટમાં થયેલો બળવો ચીને કચડી નાખતાં તિબેટમાંથી દેશવટો ભોગવતા તિબેટવાસીઓ પણ આ વિસ્તારમાં સ્થાયી થયા છે. તેની મુખ્યભાષા હિંદી અને ગઢવાલી છે; તે સાથે કુમાઉં બોલીને પણ માન્યતા આપવામાં આવી છે.

દેશના છ રાષ્ટ્રીય ઉદ્યાનો આ રાજ્યમાં આવેલા છે, જેમાં કોર્બોટ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ પણ થાય છે. આ ઉદ્યાન, નંદાદેવી અને વેલી ઑફ ફ્લાવર્સ રાષ્ટ્રીય પાર્કને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરેલ છે. મહાકાય બંધમાં સ્થાન પામનાર ટેહરી બંધનું કામકાજ ઉગ્ર સ્થાનિક વિરોધને કારણે બંધ રાખવામાં આવ્યું હતું. તે એપ્રિલ 2002થી ભારે સલામતી સાથે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશની જેમ સૌંદર્ય-સ્પર્ધા જેવાં પાશ્ચાત્ય સાંસ્કૃતિક પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 1962ના ચીનના આક્રમણને કારણે હિમાલયની ગિરિમાળાના આ વિસ્તારમાં જાહેર માર્ગો અને સંચાર માધ્યમોનો લશ્કરી ર્દષ્ટિએ પણ વિકાસ કરવાની ફરજ ભારત સરકારને પડી હતી. અન્યથા આ વિસ્તાર અવિકસિત હતો.

રાજ્યના પ્રથમ રાજ્યપાલ સુરજિત સિંઘ બરનાલા અને પ્રથમ મુખ્ય પ્રધાન નિત્યાનંદ સ્વામી છે. 2003માં એન. ડી. તિવારી રાજ્યના મુખ્યપ્રધાનનું પદ ધરાવે છે. 12 સભ્યોની કૅબિનેટમાં 7 કૅબિનેટ-કક્ષાના અને 5 રાજ્ય-કક્ષાના પ્રધાનો નીમવામાં આવ્યા છે. તેની વર્તમાન વિધાનસભા માત્ર 31 સભ્યોની છે. વળી લોકસભા માટે 5 અને રાજ્યસભા માટે 3 સભ્યોની ચૂંટણી રાજ્યને ભાગે આવે છે. જિલ્લાઓની નવી રચના અનુસાર નવી ચૂંટાનાર વિધાનસભા 60 સભ્યોથી રચાશે. તેવી ઘોષણા કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રકલ્પના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્કયારા-દાંડલગાંવ ટનલ (બોગદુ) 12મી નવેમ્બરની વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા 41 મજૂરોને 28 નવેમ્બરે સહીસલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ દરમિયાનમાં એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ., ભારતીય સૈન્ય, ભૂસ્તરશાસ્ત્રીઓ, ઓ.એન.જી.સી., વિદેશી નિષ્ણાત ક્રિસકૂપર- આર્નોલ્ડ ડિક્સ (ઑસ્ટ્રેલિયા) અને રાજ્ય તથા કેન્દ્રીય એજન્સીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશનું સૌથી મોટું ટનલ રેસ્ક્યુ ઓપરેશન 17 દિવસ અવિરત ચાલ્યું હતું. આ દરમિયાન તેઓને અવિરત હવા, પાણી, ખાદ્યસામગ્રી મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

નીતિન કોઠારી

રક્ષા મ. વ્યાસ