ઉચ્ચ શિક્ષણ : માધ્યમિક શિક્ષણ પછીના શિક્ષણનો તબક્કો. સામાન્ય રીતે તેમાં યુનિવર્સિટીના માળખામાં અપાતા શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્વમાં સામાન્ય રીતે સર્વત્ર ઔપચારિક (formal) શિક્ષણની વ્યવસ્થા ક્રમિક ત્રણ તબક્કાઓમાં ગોઠવાયેલી જોવા મળે છે : પ્રાથમિક (primary), માધ્યમિક (secondary) અને ઉચ્ચ (tertiary). પ્રાથમિક કક્ષાએ બાળકની જ્ઞાનેન્દ્રિયોના વિકાસની સાથે સાથે તેનામાં ત્રણ પાયાનાં કૌશલ્યો (three R’S) જેવાં કે વાચન, લેખન અને ગણનનો વિકાસ કરવામાં આવે છે. માધ્યમિક કક્ષાના વિદ્યાર્થી માટે જીવન અને કાર્યના વિશ્વમાં પ્રવેશવા માટેનું સામાન્ય શિક્ષણ (general education) આપવાનો પ્રબંધ કરવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ એ સમાજનાં પ્રતિભાવંત યુવક-યુવતીઓમાં રહેલી વિકાસની સંભાવનાઓને વિશિષ્ટ માવજત દ્વારા ઉચ્ચતમ સિદ્ધિઓમાં ફેરવવાનો ઉપક્રમ છે. જીવનનાં અનેક ક્ષેત્રોમાં નેતૃત્વ લઈ શકે તેવું સુસજ્જ માનવબળ તૈયાર કરવાની જવાબદારી ઉચ્ચ શિક્ષણક્ષેત્રને શિરે રહી હોય છે. તેમાં અધ્યાપન, સંશોધન અને જ્ઞાનવિસ્તરણની ત્રિવિધ જોગવાઈ કરવામાં આવી હોય છે.
ઉચ્ચ શિક્ષણ પાસેથી સમાજના વિકાસ અને પરિવર્તનની અપેક્ષા રખાતી હોવાથી પ્રાચીન કાળથી માનવસમાજે એક અથવા બીજા સ્વરૂપની ઉચ્ચ શિક્ષણવ્યવસ્થા વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન ભારતમાં પણ ઉચ્ચ શિક્ષણ આપવા માટેની સમાજપુરસ્કૃત વ્યવસ્થા જોવા મળે છે. ઋષિઓના આશ્રમો, ગુરુકુળો, પરિષદો, વિહારો, મઠો વગેરે ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો હતાં. તક્ષશિલા (જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે.) વિશ્વવિદ્યાલય તરીકે ઈ. પૂ. 700થી વિખ્યાત હતું. બૌદ્ધકાળ દરમિયાન વિહારો, સંઘારામ ઇત્યાદિ ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો હતાં. પુરુષપુર, નાલંદા, વિક્રમશીલા, ઓદંતપુરી, જયેન્દ્રવિહાર, કાંચી, વલભી વગેરે ખ્યાતનામ વિશ્વવિદ્યાલયો ભૂતકાળમાં વિકસ્યાં હતાં. ત્યાં દેશ-પરદેશના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. ઇત્સિંગ, હ્યુ-એન-સાંગ વગેરે ચીની સાધુઓનાં પ્રવાસવર્ણનોમાંથી તેમની વિગત મળે છે. વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશનું ધોરણ ઊંચું હોઈ આશરે 10 પૈકી એક જ વિદ્યાર્થીને પ્રવેશ મળતો. વિદ્યાપીઠને રાજાઓ અને ધનવાનો તરફથી વસ્ત્રો, જમીન અને ધનનું દાન મળતું હતું. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જીવનનિર્વાહની ચિંતાથી મુક્ત હતા. આ વિદ્યાપીઠોમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ણના વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા થોડા વિદ્યાર્થીઓ વૈશ્ય વર્ણના અને ચીન, તિબેટ તથા મધ્ય એશિયા તથા અગ્નિ એશિયાના દેશોના વિદ્યાર્થીઓ પણ હતા.
ભારત પર બખત્યાર ખલજીએ કરેલા આક્રમણને કારણે તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયો તથા કનોજ અને ઉજ્જૈનનાં વિદ્યાકેન્દ્રો નષ્ટ થયાં હતાં. દક્ષિણમાં સાતવાહન, પલ્લવ અને ચોલવંશના તથા વિજયનગરના રાજાઓએ ઉચ્ચ શિક્ષણનાં વિદ્યાકેન્દ્રોને આશ્રય આપેલો. બહ્મની સુલતાનોએ તાલીકોટાના યુદ્ધમાં વિજયનગરને હાર આપતાં આ સામ્રાજ્ય સોળમી સદીમાં નષ્ટ થયું હતું. તે પછી દક્ષિણનાં વિદ્યાકેન્દ્રોની અવનતિ થઈ હતી.
મુસ્લિમ શાસનકાળ દરમિયાન તેરથી અઢારમી સદી દરમિયાન જયપુર અને કાશીની પાઠશાળાઓમાં તથા બંગાળમાં નવદ્વીપ વગેરે સ્થળોએ આવેલી ટોલ અને પાઠશાળાઓમાં તથા દક્ષિણનાં મંદિરોમાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા હતી. દિલ્હી, લખનૌ, અજમેર, મુર્શિદાબાદ, પાટણ, અમદાવાદ, ભરૂચ, સૂરત વગેરેમાં મદ્રેસા હતી. ત્યાં વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ઇતિહાસ, તત્વજ્ઞાન, ભૂમિતિ અને ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરાવાતો હતો. શિક્ષણનું માધ્યમ ફારસી ભાષા હતી. મુસલમાનો માટે અરબીનો અભ્યાસ ફરજિયાત હતો. કેટલાક હિંદુઓ પણ આ મદ્રેસામાં શિક્ષણ લેતા હતા.
પ્રાચીન ગ્રીસમાં ‘સોફિસ્ટ’ તરીકે ઓળખાતા વિદ્વાનો ઉચ્ચ શિક્ષણના દાતા હતા. એથેન્સનું વિશ્વવિદ્યાલય ઈ. પૂ. ચોથી સદી જેટલું પ્રાચીન હતું. સૉક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટૉટલ જેવા ગ્રીક વિદ્વાનો સાહિત્ય, ગણિત, વિજ્ઞાન અને વાદવિવાદશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા. પ્રાચીન ગ્રીસ સાહિત્ય, કલા અને પશ્ચિમના તત્વજ્ઞાનનું આદ્ય સ્રોત હતું. પ્રાચીન રોમમાં યુદ્ધકલા, કાયદો અને નાગરિકત્વના વિષયો ઉચ્ચ શિક્ષણકક્ષાએ શીખવાતા. ગ્રીસ અને રોમની ‘Rhetorical School’ ઉચ્ચ શિક્ષણનો પ્રસાર કરતી હતી. વ્યાકરણ ને સાહિત્ય, શૈલી અને વક્તૃત્વ તેમના અભ્યાસના મુખ્ય વિષયો હતા. બાઇઝેન્ટિયમ સામ્રાજ્યના પાટનગર કૉન્સ્ટેન્ટિનોપલે છઠ્ઠી સદીથી રોમનું સ્થાન લીધું હતું.
યુરોપમાં ગ્રીસ અને રોમના પતન બાદ વ્યાકરણ, અલંકારશાસ્ત્ર (rhetorics), વાદવિવાદશાસ્ત્ર (dialectics), અંકગણિત, ભૂમિતિ, સંગીત તથા ખગોળશાસ્ત્ર એ સાત માનવવિદ્યાઓ(liberal arts)નો અભ્યાસ થતો હતો. સમાજના ઉપલા થરના નાગરિકો તથા પાદરીઓ તેનો લાભ લેતા હતા. અગિયારમી સદી દરમિયાન મુસ્લિમ અને યહૂદી વિદ્વાનોએ સ્પેન અને ઇટાલીમાં ગ્રીક વિચારધારા અને વિદ્યાનો પ્રચાર કર્યો હતો.
વૈદકશાસ્ત્રના અભ્યાસ માટે સાલેર્નોનું વિશ્વવિદ્યાલય અગિયારમી સદીમાં અને કાયદાના અભ્યાસ માટે બોલોનાનું વિશ્વવિદ્યાલય બારમી સદીમાં ઇટાલીમાં (1158) અસ્તિત્વમાં આવ્યું. 1175માં ફ્રાંસમાં પૅરિસનું વિશ્વવિદ્યાલય અસ્તિત્વમાં આવ્યું હતું. નવજાગૃતિ (renaissance) અને ધાર્મિક સુધારણા(reformation)ના યુગમાં વિજ્ઞાનના અભ્યાસમાં રસ જાગ્યો હતો. સોળમી સદીમાં વિજ્ઞાનની એકૅડેમીઓ અસ્તિત્વમાં આવી હતી. ઇટાલીમાં ચિત્રકલા, શિલ્પ અને સાહિત્ય વગેરેના અભ્યાસ માટે જ્ઞાનપિપાસુઓ સમગ્ર યુરોપમાંથી આવતા હતા.
ઇંગ્લૅન્ડમાં તેરમી સદી દરમિયાન ઑક્સફર્ડ અને કેમ્બ્રિજનાં વિશ્વવિદ્યાલયો અસ્તિત્વમાં આવ્યાં હતાં. ઉપરાંત સ્વાયત્ત નિવાસી કૉલેજો પણ ક્રમશ: વધતી ગઈ હતી. તેમાં વિનયન અને શુદ્ધ વિજ્ઞાનના વિષયોના અભ્યાસને અગ્રસ્થાન અપાતું હતું. આ વિશ્વવિદ્યાલયોનો ઉદ્દેશ ભદ્રવર્ગી સજ્જન ઘડવાનો હતો. ધનિકો દ્વારા લોકમદદ અને ફી ઉપર નભતાં આ વિશ્વવિદ્યાલયોનું સંચાલન સરકારની દખલ સિવાય થતું હતું. 1826માં ‘યુનિવર્સિટી કૉલેજ’ લંડનમાં સ્થપાઈ હતી. 1829માં ‘કિંગ્ઝ કૉલેજ’ સ્થપાઈ અને 1836માં તેને ધારાકીય બંધારણ અપાયું. ઓગણીસમી સદીના અંત સુધી આ યુનિવર્સિટીએ પરીક્ષા લઈને ડિગ્રી આપવા સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ હાથ ધરી ન હતી. મેડિકલ સ્કૂલ, મહિલા કૉલેજ (1849), વિજ્ઞાન અને ટેક્નૉલોજીની 3 કૉલેજો (1907), સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સ (1915) વગેરેનો તેમાં ઉમેરો થયો હતો. 1926માં ‘યુનિવર્સિટી ઑવ્ લંડન ઍક્ટ’ પસાર કરી ડરહામ વગેરે 7 નાગરિક (civic) યુનિવર્સિટીઓ સ્થપાઈ હતી. વેલ્સની જૂનામાં જૂની કૉલેજ 1872માં સ્થપાઈ હતી. 1883-84માં કાર્ડીફ બેંગોર અને સ્વાન્સીઆની કૉલેજો ઉપરાંત મેડિકલ સ્કૂલ વગેરે સ્થપાયાં હતાં. રીડિંગ, નૉટિંગહામ, લીલી વગેરે 7 સિવિક યુનિવર્સિટીઓ શરૂઆતમાં હતી. આ સંસ્થાઓના વિદ્યાર્થીઓ લંડન યુનિવર્સિટીની બાહ્ય પરીક્ષા આપતા હતા. સસેક્સ, યૉર્ક વગેરેમાં 1958માં 6 વધુ યુનિવર્સિટીઓ સ્થપાઈ હતી. 1962-63માં કુલ 39 યુનિવર્સિટીઓ ગ્રેટ બ્રિટનમાં હતી. આ બધાં વિશ્વવિદ્યાલયોમાં લૅટિન અને ગ્રીક જેવી શિષ્ટ ભાષાઓ ઉપરાંત કાયદો, વૈદકશાસ્ત્ર, તત્વજ્ઞાન, ધાર્મિક વિષયો (પાદરીઓ માટે) વગેરે શીખવાતા હતા.
આફ્રિકામાં મીસર(ઇજિપ્ત)માં અલ્ અઝહરનું પ્રાચીન વિશ્વવિદ્યાલય 971માં સ્થપાયું હતું. આ સિવાય બીજાં 2 વિશ્વવિદ્યાલયો અહીં હતાં. આફ્રિકાના કેટલાક દેશોની કૉલેજો લંડન કે પૅરિસ વિશ્વવિદ્યાલયો સાથે જોડાયેલી હતી.
સોળમી સદીથી ઓગણીસમી સદી દરમિયાન યુરોપના સામ્રાજ્યવાદી દેશો સ્પેન, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, હૉલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ) અને બેલ્જિયમ વગેરેએ એશિયાના દેશોમાં સંસ્થાનો સ્થાપ્યાં. તેમણે પશ્ચિમના વિજ્ઞાન અને સાહિત્યને પ્રોત્સાહન આપતું માત્ર પુસ્તકિયું જ્ઞાન આપતું પાશ્ચાત્ય ઉચ્ચ શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા સીમિત રૂપે દાખલ કરી. ભારતમાં વૉરન હૅસ્ટિંગ્સ અને અન્ય પ્રાચ્યવિદ્યાપ્રેમી ગવર્નર જનરલ તથા અધિકારીઓએ બનારસમાં સંસ્કૃત કૉલેજ અને કોલકાતામાં મદ્રેસા સ્થાપ્યાં હતાં. વિલિયમ બૅન્ટિંકના શાસન દરમિયાન લૉ મેમ્બર મૅકૉલેએ અર્વાચીન શિક્ષણપદ્ધતિની ભેટ આપીને ઉચ્ચ શિક્ષણ માટે ભૂમિકા ઊભી કરી. 1857 પૂર્વે ભારતમાં 17 સરકારી અને 10 મિશનરી કૉલેજો સ્થપાઈ હતી. આ કૉલેજોમાં કાયદો, ઇજનેરી વિદ્યા, આયુર્વિજ્ઞાન અને વિનયનનું શિક્ષણ અપાતું. 1854માં ચાર્લ્સ વૂડના પ્રમુખપણા નીચે નિમાયેલા કમિશને યુનિવર્સિટી સ્થાપવા ભલામણ કરી. તેના ફલસ્વરૂપે કોલકાતા, મુંબઈ અને મદ્રાસમાં ચેન્નાઈમાં યુનિવર્સિટીના અનુકરણરૂપે કૉલેજોને માન્યતા આપનારી અને પરીક્ષા લઈ ડિગ્રી આપનારી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી. આ 3 વિશ્વવિદ્યાલયોના અભ્યાસક્રમોનો ઉદ્દેશ બ્રિટિશ શાસન માટે તાલીમ પામેલા ભદ્રવર્ગી કર્મચારીઓ તૈયાર કરવા પૂરતો સીમિત હતો. એમની બોધભાષા અંગ્રેજી હતી. આ યુનિવર્સિટીઓ મેટ્રિક્યુલેશનની પરીક્ષા લઈ, તેમાં ઉત્તીર્ણ થનારને જ પોતાના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપતી. 1882 અને 1887માં આ જ ઢાંચા અનુસાર પંજાબ અને અલ્લાહાબાદની યુનિવર્સિટીઓ શરૂ થઈ. 1881-82માં ભારતમાં 68 કૉલેજો હતી તે વધીને 1901-1902માં 179 થઈ. 1904ના ‘ઇન્ડિયન યુનિવર્સિટી ઍક્ટ’ અને 1971ના કોલકાતા યુનિવર્સિટી કમિશનની ભલામણ અનુસાર યુનિવર્સિટીઓએ શિક્ષણ આપવાની શરૂઆત કરી. સેડલર કમિશનની ભલામણ મુજબ કેટલાંક રાજ્યોમાં ‘ઇન્ટરમીડિયેટ’ કૉલેજો શરૂ કરાઈ હતી. 1916માં મદનમોહન માલવિયાના પ્રયત્નથી બનારસ હિંદુ યુનિવર્સિટી સ્થપાઈ. ઉપરાંત મૈસૂર રાજ્યમાં મૈસૂર યુનિવર્સિટી અને પૂનામાં મહર્ષિ કર્વેની પહેલથી એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. 1917 અને 1918માં અનુક્રમે બિહારમાં પટણાની અને હૈદરાબાદ રાજ્યમાં ઓસ્માનિયા યુનિવર્સિટી શરૂ થઈ. 1920માં પૂર્વ બંગાળમાં ઢાકા અને બર્મામાં રંગૂન, 1921માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટી, 1922માં દિલ્હી, 1923માં નાગપુર, 1926માં આંધ્ર, 1929માં અન્નામલાઈ, 1933માં ત્રાવણકોર, 1934માં ઉત્કલ, 1946માં સાગર અને 1947માં સિંધ અને રાજસ્થાન વિશ્વવિદ્યાલયો સ્થપાયાં.
ભારતમાં 1921-22, 1931-32 અને 1946-47માં અનુક્રમે 231, 417 અને 933 કૉલેજો હતી, જે પૈકી આર્ટ્સ કૉલેજની સંખ્યા વિશેષ હતી. તે જ ગાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 59,591; 99,493 અને 1,99,253 હતી. 1931 પછી કૉલેજોમાં વધુ કન્યાઓ શિક્ષણ લેતી થઈ હતી. ખેતીવાડી, ઇજનેરી, મેડિકલ અને વાણિજ્યની વિદ્યાશાખાઓની કૉલેજોનું પ્રમાણ થોડું હતું. પ્રયોગશાળાઓ અને સમૃદ્ધ પુસ્તકાલયો અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનો ખૂબ જ મર્યાદિત વિકાસ થયો હતો.
1944માં સાર્જન્ટ કમિશને યુનિવર્સિટી શિક્ષણને સમૃદ્ધ કરવા મકાનો, પ્રયોગશાળા અને પુસ્તકાલયો માટે સહાય કરવા તથા વિવિધ વિદ્યાશાખાઓના શિક્ષણનું નિયંત્રણ કરવા ‘યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન’ સ્થાપવાની ભલામણ કરી હતી, જે 1945માં સ્વીકારાઈ હતી. તદનુસાર 1956માં પાર્લમેન્ટના કાયદાથી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સ્થાપવામાં આવ્યું. તેનો પ્રમુખ ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણનું ધોરણ સુધારવાનો, ઉચ્ચ શિક્ષણના વિવિધ કાર્યક્રમોનું સંકલન કરવાનો અને શિક્ષણ તથા સંશોધનની ગુણવત્તા સુધારવાનો હતો.
1948માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના અધ્યક્ષપદ નીચે નિમાયેલા યુનિવર્સિટી શિક્ષણ પંચે યુનિવર્સિટી શિક્ષણને સ્વતંત્ર ભારતના વિકાસનું સાધન બનાવવા માટે અનેકવિધ ભલામણો કરી હતી. વિશેષ કરીને 10 + 2 + 3ની શિક્ષણતરાહ અપનાવવા, ઇન્ટરમીડિયેટ કૉલેજોની પ્રથા બંધ કરવા અને સ્વતંત્ર ભારતના ભાતીગળ સમાજને પ્રાચીન સંસ્કૃતિની માવજતની સાથેસાથે આધુનિક જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નૉલોજીના શિક્ષણ દ્વારા પ્રગતિશીલ અને સુખી બનાવવામાં ઉચ્ચ શિક્ષણનો વિનિયોગ કરવા ભલામણો કરી હતી. તેણે ભારતનાં ગામડાંને બેઠાં કરી આબાદ કરી શકે તેવી ગ્રામવિદ્યાપીઠ આધારિત ઉચ્ચ શિક્ષણવ્યવસ્થાની પણ ભલામણ કરી હતી.
ભારતમાં ઉચ્ચ શિક્ષણને લોકશાહી, ધર્મનિરપેક્ષ, સમાજવાદી સમાજરચના ઘડનારું પરિબળ બનાવવા માટેની ભારપૂર્વક ભલામણ કોઠારી પંચ (1964-66) દ્વારા કરવામાં આવી, જેના ફલસ્વરૂપ દેશમાં ઉચ્ચ શિક્ષણને નૂતન મોડ મળવાની શરૂઆત થઈ. સંરચનાની ર્દષ્ટિએ ત્રિવર્ષીય પૂર્વસ્નાતક અભ્યાસક્રમની શરૂઆત થઈ. પ્રથમ ડિગ્રીના તબક્કે સામાન્ય અને વિશિષ્ટ એવું દ્વૈત દૂર કરાયું. પ્રત્યેક વર્ગની પરીક્ષા લેવાનું યુનિવર્સિટી માટે અનિવાર્ય લેખાયું. અભ્યાસક્રમોનું વૈવિધ્ય સાધવાની સાથે સાથે ઉન્નયન પણ કરવામાં આવ્યું. અધ્યાપનની ગુણવત્તા વધારવા ટ્યૂટૉરિયલ રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. મૂલ્યાંકનમાં આંતરિક પરીક્ષણનું ઘટક અનિવાર્ય બનાવી અધ્યાપકને પોતાના વિદ્યાર્થીઓનો મૂલ્યાંકનકાર અને માર્ગદર્શક બનાવવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી. અધ્યાપકોની સજ્જતા ધારદાર કરવા અનેક પ્રકારના તાલીમી કાર્યક્રમો જેવા કે ગ્રીષ્મ શિબિરો, ટૂંકા ગાળાના પરિસંવાદો વગેરેનો પ્રબંધ કરવામાં આવ્યો; વિશેષ કરીને વિશ્વવિદ્યાલય અનુદાન પંચ(યુ.જી.સી.)ને દેશના ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા ઊંચી લાવવા, તેનાં ધોરણોને આંતરરાષ્ટ્રીય તુલનાક્ષમતા બક્ષવા અને ઉચ્ચ શિક્ષણની સુવિધા સમાજના નબળા વર્ગના લોકો સુધી પહોંચાડવાની સગવડો ઊભી કરવા મબલખ નાણાકીય સહાય આપવા માંડી. પરિણામે સિત્તેરનો દાયકો ભારતમાં ઉચ્ચ શિક્ષણના વિકાસનો યુગ બની રહ્યો.
કોઠારી પંચે સૂચવેલ વિચારધારા અનુસાર ઉચ્ચ શિક્ષણમાં આધુનિક વ્યવસાયોની તાલીમ માટે આધુનિક અભ્યાસક્રમો, અદ્યતન સાધનસામગ્રી અને સુસજ્જ અધ્યાપકોની ત્રિવિધ સુવિધા ઊભી કરવા માટે સતત જહેમત લેવામાં આવી. પરિણામે અનેક નવી સંસ્થાઓ સ્થાપવામાં આવી. મુંબઈ, કાનપુર, ચેન્નાઈ, દિલ્હી અને ખડકપુર એમ 5 સ્થળોએ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી’ અને અમદાવાદ, બૅંગલોર, કોલકાતા અને લખનૌ ખાતે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ’ સ્થપાઈ છે. ઉપરાંત 2 કે વધુ રાજ્યોના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી સૂરત, વારંગલ (આંધ્રપ્રદેશ), જમશેદપુર, કુરુક્ષેત્ર, શ્રીનગર, કાલિકટ, રૂરકેલા (ઓરિસા), જયપુર, અલ્લાહાબાદ, દુર્ગાપુર (પ. બંગાળ), સુથરકલ (કર્ણાટક), ભોપાલ, સીલચર (આસામ), ત્રિચિનાપલ્લી (તામિલનાડુ), નાગપુર, હમીરપુર (હિમાચલપ્રદેશ) અને જલંધર મળીને કુલ 16 પ્રાદેશિક ઇજનેરી કૉલેજો (Regional Engineering Colleges) સ્થાપવામાં આવી છે. આયુર્વેદની એક માત્ર યુનિવર્સિટી ભારતભરમાં ગુજરાત રાજ્યમાં જામનગર ખાતે સ્થપાયેલી છે (જુઓ : જામનગર). ખેતીવાડીની 11 યુનિવર્સિટીઓ ઉપરાંત મેડિકલ કૉલેજો અને અનેક ટેકનિકલ અને ધંધાદારી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સ્થપાયેલી છે. આ ઉપરાંત યુનિવર્સિટીને ઉપક્રમે, સ્વતંત્ર રીતે તથા સરકારના અનુદાનથી ચાલતાં વિજ્ઞાનભવનો, પ્રયોગશાળાઓ, સંશોધન સંસ્થાઓ નીચે મુજબ છે : ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (બૅંગલોર), ઇન્ડિયન સ્કૂલ ઑવ્ માઇનિંગ (ધનબાદ – બિહાર), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રેનિંગ ઇન ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (મુંબઈ), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફાઉન્ડ્રી ઍન્ડ ફૉર્જ ટેક્નૉલોજી (રાંચી), સ્કૂલ ઑવ્ પ્લાનિંગ ઍન્ડ આર્કિટેક્ચર (ન્યૂ દિલ્હી), કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (ન્યૂ દિલ્હી), સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ (રૂરકી), સેન્ટ્રલ ફ્યૂઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જિલગોરા – બિહાર), સેન્ટ્રલ ગ્લાસ સિરૅમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જાદવપુર – પ. બંગાળ), સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટ્યિૂટ (ન્યૂ દિલ્હી), નૅશનલ મેટાલર્જિકલ લેબૉરેટરી (જમશેદપુર), સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયૉલોજી (હૈદરાબાદ), સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (કરાઈકુડી), સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ભાવનગર), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ (દેહરાદૂન), સેન્ટ્રલ ફૂડ ટેક્નોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (મૈસૂર), સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (લખનૌ), નૅશનલ ફિઝિકલ લેબૉરેટરી (ન્યૂ દિલ્હી), સેન્ટ્રલ ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પિલાની), નૅશનલ જિઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (હૈદરાબાદ), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફી (ગોવા), નૅશનલ કેમિકલ લેબૉરેટરી (પૂના), ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ એરોમૅટિક પ્લાન્ટ્સ (લખનૌ), ઇન્ડસ્ટ્રિયલ ટૉક્સિકૉલોજી સેન્ટર (લખનૌ), સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ચેન્નાઈ), સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રૂમેન્ટ્સ ઑર્ગેનાઇઝેશન (ચંડીગઢ) એકવીસમી સદીના આરંભે દેશમાં 259 યુનિવર્સિટીઓ હતી. તેમાં 16 કેન્દ્ર સરકારના કાયદાથી અને બાકીની રાજ્યોના કાયદાથી અસ્તિત્વમાં આવેલી યુનિવર્સિટીઓ હતી. આ ઉપરાંત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા 49 સંસ્થાઓને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. દેશની યુનિવર્સિટીઓને સંલગ્ન કૉલેજોની સંખ્યા 11,089 હતી. તેમાં 3.42 લાખ અધ્યાપકો હતા અને વિદ્યાર્થીઓની સંખ્યા 74.18 લાખ હતી.
એશિયાના દેશો પૈકી જાપાન એની વિશિષ્ટ ઉચ્ચ શિક્ષણવ્યવસ્થાથી જુદો તરી આવે છે. સદીઓ સુધી ધર્મ, શિષ્ટ સાહિત્ય, ભાષાઓ અને કલાના અભ્યાસક્રમો શીખવી ઉન્નત ચારિત્ર્ય ધરાવતો આજ્ઞાંકિત નાગરિક ઘડવાના ઉદ્દેશોવાળું, રાજ્યાશ્રય નીચે સુરક્ષિત રહેલું જાપાનનું ઉચ્ચ શિક્ષણ બીજા વિશ્વયુદ્ધ બાદ ધરમૂળથી પરિવર્તન પામ્યું. અમેરિકાનો સીધો વહીવટ અને સંપર્ક થતાં એની ઉચ્ચ શિક્ષણવ્યવસ્થા અમેરિકાના નમૂના પર પુનર્રચના પામી. એના અભ્યાસક્રમો, અધ્યાપનપદ્ધતિ, શિક્ષણની સામગ્રી, સંચાલનની પ્રક્રિયા વગેરે બધાંનું આધુનિકીકરણ કરવામાં આવ્યું. જાપાનની પ્રજાને યુદ્ધખોરમાંથી શાંતિપ્રિય બનાવવા, તેના ભાંગી પડેલા અર્થતંત્રને ફરી બેઠું કરી આબાદ બનાવવા અને એ દેશને વિશ્વકુટુંબમાં અગ્રેસર તરીકે ઉપસાવવાના ત્રિવિધ હેતુઓને લક્ષમાં રાખીને જાપાનનું ઉચ્ચ શિક્ષણ ગોઠવાયું છે. એનાં પ્રવેશનાં ધોરણો ઘણાં ઊંચાં લઈ જવાયાં છે, પ્રવેશ માટેની પરીક્ષા ખૂબ કઠિન બનાવાઈ છે. યુનિવર્સિટીઓનો વહીવટ મહદ્ અંશે ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યો. પરીક્ષાઓની પ્રથા ખૂબ વિશ્વસનીય અને ઝીણવટભરી બનાવવામાં આવી. પરિણામે ઉપર જણાવેલા ઉદ્દેશો મહદ્ અંશે સિદ્ધ કરીને જાપાનના ઉચ્ચ શિક્ષણે અગાઉ ભંગાર થઈ ગયેલા સમાજને વિશ્વના 7 અગ્રણી ઉદ્યોગપ્રધાન, આબાદ દેશોમાં સ્થાન અપાવ્યું. ફિલિપાઇન્સમાં ખેતીવાડીના શિક્ષણને પ્રાધાન્ય અપાયું હતું.
યુરોપમાં ફ્રાન્સની સોરબોર્ન યુનિવર્સિટીનું સ્થાન ઑક્સફર્ડ અને કેમ્બ્રિજની યુનિવર્સિટી જેવું પ્રતિષ્ઠાભર્યું છે અને તેમાં તથા ફ્રાન્સની ‘Grandes Ecoles’ જૂથની ‘ઇકોલોનોરમલ સુપીરીઅર’ અને ‘ઈકોબે પૉલિટેકનિક’ પ્રકારની ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં ધસારો રહે છે. વિજ્ઞાન અને ટેક્નૉલોજી તરફ લોકોનું વલણ વધતું રહ્યું છે. જર્મની, સ્વીડન અને નેધરલૅન્ડ્ઝમાં જૂની યુનિવર્સિટીઓનું અગાઉ જેવું ઉચ્ચ સ્થાન રહ્યું નથી અને ઉત્તમ વિદ્યાર્થીઓ અને વિદ્વાનો વિજ્ઞાન અને ટૅકનૉલૉજીની સંસ્થાઓ તરફ વળ્યા છે.
અમેરિકા(યુ.એસ.)માં ઉચ્ચ શિક્ષણના આરંભ અને વિકાસમાં ત્યાંની સમવાય સરકારનો ફાળો ઘણો મોટો રહ્યો છે. અલબત્ત, સમવાય સરકાર વિકાસ માટે વિવિધ નાણાકીય પ્રોત્સાહનો અને સહાય આપવા સિવાય પ્રત્યક્ષ રીતે શિક્ષણ સાથે સંકળાયેલી નથી એ તે દેશના બંધારણની વિશિષ્ટતા છે. દેશમાં ઉચ્ચ શિક્ષણના પ્રસારણ માટે અમેરિકાની સંસદે (Congress) લૅન્ડ ગ્રાન્ટ કૉલેજ ધારો પસાર કરી સમસ્ત દેશમાં સ્ટેટ યુનિવર્સિટીની પ્રથા દાખલ કરેલ છે. એક બાજુ આ યુનિવર્સિટીઓને વિશાળ કૅમ્પસ મળ્યાં, તો બીજી બાજુ એમના નિભાવ માટે કાયમની હૈયાધારણ પણ મળી. આથી જ અમેરિકાના ઉચ્ચ શિક્ષણના વિકાસમાં આ ધારાનો ફાળો અનન્ય પુરવાર થયો છે. અલબત્ત, ખાનગી વહીવટથી ચાલતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓએ, તેમની સંખ્યા બહુ મોટી ન હોવા છતાં, ઉચ્ચ શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર હિસ્સો આપેલો છે. હાર્વર્ડ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી આ પૈકીની એક છે.
અમેરિકાનું ઉચ્ચ શિક્ષણક્ષેત્ર એની ઊંચી ગુણવત્તા, લવચીકતા, પ્રયોગશીલતા, ભવિષ્યલક્ષિતા અને લોકશાહી સંચાલનવ્યવસ્થા માટે જાણીતું છે. શિક્ષણનાં સત્રોની સેમેસ્ટરપ્રથા, મૂલ્યાંકનની ગ્રેડિંગ પદ્ધતિ, અભ્યાસક્રમના ગુણભારની ક્રેડિટ યોજના, બાહ્ય પરીક્ષાના સ્થાને આંતરિક મૂલ્યાંકનની પરંપરા અને આંતરવિદ્યાશાખા અભ્યાસક્રમોની ગૂંથણી એ અમેરિકાની ઉચ્ચ શિક્ષણવ્યવસ્થાનાં કેટલાંક પ્રમુખ તત્વો છે.
યુ.એસ.નું ઉચ્ચ શિક્ષણ સમાજ-અભિમુખ અને સમાજને ઉત્તરદાયી રહ્યું છે, આથી બીજા વિશ્વયુદ્ધ બાદ ઊભી થયેલી વિકાસની નવી નવી સમસ્યાઓના જવાબરૂપે ત્યાં કૉમ્યુનિટી કૉલેજો સ્થાપવામાં આવી, જે 2 વર્ષનો વ્યવસાયલક્ષી તેમજ સાક્ષરી અભ્યાસક્રમ શીખવે છે. 2 વર્ષ પૂરાં કર્યાં પછી વિદ્યાર્થીની ઇચ્છા હોય તો યુનિવર્સિટીના ચાર વર્ષના ડિગ્રી કોર્સના ત્રીજા વર્ષમાં તેને પ્રવેશ મળી શકે એવી પણ જોગવાઈ છે.
અમેરિકાનું ઉચ્ચ શિક્ષણક્ષેત્ર જેટલું અધ્યાપનકાર્યની ગુણવત્તા માટે જાણીતું છે, તેટલું જ સંશોધન, પ્રકાશન અને જ્ઞાનવિસ્તરણ માટે પણ જાણીતું છે. આધુનિક ટેક્નૉલોજીથી સુસજ્જ ગ્રંથાલયો, પ્રયોગશાળાઓ અને અધ્યયનકેન્દ્રો એ એની મોટી મૂડી છે. આથી જ દુનિયાના અસંખ્ય દેશોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે અમેરિકાનું ઉચ્ચ શિક્ષણ એક શૈક્ષણિક તીર્થક્ષેત્ર બની રહ્યું છે.
રશિયામાં મૉસ્કો અને લેનિનગ્રાડ યુનિવર્સિટીઓની ત્યાંની અન્ય યુનિવર્સિટીઓ કરતાં વધારે પ્રતિષ્ઠા છે. અહીં માધ્યમિક શાળામાં ઉત્તીર્ણ થનારાઓ પૈકી 10 ટકાને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ અપાય છે. યુનિવર્સિટી કક્ષાની અન્ય વિશિષ્ટ સંસ્થાઓમાં બાકીના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. લેનિનગ્રાડ પૉલિટેકનિક જર્મન ટૅકનિકલ હાઈસ્કૂલોની સમકક્ષ ગણાય છે. રશિયાની કેટલીક યુનિવર્સિટીઓ મુખ્યત્વે વિનયન અને વિજ્ઞાન સિવાય કાયદો, મેડિસિન અને અર્થશાસ્ત્ર જેવી વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી નથી (1989). યુરોપનાં વિદ્યાલયોની ‘Abitur’ અને ‘Baccalaureat’ કે તેની સમકક્ષ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને પશ્ચિમ યુરોપની ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં પ્રવેશ તુરત મળે છે. ઇંગ્લૅન્ડમાં અને સ્કૉટલૅન્ડમાં જી.ઈ.સી. ‘ઓ’ તથા ‘એ’ કક્ષાનું અમુક વિષયોનું ઉચ્ચ જ્ઞાન હોય અને પ્રવેશ-પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય તો જ યુનિવર્સિટીમાં પ્રવેશ મળે છે. નિયંત્રિત પ્રવેશને કારણે રશિયામાં બગાડનું પ્રમાણ માત્ર 20 % પૂરતું મર્યાદિત છે.
યુનિવર્સિટીના પ્રકારો : ભારતમાં શરૂઆતની યુનિવર્સિટીઓ કૉલેજોને માન્યતા આપતી અને પરીક્ષા લઈને ડિગ્રી આપતી હતી એટલે જોડાણ આપનારી (affiliating) યુનિવર્સિટીઓ હતી. ત્યારબાદ જોડાણ સાથે અનુસ્નાતક કક્ષાએ શિક્ષણકાર્ય સંભાળતી ‘લંડન યુનિવર્સિટી’ જેવી ફેડરલ કે સમવાયતંત્રી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી. એકાદ શહેર પૂરતી કે એકાદ વિષયનું શિક્ષણ આપતી યુનિવર્સિટી ‘યુનિટરી’ યુનિવર્સિટી કહેવાય છે. આ પ્રકારની સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે રહેવાની સગવડ પણ હોય છે. ઉપરના 3 પ્રકાર સિવાય ભારતમાં મધ્યસ્થ સરકારના નિયંત્રણ નીચે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (દિલ્હી), અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (અલીગઢ), બનારસ હિંદુ યુનિવર્સિટી (બનારસ), વિશ્વભારતી (પ. બંગાળ) અને ઓસ્માનિયા યુનિવર્સિટી (હૈદરાબાદ) છે.
ચીન, ભારત તથા રશિયામાં એક જ યુનિવર્સિટીમાં બધી વિદ્યાશાખાઓને સ્થાન આપવાને બદલે એક કે બે વિદ્યાશાખાના અભ્યાસને સ્થાન આપતી વિશિષ્ટ યુનિવર્સિટીઓ સ્થાપવાનું શરૂ થયું છે. ભારતમાં આયુર્વેદ, ટેક્નૉલોજી, મેડિસિન અને ખેતીવાડીની આ પ્રકારની યુનિવર્સિટીઓ છે.
વૈધિક શિક્ષણપ્રથામાં સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી વગેરેને અનુલક્ષીને શિક્ષણની ગુણકક્ષાને વર્ણવવાનો રિવાજ છે, પણ કેટલાંક ઉચ્ચ વ્યાવસાયિક સર્ટિફિકેટ તથા ડિપ્લોમા જે તે વિદ્યાશાખામાં સ્નાતક કે અનુસ્નાતક થયા બાદ આપવાનું ધોરણ હોય છે. જ્ઞાનના વિસ્ફોટના વધતા જતા દરને ધ્યાનમાં લેતાં ઉચ્ચતમ ગણાતી વ્યાવસાયિક ઉપાધિઓ મેળવ્યા બાદ પણ સતત અધ્યયનશીલતા જાળવવી પડે છે. એ માટે સંશોધનનાં સામયિકો, કાર્યશાળાઓ અને સંમેલનોમાં ઉચ્ચ કક્ષાનાં જ્ઞાનકૌશલ્યો અને નવતર પ્રવાહોનો પરિચય મેળવવાનું અનિવાર્ય ગણાવા લાગ્યું છે. જેઓ સતત અધ્યયન કરતા રહે તેઓ જ પોતાના વિષયના અદ્યતન જ્ઞાનનું વિતરણ કરી શકે તેવી પરિસ્થિતિ બધી જ વિદ્યાશાખાઓમાં સર્જાઈ છે. 1986ની ભારતની નવી શિક્ષણનીતિ અનુસાર દર 5 વરસે અધ્યાપકોને ફરીથી તેમનું જ્ઞાન તાજું રહે તે માટે વિવિધ યુનિવર્સિટીઓમાં ઓપવર્ગો કે એકૅડેમિક સ્ટાફ કૉલેજ દ્વારા સઘન જ્ઞાન અને તાલીમ આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે.
માત્ર આનંદ કે જ્ઞાનને ખાતર ઉચ્ચ શિક્ષણ લેનારા બહુ થોડા લોકો હોય છે. જીવનમાં ઉપયોગી કૌશલ્યોનું જ્ઞાન આપવું તે ઉચ્ચ શિક્ષણનો હેતુ છે. પરંપરાગત સામાન્ય ઉચ્ચ શિક્ષણ, મૂંઝવતા કોયડાઓના નિરાકરણ માટે સામાન્યપણે ઉપયોગી નથી. તેનો હેતુ વિવિધ ક્ષેત્રોના તજ્જ્ઞો પેદા કરવાનો નહિ પણ માનવીના મનની સામાન્ય શક્તિ ખીલવી સંસ્કારી માનવ પેદા કરવાનો ગણાય. શિક્ષણ અને સંશોધન એક સિક્કાની બે બાજુ છે. સંશોધનને વેગ મળે તેવું વાતાવરણ અને સાધનો ઉપલબ્ધ કરવાં તે તેનો મુખ્ય હેતુ હોય છે. માનવ જે સમાજની વચ્ચે રહેતો હોય તે સમાજનાં સંસ્કૃતિ અને ઇતિહાસથી તેને પરિચિત કરવાનું કામ ઉચ્ચ શિક્ષણનું છે. સમાજના સાંસ્કૃતિક જીવનમાં રસ લઈને તેમાં ફાળો આપવાનું ઉચ્ચ શિક્ષણાર્થી માટે શક્ય બનવું જોઈએ. ટેક્નૉલોજી, વિજ્ઞાન વગેરે ઉચ્ચ શિક્ષણનાં વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણની ગુણવત્તાને પ્રાધાન્ય મળવું જોઈએ અને સમાજને ઉપયોગી થાય તે રીતે સંશોધનોનું આયોજન થાય તે ઇષ્ટ છે.
બીજા વિશ્વયુદ્ધ (1939-45) બાદ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે એક નવી જ સંરચના (structure) અસ્તિત્વમાં આવી છે. તે છે ખુલ્લા વિશ્વવિદ્યાલય-(open university)ની. ઇંગ્લૅન્ડમાં એનો આરંભ થયો. પછી તો ઑસ્ટ્રેલિયા, કૅનેડા, પાકિસ્તાન, થાઇલૅન્ડ વગેરે દેશોમાં પણ તેવી યુનિવર્સિટીઓ સ્થપાઈ. ભારતમાં આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટીની સ્થાપનાથી આ નવવિચારનો પાયો નંખાયો. રાષ્ટ્રકક્ષાએ નવી શિક્ષણનીતિ 1986ના અમલને પગલે પગલે ઇંદિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની સ્થાપનાથી આ પ્રયોગ વિસ્તાર પામ્યો છે. કેટલાંક રાજ્યોએ પોતપોતાના પ્રદેશ પૂરતી આવી ખુલ્લી યુનિવર્સિટીઓ સ્થાપી પણ છે. બ્રિટન અને કૅનેડામાં તો આ પ્રયોગ ખૂબ આવકાર પામ્યો છે. ત્યાં સાક્ષરી વિષયો ઉપરાંત ઇજનેરી જેવાં હુન્નર-કૌશલ્યોના વિષયો પણ ઓપન યુનિવર્સિટી દ્વારા શીખવવામાં આવે છે. ભારત જેવા દેશમાં વિશાળ પ્રદેશ, ભાષાવૈવિધ્ય, સંચારમાધ્યમોની મર્યાદાઓ, ગરીબાઈ વગેરે જેવાં અવરોધક પરિબળો નડતાં હોવાથી ઓપન યુનિવર્સિટીની પ્રગતિ ધીમી રહેવાનો સંભવ છે.
દાઉદભાઈ ઘાંચી
શિવપ્રસાદ રાજગોર