ઉચ્ચ સપાટ પ્રદેશ (plateau)

January, 2004

ઉચ્ચ સપાટ પ્રદેશ (plateau) : આજુબાજુના ભૂમિવિસ્તારની અપેક્ષાએ વધુ ઊંચાઈવાળા, વધુ પહોળાઈવાળા તેમજ સપાટ શિરોભાગવાળા ભૂમિઆકારનો એક પ્રકાર. ઉચ્ચ સપાટ પ્રદેશ તેના શિરોભાગમાં સમતલ તેમજ મેજઆકારના હોય છે અને તે સમુદ્રસપાટીથી 165 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા હોય છે. ઉચ્ચ સપાટ પ્રદેશનો ઢોળાવ આજુબાજુના વિસ્તારની સરખામણીમાં વધુ હોય છે.

ઉત્પત્તિના સંદર્ભમાં ઉચ્ચ સપાટ પ્રદેશના 3 પ્રકારો પાડી શકાય : (1) લાવાના પ્રસ્ફુટિત પ્રવાહોમાંથી ઠરીને તૈયાર થયેલા ઉચ્ચ સપાટ પ્રદેશો : દા.ત., દક્ષિણ ભારતનો લાવાનો ઉચ્ચ સપાટ પ્રદેશ. (2) મેદાનોમાંથી ઊપસી આવેલા ઉચ્ચ સપાટ પ્રદેશો : દા.ત., યુ.એસ.નો કૉલોરાડોનો ઉચ્ચ સપાટ પ્રદેશ. (3) સ્ફટિકમય ખડકોના સતત ઘસારામાંથી કાલાંતરે પરિણમતા ઉચ્ચ સપાટ પ્રદેશો : દા.ત., દક્ષિણ અમેરિકાનો બ્રાઝિલનો ઉચ્ચ સપાટ પ્રદેશ.

આ ઉપરાંત સ્થાન પ્રમાણે પણ ઉચ્ચ સપાટ પ્રદેશોના 3 પ્રકારો પડે છે :

(1) આંતરપર્વતીય (intermontane) : 3,000 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા હોય, આજુબાજુએ પર્વતમાળાઓથી વીંટળાયેલા હોય અને પર્વતમાળાની ઉત્પત્તિ સાથે જ અસ્તિત્વમાં આવેલા હોય એવા ઉચ્ચ સપાટ પ્રદેશોને આંતરપર્વતીય ઉચ્ચ સપાટ પ્રદેશો કહેવાય છે. તિબેટનો ઉચ્ચ સપાટ પ્રદેશ આ પ્રકારનું ઉદાહરણ છે.

(2) પર્વતપ્રાંતીય : આ પ્રકારના ઉચ્ચ સપાટ પ્રદેશો પર્વતની તળેટીમાં આવેલા હોય છે અને વિસ્તારમાં ખૂબ નાના હોય છે. તેમની એક બાજુએ મેદાન કે સમુદ્ર હોય છે. દા.ત., યુ.એસ.નો કૉલોરાડોનો ઉચ્ચ સપાટ પ્રદેશ.

(3) ખંડીય : ઉચ્ચ સપાટ પ્રદેશનો આ પ્રકાર આજુબાજુના નીચાણવાળા ભૂમિભાગથી કે સમુદ્રથી એકદમ ઊપસી આવી ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલો તેમજ મેજઆકારનો હોય છે. આ પ્રકારના ઉચ્ચ સપાટ પ્રદેશોની એક બાજુએ મોટે ભાગે સમુદ્ર આવેલો હોય છે. દ્વીપકલ્પીય ભારતનો ઉચ્ચ સપાટ પ્રદેશ આનું ઉદાહરણ છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે