ઉચ્ચપ્રદેશ (Plateau)

January, 2004

ઉચ્ચપ્રદેશ (Plateau) : ભૂ-સપાટી પરનું બીજી શ્રેણીનું વિશિષ્ટ ભૂમિસ્વરૂપ. તેની ઓછામાં ઓછી એક બાજુનો ઢોળાવ આસપાસની ભૂ-સપાટીથી અથવા સમુદ્રસપાટીથી વધારે ઊંચો અને સીધો હોય છે અને એનો ઉપરનો મથાળાનો ભાગ મેજ આકારે સપાટ હોય છે. આ ઉચ્ચપ્રદેશો પૃથ્વીનાં આંતરિક બળોને કારણે ભૂમિભાગો ઉંચકાવાથી અથવા આસપાસના ભૂમિભાગો નીચે બેસવાથી અથવા જ્વાળામુખીય ફાટ-પ્રસ્ફુટનને કારણે લાવા પથરાવાથી અથવા ધોવાણથી બને છે.

ઉચ્ચપ્રદેશનો આડછેદ. સામાન્યત: તેની 100થી 1000 મીટરની ઊંચાઈ હોય. ક્યારેક તે પર્વત જેવા પણ દેખાય છે.

ભૌગોલિક સ્થાન મુજબ પર્વતોથી ઘેરાયેલા ઉચ્ચપ્રદેશોને ‘આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ’ કહે છે. દા.ત., તિબેટનો ઉચ્ચપ્રદેશ, પર્વતોની તળેટીમાં આવેલા ઉચ્ચપ્રદેશોને ‘પર્વતપ્રાંતી ઉચ્ચપ્રદેશ’ કહે છે. યુ.એસ.નો પીડમોન્ટ ખંડનો બધો વિસ્તાર અને બાકીનાનો મોટાભાગનો વિસ્તાર ઉચ્ચપ્રદેશ સ્વરૂપે હોવાથી તેને ‘ખંડીય ઉચ્ચપ્રદેશ’ કહે છે. દા.ત., અરબસ્તાન અને દક્ષિણ ભારતનો લાવાનો ઉચ્ચપ્રદેશ. સમુદ્રકાંઠે આવેલા ઉચ્ચપ્રદેશોને ‘કિનારાના ઉચ્ચપ્રદેશો’ કહે છે. દા.ત., ભારતનો કોરોમંડળનો ઉચ્ચપ્રદેશ.

મહેન્દ્ર રા. શાહ