ઉગ્રસેન (1) : પૌરાણિક સમયના મથુરાના યદુવંશી રાજા. તેઓ આહુકના પુત્ર હતા. તેમના કંસ ઇત્યાદિ નવ પુત્રોનાં તથા પાંચ પુત્રીઓનાં નામ પુરાણોમાં જણાવેલાં છે. વૃષ્ણિકુળના વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. ઉગ્રસેનને તેના પુત્ર કંસે કેદ કર્યા અને કંસ પોતે રાજા બન્યો. યાદવકુળના વડીલો કંસના આ અપકૃત્યને સાંખી શક્યા નહિ. કૃષ્ણ વાસુદેવે પોતાના અગ્રજ બલરામની મદદથી મામા કંસનો અંત આણ્યો અને ઉગ્રસેનને રાજા તરીકે પુન: સ્થાપ્યા. મગધ સમ્રાટ જરાસંધ પોતાના જમાઈ કંસનો પરાભવ અને અંત સાંખી શક્યો નહિ. એણે મથુરા પર અનેક વાર આક્રમણ કર્યાં, આથી યાદવોનું અસ્તિત્વ ભયમાં મુકાયું. તેથી યાદવોએ પશ્ચિમ દિશામાં સ્થળાંતર કર્યું અને શાર્યાતોની વેરાન રાજધાની કુશસ્થલીના જીર્ણ દુર્ગને સમરાવી ત્યાં વસવાટ શરૂ કર્યો. શાર્યાતોની કુશસ્થલી યાદવોની દ્વારાવતી તરીકે ઓળખાઈ. તે પછી ઉગ્રસેનની સત્તા લુપ્ત થઈ હશે એમ મનાય છે.
યતીન્દ્ર દીક્ષિત
સુમના શાહ