ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ)

January, 2004

ઉગ્રસેન (2) (મહાપદ્મ નંદ) (ઈ.પૂ. છઠ્ઠી કે પાંચમી સદી) : નંદ વંશનો સ્થાપક. મહાપદ્મ કે અગ્રમ્મીસ (= ઔગ્ર સેન્ય) તરીકે ઓળખાતો. તે વાળંદ જ્ઞાતિનો હતો. એક મત મુજબ તેને 8 પુત્રો હતા. 9 ભાઈઓમાં તે સૌથી મોટો હતો, એમ ઉલ્લેખ મળે છે. તેણે ઐક્ષ્વાકુઓ, પાંચાલો, કાશીઓ, હૈહયો, કલિંગો, અશ્મકો, કુરુઓ, મૈથિલો, શૂરસેનો અને વીતિહોત્રોને જીતીને સામ્રાજ્ય બનાવ્યું હતું. તેનું સૈન્ય વિશાળ હતું. ઉગ્રસેન કંજૂસ, લોભી અને સંપત્તિની લાલસાવાળો હોવાથી તેણે પ્રજા ઉપર ભારે કરવેરા નાખ્યા હતા. તેથી તે અપ્રિય થઈ પડ્યો હતો. તેનો મંત્રી કલ્પક જૈન હતો.

યતીન્દ્ર દીક્ષિત