ઇલાહી સન : મુઘલ બાદશાહ અકબરે શરૂ કરેલ સન. મુઘલ બાદશાહ અકબરે ‘દીન-એ-ઇલાહી’ નામે નવો પંથ સ્થાપ્યા પછી ઇસ્લામ સાથે સંકળાયેલ હિજરી સનને સ્થાને પોતાના નવા પંથને અનુરૂપ નવી ઇલાહી સન શરૂ કરી, જે ‘તારીખ-એ-ઇલાહી’ને નામે પણ ઓળખાય છે. અકબરે પોતાના રાજ્યકાલના 29મા વર્ષે (1584માં) એ દાખલ કરેલી, પરંતુ તેનો આરંભ તેની તખ્તનશીનીના વર્ષ 1(1556)થી ગણવામાં આવ્યો. આ મુજબ હિજરી સન 992(1584)ને બદલે ઇલાહી સન 29 ગણવામાં આવી. અકબરે હિજરીની ચાંદ્રમાસની પદ્ધતિને સ્થાને જરથોસ્તી પંચાંગની સૌર માસની પદ્ધતિ અપનાવી. બાદશાહનું રાજ્યારોહણ 2, રબીઉસ્ સાની(14મી ફેબ્રુઆરી)ના રોજ થયેલું, પણ ઇલાહી સનની શરૂઆત એ પછી 26 દિવસે (11મી માર્ચે) જરથોસ્તી વર્ષનો પહેલો મહિનો (ફર્વરદીન) શરૂ થતો હોઈ ત્યારથી ગણવામાં આવી. સૌર વર્ષ ધરાવતી આ સનના મહિના અને દિવસોનાં નામ પ્રાચીન ઈરાની (જરથોસ્તી) પંચાંગમાંથી અપનાવાયાં. તેના બાર મહિનાઓનાં નામ આ મુજબ હતાં : (1) ફર્વરદીન, (2) અર્દિબહિશ્ત, (3) ખુર્દાદ, (4) તીર, (5) અમર્દાદ, (6) શહ્રેવર, (7) મિહ્ર, (8) અબાન, (9) આઝર, (10) દી, (11) બહમન, (12) ઇસ્ફન્દાર્મઝ.
પ્રવીણચંદ્ર પરીખ