ઇલાહાબાદી, અકબર (જ. 16 નવેમ્બર 1846, બારા, જિ. અલ્લાહાબાદ; અ. 1921) : લોકપ્રિય ઉર્દૂ કવિ. આખું નામ સૈયદ અકબર હુસેન. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી પોતાના શોખ અને ખંતથી અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવ્યું. ‘મુખ્તારી’ની પરીક્ષા પાસ કરીને એકધારી પ્રગતિ કરી 1894માં ન્યાયાધીશ થયા. બ્રિટિશ શાસન તરફથી ‘ખાનબહાદુર’નો ખિતાબ પણ એનાયત થયો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિના વમળમાં ફસાયેલા સમાજની લઘુતાગ્રંથિ દૂર કરવાનો તથા અંગ્રેજીકરણની ધૂનમાં ધાર્મિક અને રાષ્ટ્રીય પરંપરાઓને વીસરી ગયેલાંઓને સ્વસંસ્કારનું ભાન કરાવવાનો તેમણે પોતાનાં કાવ્યોમાં પ્રયત્ન કર્યો છે. અકબરની કવિતા – ખાસ કરીને ગઝલો અને મુક્તકો – વ્યંગ્ય અને કટાક્ષથી ભરપૂર હોય છે. પોતાની આ આગવી કાવ્યશૈલીના કારણે તેઓ સમગ્ર ઉર્દૂ કવિતાના પટ પર અનોખું સ્થાન ધરાવે છે. કવિતાની અસરકારક રજૂઆત દ્વારા તેમણે પાશ્ચાત્ય સંસ્કૃતિનાં પરિબળોને ખાળવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં તેમની કાવ્યશૈલીમાં કે વિષયોમાં કડવાશ કે ઘૃણા પ્રવેશેલ નથી. વિષયને અનુરૂપ શબ્દપસંદગીએ તેમની ગઝલોને પ્રભાવક બનાવી છે.

મોહિયુદ્દીન બોમ્બેવાલા