ઇમામ અહમદ ઇબ્ન હંબલ (જ. નવેમ્બર 780, બગદાદ; અ. 2 ઑગસ્ટ 855 બગદાદ) : સુન્ની મુસ્લિમોના ચોથા ઇમામ. જન્મ બગદાદમાં. તેમણે હદીસનું જ્ઞાન બીજા ઇમામ શાફેઇ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ ધર્મની બાબતમાં અત્યંત ચુસ્ત હતા. ધાર્મિક સિદ્ધાંતોને અક્કલની કસોટી ઉપર પારખીને અપનાવનાર મુઅ્તઝેલી સંપ્રદાયની વિરુદ્ધ એમણે ઝુંબેશ ઉપાડી હતી. ધર્મનાં ધારાધોરણોમાં બુદ્ધિનું મહત્ત્વ બહુ જ ઓછું છે એમ એ માનતા. તે સમયના ખલીફા મામૂનર્રશીદે એમને બહુ જ તકલીફ આપી હતી અને કેદ પણ કરી દીધા હતા; તેમ છતાં તે અડગ રહ્યા હતા. એમનું મૃત્યુ ઈ. સ. 855માં કેદખાનામાં જ થયું હતું. એમના જનાજામાં ઘણી મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ સામેલ થયેલ. લોકોએ આવા મોટા પાયા પર એમના વિશેના આદરભાવ ખાતર એમને પણ ઇમામનો ઇલ્કાબ આપ્યો હતો. (એમની પહેલાં આવો આદરભાવ અલ્ હનીફા, અલ્ શાફઇ અને મલિકને આપવામાં આવ્યો હતો.) તેમને પયગંબરસાહેબની 1,00,000 હદીસો મોઢે હતી. આ બધી હદીસોનો એમણે સંગ્રહ કર્યો હતો, જે ‘મુસ્નદ ઇબ્ન હંબલ’ના નામે જાણીતો છે.

સઉદી અરબના લોકો મોટા ભાગે હંબલી સંપ્રદાયમાં માને છે. તેઓ કુરાન અને હદીસને ચુસ્તપણે વળગી રહે છે. ધર્મમાં ‘નવી વાત’નો તેઓ બિલકુલ સ્વીકાર કરતા નથી.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી

મોહિયુદ્દીન બોમ્બેવાલા