ઇમામબારા : મહોરમને લગતી ક્રિયાઓ માટેની લખનૌની ઇમારત. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીમાં મુઘલ સ્થાપત્યની શૈલીનો પ્રચાર ઓછો થયો. યુરોપીય દેશોની શૈલીનો તેમાં સમન્વય થઈ થોડા સમય માટે તે જીવંત રહી હતી. અવધ અને લખનૌમાં ખાસ કરીને અસફ-ઉદ્-દૌલાના સમય દરમિયાન (1775-95) એનું વિશાળ બાંધકામ હાથ પર લેવાયેલ. ઇમામબારા, તેની નજીક આવેલ મસ્જિદ, તેનું પટાંગણ અને વિશાળ દરવાજો આ મિશ્ર શૈલીનું સુંદર ર્દષ્ટાંત છે. તે એક મજલાની વિશાળ ઇમારત છે. તેની શૈલી કોઈ એક વિચારધારાની નથી. તે ઇમારતનું બાંધકામ તેની વિશાળતા માટે ધ્યાન ખેંચે છે. તેનો મુખ્ય ઓરડો આશરે 46 મી. લાંબો, 14 મી. પહોળો અને 16 મી. ઊંચો છે અને તેની છત કમાનાકાર છે. આ જાતની ઇમારતોમાં તે એક સૌથી મોટી ઇમારત છે.

ઇમામબારા

ઇમામબારા

ઇમામબારાઆ ઇમારતની સુશોભિત લીંપણવાળી કારીગરી વિશિષ્ટ હોવા છતાં કલાની ર્દષ્ટિએ ઉત્કૃષ્ટ નથી. ક્યારેક તેનો અતિરેક લાગે છે. તેને કારણે ઇમારતોના બાહ્ય આકારની લાક્ષણિકતા નબળી લાગે છે. આ પણ અઢારમી સદીના મુસ્લિમ સ્થાપત્યની પરિસ્થિતિનું એક નિદર્શન છે. આ જાતનું બાંધકામ ફક્ત પ્રતિષ્ઠા માટે જ થતું.

રવીન્દ્ર વસાવડા