ઇમામ અબૂ હનીફા (જ. 699 કૂફા, ઇરાક; અ. 14 જૂન 767 બગદાદ, ઇરાક) : ઇસ્લામના હનીફા સંપ્રદાયના અગ્રણી ઇમામ. મૂળ નામ નુઅ્માન બિન સાબિત. વ્યવસાયે કાપડના વેપારી. વતન અર્વાચીન ઇરાકનું કૂફા શહેર. ઇસ્લામના ચાર સંપ્રદાયોમાં હનીફા મજહબના અનુયાયીઓ બીજા ત્રણ મજહબો (શાફઇ, માલિકી અને હંબલી) કરતાં ભારે બહુમતીમાં છે. એમનાં પ્રવચનોનો સંગ્રહ એમના શિષ્ય અબૂ યૂસુફે ‘કિતાબુલ ખરાજ’(798)ના નામે કર્યો છે. ધાર્મિક બાબતોની સમજૂતીમાં બીજા ત્રણ ઇમામો કરતાં તેમની બુદ્ધિ અને તર્ક(રાય)ને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એ કારણે હનફીઓ(ઇમામ હનીફાને માનનારાઓ)ને અહલુર્રાય કહેવામાં આવે છે.
એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી