ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજી (IITM) : 1 એપ્રિલ, 1971ના રોજ પુણે નજીક પાશાનમાં સ્થાપવામાં આવેલી કેવળ હવામાનશાસ્ત્રના સંશોધનકાર્ય માટેની સ્વાયત્ત સંસ્થા. તે મૂળ ઇન્ડિયન મીટિયરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટની એક પાંખ તરીકે 1962માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયરૉલૉજીના નામથી ‘રામદુર્ગ હાઉસ’માં શરૂ કરવામાં આવેલી. આ નિર્ણય ભારતના આર્થિક વિકાસને અનુરૂપ હતો. ડૉ. પી. આર. પીશારોટી તેના પ્રથમ નિયામક હતા. આનું પુનર્નિર્માણ IITM રૂપે થયું.

1963-66 દરમિયાન આ સંસ્થાને લગભગ 10 લાખ યુ. એસ. ડૉલર યુનાઇટેડ નૅશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ(UNDP)ના સ્પેશિયલ ફંડમાંથી વર્લ્ડ મીટિયરૉલૉજિકલ ઑર્ગેનાઇઝેશન મારફત મળ્યા હતા. બીજા દેશોના હવામાનશાસ્ત્રીઓને ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર અંગે સંશોધનની સગવડ આપવી એવી આ મદદની સામે એક શરત છે.

આબોહવાના આગાહી-વિષયક સંશોધન (ઝડપી ઇલેક્ટ્રૉનિક કમ્પ્યૂટરના ઉપયોગથી હવામાનની સંખ્યાત્મક આગાહી) આબોહવા-શાસ્ત્ર અને જલ-હવામાનશાસ્ત્ર (hydrometeorology), વાયુગતિવિદ્યા (aeronomy) અને ભૌતિક હવામાનશાસ્ત્ર (વાદળભૌતિકી અને હવામાનના ફેરફાર) તથા ઉપકરણ અને અવલોકનપ્રવિધિ જેવી શાખાઓમાં આ સંસ્થામાં સંશોધન હાથ ધરવામાં આવે છે. નવેમ્બર, 1988માં આ સંસ્થાએ વર્ષા-હવામાનશાસ્ત્ર ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો હતો. તેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો અને આ સંસ્થાએ કરેલા સંશોધનની વિશ્વના હવામાનશાસ્ત્રીઓ ઉપર પ્રભાવક છાપ પડી હતી.

પી. આર. પીશારોટી

અનુ. રમેશ શાહ