ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ (IIP) : 1960માં નવી દિલ્હી અને 1963થી દહેરાદૂન ખાતે કાર્ય કરતી પેટ્રોલિયમ અંગેની સંસ્થા. તે CSIRની એક મહત્વની પ્રયોગશાળા છે. તેનું મુખ્ય ધ્યેય પેટ્રોલિયમ અને તેની પેદાશો, કુદરતી વાયુ અને પેટ્રો-રસાયણોના પ્રક્રમણ (processing) તથા ઉપયોગ અંગેનું સંશોધન અને વિકાસકાર્ય છે. આ ઉપરાંત આ ક્ષેત્ર અંગેના બજાર-સર્વેક્ષણ અને તકનીકી તેમજ આર્થિક અભ્યાસ, પેટ્રોલિયમ અને પેટ્રોરસાયણ ઉદ્યોગ માટેના કર્મચારીઓની તાલીમ તથા પેટ્રોલિયમ પદાર્થો અને પેટ્રોરસાયણ અંગેનાં માનકો (standards) નક્કી કરવામાં તે બ્યૂરો ઑવ્ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સને મદદ કરે છે. 1989 સુધીમાં સંસ્થાએ 1220 જેટલા ઇજનેરો અને રસાયણોને પેટ્રોલિયમ ટૅક્નૉલૉજી અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં તાલીમ આપી છે અને તે પછી પણ તેમાં વધારો થતો રહ્યો છે. સંસ્થાને 14 જેટલી યુનિવર્સિટીઓએ ડૉક્ટરેટ પદવી માટેના સંશોધન માટે માન્યતા આપી છે. ત્યાંથી 50 જેટલા સંશોધકોએ પીએચ.ડી. પદવી મેળવી છે.

આ સંસ્થાએ સ્વતંત્ર રીતે અને ફ્રાંસના સહકારથી વિકસાવેલાં પ્રક્રમો અને પેદાશો વાણિજ્યક્ષેત્રે સફળ થયેલાં છે. સાદા દિવેટવાળા સ્ટવથી માંડીને પેટ્રોલિયમ અને રસાયણ-ઉદ્યોગને મદદ થાય તેવાં વિવિધ પ્રકારનાં સંશોધનકાર્યો અહીં હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધી આ સંસ્થાને 14 જેટલા ગુણવત્તા પુરસ્કાર એનાયત થયેલા છે. સંસ્થાએ 38 જેટલી ટૅક્નૉલૉજી ઉદ્યોગોને સોંપી છે તથા ભારતમાં 185 અને વિદેશમાં 29 જેટલી પેટન્ટ ફાઈલ કરી છે.

રમેશ શાહ