ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (IIT) : ઉચ્ચ પ્રાવૈધિક (technological) શિક્ષણ અને સંશોધન માટેની ઉચ્ચ સ્તરની ભારતીય સંસ્થાઓ. પ્રાવૈધિક કેળવણી અંગે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયને સલાહ તથા માર્ગદર્શન આપવા માટે ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ ટૅકનિકલ એજ્યુકેશન(AICTE)ની 1946માં રચના કરવામાં આવી હતી. એન. આર. સરકાર તદર્થ (ad hoc) કમિટીના હેવાલની એ. આઇ. સી. ટી. ઈ. દ્વારા એપ્રિલ-મે, 1946ના અરસામાં ચર્ચા કરીને ઉચ્ચ પ્રાવૈધિક શિક્ષણ માટેની ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યભારતમાં એમ પાંચ સંસ્થાઓ સ્થાપવાની ભલામણ સ્વીકારાઈ હતી. આ સંસ્થાઓનું ધ્યેય : ‘‘રાષ્ટ્ર પોતાની પ્રાવૈધિક જરૂરિયાતોની દિશામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરે તે પ્રકારનું સંશોધન, આયોજન અને વિકાસનું કાર્ય હાથ ધરી શકે તેવી ઉચ્ચ બૌદ્ધિક સજ્જતા ધરાવતા વૈજ્ઞાનિકો અને પ્રાવૈધિક નિષ્ણાતો (technologists) પૂરા પાડવા’’નું છે. આ સંસ્થાઓમાં તૈયાર થતા વૈજ્ઞાનિકો અને પ્રાવૈધિક નિષ્ણાતો વિવિધ ક્ષેત્રે ભવિષ્યમાં આવનાર પડકારો ઝીલી શકે તે માટે વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની તથા વૈજ્ઞાનિક પદ્ધતિની ઊંડી અને વ્યાપક સમજ ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓ સાથે આદાનપ્રદાન કરી શકે તેવી બૌદ્ધિક સજ્જતા ધરાવતા તથા સમાજની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓ અંગે જાગ્રત અને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવાની ભાવનાવાળા વિદ્વાનો હોય તે જરૂરી છે. આઇ. આઇ. ટી. સંસ્થાઓએ વૈજ્ઞાનિકો અને પ્રાવૈધિક નિષ્ણાતોનો એક સમુચ્ચય (pool) રચવાનો હોય છે, જેમાંથી રાષ્ટ્રના ઉદ્યોગો, સંશોધન-સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે નિષ્ણાતોની પસંદગી કરી શકે.

પ્રથમ આઇ. આઇ. ટી. પશ્ચિમ બંગાળમાં ખડગપુરમાં 1951માં સ્થાપવામાં આવી હતી અને તેના નિયામક સુપ્રસિદ્ધ રસાયણજ્ઞ ડૉ. જે. સી. ઘોષ હતા. 1956માં મુંબઈ ખાતે, 1958માં ચેન્નાઈ ખાતે, 1959માં કાનપુર ખાતે અને 1961માં દિલ્હી ખાતે એમ ક્રમશ: આઇ. આઇ. ટી. સંસ્થાઓ શરૂ થઈ. 1956માં સંસદે આઇ. આઇ. ટી. અંગે અધિનિયમ પસાર કરીને તેમને રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો આપ્યો હતો. વિશ્વનાં વિવિધ વિકસિત રાષ્ટ્રોએ આવી આઇ. આઇ. ટી.ની સ્થાપના તથા તેમને આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ કરવામાં કીમતી મદદ કરી છે. રશિયાએ મુંબઈ ખાતેની, જર્મની(તે વખતે પશ્ચિમ જર્મની)એ ચેન્નાઈ ખાતેની, બ્રિટને દિલ્હી ખાતેની અને અમેરિકાએ કાનપુર ખાતેની આઇ. આઇ. ટી. માં લૅબોરેટરી સાધનો, પ્રાધ્યાપકો અને ઉચ્ચ પ્રણાલીઓ સ્થાપવામાં મદદ કરી. શરૂઆતનાં વર્ષોમાં આ દેશોના મુલાકાતી અધ્યાપકોએ શિક્ષણકાર્યમાં સહાય કરી હતી અને ભારતીય અધ્યાપકોને શિક્ષણ-સંશોધન-ક્ષેત્રે આધુનિક પ્રવાહોથી વાકેફ કરવા માટે જે તે દેશોએ તેમને આમંત્રિત પણ કર્યા હતા.

બધી જ આઇ. આઇ. ટી. સંસ્થાઓ વિશાળ નયનરમ્ય કૅમ્પસ ઉપર સ્થાપવામાં આવેલી છે. તે નિવાસી પ્રકારની સંસ્થા હોઈ કૅમ્પસ ઉપર જ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ માટે રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવેલી છે. તરણકુંડ જેવી રમત-ગમત અને આનંદપ્રમોદની વ્યવસ્થા તથા હૉસ્પિટલ પણ કૅમ્પસ ઉપર જ રાખવામાં આવેલ છે.

દરેક આઇ. આઇ. ટી.ની પ્રયોગશાળાઓ અતિ આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ હોય છે. આઇ. આઇ. ટી.નાં ગ્રંથાલયો બહોળા પ્રમાણમાં પુસ્તકો, સામયિકો, સંશોધનગ્રંથો અને આધુનિક ર્દશ્ય-શ્રાવ્ય ઉપકરણોથી સજ્જ હોય છે.

આઇ. આઇ. ટી.ના અભ્યાસક્રમોમાં ગણિત, ભૌતિક અને રસાયણશાસ્ત્ર જેવા પાયાના વિષયોનું શિક્ષણ ઘણું જ સઘન હોય છે. શુદ્ધ વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, ફાર્મસી, આર્કિટેક્ચર, ઔદ્યોગિક વહીવટ, માનવવિદ્યાઓ અને સમાજવિદ્યાઓના વિવિધ સ્તરના અભ્યાસક્રમો શીખવવાની આમાં સગવડ હોય છે. આ ઉપરાંત આંતરવિદ્યાશાખાકીય (interdiciplinary) વિષયો ઉપર ઘણું ધ્યાન આપવામાં આવે છે. કેટલાક વિશિષ્ટ વિષયો માટે અભ્યાસકેન્દ્રો ચલાવવામાં આવે છે. આ કેન્દ્રો મારફત ટૅક્નૉલૉજીના અભ્યાસમાં જરૂરી મદદ મળી રહે છે. કેટલીક આઇ. આઇ. ટી. સંસ્થાઓએ પણ સામાન્ય યુનિવર્સિટી કે કૉલેજ માટે શક્ય ન હોય તેવા અગત્યના વિષયોના અભ્યાસક્રમ માટે પણ જે તે પ્રદેશોની જરૂરિયાતને લક્ષમાં રાખીને સગવડ ઊભી કરેલી છે; દા.ત., નેવલ આર્કિટેક્ચરનો અભ્યાસક્રમ આઇ. આઇ. ટી. ખડગપુર ચલાવે છે જ્યારે ચેન્નાઈ આઇ. આઇ. ટી. ઍરોનૉટિકલ ઇજનેરીનો અભ્યાસક્રમ ચલાવે છે. કાનપુર આઇ. આઇ. ટી. અનુસ્નાતક-કક્ષાએ ન્યૂક્લિયર-એન્જિનિયરિંગ અને ટૅક્નૉલૉજી પ્રોગ્રામ શીખવે છે, જેમાં ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ, ભારતીય નૌકાદળ, ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર તથા લશ્કરના નિષ્ણાતો જોડાય છે. મુંબઈ આઇ. આઇ. ટી. રીજિયોનલ સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેન્ટર ચલાવે છે.

દરેક આઇ. આઇ. ટી. અભ્યાસક્રમ, પરીક્ષણ, પ્રવેશ વગેરે બાબતમાં સંપૂર્ણ સ્વાયત્ત હોય છે. બી. ટેક્. સ્તરના પ્રવેશ માટે બધી જ આઇ. આઇ. ટી.ની પ્રવેશકસોટી દેશભરમાં સંયુક્ત રીતે યોજાય છે. બધી જ આઇ. આઇ. ટી.માં બી. ટેક્., એમ. ટેક્., અને પીએચ. ડી. સ્તરના અભ્યાસ માટે સગવડ હોય છે. એમ. ટેક્.ના પ્રવેશ માટે GATE પરીક્ષા લેવાય છે.

આ સંસ્થાઓની એક વિશિષ્ટતા એ છે કે તે વેપાર-ઉદ્યોગનાં પ્રતિષ્ઠાનો સાથે સંકલન સાધીને બંને વચ્ચે વિચારો અને અનુભવોની આપ-લેની જોગવાઈ કરે છે. પરિણામે આ સંસ્થાઓમાંથી પાસ થનાર વિદ્યાર્થીને ઉદ્યોગના પ્રશ્ર્નોનો જાતઅનુભવ પણ મળે છે. ઉદ્યોગો પોતાના પ્રશ્નોના ઉકેલ માટે આઇ. આઇ. ટી. પાસે પુરસ્કૃત (sponsored) સંશોધન કરાવે છે. આ રીતે તૈયાર થયેલા વિદ્યાર્થીઓ ઉદ્યોગ માટે વધુ ઉપયોગી હોઈ તેમને યોગ્ય સ્થાન મેળવવું સરળ બને છે. વળી ભારતની ઘરઆંગણાની દેશી ટૅક્નૉલૉજી જેવી કે હળ, ગાડું, ચૂલો વગેરેને સુધારવા માટેનું સંશોધન પણ આઇ. આઇ. ટી.એ હાથ પર લઈને તેમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરી હતી.

આઇ. આઇ. ટી.નો વહીવટ બોર્ડ ઑવ્ ગવર્નર્સ કરે છે અને સંકલન કેન્દ્રના શિક્ષણ પ્રધાનના પ્રમુખપદવાળી કાઉન્સિલ કરે છે. આઇ. આઇ. ટી.ની આર્થિક જવાબદારી કેન્દ્રસરકાર સંભાળે છે. ભવિષ્યની તાલીમબદ્ધ, માનવસંપત્તિની જરૂરિયાતને અનુલક્ષીને દરેક રાજ્યમાં ITIની સ્થાપના કેન્દ્રસરકારે કરી છે.

પ્રથમ પાંચ IITs – ખડગપુર, મુંબઈ, ચેન્નાઈ, કાનપુર, દિલ્હી 1951થી 1963 વચ્ચે શરૂ થયાં. ત્યારબાદ ગુવાહટી (1994), રૂરકી (2001), રોપર (2008, રૂપનગર, પંજાબ), ભુવનેશ્વર (2008), હૈદરાબાદ (2008), પટણા (2008), ગાંધીનગર (2008, ગુજરાત), જોધપુર (2008, રાજસ્થાન), મંડી (2009, હિમાચલ પ્રદેશ), ઇન્દોર (2009, મધ્યપ્રદેશ) ખાતે નવેસરથી IITs શરૂ કરવામાં આવ્યાં છે.

વારાણસી (2012), થલખ્ખડ (કેરળ, 2015), તિરુપતિ (આંધ્ર, 2015), ધનબાદ (ઝારખંડ, 2016), ભિલાઈ (છત્તીસગઢ, 2016), જમ્મુ (2016), ગોવા (2016), ધારવાડ (કર્ણાટક, 2016)

આમાંની ઘણી સંસ્થાઓ જગવિખ્યાત QSWORLD યુનિવર્સિટી રેન્કિંગમાં સ્થાન પામે છે. 2019 સુધીમાં આઈઆઈટીમાંથી 2,50,000 નિષ્ણાતો તૈયાર થયા છે. જોકે આમાંથી ઘણા નિષ્ણાતો પોતાના જ્ઞાન-અનુભવનો લાભ ભારતને આપવાને બદલે વિદેશ સ્થાયી થઈ જતા હોવા મુદ્દે ટીકા થતી રહે છે. આમ 2016માં ભારતમાં કુલ 23 IITs કાર્યરત છે.

સદાનંદ બાબુરાવ  કુમટા

રિખવભાઈ શાહ