આવસ્સય-સુત્ત

January, 2002

આવસ્સય-સુત્ત (આવશ્યક અથવા આવસ્સગ षडावश्यक सूत्र) : જૈન પરંપરામાં નિત્યકર્મનાં પ્રતિપાદક આવશ્યક ક્રિયાનુષ્ઠાનોનું નિરૂપણ કરતો પ્રાચીન ગ્રંથ. આમાં છ અધ્યાય છે : સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. તેના ઉપર ભદ્રબાહુની નિર્યુક્તિ છે. હરિભદ્રસૂરિએ આ ગ્રંથ ઉપર ‘શિષ્યહિતા’ નામની ટીકા લખી છે. બીજી ટીકા મલયગિરિની છે. હરિભદ્રસૂરિએ પોતાની ટીકામાં ઉક્ત છ પ્રકરણોનું 35 અધ્યયનોમાં વર્ણન કર્યું છે, જેમાં અનેક પ્રાચીન પ્રાકૃત અને સંસ્કૃત કથાઓનો સમાવેશ છે. તિલકાચાર્યે પણ આવશ્યકસૂત્ર ઉપર લઘુવૃત્તિ લખી છે.

રાગદ્વેષ સહિત સમભાવને સામાયિક કહે છે. બીજા આવશ્યકમાં ચોવીસ તીર્થંકરોનું સ્તવન છે. ત્રીજામાં વંદન-સ્તવન કરવામાં આવ્યું છે. ચોથા આવશ્યકમાં પ્રતિક્રમણનો ઉલ્લેખ છે. પાંચમા આવશ્યકમાં કાયોત્સર્ગ-ધ્યાન માટે શરીરની નિશ્ચળતામાં સ્થિર રહેવાનું બતાવ્યું છે. છઠ્ઠા આવશ્યકમાં પ્રત્યાખ્યાનની-બધાં જ સાવધ કર્મોથી નિવૃત્તિની આવશ્યકતા બતાવાઈ છે.

ગીતા મહેતા