આળવાર સંતો : વૈષ્ણવ ભક્તિમાર્ગની સમૃદ્ધ પૃષ્ઠભૂમિકા ઉપર સ્થપાયેલો તમિળ પ્રદેશમાં આ નામે ઓળખાતા ભક્તોનો મોટો સમૂહ. ‘આળવાર’ એટલે પરમાત્માની ભક્તિમાં નિમગ્ન સંત ભક્ત-મહાત્મા. આળવારનો બીજો અર્થ ભગવાનની ભક્તિમાં નિમગ્ન રહીને ભગવાનનો અનુભવ કરવાને કારણે ભગવાન ઉપર શાસન કરનાર એવો પણ છે. પ્રારંભમાં ‘આળવાર’ શબ્દ વૈષ્ણવ, શૈવ, જૈન સંતો અને ભગવાન બુદ્ધ માટે પણ વપરાતો. હવે તે કેવળ બાર પ્રમુખ વૈષ્ણવ ભક્તો માટે જ વપરાય છે. તેમનો સમય સામાન્યત: પાંચમીથી નવમી સદી મનાય છે, પરંતુ કેટલાક બીજીથી નવમી સદી પણ માને છે. વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર તેમનો સમય ઈ. સ. પૂર્વે 4204થી 2706 મનાય છે. આળવાર સંતોએ સામાન્ય જનસમૂહમાં જ્ઞાન-ભક્તિ-પ્રપત્તિનો દિવ્ય પ્રકાશ રેલાવ્યો. તેમનાં જીવન ભગવદનુભવની સમૃદ્ધિથી ભરી દીધાં.

આળવારોએ ભક્તિનાં પદ ‘પાશુરમ્’ રચ્યાં છે. તેની સંખ્યા 4,000 હોઈ તે ‘નાલાયિર દિવ્ય પ્રબન્ધમ્’ (ચાર હજાર દિવ્ય પ્રબન્ધ) નામે ઓળખાય છે. એને ‘દ્રવિડ વેદ’ પણ કહે છે. કેટલીક વખત એને વેદો કરતાંય વધુ મહત્વ અપાય છે.

બાર આળવારોનું જીવનવૃત્ત સંક્ષેપમાં આ પ્રમાણે છે :

પ્રથમ ત્રણ આળવાર : 1. પોયગૈ આળવાર (સરોયોગી); 2. ભૂતત્તાળવાર (ભૂતયોગી); 3. પેયાળવાર (મહાયોગી, ભ્રાન્તયોગી). ત્રણે આળવાર, સમકાલીન અને સૌથી પ્રાચીન. તેઓ ‘પ્રથમ ત્રણ આળવાર’ અથવા ‘મુનિત્રય’ સંજ્ઞાથી ઓળખાય છે. ત્રણમાં પોયગૈ આળવારને ‘આદિ કવિ’ કહે છે.

ત્રણે આળવારોએ નારાયણના મહિમાનાં સો સો પદ ગાયાં છે. તેમનાં નામ અનુક્રમે ‘મુદલ તિરુવંતાદિ’, ‘ઇરણ્ડમ તિરુવંતાદિ’ અને મુદામ તિરુવંતાદિ છે. ત્રણે આળવાર ઉત્કૃષ્ટ કોટિના સંત હતા.

પોયગૈ આળવારનો જન્મ કાંજીવરમમાં, ભૂતત્તાળવારનો મહાબલિપુરમમાં અને પેયાળવારનો ચેન્નાઈના મલયાપુર લત્તામાં થયેલો. પોયગૈ આળવાર પાંચજન્યના, ભૂતત્તાળવાર કૌમોદકી ગદાના અને પેયાળવાર નન્દક ખડ્ગના અવતાર મનાય છે. ત્રણે આળવાર પાંચમી અથવા છઠ્ઠી સદીમાં થયા જણાય છે.

4. તિરુમળિશૈ આળવાર (ભક્તિસાર) : કાંજીવરમ્ નજીક તિરુમળિસૈ (મહીસરપુર) તીર્થમાં જન્મ. ભાર્ગવ મહર્ષિ અને કનકાંગીના પુત્ર. બાળક જન્મથી વિકલાંગ હોઈ માતાપિતાએ ત્યાગ કરેલો. વ્યાધે તિરુવાળને ઉછેર્યા.

તિરુમળિસૈની ભક્તિ જોઈ નારાયણે એમને વિશ્વરૂપ દેખાડેલું. તે પછી એમનું નામ ‘ભક્તિસાર’ પડ્યું.

એમણે રચેલાં બે પુસ્તક મળ્યાં છે : ‘નાન્મુકન તિરુવંતાદિ’માં 96 પદ છે. ‘તિરુચ્ચન્દવિરુત્તમ્’માં 120 પદ છે. ‘નાન્મુકન તિરુવંતાદિ’માં ભગવાન અને ભક્તની વચ્ચે વિરહિણીની આતુરતા અને મિલનના ભાવનું આલેખન છે. ‘તિરુચ્ચન્દવિરુત્તમ્’માં ભગવાનના અન્તર્યામી સ્વરૂપ અને અર્ચાવતારની (મૂર્તિની) આરાધનાનું હૃદયંગમ વર્ણન છે. તિરુમળિસૈ આળવારને સુદર્શનચક્રના અવતાર માનવામાં આવે છે. તિરુમળિસૈનો સમય સાતમી સદીની શરૂઆતનો જણાય છે.

5. કુલશેખર આળવાર : કેરળના કોલ્લિનગરના (ક્વિલોનના) ધર્માત્મા રાજા દૃઢવ્રતના પુત્ર. શ્રી રામચંદ્રજીના અનન્ય ભક્ત. દાસ્યભાવે ઉપાસના. નિરંતર ભગવદભાવમાં લીન. અનન્ય શરણાગત ભક્ત કુલશેખરે ભગવાન પાસે માગ્યું : ‘હે તિરુમાલ ! (હે શ્રીપતિ !) મને તારા નિજમંદિરનો ઉંબરો બનાવી દે એટલે તારા ભક્તોની ચરણરજ મારા ઉપર પડ્યા કરે અને તે સાથે તારા પરવાળા જેવા સુંદર અધરોનું મને નિરંતર દર્શન થયા જ કરે.’

આજે પણ દક્ષિણનાં સર્વ શ્રીવૈષ્ણવ મંદિરોમાં ગર્ભગૃહના ઉંબરાને ‘કુલશેખરપ્પડિ’ – કુલશેખર પગથિયું – કહે છે.

મહારાજા કુલશેખર આળવારની બે રચનાઓ છે. તમિળમાં ‘પેરુમાળ તિરુમોળિ’. તેમાં 105 પદ છે. સંસ્કૃતમાં ‘મુકુન્દમાલા’. ‘મુકુન્દમાલા’ સંસ્કૃત ભાષાનું ઉત્તમ સ્તોત્રકાવ્ય મનાય છે. એમાં સામાન્યત: 40 આસપાસ શ્લોક મળે છે.

કુલશેખર આળવાર શ્રીવિષ્ણુના વક્ષ:સ્થળના કૌસ્તુભમણિનો અવતાર ગણાય છે. તેમનો રાજ્યકાળ સાતમી કે આઠમી સદીમાં હશે.

6. તિરુપ્પાણ આળવાર (મુનિવાહન) : જન્મસ્થળ કે માતાપિતા અંગે સ્પષ્ટતા નથી. શ્રીરંગમની દક્ષિણે કાવેરીના તીરે ઉરૈધૂર ગામની સીમના એક ખેતરમાંથી ‘પાણન’ જાતિના એક અન્ત્યજને મળેલા. સમય આઠમીથી નવમી સદી વચ્ચે ક્યાંક.

બાળપણથી જ તિરુપ્પાણ પાણ-વીણા બજાવવામાં કુશળ થઈ ગયેલા. વીણા ઉપર તેઓ ભગવન્નામ જ ગાતા. કાવેરીતટે ઝૂંપડી બાંધી શ્રીરંગનાથ ભગવાનની સ્તુતિ કરતા. ભક્તોને દર્શન કરવાનું સરળ પડે તે માટે સવારે મંદિરનો રસ્તો વાળી નાખતા. તે પછી ભગવદભજન કરતા. એક વખત કીર્તન કરતાં મોડું થઈ ગયું. પૂજારીઓ પૂજન માટે આવ્યા. મુખ્ય પૂજારીએ ભજન કરતા આળવારને પથ્થર મારી ઉઠાડ્યા. તિરુપ્પાણ ક્ષમા માગી ઘેર ગયા. રાત્રે ભગવાને સ્વપ્નામાં પૂજારી લોકસારંગ મુનિને આજ્ઞા કરી : ‘મારા દાસ અને સખા તિરુપ્પાણને તારી ખાંધ ઉપર બેસાડીને દર્શન કરવા લઈ આવીને તારા પાપનું પ્રાયશ્ચિત્ત કર.’

લોકસારંગ મુનિ અછૂત તિરુપ્પાણને ખભા ઉપર બેસાડી મંદિરમાં દર્શન માટે લાવ્યા. ત્યારથી એમનું નામ મુનિવાહન અને યોગિવાહન પડ્યું.

મંદિરમાં પ્રવેશીને ભગવાન શ્રીરંગનાથનાં દર્શન કરીને આળવાર કૃતાર્થ થઈ ગયા. આનંદવિભોર બની એમણે ભગવાનની રૂપમાધુરી વર્ણવતી સ્તુતિનાં દસ પદ ગાયાં. અંતે વિનંતી કરી, ‘હે નાથ ! જે આંખોએ આપનું આ અલૌકિક ત્રિભુવનસુંદર શાશ્વત સૌંદર્ય નીરખ્યું છે તે હવે બીજી કોઈ વસ્તુને ન દેખે એવું વરદાન આપો.’

ભક્તવત્સલ ભગવાને આળવારની માગણી મંજૂર કરી. મુનિવાહન પચાસ વર્ષની ઉંમરે ભગવાનના શ્રીવિગ્રહમાં સમાઈ ગયા. એમણે ગાયેલાં દસ પદ-‘અમલનાદિપિરાન’-નું શ્રીવૈષ્ણવોના નિત્યપાઠમાં સ્થાન છે.

મુનિવાહનને શ્રીવત્સનો અવતાર માનવામાં આવે છે.

7. વિષ્ણુચિત્ત (પેરિયાળવાર) : તામિળનાડુના શ્રીવિલ્લિપુત્તૂરમાં જન્મ. બ્રાહ્મણ. માતાનું નામ પદ્મા, પિતાનું મુકુંદાચાર્ય. જન્મ ઈ. સ. 690. વૈકુંઠવાસ 775.

બચપણથી જ વિષ્ણુનું સ્મરણ કરતા તેથી વિષ્ણુચિત્ત કહેવાયા. ભગવાનની પૂજા માટે પુષ્પો અને તુલસીની વાડી કરેલી. મદુરાના પાંડ્ય રાજા વલ્લભદેવે પટ્ટરપિશન્ની (ઉત્તમ બ્રહ્મવેત્તાની) પદવી આપીને ગુરુપદે સ્થાપેલા.

વિષ્ણુચિત્તે ભગવાનનો અનુગ્રહ નહિ યાચતાં અસીમ વાત્સલ્યથી ભગવાનનું મંગલ વાંછ્યું, તેથી તેઓ ‘પેરિયાળવાર’ (ઉત્તમ આળવાર) કહેવાયા. તેમણે રચેલી મંગલાશાસનની રચનાનું નામ ‘તિરુપ્પલ્લાણ્ડુ’ – શ્રીમંગલાશાસનપ્રબન્ધ. તેમાં બાર પદ છે. શ્રીવૈષ્ણવોના નિત્યપાઠમાં તેનું સ્થાન પ્રથમ છે.

વિષ્ણુચિત્તની બીજી રચના ‘પેરિયાળવાર તિરુમોળિ’માં 461 પદ છે. એમાં વાત્સલ્ય-ભક્તિની પરાકાષ્ઠા છે.

પેરિયાળવારને પુષ્પવાટિકામાં તુલસીના ઝુંડમાં પોઢેલી એક બાળકી મળી. એ બાળકી પછી આણ્ડાળ આળવાર નામથી વિખ્યાત થઈ.

વિષ્ણુચિત્ત ગરુડના અવતાર મનાય છે.

8. આણ્ડાળ (કોદૈ, ગોદા) : વિષ્ણુચિત્ત આળવારની મહાન ભક્તિમતી પાલિત પુત્રી. તુલસીના છોડવાઓના ઝુંડમાંથી પિતાને મળી. પિતાએ નામ પાડ્યું ‘કોદૈ’ (ફૂલનો ગજરો). કોદૈ ઉપરથી અનેકાર્થી ‘ગોદા’ શબ્દ આવ્યો છે. આળવારોના સમૂહમાં એકમાત્ર નારી આળવાર.

આશરે ઈ.સ. 715 કે 716માં જન્મ. સોળથી અઢાર વર્ષની ઉંમરે ભગવાનના શ્રીવિગ્રહમાં સમાયાં.

આણ્ડાળનું જીવન ઉજ્જ્વળ મધુરા ભક્તિ કરતી શ્રેષ્ઠ ભક્ત કવયિત્રીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બચપણથી ભગવાનને જ પતિ તરીકે પસંદ કર્યા. પોતે પહેરેલી ફૂલમાળાઓ રંગનાથ ભગવાનને સ્નેહથી ચઢાવતી તેથી નામ પડ્યું ‘શુડિક્કોડુત્ત નાચ્ચિયાર’ (ધૃતમુક્તમાલા, પહેરેલી માળા ભગવાનને અર્પણ કરનારી દેવી).

ભગવાનને સ્વામી તરીકે પ્રાપ્ત કરવા એમણે ‘માર્કલી નોન્બુ’ (માર્ગશીર્ષ વ્રત) કર્યું. ભગવાને એમની સાથે સ્વપ્નમાં લગ્ન કર્યું. તે પછી વાજતેગાજતે, શ્રીરંગમમાં શ્રીરંગનાથ સ્વામી સાથે એમનાં વિધિપૂર્વક લગ્ન થયાં. લગ્ન પછી તરત જ ભગવાનના શ્રીવિગ્રહમાં સમાયાં. ત્યારથી ગોદા માતા આણ્ડાળ એવા સાર્થક નામે ઓળખાયાં. આણ્ડાળ એટલે અત્યંત પ્રેમભક્તિથી ભગવાનને વશ કરનારી. બીજો અર્થ છે સર્વરક્ષિકા, શ્રીઆણ્ડાળ શ્રીરંગનાયકી એટલે કે શ્રીરંગનાથની પ્રિય પત્ની તરીકે ઓળખાય છે.

આણ્ડાળ આળવારની બે રચનાઓ છે : માર્ગશીર્ષ વ્રતનાં ત્રીસ ગેય પદોનો પ્રબન્ધ ‘તિરુપ્પાવૈ’. એમાં સરળ, સ્વાભાવિક ઋજુતા અને સ્પષ્ટતાથી ઉપનિષદો અને ભગવદગીતાનું સારતત્વ સમાયું છે. એ વિશિષ્ટાદ્વૈત દર્શનનો પણ સાર છે. ‘નાચ્ચિયાર તિરુમોળિ’ બીજો ગ્રંથ છે. એમાં 143 ગાથાઓ છે.

મહાન રામાનુજાચાર્ય ‘ગોદાગ્રજ’ (ગોદાના મોટા ભાઈ) નામે ઓળખાય છે, ત્રણ સો વર્ષ નાના હોવા છતાં. શ્રી આણ્ડાળ આળવાર ભૂદેવીનો અવતાર મનાય છે.

9. તોણ્ડર ડિપ્પોડી આળવાર (ભક્તાંઘ્રિરેણુ) : કાવેરીતટે તિરુમણ્ડંગુડિમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મ. નામ વિપ્રનારાયણ. તમિળ અને સંસ્કૃતના વિદ્વાન. પોતાને ભગવાનના દાસાનુદાસ માની ભક્તિ કરતા, ભક્તોની સેવાને ભગવત્સેવા સમજતા, તેથી લોકો એમને તોણ્ડર ડિપ્પોડી (ભક્તાંઘ્રિરેણુ, ભક્તોની ચરણરજ) કહેતા.

આવા ભક્તની ભારે કસોટી થઈ. દેવદેવી નામની એક છદ્મવેશિની સંન્યાસિનીના રૂપમાં આવેલી ગણિકાએ તેમને ફસાવ્યા. ભગવત્કૃપાથી પાપપંકમાંથી બહાર નીકળ્યા.

એમની બે રચનાઓ ઉપલબ્ધ છે. ‘તિરુમાલૈ’ અને ‘તિરુપ્પળિળ્ યેળુચ્ચિ’. ‘તિરુમાલૈ’ અર્થાત્ પવિત્ર માળામાં 45 પદ છે. ‘તિરુમાલૈ’ માટે તમિળ ભાષામાં એક કહેવત છે, ‘તિરુમાલૈ યરિયાદાર, તિરુમાલ યરિયાદાર’ અર્થાત્ જે ‘તિરુમાલૈ’ને નથી જાણતો તે તિરુમાલને (શ્રીવિષ્ણુને) નથી જાણતો. ‘તિરુપ્પળિળ્ યેળુચ્ચિ’માં દસ પદ છે. તેનો અર્થ છે, ભગવાનને જગાડવા માટેનાં સુપ્રભાતમ્ ગીત. શ્રીવૈષ્ણવમંદિરોમાં આ દશે પદ સુપ્રભાતમના રૂપમાં ગાઈને ભગવાનને જગાડવામાં આવે છે.

ભક્તાંઘ્રિરેણુનો સમય આઠમી સદીના ઉત્તરાર્ધથી નવમી શતાબ્દીના ઉત્તરાર્ધ વચ્ચે છે. તેઓ ભગવાનની વનમાળાના અંશાવતાર મનાય છે.

10. તિરુમંગૈ આળવાર (પરકાળ) : તિરુકુરૈયલર ગામમાં તિરુમંગૈનો જન્મ. કલ્લર નામની લુટારુ પારધી જાતિ. બચપણનું નામ નીલન્. સમય આઠમીથી નવમી સદી. પિતા ચોલ રાજાના સેનાપતિ. પિતા પછી પુત્ર સેનાપતિ થયો. જ્યાં નીલન્ આક્રમણ કરે ત્યાં શત્રુઓનો ઘાણ નીકળતો એટલે પરકાલન્ (શત્રુઓનો કાળ) કહેવાયા. રાજાએ પરકાળના શૌર્યથી પ્રસન્ન થઈ તેમને તિરુમંગૈ પ્રદેશના સામંત રાજા બનાવ્યા, એટલે તિરુમંગૈ નામથી ઓળખાયા.

તમિળ અને સંસ્કૃતના પંડિત. શ્રેષ્ઠ સાહિત્યમર્મજ્ઞ. નાલુ કવિ પેરુમાલ (કાવ્યાચાર્ય) નામથી ઓળખાય છે. દરરોજ હજારો વૈષ્ણવોને ભોજન કરાવતા. તેને કારણે કર ન ભરતાં રાજા સાથે ઘર્ષણ અને કારાગૃહવાસ. કારાગૃહમાંથી છૂટ્યા પછી પણ ભગવાનની અને ભાગવતોની સેવા માટે લૂંટફાટ કરતા. છેવટે સ્વયં ભગવાને શ્રમ લઈને ઉપદેશ કર્યો અને સીધે રસ્તે ચડાવ્યા.

તિરુમંગૈ આળવારની છ કૃતિઓમાં 1,253 પદ છે : ‘પેરિય તેરુમોળિ’ (1,084 પદ), ‘તિરુક્કુરુન્તાણ્ડકમ્’ (20 પદ), ‘તિરુનેડુન્તાણ્ડકમ્’ (30 પદ), ‘તિરુવેળુકુર્રિરુક્કે’ (1 પદ), ‘તિરુમડલ’ (40 પદ) અને ‘પેરિય તિરુમડલ’ (78 પદ).

તિરુમંગૈને શ્રીવિષ્ણુના શારંગ ધનુષ્યના અવતાર માનવામાં આવે છે.

11. મધુરકવિ આળવાર : બ્રાહ્મણ. તિરુક્કોળૂરુ ગામમાં જન્મ. વેદશાસ્ત્રોના જ્ઞાતા. મધુર કંઠે ગાતા તેથી ‘મધુર કવિ’ કહેવાયા. સમય આઠમીથી નવમી સદી.

ગુરુની શોધમાં તીર્થાટને નીકળ્યા. 137 વર્ષની ઉંમરે સોળ વર્ષના શૂદ્ર મહાયોગી નમ્માળવારને ગુરુ કર્યા. ઓગણીસ વર્ષ સુધી ગુરુસેવા કરી. ગુરુનાં કાવ્યોને લિપિબદ્ધ કર્યાં. ગુરુ પાંત્રીસ વર્ષની ઉંમરે પરમપદ પામ્યા. તે પછી પંદર વર્ષ (171 વર્ષ) જીવ્યા. આળવારોમાં સૌથી દીર્ઘાયુષી. મધુર કવિએ ગુરુને તમિળ સાહિત્યમાં અજરઅમર કરી દીધા.

મધુર કવિએ ‘કણ્ણિનુણૂ શિરુતામ્બુ’ નામની અગિયાર પદની એક રચના કરી છે. એમાં ગુરુમહિમાનું સ્થાપન છે.

મધુર કવિ સેનાધ્યક્ષ વિષ્વકસેનના સેવક કુમુદ-ગણેશના અવતાર મનાય છે.

12. નમ્માળવાર (શઠકોપ) : આળવારોમાં સર્વશ્રેષ્ઠ નમ્માળવાર. શૂદ્ર. પિતાનું નામ કારિયાર. માતાનું નામ ઉદપનેગૈ. જન્મસ્થાન તિરુક્કુરુકૂર. સમય આઠમી શતાબ્દી.

નમ્માળવાર શ્રીવિષ્ણુના મુખ્ય પાર્ષદ અને સેનાધ્યક્ષ વિષ્વકસેનનો અવતાર મનાય છે. બધા આળવાર ‘અવયવ’ કહેવાય છે, જ્યારે નમ્માળવાર ‘અવયવી’. એમનું નામ ‘મારન્’. તમિળમાં એનો અર્થ થાય છે ‘અદભુત’. પ્રસવકાળે બાળકને આત્માનું ભાન ભુલાવનારા ‘શઠ’ નામના સંસારી વાયુ ઉપર એમણે કોપ કરીને ભગાડ્યો તેથી તેઓ ‘શઠકોપ’ નામથી ઓળખાયા. જનશ્રુતિ અનુસાર શઠકોપે જ્યારે ભગવાન શ્રીરંગનાથને સ્વરચિત પદો ગાઈ સંભળાવ્યાં, ત્યારે ભગવાને કહ્યું : ‘આ તો અમારા આળવાર (નમ્માળવાર) છે.’ અનેક પુરાણોમાં નમ્માળવારનો ઉલ્લેખ છે.

નમ્માળવારના ચાર ગ્રંથ પ્રાપ્ત છે. એક સો પદનું ‘તિરુવિરુત્તમ્’ એ ઋગ્વેદનો સાર મનાય છે. સાત પદનું ‘તિરુવાશિરિયમ્’ એ યજુર્વેદનો સાર મનાય છે. સત્યાશી પદનું ‘પેરિય તિરુવન્તાદિ’ અથર્વવેદનો સાર મનાય છે. 1,102 પદનો પાશુરમનો ગ્રંથ ‘તિરુવાયમોળિ’ સમસ્ત આળવારોની રચનાઓમાં સર્વાધિક મહત્વનો છે. એ ગ્રંથમાં મનભર ભગવદનુભવ પામીને ભક્ત મુક્ત થાય છે તેનું દર્શન કરાવ્યું છે.

નમ્માળવાર શરણાગતિ ઉપર અત્યંત ભાર મૂકે છે તેથી તેઓ ‘પ્રપન્નજનકૂટસ્થ’ કહેવાય છે.

‘દિવ્ય પ્રબન્ધમ્’નાં 4,000 પદોમાં નમ્માળવારનાં પદ સર્વાધિક (1,296) છે.

શ્રીવૈષ્ણવ મંદિરોમાં શ્રીવિષ્ણુની પાદુકાઓ ‘શ્રીશઠકોપ’ નામથી ઓળખાય છે. ભક્તો તેને પોતાના મસ્તકે ધારણ કરે છે.

ઉ. જ. સાંડેસરા