આળેકર, સતીશ વસન્ત (જ. 30 જાન્યુઆરી 1949, પુણે, મહારાષ્ટ્ર) : આધુનિક મરાઠી રંગભૂમિના અગ્રગણ્ય પ્રયોગશીલ નાટકકાર, દિગ્દર્શક, અને ચલચિત્રના પટકથાલેખક તથા દિગ્દર્શક.

પુણે વિશ્વવિદ્યાલયમાંથી એમ. એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેઓ નાટ્યકલાના અધ્યયન માટે અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા પશ્ચિમ જર્મની ગયા હતા. ત્યાંથી અદ્યતન રંગભૂમિના નિષ્ણાત થઈને ભારત આવ્યા.

ભારતમાં તેમણે નાટ્યલેખન તથા દિગ્દર્શનના ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી. મરાઠી ઉપરાંત હિન્દી, ગુજરાતી, કન્નડમાં પણ એમનાં નાટકો અનૂદિત થઈને સફળતાથી ભજવાયાં. એમનાં એવાં કીર્તિદાયી નાટકોમાં એક છે ‘મહાનિર્વાણ’, જે કન્નડ, ગુજરાતી ઉપરાંત બંગાળીમાં પણ ભજવાયું છે. એમનાં નાટકો ‘મહાપૂર’, ‘બેગમ બર્વે’ હિન્દી અને ગુજરાતીમાં, તો ‘શનિવાર રવિવાર’ હિન્દી, કન્નડ અને ગુજરાતીમાં સફળતાપૂર્વક ભજવાયાં. એમનું ‘મીકી આણિ મેમસાહેબ’ હિન્દી ઉપરાંત અંગ્રેજીમાં પણ ભજવાયું હતું. એમણે નાટકોની સાથે ચલચિત્ર માટે પણ દૃશ્યો લખીને લઘુચલચિત્રનું દિગ્દર્શન કર્યું હતું. એમનાં અનેક નાટકો દૂરદર્શન પરથી રજૂ થયાં છે, જેમાં ‘દેખો મગર પ્યાર સે’ નાટ્યશ્રેણી જાણીતી છે.

શાસ્ત્રીય અને અન્ય નાટ્યસ્પર્ધામાં એમનાં અનેક નાટકોને પારિતોષિકો મળ્યાં છે.

Satish Alekar 01

સતીશ વસન્ત આળેકર

સૌ. "Satish Alekar 01" | CC BY-SA 4.0

પ્રસિદ્ધ નાટ્યલેખક વિજય તેંડુલકરના નાટક ‘ઘાશીરામ કોતવાલ’ના સહાયક દિગ્દર્શક તરીકે એમણે અમેરિકા, કૅનેડા, તથા પશ્ચિમ જર્મનીની યાત્રા કરી હતી.

ન્યૂયૉર્કની ‘ઑફ્ બ્રૉડવે’ નાટ્યમંડળી ‘પેન એશિયન થિયેટર રેપર્ટરી’ તરફથી ‘ઘાશીરામ કોતવાલ’નું અંગ્રેજીમાં રૂપાંતર થયું ત્યારે એમને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.

પૂર્વ બર્લિન (1983) તથા ઓસ્લો (નૉર્વે) (1984)ના આંતરરાષ્ટ્રીય નાટ્યમહોત્સવમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું.

નાટ્યકલાનિષ્ણાત તરીકે તેમણે અનેક આંતરરાષ્ટ્રીય પરિષદો તથા કાર્યશિબિરોમાં ભાગ લીધો છે અને નિર્ણાયક તરીકે સેવા આપેલી છે. રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ(1978–79)માં નિર્ણાયક સમિતિના સભ્ય તરીકે પણ એમણે કામ કર્યું છે.

એમણે પુણેમાં ‘થિયેટર એકૅડમી’ નામની મરાઠી નાટ્યસંસ્થા સ્થાપી છે, જેના તેઓ અધ્યક્ષ છે.

યશંવત કેળકર