આલ્કલી ધાતુઓ (alkali metals) : આવર્તક કોષ્ટકના 1 (અગાઉના IA) સમૂહનાં રાસાયણિક તત્વો. આમાં લિથિયમ (Li), સોડિયમ (Na), પોટૅશિયમ (K), રુબિડિયમ (Rb), સિઝિયમ (Cs) અને ફ્રાંસિયમ(Fr)નો સમાવેશ થાય છે. ફ્રાંસિયમ સિવાયની બધી ધાતુઓ નરમ અને ચાંદી જેવી સફેદ હોય છે. તેમને સહેલાઈથી પિગાળી શકાય છે અને પરમાણુભાર વધતાં તેમના ગ. બિં.માં તથા ઉ. બિં.માં ઘટાડો થાય છે. આ ધાતુઓ પ્રબળપણે ધનવિદ્યુતી (electropositive) છે, બહારનું ઇલેક્ટ્રૉન ક્વચ ns1 પ્રકારનું છે અને તેઓ સરળતાથી M+ આયનો આપે છે. પાણી સાથે ઉગ્ર પ્રક્રિયા કરી પ્રબળ બેઇઝ બનાવે છે જે આલ્કલી તરીકે ઓળખાય છે. પરમાણુભાર વધતાં આ ધાતુઓની બેઝિકતા(basicity)માં વધારો થાય છે. આ ધાતુઓ અતિ સક્રિય હોઈ કુદરતમાં ફક્ત સંયોજન (ક્લોરાઇડ અને સિલિકેટ) રૂપે જ મળે છે.
પ્રવીણસાગર સત્યપંથી