આલ્કલી (અગ્નિકૃત) ખડકો

January, 2002

આલ્કલી (અગ્નિકૃત) ખડકો [alkaline (igneous) rocks] : આલ્કલીનું બંધારણ ધરાવતા અગ્નિકૃત ખડકો. આ શબ્દપ્રયોગ નીચેના વિવિધ અર્થવિસ્તાર કે અર્થઘટનમાં થાય છે 

1. સરેરાશ આલ્કલી (K2O + Na2O) પ્રમાણ કરતાં વધુ પ્રમાણ ધરાવતા કુળમાં મળતા ખડકો.

2. ફેલ્સ્પેથૉઇડ અથવા એક્માઇટ જેવાં અતૃપ્ત ખનિજો ધરાવતા ખડકો, જેમાં આલ્કલીનું સિલિકા સાથેનું અણુપ્રમાણ વધુ હોય; જેમ કે, આલ્કલી બેસાલ્ટ.

3. આલ્કલી-લાઇમ અંક (index) નીચો (51 અથવા ઓછો) હોય એવા ખડકોને આવરી લેતી શ્રેણી માટે આ શબ્દપ્રયોગ વ્યાખ્યાત્મક રીતે પ્રયોજાય છે.

સામાન્યત: આલ્કલીયુક્ત ફેરોમૅગ્નેશિયમ ખનિજો ધરાવતા હોય એવા ખડકો; જેમાં અબરખ, સોડિયમયુક્ત ઍમ્ફિબોલ કે પાયરોક્સીન ઇત્યાદિ હોય છે.

Rocks - Alkali feldspar granite

આલ્કલી ફેલ્સ્પાર

સૌ. "Rocks - Alkali feldspar granite" | CC BY-SA 4.0

4. આ શબ્દ સોડિયમ અને/અથવા પોટૅશિયમ ધરાવતાં સિલિકેટ ખનિજો માટે પણ વપરાય છે; દા. ત., આલ્કલી ફેલ્સ્પાર.

ફેલ્સ્પાર બનવા માટે જરૂર કરતાં વધુ માત્રામાં સોડિયમ અને/અથવા પોટૅશિયમ ધરાવતા સિલિકાયુક્ત અગ્નિકૃત ખડકો અર્થાત્ સિલિકા અને ઍલ્યુમિનાની અપેક્ષાએ વધુ ટકાવારી હોય એવાં આલ્કલીયુક્ત ખનિજોનાં વિશિષ્ટ લક્ષણવાળા ખડકોને રાસાયણિક દૃષ્ટિએ આલ્કલી ખડકો કહેવાય.

(K2O + Na2O > Al2O3 + SiO2)

અન્ય ખનિજઘટકોની અપેક્ષાએ આલ્કલી ખનિજ-ઘટકોનું જેમાં પ્રભુત્વ હોય એવા અગ્નિકૃત ખડકો સ્પષ્ટ ખનિજીય લક્ષણો દર્શાવે છે; સામાન્ય રીતે એજીરીન અથવા એક્માઇટ, એજીરીન ઓગાઇટવાળાં સોડા-પાયરૉક્સીન, ગ્લોકોફેન, રિબેકાઇટ જેવાં સોડાઍમ્ફિબોલ અને/અથવા ફેલ્સ્પેથૉઇડ(લ્યુસાઇટ, નેફેલિન, સોડાલાઇટ, નોસિયન, કેન્ક્રિનાઇટ વગેરે)ની હાજરીથી આલ્કલી ખડકો પરખાય છે. નેફેલિન સાયનાઇટ તથા સોડાલાઇટ સાયનાઇટ જેવા ખડકો આલ્કલીય ખડકોનાં ઉદાહરણો છે. ગિરનાર પર્વત, કિશનગઢ (રાજસ્થાન) અને કોઇમ્બતુર(તમિળનાડુ)ના વિસ્તારોમાં આ ખડકો મળે છે.

Dumortierite-quartz (Brazil) 5

સોડાલાઇટ

સૌ. "Dumortierite-quartz (Brazil) 5" | CC BY 2.0

ખંડો તેમજ મહાસાગર-થાળામાં વિકાસ પામતા આલ્કલી ઑલિવિન બેસાલ્ટ, હ્રાયોલાઇટ, ટ્રેકાઇટ અને ફોનોલાઇટ આ પ્રકારનાં ઉદાહરણો છે.

આલ્કલીય અગ્નિકૃત ખડકોને ‘ઍટલાન્ટિક ખડકસમૂહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખડકસમૂહ સ્તરભંગ, તિરાડો અને વિસ્ફોટ માર્ગો (explosion vents) પર પ્રસ્ફુટિત થયેલા હોવાનું માનવામાં આવે છે. આલ્કલી અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિ ખંડ અવતલન (block sinking) અને પોપડાની વધુ પડતી અસ્થિરતા સાથે પણ સંબંધ ધરાવતી હોવાનું માનવામાં આવે છે. આ ખડકસમૂહની મૅગ્માજન્ય ઉત્પત્તિને જુદા જુદા ખડકવિદોએ સમર્થન આપેલું છે, છતાં પણ કેટલાંક સ્થાનોમાં મળી આવતા આ પ્રકારના ખડકો ભૂસ્તરવિદ ડાલીના મંતવ્ય મુજબ મૅગ્માની અંદર ચૂનાખડકની અભિશોષણપ્રક્રિયાને કારણે ઉત્પન્ન થયેલા હોય છે. નૉર્વેના ઑસ્લો વિસ્તારના આલ્કલી ખડકો કણશ:વિસ્થાપન (metasomatism) ક્રિયાથી ઉત્પન્ન થયેલા છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે