આલુરુ વ્યંકટરાવ (જ. 12 જુલાઇ 1880, બીજાપુર; અ. 25 ફેબ્રુઆરી 1964 ધારવાડ, કર્ણાટક) : કન્નડ લેખક. જન્મ ઉત્તર કર્ણાટકના બિજાપુરમાં. પ્રારંભિક શિક્ષણ બિજાપુરમાં તથા ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં. ત્યાં જ સાવરકર, લોકમાન્ય ટિળક વગેરેનો પરિચય થયો. એમણે લોકમાન્યના ‘ગીતારહસ્ય’નો કન્નડમાં અનુવાદ કર્યો છે. એમણે કર્ણાટક માટે એક જુદી કૉંગ્રેસ તથા હોમરૂલ લીગની સ્થાપના કરેલી. 1906માં ‘વાગ્ભૂષણ’ નામનું માસિક શરૂ કરેલું. 1907 માં એમણે ‘શ્રીવિદ્યાધરચરિત્ર’ નામે પુસ્તક લખ્યું હતું. 1917માં ‘કર્ણાટકગત વૈભવ’ પુસ્તકમાં એમણે કર્ણાટકના કાવ્યસાહિત્યના ઇતિહાસનું, રાજકારણ તથા સંસ્કૃતિના ક્રમિક વિકાસનું ચિત્ર નિરૂપ્યું છે. 1915માં એમણે ‘ભ્રમનિરસન’ નામનું નાટક લખ્યું હતું. તે પછી ‘કર્ણાટકવીર રત્નગળુ’માં કર્ણાટકના વીરપુરુષોનાં ચરિત્રો આલેખ્યાં છે. એમણે ગીતા પર પણ જુદી જુદી દૃષ્ટિથી ‘ગીતાપ્રકાશ’, ‘ગીતાપરિમલ’, ‘ગીતાસંદેશ’ અને ‘ગીતા-કુસુમમંજરી’ નામક ચિંતનગ્રન્થો લખ્યા છે. 1920માં એમણે ‘જય કર્ણાટક’ પત્રિકા પણ શરૂ કરેલી.
એચ. એસ. પાર્વતી