આલુરી બૈરાગી (જ. 1936 ) : તેલુગુ લેખક. આલુરી બૈરાગીના કવિતાસંગ્રહ ‘આગમગીતિ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1984 નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં અર્વાચીન ભક્તિ-કાવ્યો છે. ભાવોના વૈવિધ્ય સાથે ભક્ત અને ભગવાનના વિવિધ સંબંધોને કારણે ભિન્ન ભિન્ન પ્રકારની ઊર્મિઓનું નિરૂપણ થયેલું છે. એમાં સખાભાવ, દાસ્યભાવ ને પ્રિયતમનો પણ ભાવ છે. મોટાભાગનાં કાવ્યો પરમાત્માના વિરહનાં કરુણ કાવ્યો છે; ઈશ્વરના મિલનનો તલસાટ છે, એની પ્રતીક્ષા છે. સર્વ સંસારસંકલિત તત્વો પ્રત્યે અરુચિ છે. નિરૂપણ તથા કાવ્યવિષયમાં કવિની આગવી વિશેષતાને કારણે એ મધ્યકાલીન ભક્તકવિઓથી જુદા પડે છે.

ચન્દ્રકાન્ત મહેતા