આલમગીરનામા : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ(1658-1707)ના શાસનનાં પહેલા દસકાનો વિસ્તૃત ફારસી ઇતિહાસ. કર્તા મુનશી મુહંમદ કાઝિમ (અ. 1681). ઔરંગઝેબ સરકારી સ્તર પર ઇતિહાસ લખાવવાનો વિરોધી હોઈ તેના આદેશથી ‘આલમગીરનામા’નું લેખનકાર્ય દસ વર્ષ પછી આગળ ચાલ્યું નહિ.

આ દળદાર પુસ્તક એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગાલ, કૉલકાતા દ્વારા ઈ. સ. 1865-73માં પ્રકાશિત થઈ ચૂક્યું છે, તેમજ તેનાં આંશિક અંગ્રેજી ભાષાંતરો પણ છપાયાં છે. ‘આલમગીરનામા’નો પ્રારંભ સચોટ રીતે ખુદાની બંદગી અને પેગંબરસાહેબનાં વખાણથી થાય છે. તે પછી તિમૂરના પરિવારની શ્રેષ્ઠતા અને ઔરંગઝેબના સમયની ધન્યતાનું વર્ણન છે. સરકારી ઇતિહાસ હોવાને લીધે સાવચેત ઇતિહાસકારો તેનાં વર્ણનો-કથનોને શંકાથી જુએ છે; પરંતુ અનુગામી બધા ઇતિહાસકારોએ ઔરંગઝેબના સમયના પ્રથમ દસ વર્ષના ઇતિહાસ માટે મુહમ્મદ કાઝિમ પર જ આધાર રાખ્યો છે. ‘મિરાતુલ આલમ’ના કર્તાએ તેનાં વખાણ કર્યાં છે અને ખાફીખાને તેને પોતાનું મૂળ સાધન કહ્યું છે. મુહમ્મદ સાકી મુસ્તઈદખાને તેનો સંક્ષેપ પોતાના પ્રસિદ્ધ ઇતિહાસ ‘મઆસિરે આલમગીરી’માં સામેલ કર્યો છે.

‘આલમગીરનામા’ની શૈલી મુઘલ ઇતિહાસોની જેમ સમજવામાં અઘરી, ગૂંચવણવાળી અને પ્રાસયુક્ત છે અને ગદ્યમાં વચ્ચે વચ્ચે પુષ્કળ કાવ્યપંક્તિઓનો ઉપયોગ કર્યો છે. પ્રત્યેક બનાવ કે પ્રસંગના વર્ણન અગાઉ એક લાંબી પ્રસ્તાવના હોય છે.

મુનશી મુહમ્મદ કાઝિમે આ ગ્રંથમાં ઔરંગઝેબના ગુણ અને તેની દિનચર્યા તેમજ પુસ્તકની વિશિષ્ટતાઓનું વર્ણન અંતમાં કર્યું છે.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ