આલમખાં : સુલતાન બહલોલ લોદી (1451–89)નો ત્રીજો પુત્ર અને દિલ્હીના અંતિમ સુલતાન ઇબ્રાહીમ લોદી(1517–26)નો કાકા હતો. આલમખાં પોતાના ભત્રીજાને બદલે પોતાને દિલ્હીની ગાદીનો અસલી હકદાર માનતો હતો. તે પોતાની તાકાતથી ઇબ્રાહીમને ગાદી પરથી દૂર કરી શક્યો નહિ ત્યારે તેણે લાહોરના હાકેમ દૌલતખાંની સાથે સમજૂતિ કરી બંનેએ બાબરને હિંદુસ્તાન પર આક્રમણ કરવા નિમંત્રણ આપ્યું. પરિણામે બાબરે હિંદ પર હુમલો કરી પાણીપતની પહેલી લડાઈ(1526)માં ઇબ્રાહીમ લોદીને હરાવી તેને મારી  નાખ્યો. ત્યારબાદ બાબર પોતે જ દિલ્હીના તખ્ત પર બેસી ગયો અને આથી આલમખાંની દિલ્હીના તખ્ત પર બેસવાની મુરાદ પર પાણી ફરી વળ્યું. થોડા સમય પછી તેનું મૃત્યુ થયું.

પ્રવીણચંદ્ર પરીખ