આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ

January, 2002

આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ (જ. 1920, અમદાવાદ; અ. 1982) : જાણીતા ચિત્રકાર. પિતા અમદાવાદની એક મિલમાં મૅનેજર. બાળપણથી જ અબ્દુર્રહીમને ચિત્રોનો શોખ. પાંચમી અંગ્રેજીનું શિક્ષણ લીધા બાદ કલાગુરુ કે. ના. કેળકર પાસે ચિત્રશિક્ષણ શરૂ કર્યું. 1935માં મુંબઈ ગયા અને 1940માં મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ડિપ્લોમા મેળવ્યો. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને શરૂઆતમાં ગુજરાન ખાતર સાઇનબોર્ડ, પોસ્ટર, છત્રી પર નામ લખવાનું વગેરે કામ પણ કર્યાં, પછી દૃશ્યચિત્રો બનાવ્યાં. 1948માં બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં તેમના એક ચિત્રને ગવર્નર્સ પ્રાઇઝ મળ્યું. 1952માં સતારાના રાજમહેલનાં ભિત્તિચિત્રો જોઈને એ શૈલીમાં યોગ્ય ફેરફાર કરીને નવાં પ્રતિકૃતિરૂપ ચિત્રો તૈયાર કર્યાં. તેને ખૂબ સારો આવકાર મળ્યો. 1953માં તેમના ‘પૂનમ’ ચિત્રને બૉમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મળેલો. પિતાજીને નોકરીને કારણે સ્થળાંતર કરવું પડતું. પોતે પણ ખૂબ પ્રવાસ કર્યો અને આખું ભારત જોઈ લીધું.

Aa almelkar 4

આલમેલકર દ્વારા બનાવેલ ચિત્ર

સૌ. "Aa almelkar 4" | CC BY-SA 4.0

1953માં તેમના ઘરમાં અકસ્માત્ આગ લાગી અને બધાં ચિત્રો, રેખાંકનોની નોંધપોથીઓ વગેરે બળી ગયાં. પરંતુ મિત્રોની હૂંફથી છ આઠ મહિનામાં એક પ્રદર્શન ભર્યું. તેમાં મૂકેલાં બધાં જ ચિત્રો વેચાઈ ગયાં. આલમેલકરના બે ગુજરાતી કલાગુરુઓ જગન્નાથ અહિવાસી અને અમદાવાદના ચિત્રકાર અને છબીકાર હીરાલાલ ખત્રી. 1961 સુધીમાં તેમણે પોતાનાં ચિત્રોનાં 13 જેટલાં પ્રદર્શનો ભર્યાં હતાં. તેમણે પરંપરાગત શૈલીમાં પોતાનું નવીન તત્વ ઉમેરીને આગવી શૈલી અપનાવી હતી. તે કાર્ડબૉર્ડ પર ચિત્રો આલેખે છે.

તેમણે ગુજરાતી મિત્ર સાથે દૂર પૂર્વમાં મલેશિયા-જાવા-બાલીનો પ્રવાસ કર્યો અને ત્યાંથી રેખાંકનોની નોંધપોથીઓ ભરી લાવ્યા. તેમનાં ચિત્રોમાં શૈલી કરતાં વસ્તુનું વૈવિધ્ય વિશાળ છે. મધ્યભારતની આદિવાસી જાતિઓ ગોંડ, બૈગા વગેરે વચ્ચે રહીને તેમણે મબલખ ચિત્રનોંધો કરીને ચિત્રો બનાવ્યાં છે. તેમનાં ચિત્રોમાં સંયોજનના સૌંદર્યની સાથે ઊભી રહે તેવી રંગમિલાવટ પણ પોતાનો આગવો ઉઠાવ ધરાવે છે.

કૃષ્ણવદન જેટલી