આરોગ્યનું અર્થશાસ્ત્ર : માંદગી સમાજમાં ઉપયોગી થવાની માણસની શક્તિને ઘટાડી નાંખે છે. નાના-મોટા રોગ કે બીમારીઓને લીધે સમાજના કામના કલાકો બગડે છે. તંદુરસ્ત માણસો થાક્યા વગર, ઉત્પાદકતાનું ઊંચું ધોરણ જાળવી રાખીને કામગીરી કરી શકે છે. આથી સ્વસ્થ માણસોનો સમાજ, અન્ય પરિસ્થિતિ સમાન હોય તો, અસ્વસ્થ કે માંદલા માણસોના સમાજ કરતાં વધુ ઉત્પાદક હોય છે. સ્વાસ્થ્યનું ઊંચું ધોરણ દીર્ઘાયુમાં પરિણમે છે. સરેરાશ લાંબું આયુષ્ય ધરાવતા લોકો તેમનાં જ્ઞાન, આવડત, કૌશલ્ય વગેરેનો લાભ સમાજને લાંબા સમય સુધી આપી શકે છે. તેનાથી પણ સમાજની ઉત્પાદકતા વધારવામાં સહાય મળે છે. તબીબી વ્યવસાય લોકોનું સરેરાશ આયુષ્ય લંબાવવામાં સહાયભૂત બને છે. જેમ જેમ સ્વાસ્થ્યની સગવડો વધે છે તેમ તેમ નવજાત શિશુઓનું મૃત્યુપ્રમાણ ઘટતું જાય છે. આથી જન્મસમયે અપેક્ષિત સરેરાશ આયુષ્યમાં પણ વધારો થાય છે. આમ, સરેરાશ અપેક્ષિત આયુષ્યમાં વધારો કરવાથી સમાજના આર્થિક ઉત્પાદનમાં તબીબી વ્યવસાય ઉપકારક કામગીરી કરે છે. તેથી આધુનિક અર્થશાસ્ત્રની દૃષ્ટિએ આ વ્યવસાય અર્થશાસ્ત્રીય અભ્યાસનું પણ એક ક્ષેત્ર છે.

અર્થશાસ્ત્ર, ચોક્કસ સંજોગોમાંથી ઉદભવતા માનવવ્યવહારનો અભ્યાસ કરતું સામાજિક શાસ્ત્ર છે. તે માનવીની જરૂરિયાતો સંતોષવાના આર્થિક પ્રયાસો અને તેમાંથી ઉદભવતા વ્યવહારો તપાસે છે; પરંતુ સાધનો ટાંચાં હોવાથી વધુ તીવ્રતા ધરાવતી જરૂરિયાતો પહેલાં સંતોષવાનો પ્રશ્ન ઊભો થાય છે. આથી આર્થિક જીવનમાં પસંદગીનો પ્રશ્ન ઊભો થાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે ઉત્પાદનમાં યોગ્ય સાધનોની પસંદગી અને ઉત્પાદનની ટૅકનૉલૉજીની પસંદગી જેવા પ્રશ્નો પણ ઊભા થાય છે. સાધનોની અછત હોવા છતાં અમુક જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ થઈ શકે છે. તે ઘટના પોતે જ અનેક ફલિતાર્થો ધરાવે છે. આ ભૂમિકામાં અર્થશાસ્ત્રનું તત્વ ‘નિશ્ચિત હેતુ સિદ્ધ કરવા માટે અનેક વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી’  – એ વિધાનમાં સમાઈ જાય છે.

અર્થશાસ્ત્ર તબીબી સેવાઓ માટેની વ્યક્તિ અને સમાજની માંગનો અભ્યાસ કરી શકે છે. અન્ય ચીજવસ્તુઓની જેમ જ સેવાની માંગનું પૃથક્કરણ થઈ શકે. આ માંગ સંતોષવા માટે આ સેવાના ઉત્પાદનનો પણ અભ્યાસ અર્થશાસ્ત્ર કરી શકે છે. આમ આ સેવાનું ઉત્પાદન કરવાનો ખર્ચ, તેની નફાકારકતા કે લાભ, સેવાની વિતરણવ્યવસ્થા અને સમાજનાં વિવિધ આર્થિક જૂથો તરફની તેની અભિમુખતા તપાસી શકાય છે. આવી તપાસ દ્વારા આ સેવાના વર્તમાન પ્રશ્નોના ઉકેલમાં તેમજ લાંબા ગાળાના આયોજનમાં સહાય મળે છે.

આરોગ્યનું અર્થશાસ્ત્ર : વ્યક્તિગત સ્વાસ્થ્યને માત્ર વ્યક્તિના જ પ્રયાસનું ફળ ગણી શકાય તેમ નથી. ખાસ કરીને હવા અને પાણી સ્વાસ્થ્ય ઉપર અસર કરનારી સામાજિક માલિકીની ચીજ-વસ્તુઓ છે. હવા અને પાણીના પ્રદૂષણથી સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે. હવાપાણીજનિત રોગો ઉપર અંકુશ મેળવવા સુધરાઈ કે સરકાર જેવાં તંત્રો દ્વારા ખર્ચ કરવામાં આવે છે.

આ સંજોગોમાં, હવાપાણીનાં કે અન્ય પ્રદૂષણોથી ફેલાતા ક્ષય, મલેરિયા, ટાઇફૉઈડ કે શ્વસન અને પાચનતંત્રના અન્ય રોગોને પરિણામે સમાજને થનારા ‘નુકસાન’ની ગણતરી થઈ શકે. આ ‘નુકસાન’નો આંક કાઢવામાં, ઘટતી તંદુરસ્તી, સરેરાશ આયુષ્યમાં ઘટાડો કે કાર્યક્ષમતામાં થતા ઘટાડાની વિગતો લઈ શકાય.

આ ‘નુકસાન’ દૂર કરવા માટે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ ઉત્પન્ન કરવા માટે સમાજે કેટલો ખર્ચ કરવો પડે તેમ છે તેની પણ ગણતરી કરી શકાય. કચરાનો નિકાલ, સ્વચ્છતા અને જાહેર સુઘડતાનાં વિવિધ પાસાં, મલેરિયાના મચ્છરના ફેલાવા ઉપર અંકુશ મૂકવાનાં પગલાં, પીવાનું સ્વચ્છ પાણી પહોંચતું કરવાનો ખર્ચ વગેરેની ગણતરી આ ખર્ચની અંદર થઈ શકે. આ ખર્ચની રકમની સામેના પલ્લે લાભને મૂકવાથી ખર્ચ-લાભ ગુણોત્તર પ્રાપ્ત થશે. વિવિધ સ્વાસ્થ્ય-યોજનાઓ માટે આવા વિવિધ ખર્ચ-લાભ ગુણોત્તરો ગણી શકાય. આ પૈકી સમાજને તાકીદે અગત્યનો અને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ આપનારો ગુણોત્તર પસંદ કરવાથી ટાંચાં સાધનોની યોગ્ય ફાળવણી કરી શકાય.

અલબત્ત, સમાજનું પર્યાવરણ પ્રદૂષણમુક્ત હોવું જ જોઈએ, પરંતુ પ્રશ્ન એ થાય છે કે જ્યારે સમાજ પાસે તે માટેનાં પૂરતાં આર્થિક સાધનો ન હોય ત્યારે કયા વિકલ્પની પસંદગી કરવી ? પીવાનું ચોખ્ખું પાણી અને મલેરિયાનાબૂદી બેય જરૂરી છે. છતાં પસંદગી કરવાની આવે ત્યારે કેવી રીતે કરવી ? વિકલ્પોની ક્રમિક ગોઠવણી અને આયોજનમાં ખર્ચ-લાભ ગુણોત્તર ઉપયોગી છે.

સારવારનું અર્થશાસ્ત્ર : સારવારના ક્ષેત્રે અર્થશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ ઉત્તરોત્તર મહત્વનો બનતો જાય છે. એકંદરે આ સંદર્ભે ઉદભવતા મુદ્દા બે વિભાગમાં વહેંચી શકાય : (અ) સારવારની કિંમત, (આ) તબીબી સેવા અને સરકારની કામગીરી.

ભારતમાં જાહેર અને ખાનગી – એમ બે પ્રકારનાં દવાખાનાં હોય છે. આ માટેની ફીનાં ધોરણો જુદાં જુદાં હોય છે. આ બે પ્રકારનાં દવાખાનાંમાં મળતી સેવાની ગુણવત્તામાં પણ તફાવત હોય છે. સારવારની ફીમાં રહેલા તફાવતનાં અર્થશાસ્ત્રીય કારણો તપાસી શકાય તેમ હોવા છતાં તેની ઉપર ખાસ અભ્યાસો થયા નથી.

અર્થશાસ્ત્રની દૃષ્ટિએ સારવારની ફી એક કિંમત છે. કિંમત-નિર્ધારણનો આધાર માંગ અને પુરવઠાનાં પરિબળો ઉપર છે, પરંતુ તબીબો કે સારવાર-કેન્દ્રોની સંખ્યા વધવા છતાં એટલે કે તેનો પુરવઠો વધવા છતાં ખાનગી સારવારની કિંમત નીચી આવતી નથી.

આનું એક કારણ તબીબોમાં અંદરોઅંદરની સમજૂતી હોઈ શકે. અર્થતંત્રમાં સ્પર્ધાનું તત્વ ઘટાડી ઇજારાશાહી ઊભી કરવાનું આ વલણ દેખાય છે. આમ, તબીબો પરસ્પરની સ્પર્ધાને ટાળીને ઊંચી કિંમત ટકાવી રાખે છે.

બીજું કારણ તબીબી વ્યવસાય ચલાવવા માટેનું શિક્ષણ લેવા પાછળ થતા ખર્ચના સંદર્ભમાં તપાસી શકાય. એક તબીબ તૈયાર થાય તેમાં વ્યક્તિ પોતે જેમ ખર્ચ કરે છે તેમ સમાજ પણ ખર્ચ કરે છે; દા.ત., અમેરિકન સમાજમાં એક તબીબ તૈયાર કરવાનો ખર્ચ રૂ. 10 લાખથી વધુ થાય છે, જ્યારે ભારતમાં આવો ખર્ચ રૂ. 1 લાખ જેટલો આવે છે. આથી અમેરિકા ભારત જેવા અનેક દેશોમાંથી તૈયાર તબીબો ‘આયાત’ કરે છે અને તે દ્વારા તુલનાત્મક ખર્ચ-તફાવતના લાભ મેળવે છે.

તબીબ તૈયાર કરવામાં થતા ખર્ચના આધારે તેને એક મૂડીરોકાણ ગણીને તેમાંથી મળવાપાત્ર આવક ગણી શકાય. આ દૃષ્ટિએ પણ અર્થશાસ્ત્ર આ વ્યવસાયની સારવારની ફીની બાબતમાં તર્કસંગત વિચારણા કરી શકે. તબીબી ક્ષેત્રે સરકારની કામગીરી પણ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની દૃષ્ટિએ તપાસી શકાય. વર્તમાન પદ્ધતિમાં સરકાર કે સુધરાઈ દ્વારા ચાલતી જાહેર સેવા અને ખાનગી તબીબો દ્વારા ચાલતી ખાનગી સેવાનું સહઅસ્તિત્વ છે. આમાં, જાહેર સેવાની ગુણવત્તા સામે અને ખાનગી સેવાની ફીના ઊંચા ધોરણ સામે સરકાર તબીબી સેવાઓનું રાષ્ટ્રીયકરણ અથવા રાહત દરે (subsidy) સેવા પૂરી પાડવા જેવાં વિવિધ પ્રકારનાં યોગ્ય પગલાં લે તે અપેક્ષિત છે. આ ઉપરાંત, શહેરો અને ગામડાં વચ્ચે સારવારની સગવડોમાં અસમાનતા છે.

જાહેર સારવાર-કેન્દ્રોમાં સરકાર ફીનું ધોરણ નીચું રાખે છે તેથી તેને ખોટ જાય છે. આ ખોટ તે કરવેરાની આવકો દ્વારા ભરપાઈ કરે છે.

આમ છતાં, ખાનગી તબીબી વ્યવસાયોની ફીનાં ઊંચાં ધોરણોનાં કારણોની પૂરતી અર્થશાસ્ત્રીય તપાસ જરૂરી છે. યુરોપના કેટલાક દેશોમાં ખાનગી તબીબી વ્યવસાય સામાજિક અંકુશ હેઠળ હોય છે. આ વ્યવસાયના સમાજીકરણની ચર્ચા થતી રહે છે; પરંતુ તબીબી વ્યવસાયમાં શિક્ષણ લેવામાં થયેલા મૂડીરોકાણને પરિણામે જે વળતર મળે તે અન્ય વ્યવસાયો સાથે સરખાવી શકાય. આવી સરખામણી, વિવિધ વ્યવસાયોમાં થયેલા માનવમૂડીરોકાણને આધારે થઈ શકે.

રોહિત શુક્લ