આરોગ્ય, રોગપ્રતિરોધ અને તબીબી સેવાઓ

January, 2002

આરોગ્ય, રોગપ્રતિરોધ અને તબીબી સેવાઓ

આરોગ્ય અને રોગનિર્ધારણ

આરોગ્ય એટલે શારીરિક, માનસિક તથા સામાજિક સ્વસ્થતા. રોગપ્રતિરોધ (prophylaxis) એટલે રોગ કે વિકાર થાય તે પહેલાં તેને થતો અટકાવવો તે. રોગ કે વિકાર ન થાય તેવી સર્વ સ્થિતિ થાય કે કરાય તેને પૂર્વનિવારણ (prevention) કહે છે. ઔષધપ્રયોગ, રસી કે અન્ય ક્રિયાથી કોઈ ચોક્કસ રોગ કે વિકારને થતો અટકાવવાની ક્રિયા કરવામાં આવે છે ત્યારે તેને સામાન્ય રીતે રોગપ્રતિરોધ (disease prophylaxis) કહે છે; પરંતુ પૂર્વનિવારણ અને પ્રતિરોધ – આ બંને શબ્દો ઘણી વખત એકબીજાના પર્યાય રૂપે વપરાય છે. આરોગ્ય દરેક સમાજનું મૂળભૂત અંગ છે. સામાન્ય રીતે આરોગ્યની અનુભૂતિ માટે રોગની ગેરહાજરી પૂરતી નથી. વિશ્વ-આરોગ્યની સંસ્થા(WHO)એ આપેલી આરોગ્યની વ્યાખ્યા મુજબ ‘તે સંપૂર્ણત: શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા છે….. માત્ર રોગ કે માંદગીનો અભાવ નથી.’ શારીરિક, માનસિક તથા સામાજિક ઘટકો ઉપરાંત આધ્યાત્મિક સ્વસ્થતાને પણ એક ઘટક તરીકે ગણવાનું સૂચન કરવામાં આવેલું છે.

શારીરિક આરોગ્ય એટલે સ્વચ્છ ચામડી, તેજસ્વી આંખો, ચમકતા વાળ, પૂરતા પોષણવાળું અને મજબૂત સ્નાયુઓ તથા વધુ પડતી ચરબી (મેદ) વગરનું શરીર, દુર્ગંધ વગરનો ઉચ્છવાસ, ભૂખ, પૂર્ણ નિદ્રા, મળમૂત્રની નિયમિત હાજત તથા સરળ અને સુમેળભરેલું હલનચલન, સુડોળ અને કાર્યશીલ અંગો અને અવયવો, સક્ષમ જ્ઞાનેન્દ્રિયો, આરામના સમયે સામાન્ય નાડી અને રુધિરદાબ સામાન્ય, શ્રમસહ્યતા (effort tolerance) તથા વૃદ્ધિ અને વિકાસનું સામાન્યપણું. અંગમિતિશાસ્ત્ર (anthropometry), નિદાનલક્ષી તબીબી તપાસ, આહાર, પોષણ જેવાં જૈવરાસાયણિક અને અન્ય નિદાનશાખાનાં પરીક્ષણો દ્વારા શારીરિક આરોગ્ય મૂલવી શકાય છે.

માનસિક અને શારીરિક આરોગ્ય પરસ્પર આધાર રાખે છે. લોહીનું વધેલું દબાણ (અજ્ઞાતમૂલ અતિરુધિરદાબ, essential hypertension), દમ તથા પેપ્ટિક વ્રણ (ulcer) જેવા શારીરિક રોગોના મૂળમાં માનસિક પરિબળો મહત્વનાં છે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ મનમાં આંતરિક દ્વંદ્વોને દબાવનાર, પોતાના વિશે વધુ પડતી ઊંચી કે નીચી માન્યતાને દૂર રાખનાર, વાતાવરણ સાથે પૂર્ણત: અનુકૂલિત, અન્યની લાગણીઓને પૂરેપૂરી સમજનારા, સંયમી, પોતાની લાગણીઓ પર કાબૂ રાખનાર તથા ભય, ક્રોધ, મોહ, ઈર્ષા, ચિંતા કે અપરાધભાવ(sense of guilt)થી દૂર રહેનાર હોય છે. જોકે આરોગ્યની આપણી સંકલ્પના (concept) હજુ પૂર્ણ નથી.

સામાજિક આરોગ્યની સંકલ્પના પ્રદેશ, જૂથ, ધર્મ તથા અનેક અન્ય પરિબળોને કારણે અલગ અલગ હોય છે; છતાં વ્યક્તિનું તેના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ સાથેનું અનુકૂલન એક મહત્વનું પાસું ગણી શકાય.

કોઈ પણ મનુષ્યના આરોગ્યને આલેખના રૂપમાં મૂકવામાં આવે તો તે આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ થઈ શકે. તેમાં મૃત્યુથી પૂર્ણ આરોગ્ય સુધીની દરેક અવસ્થાને દર્શાવાયેલી છે. પૂર્ણ આરોગ્ય (positive health) આદર્શ અવસ્થા છે, જ્યારે ઘણી સ્વસ્થ લાગતી વ્યક્તિઓ રોગમુક્તિની અવસ્થા અને પૂર્ણ આરોગ્યની અવસ્થાની વચ્ચે નીચે આલેખમાં ક્યાંક સ્થાન ધરાવે છે.

આકૃતિ 1 : આરોગ્યનાં સોપાનો

આકૃતિ 1 : આરોગ્યનાં સોપાનો, Vol. 2.7

આરોગ્યકારકો : આરોગ્ય અલગ સ્વરૂપે સંભવી શકે નહિ. જનીની (genetic), વાતાવરણલક્ષી, ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક એમ અનેક ઘટકો (factors) આરોગ્યના નિર્માણમાં સંયુક્ત રીતે કારણભૂત હોય છે. જુદી જુદી આરોગ્યસેવાઓ સારી રીતે અને સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો આરોગ્યની સાચવણીમાં સરળતા થાય છે.

કૌટુંબિક આરોગ્ય : કુટુંબના સભ્યો ખોરાક, રહેઠાણ, કપડાં, પાણી, કચરો અને મળ દૂર કરવાનાં સાધનો સાથે હવા જેવા શરીરને અસર કરતા ઘટકો, ચેપી રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓ, વિષાણુઓ અને કીટકો જેવા જીવશાસ્ત્રીય ઘટકો, માનસિક તથા લાગણીજન્ય ઘટકો તથા સામાજિક ઘટકોની અસર નીચે એકસરખી રીતે આવે છે તેથી કુટુંબ ઘણી બધી રીતે આરોગ્યની સાચવણી માટે એકમરૂપ બને છે.

આરોગ્યની સંકલ્પના : આરોગ્યની સંકલ્પના તેના શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક ઘટકો આગળ અટકતી નથી, આરોગ્યકારકો નક્કી કરતી વખતે આરોગ્યનાં વિવિધ પરિમાણોને ધ્યાનમાં રાખવાં જરૂરી બને છે. આધુનિક યુગમાં રાજ્યના લોકકલ્યાણના આયોજનમાં આરોગ્યનું સ્થાન વિશિષ્ટ હોય છે. કલ્યાણરાજ્યની સ્થાપનાના ધ્યેય માટે તત્વજ્ઞાનલક્ષી, સાંસ્કૃતિક, સામાજિક, અર્થશાસ્ત્રીય, વાતાવરણીય, શિક્ષણલક્ષી, પોષણલક્ષી, ઉપચારલક્ષી તથા પ્રતિરોધલક્ષી પરિમાણોને ધ્યાનમાં લેવાં જરૂરી હોય છે. અહીં જણાવેલાં પરિમાણોમાં પહેલાં પાંચ બિનતબીબી (non-medical) છે. WHOએ તેના 1948માં પ્રસ્થાપિત કરેલા બંધારણની પૂર્વભૂમિકા(preamble)માં દર્શાવ્યું છે કે આરોગ્યનો સૌથી ઊંચો સ્તર પ્રાપ્ત કરવાનો દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. વ્યક્તિગત આરોગ્યની જાળવણી માટે વ્યક્તિની પોતાની, કુટુંબની, સમાજની, દેશની અને સમગ્ર વિશ્વની સંયુક્ત જવાબદારી છે.

ભારતીય બંધારણના ચોથા ભાગમાં ભારતીય નાગરિકોને આપેલ વચન પ્રમાણે કામદારો, પુરુષો, સ્ત્રીઓ તથા સગીર બાળકોનાં પોષણ અને આરોગ્યની જાળવણી માટે યોગ્ય નીતિ ઘડવાની સરકારની જવાબદારી છે. દરેક નાગરિકને માંદગી સમયે સહાય અને રક્ષણ પૂરું પાડવાની તથા દેશની આર્થિક સક્ષમતા અને વિકાસના સ્તર પ્રમાણે યોગ્ય નીતિ ઘડવાની જવાબદારી પણ રાજ્યને શિરે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની વાર્ષિક સભાએ 1977માં ઈ. સ. 2000 સુધીમાં વિશ્વનો દરેક નાગરિક આરોગ્ય પ્રાપ્ત કરે તેવી હાકલ કરી હતી, પરંતુ તે સ્વપ્નની સિદ્ધિ હજુ દૂર છે.

આરોગ્યસૂચકો (health indicators) : કોઈ પણ સમાજના આરોગ્યની પારાશીશી માપવા ઘણા ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ઘટકને આરોગ્યસૂચક ગણવા માટે તેનાં નીચે મુજબનાં પાસાંઓ ચકાસવામાં આવે છે :

(1) તે ઘટક યથાર્થ (valid) હોવો જોઈએ અને જે ઘટક માપવાનો હોય તે જ માપવો જોઈએ. (2) તે હેતુલક્ષી હોવો જોઈએ, જેથી જુદા જુદા માણસો માપે તોપણ તેનું પરિણામ એકસરખું આવે. (3) તે સંવેદનશીલ (sensitive) હોવો જોઈએ, જેથી આરોગ્યમાં થતા નાના ફેરફારોને પણ માપી શકે, તથા (4) તે વિશિષ્ટ (specific) હોવો જોઈએ. જોકે આ બધી શરતો પાળતા સૂચકો ઘણા ઓછા હોય છે તેથી ઘણા બધા ઘટકોનો સમન્વય કરીને આરોગ્યની સ્થિતિનું માપ નીકળે છે. આરોગ્યસૂચકો ઘણા પ્રકારના હોય છે; જેવા કે મૃત્યુવિષયક, રોગવિષયક, આરોગ્યસેવાવિષયક તથા પ્રકીર્ણ પ્રકારના.

સારણી 1 : આરોગ્યસૂચકો

(1)

મૃત્યુવિષયક આરોગ્યસૂચકો

 

(અ)

સામાન્ય (crude) મૃત્યુદર

 

(આ)

સંભવિત જીવનકાળ (expectation of life)

 

(ઇ)

શિશુ (infant) મૃત્યુદર

 

(ઈ)

બાળ (child) મૃત્યુદર

 

(ઉ)

માતૃ-મૃત્યુદર

 

(ઊ)

વિશિષ્ટ રોગ-સંબંધિત મૃત્યુદર

(2)

રોગવિષયક આરોગ્યસૂચકો

 

(અ)

આપેલા જૂથમાં નવા દર્દીના નિદાનનો દર (નવપ્રમાણ, incidence) નવસંભાવ્ય પ્રમાણ

 

(આ)

આપેલા જૂથમાં કુલ (નવા અને જૂના) દર્દીઓનું પ્રવર્તિત પ્રમાણ (prevalence)

(3)

અપંગતાસૂચક દર

 

(અ)

દર્દી કામકાજ ન કરી શકે તેટલા દિવસોની સંખ્યા

 

(આ)

દર્દીને પથારીમાં જ આરામ કરવો પડે તે દિવસોની સંખ્યા

 

(ઇ)

દર્દીએ ચોક્કસ સમયમાં રોજી ગુમાવી હોય તેવા દિવસોની સંખ્યા

 

(ઈ)

સલિવાનનો સૂચકાંક (Sullivan index) એટલે કે કાર્યક્ષમ જીવનકાળ

(4)

પોષણસૂચક પરિમાણો

 

(અ)

અંગમિતિ; દા.ત., ઉંમર પ્રમાણે વજન અને ઊંચાઈ તથા ઊંચાઈ પ્રમાણે વજન

 

(આ)

જન્મસમયનું વજન

(5)

આરોગ્યસેવાવિષયક સૂચકો (ઉપલબ્ધિવિષયક ઘટકો)

 

(અ)

ડૉક્ટર-વસ્તી પ્રમાણ ગુણોત્તર (ratio)

 

(આ)

ડૉક્ટર-પરિચારિકા (nurse) ગુણોત્તર પ્રમાણ

 

(ઇ)

વસ્તી-હૉસ્પિટલમાંની પથારીની સંખ્યાનું ગુણોત્તર પ્રમાણ

 

(ઈ)

વસ્તી-આરોગ્યકેન્દ્ર/ઉપકેન્દ્રનું ગુણોત્તર પ્રમાણ

 

(ઊ)

વસ્તી-દાઈ ગુણોત્તર પ્રમાણ

(6)

આરોગ્યસેવાવિષયક સૂચકો (વપરાશસૂચક ઘટકો)

 

(અ)

ડિફ્થેરિયા, 2 વર્ષથી નીચેનાં બાળકોની ટકાવારી ઉટાંટિયું, ધનુર્વા, ક્ષય, પોલિયો તથા ઓરી સામેની રસી મૂકેલાં

 

(આ)

પ્રસૂતિ પૂર્વેની તબીબી સેવાઓ લેતી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી

 

(ઇ)

તાલીમપ્રાપ્ત દાઈ પાસે કરાવાયેલી પ્રસૂતિની ટકાવારી

 

(ઈ)

હૉસ્પિટલની પથારીના ઉપયોગનો દર

 

(ઉ)

હૉસ્પિટલમાં સરેરાશ રોકાણનો દર

 

(ઊ)

દર્દી-હૉસ્પિટલ પથારીનો દર

(7)

માનસિક-સામાજિક આરોગ્યસૂચકો

 

(અ)

આપઘાતનો દર

 

(આ)

ખૂન(homicide)નો દર

 

(ઇ)

ગુના અને આતંક(violence)નો દર

 

(ઈ)

રસ્તા પરના અકસ્માતનો દર

 

(ઉ)

બાળ-ગાંડપણ(juvenile delinquency)નું પ્રમાણ

 

(ઊ)

મદ્યપાન/વ્યસનશીલ ઔષધોનો કુપ્રયોગ (abuse)

 

(ઋ)

ધૂમ્રપાનનો દર

 

(એ)

પ્રશાંતક (tranquillizer) ઔષધોના વપરાશનો દર

(8)

સામાજિક-આર્થિક પરિબળોના સૂચકો

 

(અ)

વસ્તીવધારાનો દર

 

(આ)

માથાદીઠ GNP (Gross National Product)

 

(ઇ)

બેરોજગારીનું પ્રમાણ

 

(ઈ)

પુખ્ત વયે નિરક્ષરતાનું પ્રમાણ

 

(ઊ)

વ્યક્તિદીઠ ઓરડાનો દર

 

(એ)

માથાદીઠ ઉપલબ્ધ આહારના ઊર્જાંકો(calories)નો દર

(9)

પ્રકીર્ણ સૂચકો

 

(અ)

આરોગ્યસેવાઓ, પોષણલક્ષી કાર્યક્રમો તથા ઘર, પાણી, જાહેર સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો માટે GNPનો ઉપયોગ.

 

આકૃતિ 2 : વ્યક્તિ અને રોગજનક પરિબળોની આંતરક્રિયા : (અ) આંતરિક પરિબળો જેવાં કે (1) ભૌતિક, (2) રાસાયણિક, (3) મિશ્ર 1 અને 2, (4) માનસિક, (5) મિશ્ર 1થી 4,. (આ-1) બાહ્ય ઘટકો જેવા કે (6) ભૌતિક, (7) રાસાયણિક, (8) જીવશાસ્ત્રીય તથા (આ-2) વાતાવરણલક્ષી પરિબળો જેવાં કે (9) ભૌતિક, સામાજિક અને (10) મિશ્ર 1થી 9. (જુઓ સારણી ૨.)

આકૃતિ 2 , Vol.2.7

સારણી 2 : રોગજનક પરિબળો

 

પ્રકારો                                                                  ઉદાહરણ

(અ)

આંતિરક પરિબળો

 

(1)

શારીરિક ભૌતિક પરિબળો

 

 

કોઈ અંગ કે અવયવનું કુવિકસન (maldevelopment), વય, પ્રજા-જાતિ (race), લિંગ, સંબંધિત પરિબળો, જનીનીય બંધારણ

 

(2)

શારીરિક રાસાયણિક પરિબળો

 

 

ઇન્સ્યુલિન-અલ્પતાથી થતો એક પ્રકારનો મધુપ્રમેહ. અપૂરતું પોષણ, મેદસ્વિતા (obesity), અંત:સ્રાવી રોગો, વિટામિન(પ્રજીવક)ની ઊણપ વગેરે.

 

(૩)

મિશ્ર (1 અને 2)

 

 

યકૃતકાઠિન્ય(cirrhosis)માંયકૃતની બંધારણીય વિકૃતિ અને તેનું વિષમ કાર્ય

 

(4)

માનસિક પરિબળો

 

 

વિવિધ માનસિક રોગો

 

(5)

મિશ્ર (1, 2 અને 4)

 

 

મનોવિકારી અરુચિ (anorexia nervosa)

(આ)

પર્યાવરણીય પરિબળો

(આ. 1)

રોગજનક ઘટકો

 

(6)

ભૌતિક ઘટકો

 

 

અતિશય ગરમીમાં લૂ લાગવી અતિશય ઠંડીમાં અંગ થીજી જવું

 

(7)

રાસાયણિક ઘટકો

 

 

ઝેર ઍલર્જી (વિષમોર્જા)

 

(8)

જીવશાસ્ત્રીય ઘટકો

 

 

જીવાણુ(bacteria) વિષાણુ (virus) તથા ચેપકારી ફૂગ

(આ. 2)

રોગજનક વાતાવરણ

 

(9-1)

ભૌતિક વાતાવરણ

 

 

પ્રદૂષિત પાણી હવા

 

(9-2)

સામાજિક વાતાવરણ

 

 

રિવાજો, રૂઢિઓ, તોફાનો, સામાજિક અને આર્થિક સ્થાન, વ્યવસાય, શિક્ષણ

 

(10)

મિશ્ર (1થી 9)

 

 

મહામારી અથવા વાવડ (epidemic)

રોગની સંકલ્પના : રોગ (વ્યાધિ), વિકાર, અપંગતા (વિકૃતિ) અસ્વસ્થતા વગેરે સ્થિતિઓ અપૂરતા આરોગ્યની સૂચક છે. રોગની ઉત્પત્તિમાં ઘણાં પરિબળો કારણભૂત હોય છે. રોગની સર્વગ્રાહી વ્યાખ્યા હજુ સુધી નિશ્ચિત થઈ શકી નથી. વિશ્વઆરોગ્ય સંસ્થાએ આરોગ્યની વ્યાખ્યા આપી છે, પરંતુ રોગની વ્યાખ્યા આપી નથી. પર્યાવરણની દૃષ્ટિએ જોતાં રોગ એ વ્યક્તિનું વાતાવરણ સાથેનું દુરાનુકૂલન (maladjustment) છે. રોગ થવાનાં કારણોને બે મુખ્ય જૂથમાં વહેંચી શકાય : બાહ્ય અને આંતરિક. ભૌતિક, રાસાયણિક અને જીવશાસ્ત્રીય ઘટકો તથા ભૌતિક અને સામાજિક વાતાવરણ બાહ્ય રોગજનક પરિબળો છે; જ્યારે વ્યક્તિનું પોતાનું ભૌતિક અને રાસાયણિક શારીરિક બંધારણ તથા તેની માનસિક સ્થિતિ તેનાં આંતરિક પરિબળો સર્જે છે. આમ બે બાહ્ય જૂથનાં પરિબળો અને એક આંતરિક જૂથનાં પરિબળોની આંતરક્રિયા (interaction) રોગ (disease), વિકાર (disorder), વિકૃતિ (malformation), અપંગતા કે અવસ્થતાને સર્જે છે.

જો અવરોધ ઊભો ન કરવામાં આવે તો કોઈ પણ રોગ એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયાને અનુસરે છે. આ પ્રક્રિયાને જે તે રોગનો કુદરતી વિકાસ (natural history) કહે છે. આપણે સામાન્ય રીતે રોગ તરીકે ઓળખીએ છીએ તે તો આ સમગ્ર પ્રક્રિયાનો એક અંશ છે. આ પ્રક્રિયાને મુખ્યત: બે ભાગમાં વહેંચવામાં આવે છે : રોગ થવાની સ્થિતિ (વ્યાધીકરણ, pathogenesis) અને રોગ થતાં પહેલાંની સ્થિતિ (પૂર્વવ્યાધીકરણ, prepathogenesis). રોગ થયા પહેલાંની સ્થિતિમાં રોગ પેદા કરનાર બાહ્ય પરિબળો તથા મનુષ્યનાં આંતરિક પરિબળો વચ્ચે આંતરક્રિયા થાય છે. આનાથી રોગ પેદા થાય છે, જે જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થાય છે. હાલ પ્રચલિત મત મુજબ રોગ પેદા થવા માટે કોઈ એક ચોક્કસ કારણ નહિ, પણ ઉપર જણાવેલાં જુદાં જુદાં કારણો સંયુક્તપણે જવાબદાર હોય છે.

રોગપ્રતિરોધ : શરીરમાં રોગ, વિકાર કે વિકૃતિ સર્જાય તેને અટકાવવા માટેના પ્રયત્નોને પૂર્વનિવારણ અથવા રોગપ્રતિરોધ કહે છે. તેને ત્રણ સ્તરમાં વહેંચી શકાય તેમ છે : પ્રથમ, દ્વિતીય અને તૃતીય. પૂર્વવ્યાધીકરણના સમયે રોગજનક ઘટકો અને પરિબળો સામે મુકાબલો કરવાની પ્રતિક્રિયા રૂપે પેશીઓમાં ભૌતિક અને રાસાયણિક ફેરફારો થાય છે. સાથે સાથે પ્રતિરક્ષાતંત્ર (immune system) તથા રોગપ્રતિકાર કરતા અન્ય કોષો પણ કાર્યરત બને છે. ઘણા રોગોનું વહેલું નિદાન, રોગને આ તબક્કે પારખી લેવામાં રહેલું હોય છે. બાહ્ય ઘટક કે પરિબળ શરીર પર અસર કરે તે પહેલાં તેને તેમ કરતું અટકાવવું એ પ્રાથમિક કે પ્રથમસ્તરીય પ્રતિરોધ કે પૂર્વનિવારણ (primary prevention) ગણાય. વહેલું નિદાન કરી જરૂરી તબીબી સારવાર આપવી એ દ્વિતીય સ્તરીય પ્રતિરોધ(secondary prevention)ની પ્રક્રિયા છે. એક વખત રોગ પૂર્ણ રૂપે વિકસે ત્યારે તેનાં ચિહનો (signs) અને લક્ષણો (symptoms) દેખા દે છે. અહીં પૂર્વવ્યાધીકરણનો તબક્કો પૂરો થાય છે. રોગની સારવાર છતાં જો અપંગતા (disability), વિકૃતિ કે દીર્ઘકાલીન માંદગી (chronic diasease state) ઉત્પન્ન થાય તો તે લાંબા ગાળાના પ્રશ્નો સર્જે છે; ક્યારેક મૃત્યુ પણ થાય. રોગની સારવાર સમયે ઉપર જણાવેલાં પરિણામો ન સર્જાય તે માટે, તેનાથી થતું નુકસાન ઓછું રહે અથવા વ્યક્તિનો સમાજમાં પુનર્વાસ (rehabilitation) થઈ શકે તે માટે લેવાતાં પગલાંને તૃતીય સ્તરીય પ્રતિરોધ કહે છે.

આકૃતિ ૩ : વ્યાધીકરણ અને રોગપ્રતિરોધ (પૂર્વનિવારણ)

પ્રથમસ્તરીય પ્રતિરોધનાં મુખ્ય બે પાસાં છે : રોગજનક આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળોનો સામનો કરવો તે. વ્યક્તિલક્ષી પરિબળોમાં વ્યક્તિની વય, પ્રજા-જાતિ (race), લિંગ (sex), જનીની (genetic) બંધારણ, લગ્નવિષયક સ્થિતિ, પોષણ, વ્યવસાય, પ્રતિરક્ષા (immunity), સામાજિક સ્તર, આર્થિક સ્થિતિ, શૈક્ષણિક સ્તર, જીવન જીવવાની પદ્ધતિ, સ્થળાંતર, માનસિક બંધારણ અને પરિસ્થિતિ તથા તેનાં પર્યાવરણીય ઘટકો અને પરિબળો સાથે અનુકૂલન સાધવાની અને આંતરક્રિયા સહવાની ક્ષમતા વગેરેનો સમાવેશ થાય છે.

વયજૂથ પ્રમાણે કેટલાક રોગો થાય છે; જેમ કે, ઓરી, અછબડા જેવા ચેપી રોગો કે જનીનીય કે અન્ય જન્મજાત રોગો શૈશવ અને બાળપણમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ધમનીનું મેદજન્ય તંતુકાઠિન્ય (atherosclerosis), મધુપ્રમેહ, અતિરુધિરદાબ (hypertension) જેવા રોગોનું પ્રમાણ વય વધવાની સાથે વધે છે. સ્ત્રીઓમાં સગર્ભાવસ્થાને લઈને તથા પુરુષો અને સ્ત્રીઓમાં તેમનાં પ્રાથમિક અને દ્વૈતીયિક પ્રજનન-અંગો અને શરીરશાસ્ત્રીય ક્રિયાઓ અંગેના રોગો જે-તે લિંગની વ્યક્તિમાં થાય છે. કેટલાક રોગો પ્રજા-જાતિ (race) પ્રમાણે જુદા જુદા પ્રમાણમાં દેખા દે છે; દા.ત., હબસીઓમાં દાત્રકોષી પાંડુતા(sickle cell anaemia)નું પ્રમાણ તથા યુરોપિયન યહૂદીઓમાં પ્રવિઘાતક પાંડુતા(pernicious anaemia)નું પ્રમાણ વધુ જોવા મળે છે. બહુસંતતિવાળી સ્ત્રીઓમાં ગર્ભાશયગ્રીવા(uterine cervix)નું તથા અપરિણીત સ્ત્રીઓમાં સ્તન(breast)નું કૅન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. (વિવિધ જનીનીય વિકારો ‘આનુવંશિકતા અને જનીનવિદ્યા’ પરના અધિકરણમાં દર્શાવ્યા છે.) ક્ષય, અપપોષણ તથા રક્તપિત્ત (leprosy) સામાજિક અને આર્થિક રીતે નીચલા સ્તરની વ્યક્તિઓમાં જોવા મળે છે. અંગત આરોગ્ય માટે તથા સમાજના જાહેર આરોગ્ય માટે વ્યક્તિગત શિક્ષણ ઘણું મહત્વનું છે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક અને સંસ્કારલક્ષી પરિબળો વ્યક્તિની જીવનપદ્ધતિ નિશ્ચિત કરે છે. ધૂમ્રપાન, મદ્યપાન, બેઠાડુ જીવન, ઔષધોનું વ્યસન, અતિશય આહાર, પ્રજનનકાર્ય, અંગત અને જાહેર સ્વાસ્થ્ય અંગેની સભાનતા વગેરે જીવનવ્યવહારને સ્પર્શતી ક્રિયાઓ તેમને આધારિત છે. ચેપી રોગો, કૅન્સર, સ્વકોષઘાતક ઍલર્જી, પ્રતિરક્ષાજન્ય રોગો (auto-immune diseases) વગેરે વ્યક્તિના રોગપ્રતિકાર કરતા પ્રતિરક્ષાતંત્ર (immune system) પર આધારિત રોગો છે.

આ બધાં વ્યક્તિલક્ષી રોગજનક પરિબળોમાંથી ઘણાંને અસરકારક રીતે દાબી શકાય તેમ છે. જોકે વ્યક્તિનાં વય, પ્રજા-જાતિ, લિંગ અને જનીનીય બંધારણ એવાં પરિબળો છે, જેમનાથી રોગો સામે ફક્ત દ્વિતીય કે તૃતીય સ્તરીય પ્રતિરોધનાં પગલાં શક્ય બને. વ્યક્તિનાં સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક તથા સંસ્કારલક્ષી પરિબળો બિનતબીબી ક્ષેત્રનાં છે. જોકે આરોગ્યશિક્ષણ દ્વારા યોગ્ય માહિતીનો પ્રસાર અને પ્રચાર કરી શકાય.

રોગપ્રતિકાર : રોગજનક અથવા વ્યાધિકારક (pathogen) ઘટક સામે લડવાની ક્ષમતાને શારીરિક પ્રતિકારકતા (resistance) કહે છે, જ્યારે આવી પ્રતિકારકતાના અભાવને રોગવશતા (susceptibility) કહે છે. રોગ કે વિકાર ન થાય તે માટે કાર્યરત શારીરિક પરિબળો રોગ-પ્રતિકારકતા સર્જે છે. આ શારીરિક સુરક્ષાલક્ષી પરિબળો બે પ્રકારનાં હોય છે : વિશિષ્ટ (specific) અને સર્વસામાન્ય (non-specific). વિશિષ્ટ સુરક્ષાલક્ષી પરિબળો નિશ્ચિત રોગ કે વિકાર કરનારા રોગજનક ઘટકનો પ્રતિકાર કરે છે, જ્યારે સર્વસામાન્ય સુરક્ષાલક્ષી પરિબળો (દા.ત., ચામડી) જુદા જુદા ભૌતિક (ગરમી, ઠંડી, ભેજ), રાસાયણિક (અમ્લતા, ક્ષારો) તથા જીવવિદ્યાકીય (જીવાણુ), રોગજનક ઘટકો સામે રક્ષણ આપે છે.

સામાન્ય રોગપ્રતિકાર : ચામડી, શ્લેષ્મકલા, વાળ, શ્લેષ્મ (સફેદી, mucus), તનુતંતુઓ અથવા કશા (cilia), લાળ, પ્રસ્વેદ (પરસેવો), અશ્રુ, પેશાબનો પ્રવાહ તથા શ્વસનમાર્ગ અને પાચનમાર્ગના પોલા અવયવોની અંદરની દીવાલ રોગજનક ઘટકો સામે ભૌતિક અવરોધ સર્જે છે. જઠરના પાચકરસની અમ્લતા (acidity), ત્વક્તૈલ- (sebum)માંના અસંતૃપ્ત મેદજન્ય ઍસિડ (unsaturated fatty acids) તથા પ્રસ્વેદ, લાળ, નાકના સ્રાવો તથા પેશી તરલો(tissue fluids)માંનું વિલયનકારી ઉત્સેચક (lysozyme) નામનું દ્રવ્ય રાસાયણિક રક્ષણ આપે છે.

વિષાણુપ્રતિકારક (interferon) વિષાણુઓ સામે તથા પ્રતિરક્ષા-પૂરક (compliment) અને પૅથેડ્રિન જીવાણુઓ સામે રક્ષણ પૂરું પાડે છે. લોહીમાં ભ્રમણ કરતા સકણ શ્વેતકોષો (granulocytes), પેશીઓમાં લોહી વાટે પ્રવેશતા મહાભક્ષી કોષો (macrophages) તથા પેશીમાં સ્થિર રહેતા પેશીકોષો (histiocytes) રોગજનક સૂક્ષ્મ જીવને ગળી જાય છે તથા તેમનું પાચન કરી તેમને બિનકાર્યશીલ બનાવે છે. આ પ્રક્રિયાને કોષભક્ષણ (phagocytosis) કહે છે અને આ કાર્ય કરતા કોષોને ભક્ષીકોષો (phagocytes) કહે છે. (જુઓ આકૃતિ 4)

આકૃતિ 4 : મહાભક્ષી કોષમાં થતી કોષભક્ષણની ક્રિયા

આકૃતિ 4 : મહાભક્ષી કોષમાં થતી કોષભક્ષણની ક્રિયા Vol.2.7

ચેપ અથવા અન્ય ઈજાને કારણે પેશીમાં સોજો આવે, ત્યાંનું લોહીનું ભ્રમણ વધે, તે સ્થળ લાલ થઈ જાય, ત્યાં દુખાવો ઊપડે તથા તેમાં લોહીના સકણ શ્વેતકોષો તથા ભક્ષીકોષો (phagocytes) પ્રવેશે ત્યારે તે સમગ્ર પ્રક્રિયાને શોથ (inflammation) કહે છે. શોથ પેશીને નુકસાન કરતા ઘટકોને દૂર કરવા માટે તથા પેશીના નુકસાનને રૂઝવવા માટેની સ્થાનિક પ્રક્રિયા છે, જ્યારે તાવ સમગ્ર શરીરને આવરી લેતી એક પ્રતિકારક પ્રક્રિયા છે; આમ સામાન્ય રોગપ્રતિકારકતાને સ્થાનિક (કોષીય કે પેશીલક્ષી) અને સમગ્ર શરીરને અસર કરતી  એમ બે જૂથમાં વહેંચી શકાય તેવી છે.

આકૃતિ 5 : પ્રતિરક્ષાતંત્ર અને તેનું કાર્ય : (અ) રાસાયણિક પ્રતિરક્ષા, (આ) કોષીય પ્રતિરક્ષા

આકૃતિ 5 : પ્રતિરક્ષાતંત્ર અને તેનું કાર્ય : (અ) રાસાયણિક પ્રતિરક્ષા, (આ) કોષીય પ્રતિરક્ષા, Vol. 2/7

વિશિષ્ટ રોગપ્રતિકારકતા અથવા પ્રતિરક્ષા (immunity) : રોગ ઉત્પન્ન કરતા ઘટકમાંના પ્રતિજન(antigen)ને ઓળખીને તથા તેનો નાશ કરીને, શરીરને તે નિશ્ચિત રોગજનક ઘટક સામે રક્ષણ આપતી પ્રતિક્રિયાને પ્રતિરક્ષા કહે છે. તેને માટે શરીરમાં પ્રતિરક્ષાતંત્ર (immune system) વિકસ્યું હોય છે. પ્રતિરક્ષા માટે ‘ટી’ પ્રકારના લસિકાકોષો (lymphocytes) સીધેસીધા અથવા ‘બી’ પ્રકારના લસિકાકોષો વિશિષ્ટ રસાયણો ઉત્પન્ન કરીને રોગ કરતા ઘટકોનો નાશ કરે છે. તેથી પ્રતિરક્ષા ત્રણ પ્રકારની છે : (1) કોષીય (cellular), (2) રાસાયણિક (humoral) અને (3) મિશ્ર. જ્યારે પ્રતિરક્ષાલક્ષી રસાયણો શરીર પોતે ઉત્પન્ન કરે ત્યારે તેને સક્રિય (active) પ્રતિરક્ષા કહે છે. શરીર બહારથી આવાં રસાયણો ઉત્પન્ન કરીને તેમનો શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે ત્યારે તેને અસક્રિય અથવા બાહ્યસર્જિત (passive) પ્રતિરક્ષા કહે છે.

રાસાયણિક પ્રતિરક્ષા : બહારથી આવતા પ્રોટીન, ન્યૂક્લિયોપ્રોટીન, લાયમોપ્રોટીન, ગ્લાયકોપ્રોટીન અથવા પૉલિસેકેરાઇડના મોટા અણુઓ સામે શરીરમાં વિશિષ્ટ રસાયણો પેદા થાય છે. બહારથી આવતા પદાર્થોના આવા અણુઓને પ્રતિજન (antigen) કહે છે, જ્યારે શરીરમાં તેમની સામે ઉત્પન્ન થતાં રસાયણોને પ્રતિદ્રવ્ય (antibody) કહે છે. પ્રતિજન સાથે પ્રતિદ્રવ્ય સંયોજાઈને પ્રતિજનને નિષ્ક્રિય બનાવે છે. પ્રતિજનના પ્રતિદ્રવ્ય ઉત્પન્ન કરવાના ગુણને પ્રતિજનશીલતા કહે છે તથા તેના પ્રતિદ્રવ્ય સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાના ગુણને પ્રતિક્રિયાશીલતા કહે છે. બહારથી પ્રવેશતા પદાર્થમાંના કેટલાક અણુઓ શરીરમાંના પ્રોટીન સાથે સંયોજાયા પછી પ્રતિજનશીલતા અને પ્રતિક્રિયાશીલતા મેળવે છે. આવા અણુઓને અર્ધપ્રતિજન (hapten) કહે છે. પ્રતિદ્રવ્યનું ઉત્પાદન શરીરની વિશિષ્ટ રોગપ્રતિકારકતા દર્શાવે છે. પ્રતિદ્રવ્યો ગ્લૉબ્યુલિન જૂથનાં પ્રોટીનો છે તેથી તેમને પ્રતિરક્ષા ગ્લૉબ્યુલિન (immunoglobulins, Ig) કહે છે. પ્રતિરક્ષાગ્લૉબ્યુલિન અંગ્રેજી મૂળાક્ષર ‘Y’ આકારનું દ્રવ્ય છે. Yનો મધ્યદંડ તથા તેનાં બે પાંખિયાંના અડધા ભાગો દરેક Igમાં કાયમી ધોરણે હોય છે. જ્યારે તેનાં બંને પાંખિયાંના છેડાના ભાગો જે તે પ્રતિજન પ્રમાણે બદલાતા રહે છે. તેમની દ્વારા Ig તેમની વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. Ig બે પ્રકારની ઍમિનોઍસિડની શૃંખલાઓ દ્વારા બને છે : ભારે શૃંખલા અને હળવી શૃંખલા. Ig પાંચ પ્રકારનાં હોય છે – IgG, IgA, IgM, IgD અને IgE. તેમનાં રાસાયણિક બંધારણો જુદાં હોય છે. તે અલગ અલગ કાર્યો કરે છે. IgG કોષભક્ષણ, વિષ(toxin)નો નાશ તથા ગર્ભ અને શિશુનું રક્ષણ કરે છે. દ્વિતીય પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ સમયે તેનું ઉત્પાદન થાય છે. IgM સૂક્ષ્મ જીવોના વિલયન (lysis) તથા પુંજીકરણ(agglutination) માટે પ્રાથમિક પ્રતિભાવ રૂપે ઉત્પન્ન થાય છે. તે પ્રતિરક્ષાપૂરક તંત્ર(compliment system)નું શક્તિશાળી ઉત્તેજક દ્રવ્ય છે. IgA શ્લેષ્મકલાઓનું રક્ષણ કરે છે તેથી તે રુધિરતલ (serum), લાળ, અશ્રુ, નાકના સ્રાવ, પ્રસ્વેદ તથા પાચનમાર્ગના શ્લેષ્મમાં હોય છે. IgE દમ જેવી ઘણીબધી ઍલર્જિક પ્રક્રિયાઓ સર્જે છે. IgEનું કાર્ય સુસ્પષ્ટ નથી, પરંતુ એવું મનાય છે કે તે કદાચ પ્રતિદ્રવ્ય ઉત્પન્ન કરતા કોષોને ઉત્તેજે છે.

રાસાયણિક પ્રતિરક્ષાનું એક અગત્યનું અંગ પ્રતિરક્ષાપૂરકો છે. તે શરીરમાં બને છે તથા તેમના 9 પ્રકાર (C1 થી C9) છે. તે બાહ્ય પદાર્થો, જીવાણુઓ તથા વિષાણુઓને ભક્ષણ કરી શકાય તેવા બનાવે છે. પ્રતિરક્ષાપૂરકો બે જુદા જુદા માર્ગે પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયાઓ સર્જે છે. મૂત્રપિંડ, ચામડી વગેરેમાં પ્રતિજન-પ્રતિદ્રવ્ય-પ્રતિરક્ષાપૂરકોનાં સંકુલો (immune-complexes) કેટલાક રોગો પણ સર્જે છે. લસિકાની પેશી(lymphoid tissue)ના ‘બી’ પ્રકારના લસિકાકોષો (lymphocytes) જ્યારે વિકાસ પામીને પ્લાઝ્માકોષ બને છે ત્યારે તે પ્રતિદ્રવ્ય ઉત્પન્ન કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક પ્લાઝ્માકોષ 4 થી 5 દિવસ સુધી દર સેકન્ડે પ્રતિદ્રવ્યના 2,000 અણુઓ ઉત્પન્ન કરે છે. આ સમગ્ર પ્રક્રિયાને અતિસંવેદનશીલતાજન્ય આઘાત (anaphylactic shock) કહે છે. (તેને અગાઉ ‘આઘાત, અતિપ્રતિગ્રાહ્યતાજન્ય’ એ લેખમાં આકૃતિ સાથે ચર્ચેલ છે. તેનો ‘અતિસંવેદનશીલતા’ તથા ‘અલ્પપ્રતિગ્રાહીકરણ’માં પણ ઉલ્લેખ થયેલો છે.)

કોષીય પ્રતિરક્ષા : પ્રતિરક્ષાતંત્રના કોષો રસાયણો ઉત્પન્ન કર્યા વગર જ્યારે પ્રતિરક્ષા સર્જે છે ત્યારે તેને કોષીય (cellular) પ્રતિરક્ષા કહે છે. લસિકાકોષપ્રસર્જી આદિકોષ(lymphoid stem cell)માંથી ઉત્પન્ન થતા લસિકાકોષો જ્યારે અગ્રવક્ષગ્રંથિ(thymus gland)માં પુખ્તતા પામે છે ત્યારે તેમને ‘ટી’ પ્રકારના લસિકાકોષો કહેવામાં આવે છે અને જ્યારે તે અસ્થિમજ્જા (bone marrow) અથવા ગર્ભના યકૃત (liver), બરોળ (spleen) કે આંતરડામાંની લસિકાભ (lymphoid) પેશીમાં તથા પક્ષીઓનાં આંતરડાં સાથે જોડાયેલી ફેબ્રિસિયસની લસિકાભપુટિ (bursa of fabricius)માં પુખ્તતા પામે છે ત્યારે તેમને ‘બી’ લસિકાકોષો કહે છે. પુખ્ત ‘બી’ તથા ‘ટી’ લસિકાકોષો લસિકાગ્રંથિઓ (lymph nodes), બરોળ, જઠરાંત્રમાર્ગ તથા અસ્થિમજ્જામાં વસે છે અને લોહીમાં ભ્રમણ કરે છે. ‘બી’ લસિકાકોષો રાસાયણિક પ્રતિરક્ષા માટે મુખ્ય કોષો છે. ‘ટી’ લસિકાકોષો કોષીય પ્રતિરક્ષામાં મુખ્ય ભાગ ભજવે છે. રાસાયણિક પ્રતિરક્ષા તત્કાલ પ્રવર્તે છે, જ્યારે કોષીય પ્રતિરક્ષા વિલંબિત (delayed) પ્રકારની હોય છે. જુદાં જુદાં પ્રતિજનોને આધારે પ્રતિબદ્ધ (committed) થયેલા હજારો જાતના ‘ટી’ અને ‘બી’ લસિકાકોષો શરીરમાં હોય છે. સામાન્યત: ‘ટી’ લસિકાકોષ, નિષ્ક્રિય હોય છે, પરંતુ મહાભક્ષીય કોષ સાથે ચોંટેલાં વિશિષ્ટ પ્રતિજનની હાજરીમાં તેઓ ક્રિયાશીલ બને છે, તેમની સંખ્યાવૃદ્ધિ થાય છે. આમ એક જ પ્રકારના પ્રતિજન સામે લડવા માટે એક જ પ્રકારના ‘ટી’ લસિકાકોષોનું જૂથ ઉત્પન્ન થાય છે. આવા કોષોના જૂથને કોષગોત્ર (clone) કહે છે. ‘ટી’ લસિકાકોષો ચાર પ્રકારના હોય છે : મારક (killer) કોષ, સહાયક (helper) કોષ, અવદાબક (suppressor) કોષ અને સ્મૃતિ(memory)કોષ. સ્મૃતિકોષો પ્રતિજનના રાસાયણિક બંધારણને યાદ રાખે છે. જે તે પ્રતિજન માટે તે પ્રતિબદ્ધ હોય છે. વિશિષ્ટ પ્રતિજનના શરીરમાંના પુન:પ્રવેશ સમયે નિશ્ચિત સ્મૃતિકોષ તેમને ઓળખી કાઢે છે અને વિશિષ્ટિ ‘ટી’ લસિકાકોષોનું કોષગોત્ર ઉત્પન્ન કરે છે. મારક ‘ટી’ લસિકાકોષોનું કોષગોત્ર સૂક્ષ્મ જીવોના બાહ્ય આક્રમણ સમયે લસિકાભ પેશીમાંથી જે પેશીને નુકસાન થતું હોય તે સ્થળે પહોંચી જાય છે. તેઓ હુમલાખોર સૂક્ષ્મ જીવના કોષ સાથે જોડાય છે અને રાસાયણિક દ્રવ્યો ઉત્પન્ન કરી તેમનો સીધેસીધો નાશ કરે છે. આ રાસાયણિક દ્રવ્યો લયનકારી ઉત્સેચકો (enzymes) હોય છે. વળી તેઓ કોષાંતર ઘટક પણ ઉત્પન્ન કરે છે, જે સ્થળ પરના પ્રતિબદ્ધ ન હોય એવા ‘ટી’ લસિકાકોષોને પણ ઉત્તેજે છે. તે મહાભક્ષી કોષાકર્ષક ઘટક (macrophage chemotactic factor) અને મહાભક્ષીકોષ સક્રિય ઘટક (macrophage activating factor) ઉત્પન્ન કરીને તે કોષો વડે સૂક્ષ્મ જીવોનું કોષભક્ષણ વધારે છે. ‘ટી’ લસિકાકોષોનું મુખ્ય કાર્ય ક્ષય, બ્રુસેલોસિસ, કેટલાક વિલંબિત વિષાણુજન્ય રોગો, ફૂગજન્ય રોગો, પ્રતિરોપિત અવયવોના કોષોના અસ્વીકાર (transplant rejection) તથા કૅન્સરના કોષો સામેના પ્રતિકાર પરત્વે જોવા મળેલું છે.

સહાયક ‘ટી’ લસિકાકોષો ‘બી’ લસિકાકોષોના પ્રતિરક્ષા-ગ્લૉબ્યુલિન ઉત્પન્ન કરવાના કાર્યમાં મદદરૂપ બને છે. ત્યારે અવદાબકારી ‘ટી’ લસિકાકોષો ‘ટી’ તથા ‘બી’ લસિકાકોષોના કાર્યને ઘટાડે છે. લસિકાકોષો તથા મહાભક્ષી કોષો ઉપરાંત કોષીય પ્રતિરક્ષાના કાર્યમાં લોહીમાં ભ્રમણ કરતા એકકેન્દ્રી કોષો (monocytes) તથા સહજ મારક કોષો (natural killer cells) પણ ઉપયોગી હોય છે. સહજમારક કોષો લસિકાકોષોનો જ એક પ્રકાર છે. મારક ‘ટી’ લસિકાકોષો જે તે પ્રતિજન માટે વિશિષ્ટ અને પ્રતિબદ્ધ હોય છે, જ્યારે સહજમારક કોષો કોઈ પણ બાહ્ય પદાર્થ સામે લડે છે. તેથી જે પદાર્થ સામે વ્યક્તિ સંવેદિત (sensitive) અથવા પ્રતિરક્ષાશીલ (immunised) ન હોય તે પદાર્થ સામે સહજમારક કોષો ઉપયોગી રહે છે. આમ સહજમારક કોષો રોગપ્રતિકારકતાની પ્રથમ હરોળના સૈનિકો છે. વળી તેઓ શરીરમાં ઉત્પન્ન થતા કૅન્સરના પ્રથમ કોષોને ઓળખી કાઢી તેમને મારવાનું કાર્ય પણ કરે છે. શરીરમાં ઉદભવેલા કે પ્રવેશેલા આવા ઘાતક કોષો અને સૂક્ષ્મ જીવોને ઓળખી કાઢી તેમને મારવાની પ્રક્રિયાને સજગ સુરક્ષા (surveillance) કહે છે.

લુઈ પાશ્ચર અને તેના સાથીઓએ સૂક્ષ્મ જીવો સામે પ્રતિરક્ષા તંત્રની શક્ય ઉપયોગિતા અંગે જે પ્રયોગો આદર્યા તેનાથી આજે એક પ્રતિકાર અને સુરક્ષાતંત્ર વિશેની વિશદ માહિતી ઉપલબ્ધ થયેલી છે. જોકે ફિકર મેટ્કિન કોફ, ફોડર, બોરડેકટ, વિડાલ, એહર્લિચ, બેસીકાત મેટ ગેરીન, એસ્તર અને લોવસ્ટીન તથા ગ્લેનીનાં સંશોધનકાર્યોએ રોગપ્રતિકાર રૂપે વિવિધ જીવાણુજન્ય (bacterial) અને વિષાણુજન્ય (viral) રોગો સામે લડવા માટેની રસીઓ (vaccines) ઉત્પન્ન કરવામાં મદદ કરી છે. વિજ્ઞાનના આ ક્ષેત્રના વિકાસે પ્રતિરક્ષાના બે પ્રકારો સ્પષ્ટ કર્યા છે : કુદરતી અને ઉપાર્જિત (acquired), વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉપલબ્ધ. માનું દૂધ, ચામડી, અશ્રુ, જઠરનો હાઇડ્રોક્લૉરિક ઍસિડ કુદરતી પ્રતિરક્ષાનાં ઉદાહરણો છે. સક્રિય (active) કે બાહ્યસર્જિત (passive) પ્રતિરક્ષા ઉપાર્જિત પ્રકારની છે.

સક્રિય (active) પ્રતિરક્ષા : જેના શરીરમાં પહેલાં કદી પણ ચોક્કસ રોગ કરતા જીવાણુ કે વિષાણુ પ્રવેશ્યા ન હોય તેવી વ્યક્તિમાં જે તે સૂક્ષ્મ જીવના પ્રતિજનને નિયંત્રિત સ્થિતિમાં પ્રવેશ આપીને (દા.ત. રસીઓ) તેનામાં નિશ્ચિત પ્રકારના (વિશિષ્ટ) ‘બી’ અથવા ‘ટી’ પ્રકારના લસિકાકોષો તથા વિશિષ્ટ પ્રતિરક્ષાગ્લૉબ્યુલિન ઉત્પન્ન કરવાની ક્રિયાને સક્રિય પ્રતિરક્ષા કહે છે. પ્રતિજનના આવા પ્રથમ પ્રવેશ સમયે શરીર સામાન્ય પ્રતિભાવ આપે છે. ફરીથી જો તે વ્યક્તિ તે જ પ્રકારના રોગજનક જીવાણુ કે વિષાણુના સંસર્ગમાં આવે તો તેનો પ્રતિભાવ પ્રતિરક્ષાલક્ષી તથા ઘણા મોટા પ્રમાણમાં હોય છે અને તેથી તે તેવા ચેપનો સામનો કરીને તે રોગને થતો અટકાવી શકે છે (દા.ત., ડિફ્થેરિયા, ધનુર્વા, અછબડા, શીતળા વગેરે) અથવા તેનું જોર ઓછું કરે છે (દા.ત., ઓરી, ક્ષય વગેરે).

બાહ્યસર્જિત પ્રતિરક્ષા (passive immunity) : શરીરમાં પ્રતિરક્ષા ઉત્પન્ન કરવા પ્રતિજનનો પ્રવેશ કરાવવાને બદલે જો પૂર્વસર્જિત પ્રતિદ્રવ્યનો પ્રવેશ આપવામાં આવે તો તે ટૂંકા સમય માટે જે તે પ્રતિજનવાળા વિષાણુ કે જીવાણુ સામે રક્ષણ આપી શકે છે; દા.ત., હડકવા, યકૃતશોથ-બી (hepatitisB), ધનુર્વા, ડિફ્થેરિયા વગેરે. માતાના દૂધમાંનાં પ્રતિદ્રવ્યો આ જ રીતે નવજાત શિશુને રક્ષણ આપે છે. જોકે શરીરના પોતાના પ્રતિરક્ષાતંત્રને કોઈ પણ રીતે ઉત્તેજના મળતી ન હોવાથી બીજી વખતના તે જ રોગના હુમલા સામે કોઈ કાયમી રક્ષણ પ્રાપ્ત થતું નથી તેથી એક સમયે પ્રતિદ્રવ્યની મદદથી રોગ પર કાબૂ મેળવી લીધા પછી ઘણી વખત તે જ રોગની રસી મૂકવામાં આવે છે, તેથી વ્યક્તિમાં સક્રિય પ્રતિરક્ષા ઉત્પન્ન કરી શકાય છે.

રસીઓ તથા પ્રતિરક્ષાગ્લૉબ્યુલિનની રસી એક એવું પ્રતિરક્ષા જૈવશાસ્ત્રીય દ્રવ્ય છે જે કોઈ ચોક્કસ રોગ થતો અટકાવવા કે તેનું જોર ઘટાડવા માટે સક્રિય પ્રતિરક્ષા દ્વારા વ્યક્તિના શરીરમાં તે રોગનો પ્રતિકાર કરવાનું વાતાવરણ સર્જે છે. રસી દ્વારા શરીરમાં જે તે રોગના જીવાણુ કે વિષાણુના પ્રતિજનને પ્રવેશ આપવામાં આવે છે. વ્યક્તિનું પ્રતિરક્ષાતંત્ર તે પ્રતિજનની સામે વિશિષ્ટ પ્રતિદ્રવ્ય ઉત્પન્ન કરે છે અને/અથવા તેને માટેના પ્રતિબદ્ધ ‘બી’ અને ‘ટી’ લસિકાકોષના સ્મૃતિકોષો પણ નિશ્ચિત કરે છે, જેથી ભવિષ્યમાં ક્યારેય તે રોગનો ફરીથી ચેપ લાગે ત્યારે પૂરતા પ્રમાણમાં પ્રતિભાવ આપી પુન:પ્રવેશતા જીવાણુઓ/વિષાણુઓનો નાશ કરી શકાય છે. આમ રોગ થતો અટકાવી શકાય છે. અથવા તેને મંદ કરી દેવાય છે. રસી માટે પ્રતિજન રૂપે જીવતા પરંતુ મંદક્રિયાશીલ (અતિઅલ્પ વ્યાધિકારકતાવાળા, attenuated) જીવાણુઓ કે વિષાણુઓ, મૃત અથવા નિષ્ક્રિયકૃત (inactivated) સૂક્ષ્મ જીવો અથવા બહિર્વિષ (exotoxin) ઉત્પન્ન કરતા સૂક્ષ્મ જીવોના વિષની વિષાલુતાને હરી લઈને (detoxified), તે જ વિષને શરીરમાં પ્રવેશ આપવામાં આવે છે. વિષતા વગરના વિષદ્રવ્યને વિષાભ(toxoid) કહે છે. ઘણી વખતે બે અથવા ત્રણ રસીઓેને એકઠી કરીને પણ મૂકવામાં આવે છે; દા.ત., DPTમાં ડિફ્થેરિયા , ઉટાંટિયું અને ધનુર્વા સામેની; DP અને DTમાં ડિફ્થેરિયા સાથે અનુક્રમે ઉટાંટિયા કે ધનુર્વા સામેની તથા MMRમાં ઓરી, જર્મન ઓરી તથા લાપોટિયા સામેની રસીઓનો સમાવેશ કરવામાં આવે છે. રોગ થઈ જ ગયો હોય ત્યારે તે રોગ સામેની પ્રતિરક્ષા ઉત્પન્ન કરવા જેટલો સમય હોતો નથી. તેથી સક્રિય પ્રતિરક્ષાને સ્થાને પ્રતિરક્ષા ઉત્પન્ન કરવા પૂર્વસર્જિત પ્રતિરક્ષા-ગ્લૉબ્યુલિનો સારવાર અર્થે અપાય છે. આવાં પ્રતિરક્ષા-ગ્લૉબ્યુલિનો મનુષ્યમાં કે મનુષ્યેતર પ્રાણીઓના રુધિરરસ(serum)માં જે તે રોગ સામેની પ્રતિરક્ષા રૂપે ઉત્પન્ન થયેલાં હોય છે – આવો પ્રતિરુધિરરસ (antiserum) તાત્કાલિક સારવાર માટે અપાય છે. આવી સારવાર તૃતીય સ્તરીય રોગપ્રતિરોધ માટે ઉપયોગી ગણી શકાય (સારણી ૩).

સારણી 3 : પ્રતિરક્ષાજનક(immusing) દ્રવ્યો

 

પ્રકાર

પ્રતિજન

નામ

(1)

રસીઓ (vaccines)

– પ્રાપ્તિસ્થાન

 

(અ)

સજીવ (live)

અને અતિઅલ્પ

વ્યાધિકારક

(અલ્પક્ષમકૃત,

attenuated)

સૂક્ષ્મ જીવોની રસી

(i) જીવાણુ

(bacteria)

 

 

 

(ii) વિષાણુ (virus)

 

 

 

 

 

 

(iii) રિકેટશિયા

– બી. સી. જી. (ક્ષય)

– ટાઇફૉઇડ જ્વર

– પ્લેગ (મુખમાર્ગી)

 

 

– પોલિયો (મુખમાર્ગી)

– પીતજ્વર

(yellow fever)

– ઓરી

– જર્મન ઓરી

– લાપોટિયું (mumps)

– ઇન્ફ્લુએન્ઝા

– ટાઇફસ

(આ)

 

 

 

 

 

 

 

 

 

(ઇ)

મૃત અથવા બિન-

કાર્યશીલ(inacti

vated) સૂક્ષ્મ

જીવોની રસીઓ

 

 

 

 

 

 

વિષાભ(toxoid)

(i) જીવાણુ

 

 

(ii) વિષાણુ

 

 

 

 

 

 

(i) જીવાણુ

– ટાઇફૉઇડ જ્વર

– કૉલેરા

– ઉટાંટિયું

– હડકવા

– પોલિયો (સૉક)

– ઇન્ફ્લુએન્ઝા

– યકૃતશોથ

(hepatitis – B)

– જાપાનનો મસ્તિષ્ક-

શોથ (encephalitis)

– ધનુર્વા

– ડિફથેરિયા

(2)

(અ)

(i)

(ii)

 

 

 

 

 

(આ)

પ્રતિરક્ષાગ્લૉબ્યુલિન

માનવસર્જિત

સર્વસામાન્ય

વિશિષ્ટ

 

 

 

 

 

માનવેતર

પ્રાણીસર્જિત

પ્રતિરુધિરતરલો

(antisera)

 

માનવ

 

માનવ

 

 

 

 

 

માનવેતર

પ્રાણીઓ

 

– યકૃતશોથ-બી

– ઓરી

– હડકવા

– ધનુર્વા

– ઓરી

– યકૃતશોથ-બી

– ડિફથેરિયા

– વેરીસેલા

– ડિફથેરિયા

– ધનુર્વા

– વાયવી પેશીનાશ

(gas gangrene)

– હડકવા

– બૉટચ્યુલિઝમ

પ્રતિરક્ષાતંત્રના વિકારો અને રોગો : ક્યારેક પ્રતિરક્ષાને કારણે પેશીને નુકસાન પણ પહોંચે છે. તેને છ પ્રકારના અતિસંવેદનશીલતા અથવા અતિપ્રતિગ્રાહ્યતા(hypersensitivity)ના પ્રતિભાવો રૂપે વર્ણવવામાં આવે છે. તત્કાલ અતિસંવેદનશીલતાજન્ય અથવા તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય પ્રતિભાવને પ્રથમ પ્રકાર હેઠળ આવરી લેવાયો છે. (જુઓ : આઘાત, તત્કાલ – અતિપ્રતિગ્રાહ્યતાજન્ય.) દમ પણ આ જ પ્રકારનો પ્રતિભાવ છે. બીજા પ્રકારના પ્રતિભાવને કોષવિષતા (cytotoxic) કહે છે, જેને કારણે કેટલાક સ્વકોષઘાતક પ્રતિરક્ષાલક્ષી (auto-immune) રોગો થાય છે. પ્રતિજન-પ્રતિદ્રવ્યના સંયોજનથી ઉત્પન્ન સંકુલો (complexes) ચામડી, મૂત્રપિંડ તથા અન્ય અવયવોને નુકસાન પહોંચાડી ત્રીજા પ્રકારનો પ્રતિભાવ સર્જે છે. આ ત્રણેય પ્રકારના પ્રતિભાવો રાસાયણિક પ્રતિરક્ષાનાં ઉદાહરણો છે. કોષીય પ્રતિરક્ષાસંબંધિત કોષીય અતિસંવેદનશીલતાનાં ઉદાહરણો ક્ષય તથા પ્રતિરોપિત અવયવનો અસ્વીકાર છે. ક્યારેક પ્રતિદ્રવ્યથી સંવેદિત અથવા પ્રતિગ્રાહિત (sensitised) કોષોને કોષીય પ્રતિરક્ષાલક્ષી કોષ મારી શકે છે. આને પાંચમા પ્રકારનો અતિસંવેદનશીલ પ્રતિભાવ કહે છે. જ્યારે સહજમારક કોષોના કાર્યને છઠ્ઠા પ્રકારના પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવમાં સમાવવામાં આવે છે.

પ્રતિરક્ષાતંત્રની વિષમ કાર્યશીલતાને કારણે વ્યક્તિ પોતાના જ કોષોને મારીને રોગ સર્જે છે (સ્વકોષઘ્ની રોગ, auto-immune disease). અથવા તો તેની ઊણપને કારણે પણ વિવિધ પ્રકારના ચેપ તથા કૅન્સર થવાનો ભય સર્જાય છે. અપપોષણ, વ્યાપક ચેપ, ઘડપણ, ઔષધો તથા પ્રતિરક્ષાતંત્રના રોગો પ્રતિરક્ષાની ઊણપ સર્જી શકે છે.

પર્યાવરણલક્ષી રોગપ્રતિરોધનાં પરિબળો : વ્યક્તિલક્ષી રોગપ્રતિરોધ ઉપરાંત પર્યાવરણલક્ષી પરિબળોની વ્યાખ્યા તથા ઉપચાર પણ રોગપ્રતિરોધ માટે મહત્વનાં હોય છે.

માનવના આરોગ્ય પર આંતરિક પરિબળોની જેમ જ બાહ્ય પરિબળોની અસર રહે છે. માનવીના પર્યાવરણમાં ભૌતિક, રાસાયણિક અને જીવશાસ્ત્રીય ઘટકો ઉપરાંત તેનો સમાજ પણ ગણી શકાય. માનવ, તેની પ્રવૃત્તિઓ તથા તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા માનવીના આરોગ્યની ગુણવત્તાને અસર કરે છે. તેના અભ્યાસને વાતાવરણીય આરોગ્ય (environmental health) કહે છે.

વાતાવરણીય ઇજનેરી શાખા : આસપાસના વાતાવરણની ગુણવત્તા સાચવી રાખવા તથા તેને સુધારવા માટે ઇજનેરી વિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા વિકસી છે. વાતાવરણીય ઇજનેરી (environmental engineering) શાખાનાં મુખ્ય ત્રણ ધ્યેયો છે : (1) વાતાવરણમાં રહેલાં તત્વોની વિપરીત અસરોથી માનવનું રક્ષણ; (2) માનવપ્રકૃતિની સંભવત: ખરાબ અસરોથી સ્થાનિક તેમજ વૈશ્વિક વાતાવરણનું રક્ષણ અને (3) માનવ-આરોગ્ય અને સુખાકારી માટે વાતાવરણમાં સુધારો. આ ઇજનેરી શાખાના કાર્યક્ષેત્રમાં આવરી લેવાતા પ્રશ્નો છે : (1) શક્તિસ્રોતોનું રૂપાંતર, વહન અને જાળવણી; (2) વાહનવ્યવહાર; (3) જમીનનો ઉપયોગ અને શહેરીકરણ, વગેરે.

માનવ અને વાતાવરણ વચ્ચેનો સંબંધ : માનવઆરોગ્ય પર વિવિધ પ્રકારનાં અને વિવિધ રીતે બદલાતાં વાતાવરણીય પરિબળોની અસર પડે છે. આ પરિબળો કુદરતી રીતે કે માનવીય પ્રવૃત્તિઓને કારણે સતત બદલાયા કરે છે. માનવીય પ્રવૃત્તિઓથી સર્જાતું પ્રદૂષણ અને તે પ્રદૂષણથી આરોગ્ય અને છેવટે માનવીય પ્રવૃત્તિઓ પર થતી અસર એક ઘટમાળ સર્જે છે.

હવા, પાણી તથા જમીન આરોગ્યને અસર કરતાં ભૂભૌતિક પરિબળો છે. હવામાં રહેલો પ્રાણવાયુ (21 %) જ્યારે ઘટે (16 %) ત્યારે આરોગ્યને હાનિ પહોંચાડે છે. પ્રાણવાયુનું સ્તર 6 %થી નીચું જાય ત્યારે જીવન શક્ય નથી. વળી હવા ઝેરી વાયુઓને વહી જવા, વિખેરી નાખવા ઉપયોગી છે. ઉદ્યોગીકરણ સ્થાનિક હવામાં જોખમી ફેરફારો લાવી શકે છે. પાણીની તંગી તેમજ તેનું પ્રદૂષણ ગંભીર સમસ્યાઓ સર્જે છે. બરફાચ્છાદન, રણ, જંગલો તથા રહેઠાણને કારણે ખેતીલાયક જમીન માંડ 20 % જેટલી રહી છે.

પડતર તત્વો અને કચરો : ફરીથી ઉપયોગમાં ન લઈ શકાય તેવા પદાર્થો કચરા કે પડતર તરીકે રહે છે. માનવ કે પશુનાં ઝાડો-પેશાબ, ઘરનો કચરો, ખેતર કે બજારમાંની નકામી ચીજો કે પેદાશો અને ઉદ્યોગોમાં વપરાશ પછી ફેંકી દેવાયેલાં રસાયણોનો આમાં સમાવેશ થાય છે. કચરો ઘન, પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપનો હોય છે. તેનો સાવચેતીપૂર્વક નિકાલ કરવો આવશ્યક છે.

માનવશરીરનો ઉત્સર્ગ – કચરો, કેટલાક રોગોના ફેલાવા માટે પ્રાચીન સમયથી જવાબદાર ગણાયો છે. પાણી, ખોરાક કે રોગવાહક જંતુ વાટે આ કચરામાં રહેલા રોગના જીવાણુ કે વિષાણુઓ ફેલાઈ શકે છે. માખી, વંદા કે ઉંદર જેવા રોગવાહકો તો આમ પણ એંઠવાડ કે અનાજનાં છોડાંમાં ઊછરે છે. આવા કચરાને પાણી વડે વહી જવા દેવાય છે. તેથી સમગ્ર તંત્રમાં રહી ગયેલી નાનકડી ખામી રોગને વ્યાપકપણે ફેલાવી શકે છે.

વેપાર-ઉદ્યોગના સ્થળે સૂક્ષ્મ રેસા, કણો અને જુદાં જુદાં રસાયણો ઉત્પન્ન થાય છે. વાહનો અને યંત્રોના ધુમાડા અને જોખમકારક આડપેદાશો પણ પ્રદૂષણ કરે છે. અણુશક્તિના વ્યાપક ઉપયોગે વિકિરણજન્ય જોખમ વધાર્યું છે. શક્તિ-પરિવર્તનની સમગ્ર પ્રક્રિયામાં પેદા થતી અસાધારણ ગરમી જલપ્રવાહોમાં ઠલવાય છે. આને લીધે થતા ઉષ્ણતાના ઝડપી ફેરફારો જલપ્રવાહોમાંની સજીવ સૃષ્ટિને ખતમ કરે છે, તથા તેથી પર્યાવરણમાં મોટા ફેરફારો થાય છે, જો આ જ ગરમી વાતાવરણમાં છોડી દેવાય તો ઉષ્ણતાટાપુ (heat island) રચાય છે; જે ગરમી, ઠંડી અને વરસાદની સમતુલાને જોખમાવે છે.

વાતાવરણમાં જોખમો (hazards) : વાતાવરણીય ફેરફારો આરોગ્ય માટે વિવિધ પ્રકારનાં જોખમો ઉત્પન્ન કરે છે. તે (1) સ્થળ અને કાળ સંબંધી, (2) જીવવિદ્યાકીય જોખમો, (3) રાસાયણિક જોખમો, (4) ભૌતિક જોખમો તથા (5) માનવસર્જિત સામાજિક અને માનસિક જોખમો હોય છે.

(1) સ્થળ અને કાળની વિશિષ્ટતાથી ઊભાં થતાં જોખમો : પૂર, ધરતીકંપ, જ્વાળામુખીનો વિસ્ફોટ, વાવાઝોડાં, દુષ્કાળ, જમીન ધસી પડવી, હિમપ્રપાત કે વીજળી પડવા જેવી આપત્તિઓ માનવ-આરોગ્ય અને જીવનને અસર કરે છે. આ કુદરતી ગણાતી આપત્તિઓના સર્જનમાં ક્યારેક માનવપ્રવૃત્તિ પણ જવાબદાર હોય છે. ઘણી વખત આવી આપત્તિઓને અટકાવી શકાય છે અથવા તેની અસરોને ઓછી કરી શકાય છે. તેથી જ, તેના વિશે વધુ અભ્યાસ અને જાગૃતિ જરૂરી છે.

(2) જીવવિદ્યાલક્ષી જોખમો : માનવશરીરમાં સીધા સંપર્કથી, ડંખથી, શ્વાસ મારફતે, પાણી કે ખોરાક મારફતે તથા ગર્ભાવસ્થામાં માતાના લોહી મારફતે રોગના જીવાણુ કે વિષાણુઓ પ્રવેશી શકે છે. જીવાણુ કે વિષાણુના પ્રવેશ પછી પોતાની પ્રતિકારશક્તિ પ્રમાણે વ્યક્તિ બીમાર પડે છે, રોગની વાહક બને છે અથવા સંપૂર્ણપણે સાજી રહે છે. રોગની વાહક વ્યક્તિઓ પણ જીવશાસ્ત્રીય જોખમ સર્જે છે. માખી અને વંદા જેવા ચેપવાહકો(vectors)ના શરીર પર રોગકારક જીવાણુ ચોંટેલા હોય છે. મચ્છર (દા.ત., મલેરિયા) માંકડ અને ચાંચડ (દા.ત., પ્લેગ) જેવા રોગવાહકો પોતાના ડંખથી જીવાણુને શરીરમાં પ્રવેશ આપે છે.

આકૃતિ 6 : ચેપવાહકો અને રોગો : (1) એનૉફિલીસ મચ્છર (મલેરિયા), (2) એઈડીસ મચ્છર (પીતજ્વર), (3) ક્યૂલેક્સ મચ્છર (હાથીપગો), (4) માખી, (5) રેતમાખી (sandfly, કાલા અઝાર), (6) અને (7) જૂ, (8) ચાંચડ (પ્લેગ), (9) સાઇક્લોપ્સ (વાળો), (10) ઇચમાઇટ (ખસ).

ઉપદંશ (syphilis) કરતા કે ગોલાણુ (stephylocci) પ્રકારના જીવાણુ દર્દીની ચામડી પર ચાંદું પાડે છે. આવાં ચાંદાંમાં રહેલા જીવાણુ સ્પર્શથી ફેલાય છે. શરદી, વરાધ અને ક્ષય જેવા શ્વસનમાર્ગના રોગોના જીવાણુ/વિષાણુ છીંક, ઉધરસ કે બોલતી વખતે અન્ય માનવીના શ્વાસમાં પ્રવેશે છે. દર્દીનો હાથરૂમાલ, પાણીનો પ્યાલો વગેરે પણ ચેપવાહક બની શકે. ગમે ત્યાં થૂંકવા કે નાક સાફ કરવાથી પણ રોગ ફેલાઈ શકે. અંગત સ્વાસ્થ્યની સુટેવો આવા પ્રકારના જોખમ સામે રક્ષણ આપે છે. સામાન્યત: રોગના જીવાણુ પોતાના અસ્તિત્વ માટે ભેજ તથા ખોરાકના માધ્યમ, ઉષ્ણતા અને અમ્લતા (pH) પર આધાર રાખે છે, પરંતુ કેટલાક કવચધારી સ્વરૂપ ધરાવતા જીવાણુઓ (બીજાણુઓ, spores) સૂકા માધ્યમમાં પણ જીવી શકે છે.

જીવવિદ્યાકીય જોખમોનું એક માધ્યમ પ્રદૂષિત પાણી પણ છે. ટાઇફૉઈડ જ્વર, પૅરાટાઇફૉઈડ જ્વર, કૉલેરા, મરડો તથા ચેપી યકૃતશોથ(infeiline hepatitis)થી થતો કમળો પ્રદૂષિત પાણીથી ફેલાય છે. દર્દીના કે ચેપધારક વ્યક્તિના મળ અને પેશાબ દ્વારા જુદા જુદા પ્રકારના રોગકારક જીવાણુ/વિષાણુ બહાર આવે છે. તેમના વડે જ્યારે પીવાનું પાણી પ્રદૂષિત થાય ત્યારે રોગચાળો ફાટી નીકળે છે. તેથી તેમનો નિકાલ સપાટી પરના જળસ્રોતો (દા.ત., નદી, તળાવ) પાસે કે ભૂગર્ભ જળસ્રોતો (દા.ત., કૂવા) પાસે ન થવો જોઈએ. જમીન નીચે નાખેલી પાણીની નળીઓમાંનું પાણી પણ આવી રીતે પ્રદૂષિત ન થાય તેમ જોવાનું સૂચવાય છે. તેવી જ રીતે પાણી ભરવાનાં વાસણો ગંદાં હોય તોપણ ચેપવહન થાય છે. જીવાણુઓ ઉપરાંત, પાણી વાળો, એકિનોકોકસ અને સિસ્ટોસોમ જેવા કૃમિના રોગના ફેલાવવામાં કારણભૂત થાય છે. પાણીજન્ય રોગો ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં વધુ જોવા મળે છે. સામાન્યત: પાણી મારફત ફેલાતા રોગો ખોરાક વાટે પણ ફેલાય છે.

આકૃતિ 7 : અંગત સ્વાસ્થ્યની જાળવણી (મળમુખમાર્ગી સંક્રમણ)

ક્ષય, સાલમોનેલા જીવાણુનો રોગ, ક્યૂ જ્વર, લેપ્ટોસ્પાયરાથી થતો રોગ, બૉટચ્યુલિઝમ કરતાં જંતુઓ ખોરાકના માધ્યમમાં ઝડપી વૃદ્ધિ કરે છે. રોગગ્રસ્ત પ્રાણીનાં માંસ (દા.ત., પટ્ટાકૃમિ) તથા દૂધ (દા.ત. ક્ષય) રોગનાં વાહક બને છે. ખોરાક રાંધનાર અને પીરસનાર જો ચેપધારક હોય તો તેની દ્વારા પણ ખોરાક પ્રદૂષિત થાય છે. રાંધેલો ખોરાક યોગ્ય રીતે જાળવેલો ન હોય તો તેવો વાસી ખોરાક આરોગ્ય માટે જોખમી બને છે. વાસી ખોરાકમાંના જીવાણુ પોતાનું વિષ ખોરાકમાં ભેળવે છે. (જુઓ આહારજન્ય વિષાક્તતા). પાણી, ખોરાક કે દૂધથી ફેલાતા રોગો અટકાવવા અંગત શુદ્ધિ અગત્યનું પગલું લેખી શકાય. તેમનું પ્રદૂષણ રોકવા જાહેર આરોગ્યનાં પગલાં પણ લેવામાં આવે છે (આકૃતિ-7). પાણીના સ્રોતથી વપરાશના સ્થળ સુધી લાવવાની પ્રક્રિયાને સમજવાથી તથા સંભવિત દૂષિત પદાર્થની પ્રાયોગિક ચકાસણીની વિધિ કરવાથી આવા રોગનું મૂળ પણ જાણી શકાય છે. પાણીના શુદ્ધીકરણ તથા દૂધના પાશ્ચુરીકરણ (pasteurisation) વખતે થતી શક્ય માનવીય બેદરકારી કે ઉદભવતી યાંત્રિક ખામી પણ રોગકારક જીવાણુના પ્રવેશને શક્ય બનાવે છે.

કૂતરાં, ચામાચીડિયાં, બિલાડી, જંગલી વરુ વગેરે પ્રાણીઓ કરડીને હડકવાના રોગના જીવાણુનો ફેલાવો કરે છે.

કેટલાય રોગો કેટલીય વાર એકથી વધુ માર્ગે પાણી, ખોરાક, સીધો સંપર્ક વગેરેથી પણ ફેલાતા હોય છે. વિમાન અને વહાણોની મદદથી આજ-કાલ દૂરદૂરનાં સ્થળોએ રોગનાં જંતુ ઝડપથી ફેલાઈ શકે છે. યોગ્ય ચકાસણીનાં ધોરણો ન જળવાય તો મલેરિયા, પીતજ્વર (yellow fever), ટાઇફસ જ્વર, પ્લેગ, મસ્તિષ્કશોથ (encephalitis) જેવા રોગ વિશ્વમાં ઘણાં સ્થળોએ ફેલાઈ શકે છે.

પ્રદૂષિત ભૂમિ પર ઉઘાડા પગે ચાલવાથી અંકુશકૃમિ(hook worm)નો રોગ થાય છે તથા ઉઝરડા કે ઘામાં આવી ધૂળ પડે તો ધનુર્વાના જીવાણુઓ શરીરમાં પ્રવેશી શકે છે.

જીવવિદ્યાકીય જોખમો સામે પ્રદૂષણરહિત વાતાવરણ દ્વારા, ચેપવાહક જંતુઓના નાશથી, શુદ્ધ અને તાજો આહાર લઈને અંગત આરોગ્યની જાળવણીનું ધ્યાન રાખીને તથા જરૂર પડ્યે રસી મુકાવવાથી રક્ષણ મેળવી શકાય છે.

જીવાણુ/વિષાણુજન્ય ચેપી રોગો ઉપરાંત અન્ય જીવવિદ્યાકીય જોખમો રૂપે સાપ, વીંછી, ઝેરી કરોળિયા, ઝેરી માખી તથા કેટલીક વનસ્પતિઓનાં ફળ કે મૂળ તેમના વિષ દ્વારા માનવીય આરોગ્યને જોખમાવે છે.

વ્યક્તિગત ધોરણે, ઍલર્જી(વિષમોર્જા)ને કારણે, અમુક ખોરાક (દા.ત., ઈંડાં), કેટલાંક વનસ્પતિજન્ય તેલ (દા.ત., poison ivy, poison oat), પશુઓના વાળ, ધૂળના રજકણોમાં પરાગરજ, જંતુના ડંખ વગેરે નાની-મોટી બીમારી ઉત્પન્ન કરે છે.

(3) રાસાયણિક જોખમો : હવા, પાણી કે ખોરાકને વિવિધ રસાયણો, કામ કરવાની જગ્યાએ કે ખેતરોમાં અથવા અન્ય રીતે પ્રદૂષિત કરે છે. તે શ્વાસ, આહાર કે ચામડીના સીધા સંપર્ક વડે શરીરમાં પ્રવેશે છે. ખોરાકમાં રસાયણો આકસ્મિક રીતે, પૂરક (additive) સ્વરૂપે જાળવણી કરનાર (પરિરક્ષક, preservative) તરીકે કે ભેળસેળકારક (દુર્મિશ્રક, adulterant) તરીકે ઉમેરાય છે. પ્રાણીઓની સારવારમાં વપરાતાં રસાયણો, ધાન્યના પાકના રક્ષણ માટે વપરાતાં રસાયણો, જંતુનાશક દવાઓ, આહાર સંગૃહીત કરવા માટેના ડબ્બાની ધાતુનાં રસાયણો આહારમાં પ્રવેશી શકે છે. નિત્ય નવી શોધો થતી હોવાથી અસંખ્ય રસાયણો વિશેની માહિતી તથા તેમની આડઅસરો જાણી શકાયેલી પણ નથી.

વાતાવરણમાં મળી આવતા રાસાયણિક પદાર્થોની શરીર પરની અસરને આધારે વિભાગીકરણ કરવામાં આવેલું છે (જુઓ સારણી 4.) એવું મનાય છે કે સિગારેટ પીનારાને રસાયણોની અસર ક્યારેક જલદી થાય છે (દા.ત., ઍસબેસટૉસ).

સારણી 4: રાસાયણિક જોખમો

જૂથ પ્રકારો ઉદાહરણો
1 શ્વસનમાર્ગના સંક્ષોભકો (irritants) સલ્ફરનો ઑક્સાઇડ, નાઇટ્રોજનનો ઑક્સાઇડ, ઓઝોન, ક્લોરીન, એમોનિયા
2 તંતુતા (fibrosis) પેદા કરનાર સિલિકા, ઍસબેસટૉસ
3 દીર્ઘકાલીન શોથગડ (granuloma) પેદા કરનાર બેરિલિયમ
4 ધાતુવાત-જ્વર (metal fume fever) મૅંગેનીઝ, જસત
5 શ્વાસરોધકો કાર્બન-મૉનૉક્સાઇડ, હાઇડ્રોજન-સલ્ફાઇડ
6 શરીરમાં ફેલાતાં વિષ સીસું, પારો, કૅડમિયમ, સેલેનિયમ, આર્સેનિક, ફૉસ્ફરસ, બૉરૉન, ટિટેનિયમ, ટેલુરિયમ
7 ઍલર્જી (વિષમોર્જા) કરનારાં વિવિધ ઔષધો

વહેતું પાણી જમીનમાંનાં રસાયણોને ઓગાળી પ્રદૂષિત બને છે. જ્વાળામુખી ઝેરી વાયુઓ અને રજકણોનું એક કુદરતી ઉત્પાદન-સ્થળ છે. શહેરી વાતાવરણમાં હાઇડ્રોકાર્બન અને સલ્ફરની માત્રા વધતાં આંખ અને શ્વસનતંત્રના રોગો થાય છે. સિગારેટ પીનારામાં કૅન્સર તથા હૃદયરોગનું પ્રમાણ વધે છે. શહેરોમાં ગામડાંઓ કરતાં વધુ કૅન્સર થાય છે તેનાં કારણોમાં શહેરોની પ્રદૂષિત હવા પણ એક અગત્યનું ઘટક હોઈ શકે.

(4) ભૌતિક જોખમો : રજકણો, ભેજ, યંત્રો, વિકિરણ વગેરે ભૌતિક પરિબળો બીમારી, પંગુતા કે મોત પણ લાવી શકે છે. સિલિકા, ઍસ્બેસ્ટૉસ, સિમેંટની રજ ગૂંગળામણ કરે છે. ઍસ્બેસ્ટૉસથી ફેફસાંનું કૅન્સર થયાનું નોંધાયેલું છે.

માનવજીવન માટે સહ્ય ઉષ્ણતામાન 10થી 320 સે. છે, જેમાંનું 240 સે.થી 310 સે. તટસ્થ ઉષ્ણતામાન ગણાય છે. ગરમીની અસર ચયાપચયની ક્રિયા, પ્રાણવાયુનો ઉપયોગ, શ્વસનતંત્ર, હૃદયના ધબકારા તથા લોહી ઉપર થાય છે. અતિશય ગરમી અને ભેજવાળા વાતાવરણમાં રહેવું જોખમી છે. (વિકિરણની આડઅસરોને ‘આરોગ્ય કાર્યકરોની રક્ષા, વિકિરણથી’ નામના અધિકરણમાં ચર્ચવામાં આવી છે.) આયનકારી વિકિરણ કૅન્સર, જનીની વિકૃતિઓ અને શારીરિક ખામીઓ પેદા કરે છે.

યાંત્રિક ધ્રુજારી કે ઘોંઘાટ બહેરાશ લાવે છે તથા અન્ય શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી કરે છે. યંત્રોની ગોઠવણ અને આયોજન અકસ્માતો સર્જે છે. યંત્રો, વાહનો, રસ્તાઓ, ઘરો કે જાહેર મકાનોની બાંધણી કે રચનાના યોગ્ય નિયમો અકસ્માતોને ઘટાડી શકે. યુવાવર્ગમાં અકસ્માતથી થતાં મૃત્યુ મોતનું મુખ્ય કારણ ગણી શકાય. પ્રકાશ, રંગ-આયોજન, વિરુદ્ધ રંગોની ગોઠવણી અને ચળકાટ (glare) એ બધાં કાર્યક્ષમતા, થાક, પરખ અને આરામના આયોજનમાં મહત્વના મુદ્દાઓ બને છે. હવાનું દબાણ અચાનક ઘટતાં લોહી પર તેની અવળી અસર થાય છે. (જુઓ ‘અતિદાબખંડ’.)

(5) સામાજિક અને માનસિક જોખમો : સામાજિક અને માનસિક પાર્શ્વભૂમિકાની વાતાવરણ પર થતી અસર કે માનસિક રોગોનાં કારણો વિશે પૂરતી જાણકારી મળતી નથી, પણ પ્રાપ્ય માહિતી એવું તો જરૂર સૂચવે છે કે આ પાસું ગંભીર વિચારણા માગી લે છે. ડુબોસે એવું જણાવેલું કે મન:સ્થિતિ વાતાવરણ ઉપર આધારિત છે. જ્યારે જનીન તો આવા ઉત્તેજક સામેનો પ્રતિભાવ જ નક્કી કરે છે. વાતાવરણનાં પરિબળો માનવ ઉપર ગર્ભધારણની ક્ષણથી જ અસર કરે છે.

માનવીની અનુકૂલનશક્તિની મર્યાદા ઓળંગાય ત્યારે ઉદભવતા તણાવની અધિકતા માનસિક રોગોને જન્મ આપે છે. ઘોંઘાટ, અતિગીચતા, એકાંતનો અભાવ, સામાજિક સંબંધો વિકસાવવાની ભાગ્યે જ મળતી તક, ખુલ્લી જગ્યાનો અભાવ, કંટાળો, ફરજિયાત બેઠાડુપણું, ઘરથી ઘર સુધીની ચીલાચાલુ મુસાફરી, નોકરી, વાહનવ્યવહાર, ટોળાં વગેરેમાં ઊભો થતો તણાવ જેવાં અનેક કારણો સામાજિક અને માનસિક મુશ્કેલીઓનાં સંભવિત વાતાવરણીય મૂળ જણાયાં છે.

પૂર્ણ આરોગ્ય અને રોગના અટકાવ માટે જીવશાસ્ત્રીય, રાસાયણિક કે ભૌતિક પરિબળો જેટલું જ મહત્ત્વ સામાજિક-માનસિક પરિબળોને અપાય તે ઇષ્ટ છે.

વાતાવરણની યોગ્ય જાળવણીના સિદ્ધાંતો : વાતાવરણની જાળવણીનો પ્રાથમિક હેતુ રોગ અટકાવવાનો હોવા છતાં, શક્ય હોય ત્યાં માનવ-આરોગ્યની મહત્તમ રક્ષા થાય અને તેની વૃદ્ધિ થાય તેવું વાતાવરણ સર્જવાનો પણ છે. વાતાવરણનાં જોખમો સ્થળે સ્થળે બદલાતાં રહે છે. તેની જાળવણી માટે નીચેના એક કે તેથી વધુ પાયાના સિદ્ધાંતો ખપ લાગે તેમ છે. તેમાં (1) અલગીકરણ (isolation), (2) પર્યાયની શોધ (substitution), (3) ઢાંકણ કે રક્ષાચ્છાદન (shielding), (4) વાતાવરણની સારવાર અને (5) રોગપ્રતિરોધ(prevention)નો સમાવેશ થાય છે.

અલગીકરણ (isolation) : રોગી કે રોગથી તંદુરસ્ત માનવ કે માનવસમૂહને ભૌગોલિક અંતર પાડીને દૂર રાખવો તે અલગીકરણ. જોકે આ રીતે અલગ રહેલા લોકો અનાયાસે રોગના પંજામાં ઝડપાય ત્યારે તેમનામાં રોગ ઝડપથી ફેલાય છે.

પર્યાયની શોધ અને અમલ (substitution) : જોખમી પ્રક્રિયા કે પદાર્થને બદલે સરળ પ્રક્રિયા કે સુરક્ષાપૂર્ણ પદાર્થનો ઉપયોગ શોધીને તેના વડે કામ લેવાનું કહી શકાય. પ્રદૂષિત પાણીની જગ્યાએ પ્રમાણમાં શુદ્ધ પાણીનો ઉપયોગ અને જૂની હવાનું પ્રદૂષણ કરતી બળતણની પ્રક્રિયાને ગૅસ કે એવા માધ્યમના ઉપયોગથી બદલવી તે જાણીતાં ઉદાહરણો છે. રાસાયણિક જંતુનાશકોને સ્થાને તે જંતુઓનો નાશ કરતી અન્ય જીવસૃષ્ટિનો વિકાસ તેનાં બીજાં ઉદાહરણો છે.

ઢાંકણ કે રક્ષાચ્છાદન (shielding) : જોખમી સ્થળે કામ કરવું જ પડે ત્યારે કામ કરતા માણસને યોગ્ય રક્ષણકવચ પૂરું પાડવું પડે; દા.ત., સુરક્ષાત્મક ચશ્માં અને સંરક્ષક પહેરવેશ કે એક્સ-રે વિભાગના કર્મચારીઓ માટેનાં સીસાના ઢોળવાળાં વિશિષ્ટ કવચો.

વાતાવરણની સારવાર : બીજાં પગલાં યોજી ન શકાય ત્યાં, વાતાવરણને જ અમુક રીતે બદલી શકાય. પ્રદૂષક પરિબળોને મંદ કે ઓછાં હાનિકર બનાવવા કે તેમને વિશાળ વાતાવરણમાં ફેલાવી દેવા જેવાં સામાન્ય પગલાં ઉપરાંત પ્રદૂષક તત્વના (1) નાશ, (2) ફેરફાર, (3) સ્થળાંતર અને (4) અટકાવની પ્રક્રિયાઓ પણ ઉપયોગી રહે છે; દા.ત., પાણી ઉકાળવા કે રાંધવા દરમિયાન જંતુઓનો નાશ, વરાળ અને દબાણથી સાધનો ઉપર વળગેલા જીવાણુઓનો નાશ, દૂધમાંનાં રોગજન્ય જંતુઓનો પાશ્ચ્યુરાઇઝેશન દ્વારા નાશ, ક્લોરિનથી પાણીનું શુદ્ધીકરણ અને અન્ય ચેપરોધકો, કીટકનાશકોનો ઉપયોગ વગેરે. રોગગ્રસ્ત જાનવરો, વનસ્પતિ, મચ્છરો કે ઉંદર જેવા રોગવાહકોનો પણ નાશ કરાય છે.

અતિહાનિકારક પદાર્થોનું આછાં નુકસાન કરનાર પદાર્થોમાં પરિવર્તન કે ફેરફાર ઘણે ભાગે રાસાયણિક કે જીવરાસાયણિક પ્રક્રિયાથી થાય છે.

પાણી કે હવામાંના નુકસાનકારક પદાર્થો ગાળવાથી દૂર કરી શકાય છે. આની મદદમાં કેટલાંક ફટકડી જેવાં રસાયણો પણ વપરાય છે. પાણી શુદ્ધ કરવા માટે આયન વિનિમયની કે હવા શુદ્ધ કરવા માટે વીજસ્થાયી અવસાદ(electrostatic sedimentation)ની રીતો પણ આ જ સિદ્ધાંત અનુસાર ઉપયોગમાં લેવાય છે.

ખોરાકમાં ક્ષાર કે ખાંડ ઉમેરવી અથવા અમ્લતા(pH)ને જાળવવી એ તેમાં જીવાણુના વિકાસને અટકાવવા માટે પ્રયોજાતા ઉપાય છે. શીતકરણ(refrigeration)થી જીવાણુની વૃદ્ધિ અટકે છે, જલપ્રવાહોમાં છોડાતા નુકસાનકારક પ્રવાહી જો યોગ્ય સમયગાળે છોડાય તો કદાચ પાણીમાંનું એનું પ્રમાણ હાનિકારક સ્તરે ન પહોંચે.

રોગપ્રતિરોધ અને નિયંત્રણ : રોગના નિયંત્રણના કેટલાક સિદ્ધાંતો અહીં ટૂંકમાં આપેલા છે :

(1) પર્યાવરણીય ઉપચારો દ્વારા ચેપકારક ઘટકો તથા વાહકો પર કાબૂ મેળવવો.

(2) શક્ય એટલું વહેલું નિદાન કરી દ્વિતીય સ્તરીય રોગપ્રતિરોધના ઉપચારો કરવા.

(3) રોગનાં ચિહનો અને લક્ષણો ઉત્પન્ન થતાં આરોગ્ય અધિકારીઓને જાણ કરવી. આવી જાણ થતાં આરોગ્યસેવાતંત્રે રોગના ફેલાવાના મૂળને શોધી કાઢવાની તથા તેને કાબૂમાં લેવાની પદ્ધતિઓને અમલમાં મૂકવાની હોય છે.

(4) દર્દીને તે ચેપ ફેલાવી ન શકે તેમ અલગ રાખવો તથા તેની સારવાર કરવી.

(5) સતત રોગનો ઉપદ્રવ હોય તેવા વિસ્તારમાંથી આવતી રોગ વગરની વ્યક્તિને તે રોગ દેખા દે તેટલા સમયગાળા પૂરતી અલગ રાખીને બિનરોગગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશવા ન દેવી (પ્રવેશનિષેધ, quarantine).

(6) દર્દીના સંસર્ગમાં આવી શકે તેવી વ્યક્તિઓને સક્રિય કે સહજ પ્રતિરક્ષાનું સંરક્ષણ આપવું. તે માટે જરૂરી રસી અથવા પ્રતિરક્ષા-ગ્લૉબ્યુલિન આપવામાં આવે છે.

(7) રાષ્ટ્રીય પ્રતિરસીકરણ કાર્યક્રમ (National Immunization Programme) અનુસાર દરેક બાળકને રસી મૂકવી (સારણી 5).

(8) પરિભ્રમિત-સુરક્ષા કાર્યવહી (surveillance) વડે નવા થતા રોગના દર્દીઓ શોધી કાઢી તેમનો ઉપચાર કરવો.

(9) રોગગ્રસ્ત વિસ્તારમાં જતા મુસાફરોને જરૂરી રક્ષણ પૂરું પાડવું.

# જો જન્મસમયે આપવાનું રહી ગયું હોય તો 6 અઠવાડિયાં પૂરાં થાય ત્યારે આપી શકાય છે.
* જન્મના 12 કલાકમાં રસી આપવાથી જન્મસમયે નવજાત શિશુને ચેપ લાગવા સામે રક્ષણ મળે છે.
♣ ત્રિગુણી, યકૃતશોથ-બી તથા એચ. ઇન્ફલુએન્ઝા સામેની રસીઓને 6, 10, 14  અઠવાડિયે એકસાથે આપી શકાય છે.
♦ આ ઉપરાંત સમગ્ર વિસ્તારના 5 વર્ષથી નીચેનાં બધાં જ બાળકોને પલ્સ-પોલિયો-રસી કાર્યક્રમ હેઠળ પોલિયો-વિરોધી રસી આપવી  જરૂરી છે.
⊗ સ્થાનિક વસ્તીરોગવિદ્યાની માહિતી પ્રમાણે કોઈ પણ ઉંમરે આપી શકાય.
•   જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં એકલી ધનુર્વાની રસી (TT) ને બદલે ધનુર્વા અને ડિફથેરિયાની સંયુક્ત રસી (Td) અપાય છે.

શિલીન નં. શુક્લ

વાસુદેવ રાવલ

શાંતિ પટેલ

અમૂલ્યરત્ન સેતલવડ