આરોગ્ય-નિર્ધારણ : આરોગ્ય વિશે નિર્ણય કરવો તે. વિશ્વ-આરોગ્ય સંસ્થા દ્વારા આરોગ્યની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે : સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સંતુલન(balance)ની સ્થિતિ તે આરોગ્ય. રોગ કે અલ્પક્ષમતા (disability) ન હોય તે આરોગ્ય માટે પૂરતું નથી. અમુક વિદ્વાનોએ આ વ્યાખ્યામાં આધ્યાત્મિક સંતુલનનું પરિમાણ ઉમેર્યું છે.

શારીરિક સ્વાસ્થ્ય એ આરોગ્યનો એક અગત્યનો પાયો છે. જો તે ના જળવાય તો માનવીનું આરોગ્ય જોખમાય છે. માનસિક સ્વાસ્થ્ય તે બીજો અગત્યનો પાયો છે. ‘મજબૂત શરીરમાં મજબૂત મન’ એ સદીઓથી સ્વીકારાયેલો સિદ્ધાંત છે. માનવી સામાજિક પ્રાણી છે. જો તે સમાજમાં હળીમળીને ન રહે તો તે સુખેથી રહી શકતો નથી. આધ્યાત્મિક સંતુલન પણ સારા આરોગ્યનું એક અંગ છે. જે મનુષ્યમાં આ ચારેય અંગ સંતુલનમાં હોય તે સંપૂર્ણ આરોગ્ય ધરાવે છે તેમ કહી શકાય.

આરોગ્યની નીચે મુજબ સાત અવસ્થાઓ ગણાય છે :

(1) સંપૂર્ણ આરોગ્ય

(2) સારું આરોગ્ય

(3) રોગ, બીમારી કે અશક્તિમાંથી મુક્ત સ્થિતિ

(4) ચિહનરહિત અથવા નહિ જણાતી બીમારી

(5) સાદી બીમારી

(6) વધારે સખત બીમારી

(7) મૃત્યુ

આમાંથી (1) થી (3) સુધીની અવસ્થાઓ તંદુરસ્તીની કક્ષામાં અને (4) થી (7) સુધીની અવસ્થાઓ બીમારીની કક્ષામાં ગણી શકાય.

આરોગ્યના નિર્ધારકો : આરોગ્ય શારીરિક, સામાજિક, આર્થિક, જનીનીય (genetic), પર્યાવરણીય વગેરે અનેક પ્રકારના ઘટકોથી પેદા થતી સ્થિતિ છે. આ ઘટકોને આધારે આરોગ્ય-નિર્ધારકોને મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચી શકાય છે :

(1) માનવીય જીવવિજ્ઞાન : દરેક મનુષ્ય પોતાનાં માતાપિતા પાસેથી વારસાગત (આનુવંશિક) ઘટકો મેળવે છે, જે ગર્ભધારણ વખતે જ નક્કી થઈ જાય છે. જો આ ઘટકમાં કોઈ ખામી હોય તો તે વારસાગત બીમારી રૂપે ઊતરી આવે છે. ક્યારેક આને લીધે મનુષ્ય બીજા રોગોનો પણ ભોગ બને છે.

(2) વાતાવરણ : આરોગ્યનિર્ધારક તરીકે વાતાવરણ બે પ્રકારનાં હોય છે. બાહ્ય અને આંતરિક. બાહ્ય વાતાવરણમાં પાણી, હવા, આબોહવા, પ્રકાશ, ઘોંઘાટ, વિકિરણોત્સર્ગ, રહેઠાણ, મળનિકાલ વગેરે ઘટકોનો સમાવેશ થાય છે; જ્યારે આંતરિક વાતાવરણમાં શરીરના અવયવો અને કોષોનો સમાવેશ થાય છે : વાતાવરણની માનવ-આરોગ્ય પર ઘણી અસર પડે છે. ભારતમાં થતા કુલ રોગોના 54 % રોગો વાતાવરણની ખરાબ અસરથી થાય છે.

(3) જીવનપ્રક્રિયા અને ટેવો : ખાસ કરીને અંગત સ્વાસ્થ્યને લગતી જીવનપ્રક્રિયા અને ટેવોની આરોગ્ય પર અસર પડે છે. અંગત સ્વાસ્થ્ય માટે નિયમિત સ્નાન, દાંતની, કપડાંની અને વાળની સંભાળ, કાપેલા નખ, ટટ્ટાર ચાલ, યોગ્ય અને નિયમિત ખોરાક, કસરત, આરામ અને ઊંઘ માટેની સારી ટેવો તથા ધૂમ્રપાન કરવું, દારૂ પીવો જેવી ખરાબ ટેવો ન હોય. અંગત સ્વાસ્થ્ય માટે મનુષ્ય પોતે જ જવાબદાર ગણાય. મનની શાંતિ, સંતોષ, નિખાલસતા ઇત્યાદિથી માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તેનાથી શરીરસ્વાસ્થ્ય પણ સમતોલ રહે છે.

(4) સામાજિક અને આર્થિક સ્થિતિ : આર્થિક પ્રગતિ અને સામાજિક સુરક્ષા આરોગ્યનિર્ધારકો તરીકે ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ગરીબી અને બીમારી વિષચક્ર સમાન છે, પરંતુ વધારે પડતું આર્થિક સુખ પણ ખરાબ પરિણામ લાવી શકે છે.

(5) આરોગ્યસેવાઓ : જો આરોગ્યસેવાઓ સારી અને યોગ્ય પ્રમાણમાં દરેકને મળી રહે તો પ્રજાનું આરોગ્ય ઉત્તમ રીતે જળવાય છે; દા.ત., શુદ્ધ પાણી, મળનિકાલની યોગ્ય યોજનાઓ, બાળકોને રસી મુકાવવી, માતૃ અને બાળકલ્યાણની યોજનાઓ, તબીબી સુવિધાઓ વગેરેના સંયોજનથી સારી આરોગ્યસેવાઓનું માળખું રચી શકાય છે, જે મહદંશે સારું અને સંપૂર્ણ આરોગ્ય જાળવવામાં મદદરૂપ બને છે.

અમૂલ્યરત્ન સેતલવડ