આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’

January, 2002

આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’ (જ. 6 જૂન 1891, હંગેનાહાલ્લી, માલૂર; અ. 6  જૂન 1986 બૅંગાલુરુ) : કન્નડ વાર્તાના જનક, કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. શાળામાં ભણતા હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. કૉલેજમાં ગયા પછી પણ કૉલેજના સામયિક ઉપરાંત કન્નડનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પણ તેમની કવિતા, વાર્તાઓ તથા નિબંધો પ્રગટ થતાં રહેલાં. અંગ્રેજી વિષય લઈને તેઓ ચેન્નાઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા. તે પછી મૈસૂર રાજ્ય સંચાલિત જાહેર સેવા આયોગની પરીક્ષામાં સર્વપ્રથમ આવ્યા અને તેમણે મૈસૂર સરકારમાં ઉચ્ચ સ્થાને વિવિધ વિભાગોમાં સેવા આપી. 1947માં સેવાનિવૃત્ત થયા. કર્ણાટક વિશ્વવિદ્યાલયે એમને માનદ ડી.લિટ્.ની ઉપાધિ આપી હતી. સરકારી નોકરીમાં હતા ત્યારથી ‘જીવન’ નામના માસિકનું સંપાદન શરૂ કરેલું.

માસ્તિની સાહિત્યિક પ્રતિભા બહુમુખી હતી. તેમણે સાહિત્યનાં લગભગ બધાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું હતું. કર્ણાટક ઉપરાંત ભારતના અન્ય પ્રદેશોની પાર્શ્વભૂમિમાં પણ તેમણે અનેક કૃતિઓ રચી છે. નવીન સાહિત્યિક પ્રવાહોને સમજતા રહીને એનાં રુચિકર તત્વોને અપનાવવાનું વલણ તેમનામાં છેવટ લગી રહ્યું હતું. તેમની કૃતિઓમાં જ્વલંત રાષ્ટ્રપ્રેમનાં દર્શન થાય છે.

માસ્તિ વ્યંકટેશ, આયંગર ’શ્રીનિવાસ’

‘બિન્નહ’ (1922 ), ‘અરુણ’ (1924 ), તાવરે (1930), ‘ચેલેવુ’ (1931), ‘મલાર’ (1933), ‘ગૌડર મલ્લી’ (1940), ‘મૂક્કન મક્કલુ’ (1943), ‘સુનીતા’ (1946), ‘નવરાત્રિ’ (પાંચ ભાગ  1944), ‘સંક્રાન્તિ’ (1969) ઇત્યાદિ બાર તેમના કાવ્યસંગ્રહો છે. ‘નવરાત્રિ’ એક અનોખી કૃતિ છે. એમાં પૌરાણિક, ઐતિહાસિક, દૈવિક કથાઓ દ્વારા માનવસંસ્કૃતિની ભવ્યતા ને ગહનતાને દર્શાવી છે. ‘શ્રીરામપટ્ટાભિષેક’ દીર્ઘ કાવ્યકૃતિ છે. જેમાં રામ માનવ રૂપે ચિત્રિત થયા છે.

તેમનાં નાટકોમાં ‘શાન્તા’ (1923), ‘સાવિત્રી’ (1923), ‘ઉષા’ (1927), ‘મંજુલા’ (1930), ‘યશોધરા’ (1933), ‘કાકન કોટે’ (1938), ‘અનારકલી’ (1955), ‘કનકણ્ણા’ (1965), ‘ભટ્ટર મગલુ’ (1969), ‘બાનુલિ દૃશ્યગલુ’ (1969) ઇત્યાદિ તેમની નાટ્યકૃતિઓ છે. એમાં ‘યશોધરા’ કન્નડ સાહિત્યમાં મહત્વની નાટ્યકૃતિ મનાય છે. નાટકોનું કથાવસ્તુ તેમણે ઘણું ખરું પુરાણ તથા ઇતિહાસમાંથી પસંદ કર્યું છે. તેમનાં નાટકો રંગમંચ પર સફળ થયાં છે.

‘ચેન્નબસવનાયક’ (1949) અને ‘ચિક્કવીર રાજેન્દ્ર’ (1956) તેમની પ્રસિદ્ધ નવલકથાઓ છે. ‘સુબ્બણ્ણા’ તેમની લઘુનવલ છે. તેમણે નવલિકાકાર તરીકે પણ સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તેમને કન્નડની ટૂંકી વાર્તાના જનક માનવામાં આવે છે. તેમની ‘આચાર્યર હેંડતિ’, ‘ઇન્દિરેયો અલ્લવો’ તથા ‘કવિય કોનેયદિન’ કન્નડની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામી છે. ‘ભાવ’ તેમની આત્મકથા છે.

કર્ણાટકની જનતા તથા સંસ્કૃતિવિષયક સંશોધનનો ગ્રંથ તેમની કીર્તિદાયી કૃતિ છે. તેમણે ‘રવીન્દ્રનાથ ઠાકુર’ તથા ‘શ્રી રામકૃષ્ણ પરમહંસ’ વિશે ચરિત્રગ્રંથો લખી ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિ દર્શાવી છે.

માસ્તિની નવલકથા અને નવલિકામાં સમાજનું વાસ્તવિક નિરૂપણ થયું છે. તેમણે પૌરાણિક-ઐતિહાસિક કથાનકોનો સાર્થ વિનિયોગ કરીને સમાજનું ચિત્ર રજૂ કર્યું છે. સમાજની ગતિ-પ્રગતિ, અધોગતિનું એ દ્વારા અધ્યયન કર્યું છે. અધોગતિના મૂળમાં માણસ જ છે એવું તેમનું તારણ છે. નિયતિનો અદૃશ્ય હાથ જ માનવને એ તરફ પ્રેરે છે.

માસ્તિએ સર્જનાત્મક સાહિત્ય ઉપરાંત વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન દ્વારા કન્નડ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમણે તેર જેટલી અંગ્રેજી કૃતિઓ પ્રસિદ્ધ કરી છે. તેમની પ્રતિભા પુરસ્કૃત પણ થતી રહી છે. સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને મળ્યું છે. ‘ચિક્કવીર રાજેન્દ્ર’ના વિશેષ ઉલ્લેખ સાથે તેમને 1983નો જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો છે.

એચ. એસ. પાર્વતી

પ્રફુલ્લ રાવલ